પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (રવિ પુજારી -ભાગ-5): અંડરવર્લ્ડની દુનિયાના નિયમો જુદા હોય છે છતાં તેમની અંદર પણ ભરપુર પ્રમાણમાં રાજકારણ હોય છે, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય તેવું અંડરવર્લ્ડમાં પણ થતુ હોય છે, મુંબઈમાં સાવ નવા છોકરા તરીકે રવિ પુજારી બે ટંકનો રોટલો રળવા માટે કર્ણાટકના નાના ગામમાંથી આવ્યો અને ત્યારે તેના હાથે એક ખુન થઈ ગયું, જેલમાં ગયેલા રાજનને રવિ પુજારીમાં દમ લાગ્યો અને તેણે રવિને જેલમાંથી છોડાવી પોતાની ગેંગમાં સામેલ કરી દીધો હતો. રવિ માટે આ આખી ઘટના કોઈ ચમત્કાર જેવી હતી, ત્યાર પછી 1993માં જ્યારે મુંબઈ બ્લાસ્ટ થયા અને જયારે આ બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહીમે કરાવ્યા હોવાની જાણકારી રાજનને થઈ અને જે રીતે રાજને દાઉદનો સાથ છોડી દીધો જેના કારણે રવિના મનમાં રાજન માટે માન હતું તેના કરતા વધુ માન થયુ હતું. તે માત્ર તેનો અંડર વર્લ્ડનો બોસ જ નહીં તે તેના માટે ભગવાન કરતા પણ વિશેષ હતો.

રાજનને રવિ પુજારી પોતાનો ભગવાન માની રહ્યો છે તે રાજનને બરાબર ખબર હતી. જેના કારણે રાજનન આદેશ કરે તેની સાથે બંદુકની ગોળી જે ઝડપે પસાર થાય તે ઝડપે રવિ પુજારી રાજનના આદેશનું પાલન કરતો હતો. જેનો રાજન ભરપુર ફાયદો ઉપાડી રહ્યો હતો આવું રાજન માત્ર રવિ પુજારી સાથે કરતો હતો તેવું ન્હોતુ તે ગેંગના બીજા સભ્યો સાથે પણ આવુ જ કરતો હતો, પણ જેની કોઈને ખબર પડતી ન્હોતી. છોટા રાજનનો ગુરૂ દાઉદ ઈબ્રાહીમ રહ્યો હતો, તે દાઉદ પાસેથી શીખ્યો હતો કે અંડરવર્લ્ડ પણ એક ધંધાની જેમ જ ચલાવવું જોઈએ. એટલે દાઉદ પોતાની ગેંગને ડી કંપની કહેતો હતો. મુંબઈના અંડરવર્લ્ડમાં દાઉદના આગમન પછી ગેંગસ્ટર્સ ગેંગ, ધંધા અથવા કંપનીની જેમ ચલાવી રહ્યા હતા, રવિ પોતાના ભગવનાની રમતથી અજાણ હોવાથી તે માની રહ્યો હતો કે રાજનનો દુશ્મન તે પોતાનો પણ દુશ્મન છે. જેના કારણે તે દાઉદના એક એક માણસથી નફરત કરતો હતો.

2005ના અરસામાં છોટા રાજન તરફથી આદેશ મળ્યો કે દાઉદ ઈબ્રાહીમ ગેંગનો અને સુભાષસિંહ ઠાકુરનો ખાસ અનીલને ખતમ કરી દેવામાં આવે. બસ આદેશ થયો અને રવિ પુજારીએ અનીલને ખતમ કરી નાખ્યો, અનીલ ખતમ થયો તેના કારણે સૌથી વધુ ગુસ્સે સુભાષસિંહ ઠાકુર થયો હતો. સુભાષ માટે અનીલ તેનું સર્વસ્વ હતો. અનીલની હત્યા કોણે કરી તેનો પોલીસ તાળો મેળવી રહી હતી, પણ સુભાષ સમજી ગયો હતો કે અનીલને મારવાનું કામ છોટા રાજન સિવાય કોઈ કરાવી શકે નહીં. સુભાષસિંહ ઠાકુરે રાજનને ફોન કરી ધમકી આપી કે તે હવે આ ઘટનાની કિંમત ચુકવવા માટે તૈયાર રહે છે. આમ તો છોટા રાજનથી દાઉદ ઈબ્રાહીમ ડરતો હતો, પણ સુભાષસિંહના ફોન પછી રાજન ધ્રુજી ગયો હતો. અનીલની હત્યા રવિ પુજારીએ કરી છે તે વાત માત્ર રાજન જ જાણતો હતો, સુભાષને ખબર ન્હોતી કે અનીલનું કામ રવિએ પુરૂ કર્યું છે.

અનીલની હત્યાની ઘટના પછી રવિના કાન ઉપર કઈક જુદી જ વાતો આવવાની શરૂઆત થઈ હતી, આ વાતો રાજન ગેંગના સભ્યો જ રવિને કહી રહ્યા હતા. રવિને જે લોકો ચેતવી રહ્યા હતા તેમના કહેવા પ્રમાણે રાજન ઉપર લાંબો સમય ભરોસો કરી શકાય તેમ નથી, કારણ રાજન હવે પહેલા જેવો રાજન થયો નથી. તે પોતાના સ્વાર્થ માટે આપણી જીંદગી પણ દાવ ઉપર લગાડી શકે છે, પણ રવિ તે વાત માનવા તૈયાર ન્હોતો. 1993 પહેલા રાજનને જેમ દાઉદ ઉપર આંધળો ભરોસો હતો કે દાઉદ બ્લાસ્ટ કરવા જેવું હલકુ કામ કરી શકે નહીં તેવું રવિ માની રહ્યો હતો કે રાજન તેની સાથે કોઈ રમત રમે નહીં અને દગો પણ આપી શકે નહીં, પણ જેમ રાજને દાઉદે દગો આપ્યો તેવું પુનરાવર્તન હવે રવિ પુજારી સાથે થઈ રહ્યુ હતું. અનીલની હત્યા રવિએ કરી છે તેની જાણકારી રાજન સિવાય કોઈને પાસે ન્હોતી પણ એક સાંજે રવિ ઉપર સુભાષસિંહ ઠાકુરનો ફોન આવ્યો જ્યારે સુભાષે તેને અનીલની હત્યા તે જ કરી છે તેવું કહ્યું ત્યારે રવિ સ્તબ્ધ થઈ ગયો કારણ આ જાણકારી સુભાષસિંહ સુધી પહોંચી કેવી રીતે તે ખબર પડતી ન્હોતી.

આ દરિમાયન મુંબઈ પોલીસને જાણકારી મળી કે છોટા રાજન અને રવિ પુજારી અલગ થઈ ગયા છે પણ આ માહિતી ચોક્કસ છે અને ક્યાં કારણે અલગ થયા તેની કોઈ જાણકારી ન્હોતી. આ માહિતીની ખરાઈ કરવા મુંબઈ પોલીસનો ટેકનીકલ સ્ટાફ કામે લાગી ગયો. મુંબઈ પોલીસને ખબર હતી કે રવિ આ ઘટનાનો ગુસ્સો કોઈ સામે વ્યકત કરશે જેના કારણે રવિનો જેમની સાથે પણ સંપર્ક હતો તે તમામના ફોન સર્વેલન્સમાં મુકાઈ ગયા હતા. આ દરિમયાન એક બિલ્ડરનો ફોન રવિ પર આવ્યો અને રવિ તથા બિલ્ડર વચ્ચેના જે સંવાદો થયા તેના કારણે આખી ઘટના સ્પષ્ટ થઈ ગઈ હતી.

જેમાં અનીલની હત્યા પછી જ્યારે સૂભાષસિંહે ફોન કરી રાજનને ધમકી આપી ત્યારે ડરી ગયેલા રાજને સુભાષસિંહને કહ્યું કે, અનીલની હત્યામાં તેનો કોઈ હાથ નથી અને હત્યા તો રવિ પુજારીએ તેના અંગત કારણસર કરી છે અને રાજને આ હત્યા માટે દુઃખ વ્યકત કરી અનીલના પરિવાર માટે 25 લાખ સુભાષસિંહને મોકલી આપ્યા હતા.

આમ અનીલની હત્યા રાજનના ઈશારે થઈ હોવા છતાં રાજને સુભાષ સાથે મિત્રતા ચાલુ રાખી દોષનો ટોપલો રવિના માથે ઢોળી દીધો. હવે રવિ અને સુભાષ સામ-સામે આવી ગયા હતા. આ ઘટનાને કારણ રવિએ રાજનનો સાથ છોડી હવે પોતાની નવી ગેંગ બનાવવાની શરૂઆત કરી હતી. ગત હપ્તામાં વડોદરાના નદીમ મીસ્ત્રીનો ઉલ્લેખ આવ્યો ત્યારે વડોદરા સ્થિત તેના પરિવારના સભ્યોએ જાણકારી આપી હતી કે નદીમનું ડીસેમ્બરમાં બીમારીને કારણે અવસાન થઈ ગયુ હતું અને તેની સામે જેટલા પણ કેસ હતા તે તમામ કોર્ટે તેમને છોડી મુકયા હતા. આમ રાજન અને દાઉદની લડાઈમાંથી નદીમની વિદાઈ થઈ હતી પણ હવે રવિ અને રાજન સામ-સામે આવી ગયા હતા.

(ક્રમશ:)