પ્રશાંત દયાળ (રવિ પુજારી ભાગ-7): રવિ પુજારીએ હવે પુરી તાકાત નહીં અને પોતાના નવા ગેંગસ્ટર્સ સાથે અંડરવર્લ્ડના બજારમાં આવી ગયો હતો. તે વિદેશમાં બેઠો બેઠો ભારતના શ્રીમંતોને ફોન કરી ખંડણી માંગી રહ્યો હતો. જે પહેલા ડરી જતા તેઓ રવિ પુજારીની સૂચના પ્રમાણે તે કહેતો ત્યાં ખંડણી પહોંચાડી દેતા હતા. ઘણા શ્રીમંતો રવિના ફોન પછી પણ માનવા તૈયાર ન્હોતા કે તેમને ફોન કરનાર કોઈ ગેંગસ્ટર છે કારણ કે જ્યારે કોઈ ગેંગસ્ટર ખંડણી માંગે ત્યારે ધમકી આપી, ગાળો બોલે, મારી નાખવાની ધમકી આપી, પણ રવિની ભાષામાં ગાળ અને ધમકીની વાત ન્હોતી. જેના કારણે કેટલાંક આ ગેંગસ્ટર નથી પણ કોઈ રવિના નામે તેમને ધમકી આપી રહ્યું છે તેવું માનવાની ભુલ કરતા હતા. ઘણા તો પોતાની પાસે પૈસા જ  નથી અને પોતે જ આર્થિક મુશ્કેલીમાં છે તેવો બચાવ કરતા હતા પણ રવિ જેમની પાસે પણ ખંડણી માંગતો તેમના અંગે તેમના આર્થિક વ્યવહાર સહિત તેમના પરિવારના એક એક સભ્યની માહિતી રાખતો હતો.

રવિ પુજારીની ખંડણી માંગવાનની આ સ્ટાઈલ હતી, તે જેમને પણ ફોન કરે તેમને વાતની શરૂઆતમાં જ ગુડ મોર્નીંગ કહી કરતો હતો, હવે કોઈ ગેંગસ્ટર ગુડ મોર્નીંગ કહી વાત કરે તેવું કોઈ માનવા તૈયાર ન્હોતું. તે વાત હિન્દીમાં જ કરતો પણ જો સામેવાળી વ્યકિત અંગ્રેજીમાં વાત કરે તો રવિ અંગ્રેજી ભાષામાં પણ જવાબ આપતો હતો. તે ફોન કરનાર વ્યકિતને હિન્દીમાં કહેતો કૈસો હો.. આપકા ધંધા અચ્છા ચલ રહા હૈ સુનકર બહુત ખુશી હુઈ, તો મુઝે લગતા હૈ આપકો મુઝે પાંચ કરોડ રૂપિયા દેના ચાહીયે. આ પ્રકારે વાત શરૂ થાય અને જો તે વ્યકિત આ રવિ પુજારી નથી તેવું માનવાની ભુલ કરે અને રવિને ગાળો આપે તો રવિ ઉશ્કેરાઈ જવાને બદલે કહેતો, દેખો આપકો ગાલીયાં શોભા નહીં દેતા, મેં આપકો બતા દું કી મેં ગેંગસ્ટર હું કોઈ ગુંડા નહીં, આમ રવિ પોતે ગેંગસ્ટર છે તેવું ગૌરવપુર્વક કહેતો હતો.

રવિ પોતાની વાત બહુ શાંતિથી અને લંબાણ પુર્વક કરતો હતો, તેને પકડાઈ જવાની એટલે બીક લાગતી ન્હોતી કારણ તે વિદેશમાં બેસી ફોન કરતો હોવાને કારણે તેને ખબર હતી કે ભારતની પોલીસ તેના સુધી ક્યારેય પહોંચી શકવાની ન્હોતી. જેની પાસે ખંડણી માંગી છે તે પૈસા આપવાની ના પાડે તો રવિ કહેતે ભાભીજી કૈસી હૈ, વો રોજ મોર્નીગ વોક કરને જાનતી હૈ અચ્છી બાત હૈ... આપકી બીટીયા ભી સ્કુલ જાતી હૈ, બીટીયા કો ખુબ પઢાના. આમ તે આ પ્રકારે ધમકી આપતો હતો. તે સામે વાળી વ્યકિતને કહેવા માગતો હતો કે તારી પત્ની અને બાળકો સહિતની માહિતી મારી પાસે છે, જો તું ખંડણી નહીં આપે તો તેમની સાથે રસ્તામાં કઈ પણ થઈ શકે છે. જો કે તેણે જેમની પાસે ખંડણી માંગી હોય અને ખંડણી ના મળે તો પણ તેમના પરિવારના સભ્યોને કોઈ નુકશાન કર્યું હોયુ તેવું બન્યું નથી.

રવિ જેમની પાસે પણ ખંડણી માંગતો તે બધા દેશના શ્રીમંતો અને વગદાર લોકો હતા. જેના કારણે અનેક લોકો પોલીસની મદદ માંગવા પહોંચી જતા હતા, ઘણા પોલીસ સાથે પ્રાઈવેટ સીકયુરીટી પણ રાખી લેતા હતા, પણ જ્યારે રવિ ખંડણી માટે બીજો ફોન કરે સામેથી જ માહિતી આપતો હતો મને ખબર છે તમે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને મળવા ગયા હતા, મને લાગે છે કે તમને પોલીસ મદદ કરી શકશે નહીં, તેના કરતા તમારે મને પૈસા મોકલી આપવા જોઈએ. અમદાવાદના એક હોટલ માલિક પાસે જ્યારે પુજારીએ ખંડણી માંગી ત્યારે હોટલ માલિકે પોતે જ દેવામાં હોવાની વાત કરી ત્યારે રવિએ કહ્યું જુઓ મેં તમારી એકાઉન્ટ બુક જોઈ છે, તમારો નફો મને ખબર છે એટલે પૈસા નથી તેવું બહાનુ કરતા નહીં આમ તે પોતાના ટાર્ગેટની બારીક માહિતી રાખતો હતો. રવિ ખંડણી માટે ક્યારેય ઉતાવળ કરતો નહીં તે બે-ત્રણ વખત ફોન કરતો હતો, જો કોઈ પૈસા ઓછા છે તેવું કહે તો ખંડણી રકમ ઘટાડી પણ આપતો હતો.

બે-ત્રણ વખત પૈસાની માગણી કર્યા પછી પણ જો પૈસા મળે નહીં તો તે ડરાવવા માટે જેમની પાસે ખંડણી માંગી છે તેવી વ્યકિતના ઘર અથવા કાર ઉપર ગોળીબાર કરાવી માત્ર ડરાવતો હતો. ગુજરાતમાં તેની સામે કુલ 16 ફરિયાદ નોંધાયેલી છે. આ સિવાય કેટલી વ્યકિતઓએ પોલીસની જાણ બહાર રવિને પૈસા ચુકવી દીધા તેની માહિતી નથી. ગુજરાત પોલીસના કહેવા પ્રમાણે ગુજરાતમાં રવિની ગેંગ બહુ અસરકારક ન્હોતી, જેના કારણે તે માત્ર ડરાવી રહ્યો હતો. આણંદની એક  વ્યકિત પાસે તેણે ખંડણી માંગી હતી, પણ તેણે ખંડણી આપી નહીં અને ત્યાર બાદ થોડા દિવસ પછી તે વ્યકિત ઉપર ગોળીબાર થયો હતો. રવિનો દાવો હતો કે તે ગોળીબાર તેણે જ કરાવ્યો હતો, પણ પોલીસના દાવા પ્રમાણે રવિનો દાવો ખોટો નિકળ્યો કારણ ગોળીબાર અન્ય કોઈએ અંગત અદાવતમાં કર્યો હતો પણ રવિ આ ઘટનાનો ફાયદો લઈ પોતાનો ડર ગુજરાતમાં ઉભો કરવા માગતો હતો.

ઉપરાંત મુંબઈ સહિત ગુજરાતના અનેક શ્રીમંતોએ પણ રવિ પુજારીની મદદ લઈ પોતાન ફસાયેલા પૈસા કઢાવવાનું કામ કરાવ્યુ હોવાનું પોલીસને જાણમાં આવ્યું છે કોર્ટમાં ચાલનારી વર્ષોની લાંબી પ્રક્રિયાથી કંટાળી અનેક શ્રીમંતોએ પોતાના પૈસા કઢાવવા માટે રવિ પુજારીને કામ સોંપી પોતાના પૈસા કઢાવ્યા હતા, ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ થયેલી છે, કેટલાંક કિસ્સામાં તો સેલેબ્રીટીની કિસ્સામાં તે જાણે સમાજ સુધારક હોય તે રીતે કુદી પડતો હતો અને તે જેને પસંદ કરે છે તેને કોઈ પરેશાન કરે તો સામેવાળી વ્યકિતને ધમકી આપી મામલો પતાવી  દેવાની સૂચના આપતો હતો આવું તેણે પ્રીતિ ઝિંટા કેસમાં કર્યું હતું તેણે પ્રીતિનો પક્ષ લઈ વાડીયાને ધમકાવ્યા હતા.  છેલ્લાં દોઢ દાયકાથી પોતાની અગલ ગેંગ બનાવી શ્રીમંત થઈ ગયેલો  રવિ પુજારી હવે એસ્ટ્રોલીયામાં પકડાઈ ગયો છે. રવિ ક્યાં સંતાયો છે તેની માહિતી ભારતીય એજન્સીને ગુજરાત એટીએસના એસપી હિમાંશુ શુકલએ આપી હતી. રવિને ભારત લાવવાની કાર્યવાહી ભારતીય એજન્સીએ શરૂ કરી છે. તે ભારત આવશે ત્યાર બાદ ગુજરાત પોલીસ પણ પોતાના 16 ગુના માટે અમદાવાદ લાવશે ત્યારે વધુ રહસ્યો બહાર આવશે, ગેંગસ્ટરની જીંદગી બહુ જ રંગીન અને ગ્લેમરથી ભરપુર હોય છે પણ કોઈ ગેંગસ્ટરનો અંત પણ સારો હોય તેવું થયુ નથી આવું રવિ પુજારી સાથે પણ થશે.

(સમાપ્ત)    

ડોન રવિ પુજારીઃ અગાઉના તમામ ભાગ વાંચવા અહીં ક્લિક કરો