હું પ્રશાંત દયાળ, ભાગ-6: મારી પત્રકાર તરીકેની ખરી સફરની શરૂઆત  હવે થઈ હતી. સમભાવ નાનો પ્રેસ હોવાના મને ફાયદા દેખાવા લાગ્યા હતા, કારણ કાયમ પત્રકારની કમી રહેતી હતી. સમભાવ વધુ પત્રકારોને નોકરી આપી શકે તેવી તેની સ્થિતિ ન્હોતી તેનો ફાયદો અને મારા નવશીખીયા પત્રકારોને મળતી હતી. નવા આવેલા પત્રકારને બહુ જલદી ફિલ્ડમાં રિપોર્ટિંગ કરવાની તક મળતી હતી. મને હવે મારા ચીફ રીપોર્ટર ધુનિ માંડલીયા રિપોર્ટિંગમાં મોકલવા લાગ્યા હતા. મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટિંગની શરૂઆત કરી હતી. હું ફિલ્ડમાં નિકળ્યો ત્યારે મને તો લાગતુ હતું કે આખુ તંત્ર ભ્રષ્ટ છે, હું એકલો તેમની સામે લડવા માટે છું, તેના કારણે મારે રાજનેતા અને અધિકારીઓ સાથે એકદમ ઝઘડા થવા લાગતા હતા. ત્યારે અમદાવાદના મેયર તરીકે ડૉ. મુકુલ શાહ હતા, એકદમ સરળ અને સજજન માણસ, તેમના પત્ની ડૉ દિપ્તી શાહ પણ કોર્પોરેટર હતા. તે બંને નરેન્દ્ર મોદીના પ્રભાવને કારણે ભાજપમાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના પ્રભારી હતા. મેં અનેક વખત અનેક ભુલો કરી જેનું જ્ઞાન મને પાછળથી થયુ. હું પ્રેસ કોન્ફરન્સમાં જઉ તો પાણી પણ પીતો ન્હોતો. કોન્ફરન્સના આયોજકો જમવા આપે તો પણ જમતો ન્હોતો અને જતી વખતે ગીફ્ટ આપે તો મને તે મહાપાપ લાગતુ હતું, તેના કારણે તે બધાથી દુર રહેવાનો પ્રયત્ન કરતો હતો. મારા મનમાં એવુ થતુ કે મારૂ કામ પત્રકારનું છે, તે કામ માટે આવ્યો છું, તો પછી  મારી કોઈ આગતા સ્વાગતા શા માટે કરે? મને શુ કામ જમાડે અને આ બધુ કર્યા પછી પણ મારે જો તેમના વિરૂધ્ધ લખવુ પડે તો હું કદાચ લખી શકીશ નહીં. માટે હું તેમના ઉપકાર લેવા માગતો ન્હોતો, મારો આ વ્યવહાર બીજાને ખટકતો હતો ખાસ કરી મારા સિનિયર પત્રકારો ત્યાં હાજર હોય તેમને એવુ લાગતુ હતું કે હું તેમને નીચા દેખાડવા માટે પ્રામાણિકતા બતાડુ છું. જો કે તેવુ મારા મનમાં જરા પણ ન્હોતુ, હું જે પ્રકારનો વ્યવહાર કરતો હતો તે પણ યોગ્ય ન્હોતો. એક દિવસ અમદાવાદ કોર્પોરેશનના બજેટ માટેની એક પ્રેસ કોન્ફરન્સ અમદાવાદના ટાઉનહોલ પાસે આવેલી હેવમોરમાં રાખવામાં આવી હતી. મેયર મુકુલ શાહ અને ડેપ્યુટી કમિશનર પીનાકીન દિક્ષીત સહિત અન્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. કોન્ફરન્સ પુરી થઈ ત્યાર બાદ જમવાનું હતું  પણ નિયમ પ્રમાણે હું જમ્યો નહીં. અચાનક મારા તરફ મેયર મુકુલનું ધ્યાન ગયુ, તેમણે મને પુછ્યુ કેમ પ્રશાંત જમતો નથી? મેં ફટ દઈને કહ્યુ કોર્પોરેશનની તિજોરીમાં લોકોના ટેક્સના પૈસા આવે છે, આપણે તેમાંથી આવી સારી હોટલમાં જમીએ તે સારૂ નથી. બધા ચુપ થઈ ગયા, જે લોકો જમી રહ્યા હતા તેમને જરૂર માઠુ લાગ્યુ હશે. મારે આવુ ન્હોતુ કરવુ જોઈતુ પણ મને ત્યારે તેવુ કહેનાર કોઈ દોસ્ત ન્હોતો. 

જો કે મુકુલ શાહે તરત કહ્યુ પ્રશાંત આ જમણ કોર્પોરેશનના પૈસામાંથી નથી. આ ડૉ. મુકુલ શાહના વ્યક્તિગત એકાઉન્ટમાંથી પૈસા ચુકવવાના છે, પણ હું ત્યારે તેમની વાત માન્યો ન્હોતો. પણ પછી ક્રમશ: મને સમજાવા લાગ્યુ કે કોઈ આપણે ત્યાં આવે ત્યારે તેને ચ્હા-પાણી આપવુ તે સૌજન્ય છે અને કોઈ જમાડે તેનાથી આપણા રિપોર્ટિંગ ઉપર કોઈ ફેર પડતો નથી. આપણને ઠીક લાગે તે લખવુ જોઈએ અને હું તેવુ કરવા લાગ્યો, જયાં સુધી ગીફ્ટ લેવાનો સવાલ હતો ત્યાં સુધી હું ગીફટ પણ લેવા લાગ્યો હતો અને ઓફિસમાં આવી ઓફિસના પટાવાળાને તે આપી દેતો, તે ખુશ થતો ત્યારે મને લાગતુ કે મે કંઈ ખોટુ કર્યુ નથી. મારે આક્રમકતા પુર્વક પત્રકારત્વ કરવુ હતુ, મને લાગતુ કે હું એવુ કંઈક લખુ અને બધુ હચમચી જાય, પણ મારી નબળાઈ મને સમજાતી હતી કે હજી હું લખવામાં પા પા પગલી માંડી રહ્યો છુ, તેની સાથે ઈન્ફરમેશન ક્યાં અને કેવી રીતે મળે તેની સમજ પણ મારી પાસે ન્હોતી, પણ એક દિવસ સાંજનો સમય હતો લગભગ આઠ વાગ્યા હશે. અચાનક અમારા સમભાવ પ્રેસના રિપોર્ટિંગ સેક્શનમાં એક વ્યક્તિ દાખલ થઈ મને બરાબર યાદ છે તેમણે સફેદ શર્ટ અને બ્લ્યુ કલરની પેન્ટ પહેલી હતી, ઈનશર્ટ હતું અને પાતળો પટ્ટો પહેર્યો હતો, તેની આંખો એકદમ લાલ હતી અને હાથમાં સળગતી સીગરેટ હતી, તેણે રૂમમાં દાખલ થતાં શુ ઘુનિ શુ ચાલે તેમ કહી તેમની ટીખળ કરી અને પછી મોટે મોટેથી હસવા લાગ્યા. ધુનિ માંડલિયાએ પણ તેમને જોયા એટલે લખવાનું છોડી તેમની સાથે ટીખળમાં જોડાયા, જે રીતે ઘુનિ માંડલીયાએ લખવાનું બંધ કર્યુ મને સમજાયુ કે આ વ્યકિત કોઈ મોટી હોવી જોઈએ, પછી પેલી વ્યક્તિએ કેમ જયુ (જયેશ ગઢવી) કેમ જનક(પુરોહીત) કેમ ચંદુ(ચંદ્રકાંત) કહી બધાને બોલાવ્યા, મને તેમનો બહુ ડર લાગ્યો હતો, મને હતું કે તેમનું ધ્યાન મારી તરફ ના પડે તો સારૂ પણ તેવુ થયુ નહીં. હું સ્ટુલ ઉપર બેઠો હતો, જેવી તેમની નજર મારી તરફ પડી, તેમણે આશ્ચર્ય સાથે મારી સામે જોયુ. હું અને તેઓ પહેલી વખત એકબીજાને જોઈ રહ્યા હતા, તેમના ચહેરા ઉપરનું આશ્ચર્ય જોતા જયેશ ગઢવીએ મારો પરિચય આપતા કહ્યુ આ પ્રશાંત દયાળ છે, હમણાં જોડાયો છે. પછી પેલી વ્યક્તિ તરફ ઈશારો કરતા કહ્યુ આ ચારૂદત્ત વ્યાસ છે, મારા અને મારા જેવા અનેકના ગુરૂ છે, તેઓ જનસત્તામાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. હું કઈ બોલ્યો નહીં, તેમણે મને એક સામટા બે ત્રણ સવાલ પુછી નાખ્યા, તેમાં એક સવાલ હતો ક્યાં રહે છે? મેં કહ્યુ પ્રગતીનગર નારણપુરા. તેમણે કહ્યુ એમ હું વિજયનગર જ રહુ છું, આજે રાત્રે આપણે ઘરે સાથે જઈશુ, મને એકદમ ફાળ પડી.

મને હતું કે ચારૂદત્ત વ્યાસ ના આવે તો સારૂ, કારણ મને કોઈ પણ કારણ વગર તેમનો ડર લાગી રહ્યો હતો, પણ મારા ડરનું કંઈ ચાલ્યુ નહીં. સાડા નવ વાગ્યા હશે મને પટાવાળો બોલાવવા આવ્યો, બહાર ચારૂભાઈ ઉભા છે, બોલાવે છે, હું બહાર આવ્યો મારૂ સ્કુટર કાઢયુ, તેમની પાસે મોટરસાયકલ હતી. અમે બંન્ને ઘર તરફ જવા નિકળ્યા ચારૂભાઈ રસ્તામાં કંઈક બોલ્યા કરતા હતા પણ મને ડર લાગતો હતો તેના કારણે મને તેમની કોઈ વાતમાં રસ ન્હોતો અને સમજાતી પણ ન્હોતી. વિજયનગર આવ્યુ, તેમણે પોતાનું બાઈક ઉભુ રાખ્યુ, મને તેમનું ઘર બતાડ્યુ અને કહ્યુ જો હું અહિંયા રહુ છુ, કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે આવી શકે, ચિંતા કરતો નહીં, અને તે પોતાના ઘર તરફ ગયા મને થયુ હાશ છુટયો, હું મારા ઘરે ગયો, પણ પછી  લગભગ અઠવાડિયામાં બે-ત્રણ વખત તેઓ ઓફિસમાં આવતા હતા. એક દિવસ તેઓ ઓફિસ આવ્યા ત્યારે મારા ચીફ રિપોર્ટર ઘુનિ માંડલીયા મને ખખડાવી રહ્યા હતા. ચારૂભાઈ કંઈ બોલ્યા નહીં, મારી સ્ટોરીમાં કંઈક ભુલ હતી અને અધુરી વિગતો હતી, ત્યારે તો ચારૂભાઈ કંઈ બોલ્યા નહીં પણ રાત્રે ઘરે જતી વખતે મને કહ્યુ ચિંતા કરતો નહીં, એક દિવસ હું પણ તારા જેવો હતો, મને પણ કંઈ આવડતુ ન્હોતુ અને સમજાતુ ન્હોતુ આજે જો. તે દિવસોમાં મેં બીજા પત્રકારો પાસેથી પણ સાંભળ્યુ હતું કે ચારૂભાઈ બહુ ખડુસ પત્રકાર છે, તેમના નામથી પોલીસ, રાજનેતા અને ગુંડાઓ પણ ડરે છે.

(ક્રમશ:)

 અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'