હું પ્રશાંત દયાળ: ભાગ-50: નોકરી શોધવા માટે જ્યારે હું ફરી રહ્યો હતો અને મને નોકરી મળી રહી ન્હોતી ત્યારે મારા અનેક મિત્રો એવુ માનવા લાગ્યા હતા કે હવે હું પત્રકાર તરીકે પુરો થઈ ગયો. તેઓ મારા અંગે આવી ટીપ્પણી કરી રહ્યા હતા તેવી મને ખબર પડતી ત્યારે ખુબ ખરાબ પણ લાગી રહ્યુ હતું. પણ ખરાબ સમય હોય ત્યારે મૌન જ રહેવુ તે મને સમજાઈ રહ્યું હતું. છતાં પોતાની જાતને સમજાવી રહ્યો હતો કે આ ટીકાઓ સાંભળી હું નિરાશ થઈ બેસી જઈશ તો ફરી ક્યારેય લડવા માટે ઉભો થઈ શકીશ નહીં. મારે પોતાનું જ કાઉન્સિલીંગ કરવાનું હતું. હું સતત મને સમજાવી રહ્યો હતો કે આ સમય પણ જતો રહેશે પણ સમય પસાર થાય ત્યાં સુધી મારે મારી જગ્યા ઉપર ઉભા રહેવાનું છે. મે મલ્હાર દવેની કંપનીમાં પંદર હજારનું કામ શરૂ કરી દીધુ હતું. એસીબીના અધિકારીઓ લાંચ લેતા જેમને પકડે તેમની પોસ્ટ હું લખી આપતો હતો. હજી પણ મારે બીજા કામની પણ જરૂર હતી કારણ પંદર હજાર રૂપિયામાં અમારૂ ગુજરાન ચાલે તેમ ન્હોતુ.

મને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ નવજીવનમાં નોકરીની ઓફર કરી છે તેવી જાણકારી મારા પત્રકાર મિત્ર ઉર્વિશ કોઠારીને મળી ત્યારે તેણે મને પુછ્યું કે તને નવજીવન ટ્રસ્ટમાં કામ મળી રહ્યુ છે તો શુ કામ તેમાં જોડાઈ જતો નથી? પહેલા તો મેં તેને કહ્યુ હું નવજીવન ટ્રસ્ટમાં જોડાઈ શુ કરુ? મને તે કામ ફાવશે નહીં. તેણે જ્યારે મને વધુ આગ્રહ કર્યો ત્યારે મેં તેને સ્પષ્ટતા કરતા કહ્યુ તને મારી ટેવોની ખબર છે. આ સંજોગોમાં હું ગાંધીજીના નવજીવન ટ્રસ્ટમાં કામ કરૂ તે મને વાજબી લાગતુ નથી, હું બેવડી જીંદગી જીવવા માગતો નથી. તે હસવા લાગ્યો, તેણે મને સમજાવ્યુ કે વાંક તારો નથી, ગાંધીવાદી લોકોનો છે, તેમણે મહાત્મા ગાંધીને ઈશ્વરનો દરજ્જો આપી દીધો જેના કારણે તારા અને મારા જેવા સામાન્ય માણસો તેમનાથી દુર થઈ ગયા. તને લાગે છે કે જ્યારે તું મહાત્મા ગાંધી જેવુ જ જીવતો થઈશ ત્યારે જ તું નવજીવનમાં કામ કરીશ.  

ઉર્વિશ કોઠારીએ મને કહ્યુ તારી અંદર પણ એક ગાંધી છે. હું તેની વાત સમજ્યો નહીં. તેણે મને પ્રશ્ન પુછ્યો કે તે પગાર પંચના મુદ્દે લડાઈ શરૂ કરી તેમાં તને કોઈ ફાયદો થવાનો હતો? મેં કહ્યુ ના મારા સાથી પત્રકારો માટે મે લડાઈ કરી. તેણે કહ્યું બરાબર ગાંધીએ પણ તેવુ જ કર્યુ હતું. તેમણે બીજા માટે લડાઈ કરી હતી, તે પોતાની ધીકતી વકીલાત પ્રેક્ટિસ છોડી લડાઈમાં કુદી પડ્યા હતા. તે પણ તેવુ જ કર્યુ. એટલે તારી અંદર પણ ગાંધી જીવે છે,  વિચાર કર્યા વગર નવજીવન ટ્રસ્ટમાં જોડાઈ જા. મેં મનમાં અનેક શંકાઓ સાથે નવજીવનમાં જોડવાનો નિર્ણય હતો. અનેક પ્રશ્નના ઉત્તર બાકી હતા પણ વિવેક દેસાઈએ કહ્યુ કે ચિંતા કર્યા વગર આવી જા. મહિનાઓ પછી સમજાયુ કે જે સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજી ખુદ હોય ત્યારે મારે ભાગે ખાસ કઈ કરવાનું ન્હોતુ. છતાં મે મારી અંદરના ગાંધીને યથાવત રાખવા નવજીવનનો સહારો લીધો.

નવજીવનનું કામ તો શરૂ થયુ પણ જીવ તો પત્રકારનો હતો. લખ્યા વગર કેવી રીતે જીવીશ તેવો પ્રશ્ન હતો. ત્યારે બીબીસી હિન્દી ભારતના વડા નિધીશ ત્યાગીનો ફોન આવ્યો. તેઓ ભાસ્કરમાં મારા એડિટર રહી ચુક્યા હતા. તેમણે મને કહ્યુ જો હું ઈચ્છુ તો બીબીસી હિન્દી માટે કામ કરી શકુ છું. હમણાં સુધી અખબાર માટે લખતો હતો હવે પહેલી વખત વેબપોર્ટલ માટે લખવાની શરૂઆત કરી હતી અને તે પણ હિન્દીમાં. એક નાનકડી શરૂઆત હતી કારણ મારે મારુ ઘર ચલાવવા માટે સરવાળો પુરો કરવાનો હતો. પચાસ વર્ષની ઉંમરે એક અલગ પ્રકારના પત્રકારત્વની શરૂઆત હતી. હવે ઘર ચાલી શકે એટલી વ્યવસ્થા તો થઈ હતી.ચોમાસુ શરૂ થઈ ગયુ હતું. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મારા ગાંધીનગર સ્થિત પત્રકાર મિત્ર અનિલ પુષ્પાંગદનનો ફોન આવ્યો, તેણે કહ્યુ અમે પીસી પોઈન્ટ મળીએ. અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં એક ચ્હાની કીટલી છે જેને પીસી પોઈન્ટ તરીકે ઓળખાય છે જ્યાં પત્રકારો અને કલાકરો સહિત વિવિધ ક્ષેત્રના સ્ટ્રગલર્સ ભેગા થાય છે.

અનિલ મને મળવા માટે આવ્યો, તેણે મને પુછ્યું કે મારા એક મિત્ર રોકાણ કરવા માગે, તેમને વેબપોર્ટલ શરૂ કરવુ છે તમે જવાબદારી લેવા તૈયાર છો..? મને લખવા સિવાય વેબપોર્ટલ ચલાવવાનો કોઈ જ અનુભવ ન્હોતો. હું વિચારમાં પડ્યો.. મેં વિચાર કરીને કહ્યુ ચાલો પ્રશાંત દયાળનું ડિજીટલ રૂપાંતરણ પણ કરી જોઈએ. આ ઘટના સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર ફોન કરવા અને ફોન રિસિવ કરવા પુરતો જ હતો અને લાંબી મિટીંગ્સ અને મહિના પછી મેરાન્યૂઝ ડોટ કોમનો જન્મ થયો.

મને લાગે છે કે અહિયા મારે ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીને વિરામ આપવો જોઈએ. જ્યારે આ લખતો હતો ત્યારે ઘણા મિત્રો મને હું આત્મકથા લખી રહ્યો છું તેવુ પુછી રહ્યા હતા પણ આ આત્મકથા નથી મારી પત્રકાર તરીકે સફરના કેટલાંક અંશો છે. મારી ભુલોની કબુલાતનો થોડોક પ્રયાસ છે. મારી સફર દરમિયાન જેમના કારણે મને માઠું લાગ્યુ તેમની ટીકા કરી પરંતુ તેમનું અપમાની કરવાની ભાવના પણ મારા મનમાં ઉંડે ઉંડે ક્યાંય નથી. છતાં સંભવ છે કે તેમને ઠેસ પહોંચી છે તો હું દિલગીર છું. શક્ય ત્યાં સુધી જાત સાથે પ્રામાણિક રહેવાનો પ્રયત્ન કર્યો છે તો પણ મને ખબર છે ગાંધીજી જેટલું પ્રામાણિક અને સાચુ બોલવાની હિમંત મારી અંદર નથી.

સફરમાં જેમણે મને બળ પુરૂ પાડ્યુ તેમનો આભાર., કદાચ જેમના નામનો ઉલ્લેખ રહી ગયો તેઓ પણ મારા હ્રદયમાં છે. આપણે મળતા રહીશું રોજ.

આભાર,

તમારો પ્રશાંત દયાળ

(સમાપ્ત)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણી તમામ ભાગ વાંચવા અહીં ક્લિક કરો.