હું પ્રશાંત દયાળ: ભાગ-5: જીંદગીની પહેલી નોકરી હતી, તે પણ વગર પગારની, ઘરની બહાર નિકળી કામ માટે એકદમ અજાણ્યા લોકો, અજાણી જગ્યા અને અજાણ્યા કામનો અનુભવ હતો તેના કારણે મનમાં એક અજાણી બીક પણ લાગતી હતી. મારા જે ચીફ રિપોર્ટર ધુની માંડલીયા  હતા, તે ગુજરાતના બહુ જાણિતા કવિ હતા. ભાષા ઉપર તેમની ગજબની પકડ હતી, તે ફાઉન્ટેન પેનથી લખતા હતા. તે જમાનામાં પહેલી વખત કોઈ રિપોર્ટીંગ કરવા આવે ત્યારે તેને સૌથી સહેલુ અને સૌથી નાનું કામ એટલે અવસાન નોંધ, ધાર્મિક કાર્યક્રમની નોંધ લખવાનું કામ સોંપવામાં આવતુ હતું. ઘુની માંડલીયાએ ચંદ્રકાંતને કહ્યુ હવે તારૂ કામ પ્રશાંત કરશે, તેને કામ બતાડી શીખવાડી દેજે. ચંદ્રકાંત ભલો માણસ હું સ્ટૂલ લઈ તેના ટેબલ ઉપર બેઠો તે મને અવસાન નોંધ, બેસણુ , નીરંજન ભગતના ભજન જેવા કાર્યક્રમો કેવી રીતે લખવા તે શીખવાડવાની શરૂઆત કરી. હું આવ્યો તેના કારણે ચંદ્રકાંત આપો આપ સિનિયર થઈ ગયો. હવે આખા પ્રેસમાં હું જુનિયર હતો. બીજા દિવસે ઓફિસ આવી હું મેં લખેલી અવસાન નોંધ જોઉ ત્યારે ખુબ મોટુ કામ કર્યુ હોય તેવો આનંદ થતો હતો. મારી લખેલી કોપી ધુનિ માંડલીયા તપાસતા, તેઓ મારી લખેલી કોપી ઉપર તેમની પેન વડે આડા લીટા પાડે ત્યારે મને લાગતુ કે મારા હ્રદય ઉપર લીટા પડી રહ્યા છે અને પછી તે ગુસ્સે થઈ મારી કોપી એક ટેબલ ઉપર પડેલા થેલામાં ભરાવી દેતા હતા. મારી કોપી ઉપર આડા લીટા કરવાનો અર્થ મેં બધુ જ ખોટુ લખ્યુ છે, મને બહુ દુખ થતુ, માંડલીયા સાહેબ મેં ખોટુ લખ્યુ અને મને લખતા નથી આવતુ તેવુ બરાડીને બધાની સામે કહેતા, પણ શુ ખોટુ લખ્યુ છે અને કેવી રીતે લખવુ જોઈએ તે કહેતા ન્હોતા, જેના કારણે મને કંઈ જ ખબર પડતી ન્હોતી. મારામાં ત્યારે હિમંત પણ ન્હોતી કે હું તેમને કંઈક સવાલ પુછુ, તેના કારણે હું અંદરથી ધ્રુજી જતો હતો.

જયેશ ગઢવી મારા કરતા ઉમંર અને પત્રકારત્વમાં સિનિયર હોવા છતાં તેની સાથે મારે મિત્રતા થઈ ગઈ હતી. ઓફિસ છુટી જાય અને બધા ઘરે જતા રહે પછી હું જયેશ ગઢવી સામે રડી પડતો હતો, તે મને સાંત્વના આપતો અને કહેતો કે તને કામ આવડી જશે. હું જે કોલેજમાં પત્રકારત્વ ભણ્યો હતો તે અહિયા કામ જ આવતુ ન્હોતુ, તેનું કારણ એવુ હતું કે પહેલા તો કોઈ પત્રકાર ત્યાં ભણાવવા આવતા ન્હોતા. જે આવતા હતા તે પ્રોફેસરને અખબારમાં કામ કરવા સાથે કોઈ સંબંધ ન્હોતો. મારી હાલત તો સ્વીમીંગ કેવી રીતે કરવુ તેના થીયરીના પુસ્તક વાંચ્યા પછી સ્વીમીંગ પુલમાં ફેંકી દેવામાં આવ્યા હોય તેવી હતી. હવે મારે હું પત્રકારત્વની કોલેજમાં જે ભણ્યો હતો તે ભુલવાનું હતું. કારણ મારી ડિગ્રી મને કોઈ મદદ કરી રહી ન્હોતી, તેના કારણે હું જે ભણ્યો હતો તે ભુલવામાં મને છ મહિના લાગી ગયા. મારે નવેસરથી અહિંયા પત્રકારત્વનો એકડો પાડવાનો હતો. મેં શરૂઆત તો કરી હતી પણ હજી મારા કામમાં ગતી આવતી ન્હોતી, કારણ મને ટપ્પી જ પડતી ન્હોતી. એક દિવસ ધુનિ માંડલીયાએ મને પ્રેસનોટનો એક થપ્પો આપી કહ્યુ એક કોમન ઈન્ટ્રો કાઢી બધી પ્રેસનોટમાંથી થોડાક મુદ્દા લઈ એક આઈટમ બનાવી દે. હવે મેં મારી જીંદગીમાં ઈન્ટ્રો કોને કહેવા તે શબ્દ જ પહેલી વખત સાંભળ્યો હતો, પણ મારી હિમંત થઈ નહી કે ઈન્ટ્રો કોને કહેવાય અને કેવી રીતે લખાય. હું પ્રેસનોટ લઈ લખતો, માંડલીયા સાહેબને બતાડતો અને તે કાગળ સ્પાઈક કરી કહેતા ફરી લખો. લગભગ બે કલાક સુધી એક આઈટમ લખવાની મથામણ કરતો રહ્યો, પણ મારો મેળ પડ્યો નહીં. આખરે ધુનિ માંડલીયાનો પીત્તો ગયો તે મારી ઉપર બરાડી ઉઠ્યા એક આઈટમ સરખી રીતે લખી શકતો નથી, હું રડવાની જ તૈયારીમાં હતો ત્યારે ભાર્ગવ પરીખની એન્ટ્રી થઈ. ભાર્ગવની ત્યાં અવજવર હતી તેના કારણે મને ખબર હતી કે એ પત્રકાર છે અને જન્મભુમી અખબારમાં કામ કરે છે. ભાર્ગવ પરીખના પિતા નીરંજન પરીખ પણ અખબારમાં હતા અને યુનિયન પણ ચલાવતા હતા. પત્રકારોને તે જમાનામાં સારો કહેવાય તે પગાર મળવા લાગ્યો તે નીરંજન પરીખને કારણે હતો. ભાર્ગવ જેવો અમારા રિપોર્ટીંગ સેક્શનમાં આવ્યો ત્યારે માંડલીયા સાહેબનું મને ખખડાવવાનું ચાલુ હતું. ભાર્ગવે મારી સામે જોયુ,  તે સ્થિતિ સમજી ગયો, તે મારી પાસે આવ્યો અને તેણે કહ્યુ લાવ હું તને શીખવાડુ કે ઈન્ટ્રો કેવી રીતે લખી શકાય અને તેણે મને માંત્ર પાંચ જ મિનીટમાં ઈન્ટ્રો શીખવાડી દીધો. જે કામ મને મારી કોલેજ એક વર્ષમાં અને ધુનિ માંડલીયા મને છ મહિનામાં ના શીખવાડી શક્યા તે મને ભાર્ગવે એકદમ સરળ અને તે પણ પાંચ મિનિટમાં શીખવાડી દીધુ,.ભાર્ગવ પરીખ મારા માટે આ પહેલી અજાણી મદદ હતી.

મને જેમ અહિંયા લાગ્યુ કે કોલેજનું શિક્ષણ કોઈ કામમાં આવ્યુ નહીં તેવુ મને બાળપણથી લાગતુ હતું કે સ્કૂલમાં હું જે ભણુ છું તે મને કોઈ કામમાં આવવાનું નથી. ન્યુટને સફરજન નીચે કેમ પડે છે તેનું કારણ શોધી કાઢ્યું હવે મારે તેમાં શુ કામ મહેનત કરવી જોઈએ. મને લાગતુ હતું કે પૈસા ગણી શકાય એટલુ ગણિત આવડે અને કોઈની સાથે વાત કરી શકુ એટલી ભાષા આવડે તો જગ જીતી જવાય. બીજા કોઈ વિષય ભણવાની જરૂર નથી પણ મારા મમ્મી-પપ્પાને એવુ લાગતુ કે મને ભણવામાં કોઈ રસ નથી અને તેઓ મને સતત ભણવા માટે આગ્રહ કરી રહ્યા હતા. તેઓ મને ઠપકો આપતા ત્યારે ગુસ્સો આવતો હતો. આઠમાં ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યુ ત્યારે મને વિચાર આવ્યો કે આજે પાછી ઘરે માથાકુટ થશે પણ મને આઠમાં ધોરણ સુધી ખબર ન્હોતી કે કેટલા માર્ક મળે તો આપણે પાસ થઈએ. મેં મારી બાજુમાં બેઠેલા છોકરાને પુછ્યુ પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ? તેણે મારી સામે જોયા વગર જવાબ આપ્યો 35 માર્ક. મે પ્રગતીપત્રકમાં જોયુ, મને આનંદ અને આશ્ચર્ય બંન્ને થયા કારણ પાસ થવાય એટલા માર્ક તો મને આવતા જ હતા. હું ઘરો ગયો. જો કે મમ્મી પપ્પા તો સાંજે નોકરીથી આવતા હતા,  સાંજે પપ્પા આવ્યા ત્યારે મેં એવરેસ્ટ સર કર્યો હોય તેવી રીતે દફતરમાંથી પ્રગતીપત્રક કાઢી તેમના હાથમાં મુક્યુ અને કહ્યુ લો તમે મને વઢ્યા કરો છો કે હું ભણતો નથી, લો પાસ તો થઈ જાઉ છું. તેમણે પ્રગતીપત્રક ધ્યાનથી જોયુ અને મારા ગાલ ઉપર એક તમાચો મારી દીધો, હું સુન્ન થઈ ગયો, પાસ થયો તો પણ કોઈ પપ્પા પોતાના છોકરાને મારે, હું કંઈ પુછુ તે પહેલા તેમણે એકદમ શાંતિથી કહ્યુ બેટા પાસ થવા માટે દરેક વિષયમાં 35 માર્ક હોવા જોઈએ પણ તારે તો બધા વિષયના મળી 35 માર્ક થાય, તારે ગણિતમાં પાંચ, વિજ્ઞાનમાં સાત આમ સાત વિષયના મળી 35 માર્ક થતાં હતા, મને પહેલી વખત ખબર પડી કે દરેક વિષયમાં 35 માર્ક જોઈએ, પણ મને પડેલી થપ્પડનો હું બદલો લેવાનો હતો.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4:  હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું