પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-7): દમાણીયા એરલાઈન્સ પ્લેન લેન્ડ થયું તે પહેલા મધ્ય પ્રદેશ પોલીસના સિનિયર અધિકારીઓ પોલીસ કાફલા સાથે એરપોર્ટ ઉપર હાજર હતા, 44 ધારાસભ્યને લઈ હર્ષદ બ્રહ્મભટ્ટ અને બાપુના નજીક સમર્થક અમદાવાદના પુર્વ કોર્પોરેટર અજય પટેલ, ઘનશ્યામ પટેલ, રણજીતસિંહ ધિલ્લોન અને પાલડીના રશ્મી ત્રિવેદ્દી હતા, પણ જેવા ધારાસભ્યો સહિત બધા બહાર નિકળ્યા તેની સાથે ખજુરાહોના કલેકટર ખેતાને હર્ષદ બ્રહ્મભટ્ટને એક તરફ બોલાવી કહ્યું મિસ્ટર બ્રહ્મભટ્ટ તમારા માટે એક બેડ ન્યુઝ છે, બ્રહ્મભટ્ટ વિચારમાં પડી ગયા, છેલ્લાં કેટલાંય દિવસથી પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરો અને વાત બગડી રહી હતી. બ્રહ્મભટ્નો ચહેરો જોતા કલેકટરે પોતાના હાથમાં રહેલો એક કાગળ બતાડતા કહ્યું અમદાવાદ પોલીસ તરફથી મને સંદેશો મળ્યો છે કે તમે ધારાસભ્યોનું અપહરણ કર્યું છે અને તેમની ઈચ્છા વિરૂધ્ધ તેમને ખજુરાહો લઈ આવ્યા છો.

મધ્ય પ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર હતી અને કલેકટર પણ તેમના તાબામાં હતા, છતાં કલેકટરને નિયમ પ્રમાણે તો અમદાવાદ પોલીસ તરફથી શૂન્ય નંબરની જે ફરિયાદ મળી હતી, તેની ઉપર કાર્યવાહી કરવાની હતી. તરત ક્રાઈસીસ મેનેજરનું મગજ નવી ક્રાઈસીસ કંટ્રોલ માટે કામે લાગી ગયું, જો કે પ્લાન તો તરત મળી ગયો હતો, પણ તરત અમલ થાય તેવું ન્હોતું. બ્રહ્મભટ્ટે કહ્યું કઈ વાંધો નહીં, સર આપ આપની કામગીરી કરી શકો છો, પણ સવારના નિકળેલા ધારાસભ્યો થાકી ગયા છે, અમે હોટલ ઉપર બધાના નિવેદન આપને મળી જાય તેની વ્યવસ્થા કરી આપીશું. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ખજુરાહોના ફાઈવ સ્ટાર ચંડેલા રિસોર્ટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, પોલીસ કાફલો અને કલેટકર બધાને લઈ ચંડેલા રિસોર્ટ પહોંચ્યો હતો, રિસોર્ટ પહોંચ્યા પછી ધારાસભ્યો પોતાના રૂમમાં દાખલ થઈ ગયા હતા.

થોડીવારમાં હર્ષદ બ્રહ્મભટ્ટ પોતાન હાથમાં કાગળો લઈ આવ્યા, તેમણે કલેકટર ખેતાનના હાથમાં કાગળો મુકતા કહ્યું સર આ તમામ ધારાસભ્યના નિવેદન છે, જેમાં તેમણે તેઓ સ્વેચ્છાએ ખજુરાહો આવ્યા છે, તેવું લખી આપ્યું છે. અમે કોઈને જબરજસ્તી લાવ્યા નથી, કલેકટર ખેતાને કાગળો તરફ નજર કરી તેમની નજરમાં હાશકારો હતો, તે જોઈ બ્રહ્મભટ્ટ સમજી ગયા કે કલેકટરને તેમની વાત ઉપર ભરોસો છે. જો કે ધારાસભ્યો તો જાણતા પણ ન્હોતા કે તેમણે કલેટકર સામે કોઈ નિવેદન આપ્યું છે ખરેખર તો બ્રહ્મભટ્ટે ફલાઈટમાં જે કોરા કાગળો ઉપર ધારાસભ્યોની સહી લીધી હતી, તેની ઉપર જ તેમના નિવેદન નોંધી આપી દેવામાં આવ્યા હતા. કલેકટરે તેમને મળેલા નિવેદનોના આધારે અમદાવાદ પોલીસને જાણકારી આપી દીધી હતી.

જો કે હર્ષદ બ્રહ્રભટ્ટને ખબર હતી કે હજી કેટલીક મુશ્કેલીનો સામનો કરવાનો હતો, પણ મુશ્કેલી કેવા પ્રકારની આવશે તેની ખબર ન્હોતી. રાતે મેનેજરને સૂચના આપી દેવામાં આવી હતી કે ધારાસભ્યો માટે આવતા કોઈ પણ ફોન તેમના રૂમમાં ટ્રાન્સફર કરવા નહીં, તે ફોન પહેલા બ્રહ્મભટ્ટને આપવા અને તેમને ઠીક લાગશે તો ફોન ટ્રાન્સફર થશે.

હવે ભાજપે પણ ખજુરાહોના રિસોર્ટમાં રહેલા ધારાસભ્યોને પરત લાવવાની કવાયત શરૂ કરી દીધી હતી, જેમાં કેટલીક સાચી અને કેટલીક ખોટી માહિતી પણ આવી રહી હતી, પણ ભાજપના નેતાઓ ધારાસભ્યોને પરાણે પોતાની સાથે લઈ જાય નહીં, તે માટે મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ચંડેલા રિસોર્ટ તરફ આવતા રસ્તા ઉપર નાકાબંધી કરી દેવામાં આવી હતી. ગુજરાત પાસિંગના આવતા વાહનને મંજુરી વગર આગળ વધતા રોકી લેવામાં આવતા હતા. ખજુરાહોને સલામત માનવામાં આવી રહ્યું હતું, પણ ચુક ત્યાં થઈ હતી કે ખજુરાહો સાંસદ ઉમા ભારતીનો મત વિસ્તાર છે તે બાપુ અને દિગ્લવિજય સિંહ બંન્નેના ધ્યાન બહાર જતું રહ્યું હતું. જેના કારણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડયો હતો, કારણ ઉમા ભારતીને કારણે ભાજપના કાર્યકરો ગમે ત્યારે રિસોર્ટમાં ધુસી આવે તેમ હતા, કાર્યકરોને તો પોલીસે રોકી લીધા પણ ઉમા ભારતી સ્થાનિક સાંસદ હોવાને કારણે તેઓ રિસોર્ટ સુધી આવી ગયા હતા.

ઉભા ભારતીએ પોતાના પક્ષના ધારાસભ્યોને મળવાની માગણી કરી હતી, ઘણી રકઝક બાદ હર્ષદ બ્રહ્મભટ્ટે ભાજપના ધારાસભ્યો અને ઉમા ભારતીની મિટીંગ ગોઠવી આપી હતી, જેમાં તમામ ધારાસભ્યોએ તેમની સાથે નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ દ્વારા થયેલા અન્યાયની ફરિયાદ કરી હતી. ઉમા ભારતી સાથે એક વખતના ભાજપના સિનિયર નેતા કુશાભાઈ ઠાકરે પણ આવ્યા હતા. તેમણે પણ ધારાસભ્યોનો ખુબ સમજાવ્યા અને ઘરની વાત ઘરમાં જ પતાવવા વિનંતી કરી, પણ ધારાસભ્યો તો બાપુની જ વાત માનવાનું કહી રહ્યા હતા. આ તરફ નરેન્દ્ર મોદી પણ બાપુનો પ્લાન નિષ્ફળ બનાવવા માટે કામે લાગ્યા હતા, ત્યારે મોબાઈલ ફોનનો યુગ ન્હોતો, પણ ખજુરાહોના એ રિસોર્ટના સ્વીમીંગ પુલમાં સ્નાન કરતા બાગી ધારાસભ્યોનો ફોટોગ્રાફ મંગાવી, મજા કરતા ધારાસભ્યોના ફોટા અખબારો સુધી પહોંચાડી, બાગી ધારાસભ્યોની સામાજીક આબરૂને નુકશાન કરવાનો પ્રયત્ન થયો હતો. તેનું કારણ સ્પષ્ટ હતું કે ફોટો જાહેર થતાં જ ધારાસભ્યોની આબરૂના લીરેલીરા ઉડવાના હતા.

એક તરફ ધારાસભ્યોને મનાવવા માટે ખજુરાહોમાં ઉમા ભારતી અને કુશાભાઉ કામે લાગ્યા હતા, બીજી તરફ ગાંધીનગરમાં શંકરસિંહને મનાવવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગોવિંદાચાર્ય, વૈકયા નાયડુ અને પ્રમોદ મહાજન ગાંધીનગર દોડી આવ્યા હતા. તેમણે  બાપુ સાથે સમજાવટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બાપુ ત્યારે પણ તેમને મુખ્યપ્રધાન થવું નથી અને તેઓ સત્તા માટે કઈ કરતા નથી, તેવો દેખાવ કરી, તેમની નારાજગીના કારણો રજુ કર્યા, જો કે બાપુને ખરેખર જોઈએ છે શું, તે હજી સ્પષ્ટ કરતા ન્હોતા. તેઓ સમય લંબાવી ભાજપના નેતાઓ ઉપર માનસીક દબાણ વધારી રહ્યા હતા. જો કે તેમણે તેમનો મુખ્ય વાંધો નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, ડૉ. પ્રવિણ તોગડિયા અને ડૉ. મયુર દેસાઈ સામે હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive