હું પ્રશાંત દયાળ: ભાગ-7: એક અઠવાડીયા પછી ચારૂભાઈ મને મળવા માટે આવ્યા. તેમણે પુછ્યું તું ક્યા ક્યા બીટમાં જાય છે? મેં કહ્યું કોર્પોરેશન અને કોંગ્રેસ. તેમણે વિચાર કર્યો અને કહ્યું એક કામ કરજે આવતીકાલે રવિવાર છે, તું મારા ઘરે આવજે. હવે મને તેમને મળ્યા પછી લાગ્યુ કે હું નાહકનો ડરી રહ્યો હતો. જે રીતે આ માણસથી મને અને બીજાને ડર લાગતો હતો તેવો આ માણસ નથી. ચારૂદત્ત રોજ રાત પડે અને દારૂ પીવે છે તેની મને ખબર પડી ગઈ હતી. હું બધાથી દુર હતો પણ મને હવે ચારૂભાઈ સાથે લગાવ થઈ રહ્યો હતો. ખાનપુરમાં સમભાવ પ્રેસની બહાર એક ગેરેજ હતું, એટલે કે લોંખડની એક કેબીન હતી, ત્યાં બધા ચારૂભાઈને બહુ માનથી બોલાવતા હતા. રાત્રે તે લોંખડની કેબીનમાં આવી ચારૂભાઈ પોતાના ડ્રીંક લઈ લેતા હતા અને પછી અમે ઘરે જતા હતા. એક દિવસ મને ચારૂભાઈએ પુછ્યું પ્રશાંત તું દારૂ પીવે છે? મેં કહ્યુ ના. તેમણે કહ્યુ તુ દારૂને હાથ પણ લગાડતો નહીં. મને બહુ આશ્ચર્ય થયું કે જે માણસ રોજ દારૂ પીતો હોય તે મને કેમ દારૂ પીવાની ના પાડતો હશે. બીજા દિવસે રવિવાર હતો, હું સવારના સમયે તેમના ઘરે ગયો, તેમણે મારો પરિચય તેમની પત્ની દિપીકા અને પુત્ર ધવલ સાથે કરાવ્યો અને પછી મને પુછ્યા વગર કહ્યું દિપીકા પ્રશાંત આજે અહિંયા જમવાનો છે. મારે હા કે ના કહેવાનો પ્રશ્ન જ ના રહ્યો, પછી તે ઉભા થયા અને અંદરના રૂમમાંથી કાગળ પેન લઈ આવ્યા, તેમણે મને પુછ્યુ કોંગ્રેસની બીટ કરે છે ને? મેં કહ્યું હા, મને યાદ આવ્યુ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની ચૂંટણી આવી રહી હતી, ત્યારે કોંગ્રેસના પ્રમુખ પદે પ્રબોધ રાવળ હતા. નવા પ્રમુખ કોણ આવશે તેની કોંગ્રેસમાં બહુ ચર્ચા હતી અને અખબારો નવા પ્રમુખ કોણ થશે તેના નામની ચર્ચા કરતા હતા. ચારૂભાઈએ મને કાગળ પેન આપતા કહ્યું ચાલ એક સ્ટોરી લખાવુ લખવા લાગ. હું સ્ટોરી લખવા લાગ્યો તેમણે મને સ્ટોરી લખાવવાની શરૂઆત કરી. પ્રદેશ પ્રમુખ કોણ થશે તેની સ્ટોરી હતી. જેમ જેમ સ્ટોરી લખતો ગયો તેમ તેમ મને સમજાયુ કે ચારૂભાઈની માહિતી પ્રમાણે પ્રબોધ રાવળ ફરી વખત પ્રમુખ તરીકે મુકાવવાના હતા. મને કંઈ જ ખબર ન્હોતી, ખરેખર ચારૂભાઈએ જે સ્ટોરી લખાવી તે સાચી હતી કે ખોટી અને આ સ્ટોરી સાચી પડવાની હતી કે નહીં તેની પણ ખબર ન્હોતી.

સ્ટોરી પુરી થયા પછી તેમણે મને કહ્યુ આ સ્ટોરી તારે ધુનિ માંડલીયાને આપવાની પણ મારૂ નામ આપવાનું નહીં, તે તને આવા આવા સવાલો પુછશે, તેમણે મને સવાલો અને તેના જવાબ કહી દીધા. હું જમ્યા પછી તેમના ઘરેથી નિકળ્યો, સાંજે ઓફિસમાં ગયો અને ઘુનિભાઈના હાથમાં મારી સ્ટોરી મુકી. તેમણે પહેલા સ્ટોરી વાંચી અને પછી મારી સામે ધ્યાનથી જોયુ અને પુછ્યું કોણે આ વિગત આપી? મેં કહ્યું મારા સોર્સે. તે હસવા લાગ્યા, હું સમજી ગયો તેમને મારી વાત ઉપર ભરોસો ન્હોતો, પણ આજે પહેલી વખત તેમણે મારી સ્ટોરીમાં કોઈ વાંધા કાઢ્યા ન્હોતા, બસ મારે આવી રીતે રિપોર્ટીંગ કરવુ હતું. મારા લખાણ અને મારી વિગતમાં આવો દમ હોવો જોઈએ. બીજા દિવસે સમભાવમાં મારા નામ સાથે સ્ટોરી છપાઈ જેમાં પ્રબોધ રાવળ પ્રમુખ તરીકે ચાલુ રહેશે તેવુ હેડિંગ હતું. ઘુનિ માંડલીયા ભાષાના માણસ હોવાને કારણે તેમના હેડીંગ દમદાર રહેતા હતા. આ  મારી પહેલી સ્ટોરી હતી, જેની પત્રકારોમાં પણ ચર્ચા હતી અને આનંદ ત્યારે થયો જ્યારે મારી સ્ટોરી થોડા દિવસ પછી સાચી પડી અને પ્રબોધ રાવળને કોંગ્રેસ દ્વારા ફરી પ્રમુખ તરીકે મુક્યા હતા. બધા મારી પીઠ થાબડતા હતા કે એક નવો છોકરો ઘટના ઘટવાના કેટલાંક દિવસ પહેલા થનાર ઘટનાની બ્રેકિંગ સ્ટોરી કરી ગયો. બસ મારે આવુ પત્રકારત્વ કરવુ હતું, મારી પાસે અધોષીત ગુરૂ હતો.

પત્રકારત્વ કેવી રીતે કરી શકાય તે કોઈ આંગળી પકડી શીખવાડી શકે નહીં. તમને જે શ્રેષ્ઠ લાગે તે કેવી રીતે શીખવુ તે તમારે જ નક્કી કરવાનું હતું અને તેના માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો નિરીક્ષણ દ્વારા શીખી શકાય પણ મારી પાસે હવે ચારૂભાઈ હતા. હું તેમને જોઈ કામ શીખવા લાગ્યા હતો. તે મને ક્યારેય કોઈ સલાહ આપતા નહીં અથવા કઈ રીતે માહિતી મેળવવી, રાજનેતા અને પોલીસ સાથે કેવી રીતે વાત કરવી તે બધુ હું તેમનું જોઈ શીખવા લાગ્યો હતો. તેના કારણે મારો ઈરાદાપુર્વકનો પ્રયત્ન રહેતો હતો કે હું કેવી રીતે વધારે સમય તેમની સાથે પસાર કરૂ, તેઓ જનસત્તામાં હતા અને હું સમભાવમાં હતો. જેના કારણે અમારા કામ કરવાના સ્થળ અલગ હતા. અમે રિપોર્ટીંગમાં મળી જતા અને રાત્રે મોટા ભાગે હું તેમની સાથે રહેતો હતો. ઘણી વખત તેઓ ચિક્કાર દારૂ પી જતા ત્યારે હું તેમને બાઈક છોડી દેવાની ફરજ પાડી મારા સ્કૂટર ઉપર ઘરે મુકી જતો હતો. કોઈ અજાણ્યા સંબંધો અમારી વચ્ચે બંધાઈ રહ્યા હતા. તે મને પોતાનો લાગવા માંડ્યો હતો. પત્રકારો અને અન્ય તેના નામથી ડરતા હતા. એક દિવસ મેં વાત કરતા કરતા તેમની સાથે તુકારામાં વાત કરી તેમણે મારી સામે જોયુ મને લાગ્યુ કે મારાથી ભુલ થઈ ગઈ કારણ તે મારા કરતા પંદર-સત્તર વર્ષ મોટા હતા. તે પહેલા એકદમ મારી સામે જોવા લાગ્યા પછી એકદમ હસી પડ્યા, મને કહે વાંધો નહીં, પછી તો હું તેમને ચારૂભાઈ કહેતો પણ પાછળ તુકારે જ સંબોધતો હતો. એક દિવસ હું તેમની સાથે ભાજપ કાર્યાલય ગયો. ઘણા બધા પત્રકારો હતા, નરેન્દ્ર મોદી મહામંત્રી હતા, પત્રકારો તેમની સાથે બેસી ગપ્પા ગોષ્ટી કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે નરેન્દ્ર મોદીને પુછ્યુ નરેન્દ્રભાઈ આજે કંઈક સમાચાર તો લખાવો, તેઓ તેમની સ્ટાઈલ પ્રમાણે ખડખડાટ હસ્યા અને પછી પોતાની દાઢી ખંજવાળતા બોલ્યા, હું દાઢી ખંજવાળુ તો પણ તમારા માટે સમાચાર બને છે, બધા હસવા લાગ્યા પણ ચારૂભાઈ ગંભીર થઈ ગયા, તે નરેન્દ્ર મોદી સામે ધારી જોવા લાગ્યા, મને કંઈ સમજાયુ નહીં, કેમ ચારૂભાઈને ખરાબ લાગ્યુ?

ચારૂભાઈએ  ગુસ્સાવાળા અવાજમાં કહ્યું કહ્યુ નરેન્દ્રભાઈ, તેનો અવાજ સાંભળી સિનિયર-જુનિયર પત્રકારો એકદમ શાંત થઈ ગયા. નરેન્દ્ર મોદી સહિત બધા તેમની સામે જોવા લાગ્યા, તેમણે નરેન્દ્ર મોદીને કહ્યુ આ પ્રકારનો અંહકાર સારો નહીં. અમે પત્રકાર છીએ આપની પાર્ટીના કાર્યકર નહીં. અમારી સાથે પ્રકારે વાત કરવાની નહીં. નરેન્દ્ર મોદી કંઈ જવાબ આપે તે પહેલા ચારૂભાઈએ બધા પત્રકારોને આદેશાત્મક ભાષામાં કહ્યુ ચાલો ઉભા થઈ જાવ, જે માણસને બોલવાનું ભાન નથી તેની સાથે વાત થઈ શકે નહીં. હું અને મારા જેવા જુનિયર પત્રકારો ઉભા થઈ ગયા પણ કેટલાક સિનિયર પત્રકારો ઉભા ન થયા. ચારૂભાઈએ તેમની સામે જોતા પુછ્યુ કેમ તમારે સ્વમાન જેવુ કંઈ નથી? અને બધા પત્રકારો ઉભા થઈ ગયા અને ભાજપ ઓફિસની બહાર નિકળી ગયા પણ ત્રણ દિવસ સુધી પત્રકારોએ ચારૂની આગેવાની હેઠળ ભાજપનો બહિષ્કાર કર્યો. આખરે ચોથા દિવસે નરેન્દ્ર મોદી ઓફિસ બહાર આવી પત્રકારોને કહ્યુ હું મજાક કરતો હતો, તમારૂ અપમાન કરવાનો ઈરાદો ન્હોતો.

 (ક્રમશ:) 

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'   

હું પ્રશાંત દયાળ ભાગ-6:  તે દિવસે અમારી ઓફિસમાં આવેલા એ ક્રાઇમ રિપોર્ટરને જોઈ હું ખૂબ ડરી ગયો હતો