પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-5): પહેલા તો ચરાડાથી છોડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બાપુએ ધારાસભ્યો રાખવા માટે જે મદદ માંગી હતી તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ હતા. બાપુએ મધ્યપ્રદેશના ભોપાલમાં તેમના કાર્યાલયમાં ફોન કરી તેમને સંદેશો મુક્યો હતો. દિગ્વિજયસિંહ શંકરસિંહથી સારી રીતે પરિચીત હતા. બાપુ સાંસદ પણ હતા જેના કારણે ઘણી વખત રાજકીય કારણસર બંન્ને એકબીજાને દિલ્હીમાં મળતા હતા. દિગ્વિજયસિંહને રાજકીય સ્વાર્થ પણ હતો. ગુજરાતમાં કોંગ્રેસની સરકારને પાડી ભાજપ સત્તા ઉપર આવ્યું હતું અને ભાજપની સરકાર છ મહિનામાં જ તુટી જતી હોય તો બાપુને મદદ કરવાનું રાજકીય પુણ્ય પણ મળવાનું હતું. ગુજરાતમાં જે થઈ રહ્યું હતું તેની તરફ દેશ આખાના રાજકારણીઓની નજર હતી, જ્યારે દિગ્વિજય સિંહને તેમના અંગત સચિવે જાણકારી આપી કે બાપુનો ફોન હતો તે વાત કરવા માગે છે એટલે તરત થોડીવારમાં બાપુને સામેથી દિગ્વિજયસિંહે ફોન કર્યો.

બાપુએ મુળ વાત ઉપર આવતા મદદ માંગી અને કહ્યું મારા ધારાસભ્યો માટે રાજકીય આશ્રય જોઈએ છે. એક ક્ષણનો વિચાર કર્યા વગર દિગ્વિજયસિંહે કહ્યું મધ્યપ્રદેશ આવી જાઓ ખજુરાહોમાં તમામ વ્યવસ્થા થઈ જશે. બાપુને પણ કલ્પના ન્હોતી કે આટલી જલદી મદદ મળશે. હવે પ્રશ્ન એવો હતો કે તમામ ધારાસભ્યોને 5મી ઓકટોબર સુધી ગુજરાત બહાર લઈ જવાના હતા. તે માટે ફ્લાઈટથી લઈ તેમને ખજુરાહોમાં રાખવા સહિત જ્યાં વેરવા પડે ત્યાં ખુબ મોટી રકમની જરૂર પણ હતી. 5મી ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલને વિશ્વાસનો મત લેવાનો હતો, તેના કારણે તેમને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે ભારત પાછા ફરો.

મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ હતા, સામાન્ય રીતે મોટા ઉદ્યોગગૃહોને રાજ્ય અને કેન્દ્ર સરકારની જરૂર પડતી હોવાને કારણે તેઓ સત્તાધારી પક્ષ સાથે જ રહેતા હોય છે પણ કોઈ અગમ્ય કારણસર કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને કેશુભાઈ સાથે વાંધો પડ્યો હતો. તેના કારણે તેમણે બાપુને આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી હતી.

તેવી જ રીતે મુળ કચ્છના અને બાપુના મિત્ર મુંબઈમાં સ્થાયી થયેલા દામજી એંકરવાલા જેમનો એંકર સ્વીચનો મોટો કારોબાર છે તેમણે બાપુને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. આમ પૈસા અને ગુજરાત બહાર જવાની વ્યવસ્થા થઈ ગઈ હતી, તેના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ખજુરાહો જવા માટે દમણીયા એરલાઈન્સનું વિમાન આવીને ઊભું હતું. હવે ચરાડા છોડવાનું હતું પણ બહાર ટોળા હતા. બાપુના સચિવ હર્ષદ બ્રહ્મભટ્ટે રાજ્યપાલ નરેશ ચંદ્રને ફોન કરી પોલીસ રક્ષણ આપવાની વિનંતી કરતા મહેસાણાના ડીએસપી જી. કે. પરમાર અને પાટણના ડીએસપી સંજીવ ભટ્ટ ચરાડા પહોંચી ગયા હતા. હવે પરમાર અને ભટ્ટને રાજ્યપાલનો આદેશ માનવાનો હતો. આ બંન્ને અધિકારીઓ હર્ષદ બ્રહ્મભટ્ટને મળ્યા, તે પોતાના ધારાસભ્યોને લઈ ક્યાં જવા માગે છે તેની જાણકારી માંગી હતી ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા.

હર્ષદ બ્રહ્મભટ્ટે પોતાના ધારાસભ્યો સાથે રાજ્યપાલના બંગલે જ માગે છે તેવી જાણકારી આપી હતી. પોલીસ રક્ષણ હેઠળ તમામ ધારાસભ્યોને લક્ઝરી બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ધારાસભ્યોએ જ્યારે પુછ્યું ત્યારે તેમને જાણકારી આપવામાં આવી કે આપણે રાજ્યપાલ પાસે જઈએ છીએ. આગળ પાછળ પોલીસ કોન્વેયમાં આખો કાફલો ચરાડાથી નિકળ્યો. ધારાસભ્યોના કોન્વેયનું પાઈલોટીંગ ડીવાયએસપી ચંપાવત કરી રહ્યા હતા. હર્ષદભાઈ તેમની જ કારમાં બેઠા હતા. સૌથી છેલ્લી કાર ડીએસપી સંજીવ ભટ્ટની હતી. કોન્વેય વાસણ પહોંચ્યો અને એકદમ રોકાઈ ગયો, ત્યારે બાપુ ગામમાંથી બહાર આવ્યા અને તેઓ સંજીવ ભટ્ટની કારમાં ગોઠવાઈ ગયા, બાપુએ પણ સંજીવ ભટ્ટને જાણકારી આપી કે તેઓ રાજ્યપાલને મળવા જાય છે. ખરેખર પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય અંધારામાં હતા તેમને ખબર જ ન્હોતી તે ક્યાં જઈ રહ્યા છે. જ્યાં સુધી પોલીસ અધિકારીઓનો સવાલ હતો ત્યાં સુધી ધારાસભ્યોને રક્ષણ આપવાના રાજ્યપાલના આદેશનું તેઓ પાલન કરી રહ્યા હતા.

ભાજપ સરકારની વ્યક્તિગત અને ઈન્ટેલીઝન્સ વિભાગને પુરી નિષ્ફળતા મળી હતી. પોલીસ કોન્વેય મંત્રીમંડળ નિવાસ સ્થાન પાસેથી પસાર થઈ ગયો છતાં કોઈને ગંધ સુધ્ધા આવી નહીં, પણ રાજ્યપાલ ભવન આવતા બાપુ અને હર્ષદ બ્રહ્મભટ્ટે પોલીસ અધિકારીઓને કહ્યું હવે સાંજ થઈ ગઈ છે. રાજ્યપાલે આપેલો સમય પુરો થઈ ગયો છે. હવે તેમને અત્યારે મળી શકાય નહીં, પણ તમામ ધારાસભ્યોને એરપોર્ટ પાસે આવેલી હોટલ તાજમાં રાત્રી રોકાણ કરાવવાનું છે. તેઓ હોટલ તાજ જવા માગે છે. તેથી પોલીસ કોન્વેય ફરી આગળ વધ્યો, ધારાસભ્યોને બીજી સૂચના મળી કે તે આજે રાત્રે હોટલ તાજમાં રોકાણ કરશે. ધારાસભ્યો અને પોલીસ અધિકારીએ તેમની વાત માની લીધી અને કોન્વેય અમદાવાદ હોટલ તાજ તરફ આગળ વધ્યો હોટલ તાજ અને એરપોર્ટ વચ્ચે માંડ બે કિલોમીટરનું જ અંતર છે પણ બાપુ પોલીસ અને ધારાસભ્યોને ક્યાં જઈ રહ્યા છે તે કહેવા માગતા ન્હોતા.

હોટલ તાજ તરફ કોન્વેય વળે તે પહેલા હર્ષદ મહેતાએ પોલીસને કહ્યું કે હવે તેઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ સામે રજૂઆત કરવા જવા માગે છે. માટે તેમને એરપોર્ટ લઈ જવામાં આવે. હવે પોલીસ અધિકારીને શંકા જવા લાગી હતી, પણ કઈ સમજાતું ન્હોતુ. રાજ્યપાલનો હુકમ હોવાને કારણે વધારે કઈ કરવાનું પણ ન્હોતુ તમામ ધારાસભ્યો સાથે બસ એરપોર્ટ ઉપર પહોંચી ત્યારે ડીએસપી સંજીવ ભટ્ટનું ધ્યાન એરપોર્ટના રનવે ઉપર ઊભા રહેલા દમણીયા એરલાઈન્સના ચાર્ટડ વિમાન તરફ ગયું અને તેઓ સમજી ગયા, તેમણે પોતાની નારાજગી અને ગુસ્સો પણ વ્યકત કર્યો પણ બીજુ કરી પણ શું શકે. ધારાસભ્યો બસમાંથી ઉતરી રનવે તરફ જતી બસમાં બેઠા, તેઓ માની રહ્યા હતા કે હવે તેઓ દિલ્હી જઈ રહ્યા છે.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં