પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહોઃ ભાગ-6): શંકરસિંહ જુથના 44 ધારાસભ્યો દમણીયા એરલાઈન્સનાં વિમાનમાં ગોઠવાઈ ગયા હતા, તેઓ માની રહ્યા હતા કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે પણ પ્લેન ટેકઓફ પહેલા જ એક વિધ્ન આવ્યું, પ્લેનની ટેકનીકલ તપાસ કરી રહેલા સ્ટાફે પાયલોટને જાણકારી આપી કે એક વ્હીલમાં પંકચર છે, ટેકનીલ સ્ટાફ વ્હીલ બદલવાના કામ ઉપર લાગી ગયો, જેના કારણે પ્લેનમાં બેઠેલા ધારાસભ્યો સમજી શકતા ન્હોતા કે વિલંબ કેમ થઈ રહ્યો છે. બીજી તરફ એરપોર્ટ ઉપર પ્લેન ઉડે તેની રાહ જોઈ રહેલા શંકરસિંહ પણ ચિંતામાં હતા, તેઓ ઈચ્છી રહ્યા હતા કે પ્લેન જલદી ટેકઓફ કરી લે તો સારૂ કારણ હવે જે પોલીસ અધિકારીઓ એરપોર્ટ ઉપરથી નિકળી ગયા હતા તે સરકારને જાણકારી આપવાના હતા કે ધારાસભ્યો પ્લેનમાં દિલ્હી જઈ રહ્યા છે. શંકરસિંહ પોતે ખજુરાહો જવાના ન્હોતા, કારણ હવે તેમને ભાજપના નેતાઓ સાથે સોદાબાજી કરવા માટે ગાંધીનગર રોકાવવું જરૂરી હતું. રાતના આઠ વાગી ગયા હતા, ખરેખર પ્લેન બપોરના ઉડવાનું હતું.

ટેકનીકલ સ્ટાફે બધુ ઓકે હોવાનો મેસેજ આપતા પાયલોટ દસ્તુરે પ્લેનનું એન્જીન ચાલુ કર્યું અને એર ટ્રાફિક કંટ્રોલરને પોતે ઉડવા માટે તૈયાર હોવાની જાણકારી આપી. ત્યારે પ્લેનમાં બેઠેલા હર્ષદ બ્રહ્મભટ્ટને પ્લેનની એરહોસ્ટેસે આવી કાનમાં કઈક સૂચના આપી તેની સાથે તેઓ ઊભા થઈ, કોકપીટમાં ગયા, હર્ષદ બ્રહ્મભટ્ટે પાયલોટ દસ્તુરે પોતાનો પરિચય આપતા પાયલોટે કહ્યું મીસ્ટર બ્રહ્મભટ્ટ આપણે અમદાવાદ છોડવાના આપણા નિયત સમય કરતા પાંચ કલાક મોડા છીએ, હવે આપણે ખજુરાહો એરપોર્ટ ઉપર લેન્ડ કરી શકીશું નહીં, કારણ ત્યાં નાઈટ લેન્ડીંગ થઈ શકે તેવી વ્યવસ્થા નથી, રનવે ઉપર જરૂરી લાઈટ નહીં હોવાને કારણે તેઓ ખજુરાહો લેન્ડ થશે નહીં, તેના બદલે તેઓ ભોપાલ એરપોર્ટ ઉપર લેન્ડીંગ કરશે. પાયલોટની વાત સાંભળી હર્ષદ બ્રહ્મભટ્ટ વિમાસણમાં મુકાઈ ગયા, પણ બાપુ સાથે થયેલી વાતચીત પ્રમાણે બાપુએ એરપોર્ટની અંદર દાખલ થતાં તેમને કહ્યું હતું કે, દિગવિજય સિંહ સાથે તમામ વાત થઈ ગઈ છે, પણ હવે પ્લેન ટેકઓફ થવાના સમયે પાઈલોટ એક નવી સમસ્યાની વાત કરી રહ્યા હતા.

હર્ષદ બ્રહ્મભટ્ટે કહ્યું મીસ્ટર દસ્તુર ડોન્ટ વરી, આપણે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્કમાં આવી ત્યારે તમે તેમની સાથે વાત કરી ખજુરાહો અથવા ભોપાલ જેનો નિર્ણય કરશો તે યોગ્ય જ  હશે. હર્ષદભાઈ પોતાની સીટ ઉપર આવી પરત બેઠા તેની સાથે એરહોસ્ટેસે તમામ મુસાફરોને પોતાના સીટ બેલ્ટ બાંધવાની સૂચના આપી જાહેરાત કરી કે આપણે ખજુરાહો જવા માટે રવાના થઈએ છીએ, બધા એકબીજા સામે જોવા લાગ્યા, કારણ તેમને તો દિલ્હી જવાનું હતું પણ પ્લેન તો ખજુરાહો જઈ રહ્યું હતું. બધાએ હષર્દભાઈ સામે જોયું તેમણે કહ્યું ત્યાંથી આપણે દિલ્હી જવાનું છે. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર અમદાવાદ પાસે ઉડવાની મંજુરી આપતા પ્લેન રન-વે ઉપર દોડવા લાગ્યું, બાપુ એરપોર્ટ ઉપરથી દમણીયા એરલાઈન્સના પ્લેનને જોઈ રહ્યા હતા. પ્લેન ટેક ઓફ થયું અને તેના લેન્ડીંગ ગીયર અંદર તરફ ખેંચાઈ ગયા હતા. પ્લેનમાં બેઠેલા ધારાસભ્યો રાતના અંધકારમાં ઝબકી રહેલા અમદાવાદ શહેરની લાઈટો જોઈ રહ્યા હતા.

ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં પહેલી વખત બળવો કરી કોઈ ધારાસભ્યો ગુજરાત બહાર જઈ રહ્યા હતા, પણ હર્ષદભાઈના મનમાં બીજુ કઈક ચાલી રહ્યું હતું, પ્લેન હવામાં સ્થિર થતાં તેઓ પોતાની સીટમાંથી ઊભા થયા અને એક પછી એક ધારાસભ્યો પાસે કોરા કાગળ ઉપર સહી લેવા લાગ્યા હતા. બધા જ સભ્યો સહી તો કરી આપતા હતા, પણ સહી કરતી વખતે કારણ પુછતાં હતા, ત્યારે હર્ષદભાઈ કહેતા કે હોટલ વગેરે જગ્યા કદાચ કોઈ તમારો કાગળ આપવો પડે કયાં તમને શોધવા તેના કરતા બધાની એક એક સહી લેવી સારૂ હમણા સમય છે એક કામ તો પુરૂ કરીએ, શંકરસિંહ સાથે કામ કરતા પહેલા હર્ષદ બ્રહ્મભટ્ટ કેશુભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે તેમના અંગત સચિવ હતા, અને નરેન્દ્ર મોદી સાથે વિસનગરની એક જ શાળામાં અભ્યાસ પણ કર્યો હતો. જેના કારણે આવનાર તોફાનને તે દુરથી શોધી શકતા હતા. કદાચ તેઓ ધારાસભ્યોની કોરા કાગળ ઉપર સહી કેમ લઈ રહ્યા છે તેનો તર્ક અથવા કારણ ત્યારે તેમની પોતાની પાસે પણ ન્હોતુ એકાદ-દોઢ કલાક થયો હશે અને એરહોસ્ટેસે ફરી ઈશારો કરી હર્ષદભાઈને કોકપીટમાં જવાનું કહ્યું હતું.

હર્ષદ બ્રહ્મભટ્ટ જેવા કોકપીટમાં દાખલ થયા તેની સાથે પાયલોટ દસ્તુરે ચહેરા ઉપર એક હાસ્ય સાથે કહ્યું એક સારા સમાચાર છે, આપણે ભોપાલ એટીસીના સંપર્કમાં આવી ગયા છીએ, હર્ષદભાઈ કહેવા જતા કે તો પછી ખજુરાહો લેન્ડીંગ માટે પુછી લો, પણ તે પહેલા પાઈલોટે કહ્યું એટીસી સાથે વાત થઈ તેમણે સૂચના આપી છે કે સ્ટેટ ગર્વમેન્ટ દ્વારા ખજુરાવો એરપોર્ટના રનવે ઉપર લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ખજુરાહો લેન્ડીંગ કરી શકીશું. સતત મળી રહેલા ખરાબ સમાચાર બાદ એક સારા સમાચાર મળી રહ્યા હતા, તમામ ધારાસભ્યોને એર હોસ્ટેસે પોતાના બેલ્ટ બાંધી દેવાની સૂચના આપી, કારણ પ્લેન ખજુરાહો પહોંચી ગયું હતું, પાઈલોટ ઉંચાઈથી રનવે જોઈ શકે તે માટે તાત્કાલીક તો વિજળીના જોડાણ રન-વેને આપી શકાય તેમ ન્હોતો, પણ રનવેની બંન્ને તરફ ફાનસો હારબંધ મુકી દેવામાં આવ્યા હતા જેના કારણે પાયલોટ રનવે જોઈ શકતો હતો.

હર્ષદ બ્રહ્મભટ્ટ ધારાસભ્યો સાથે એકપોર્ટ બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તેમને રક્ષણ આપવા માટે ઊભો હતો, જેવા બધા બહાર નિકળ્યા ત્યારે એક પોલીસ અધિકારીએ સિવિલ ડ્રેસમાં રહેલા અધિકારી સામે ઈશારો કરતા કહ્યું સર, કલેકટર સાહેબ તમને મળવા માગે છે અને હર્ષદ બ્રહ્મભટ્ટ કલેકટરને મળવા તેમની તરફ પગ ઉપાડયા.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive