હું પ્રશાંત દયાળ-ભાગ-49: અમદાવાદ આવ્યા પછી કામની શોધમાં જે પ્રકારના અનુભવ થઈ રહ્યા હતા તેના કારણે મન દુખી હતું. જેઓ મારા છે અને મારી સાથે ઉભા રહેશે તેવો ભરોસો હતો તેઓ જ મારાથી મોંઢુ સંતાડી રહ્યા હતા અને જેમની પાસે અપેક્ષા ન્હોતી તેવા મિત્રો મારી ચિંતા કરતા અને તેમનાથી શક્ય એટલી મદદ કરવા તત્પર રહેતા હતા. વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો મારો મિત્ર ઈલેશ પટેલ આમ તો ભાજપમાં હોવા છતાં તેણે મારી મિત્રતા તેને નુકશાન કરશે તેવી ક્યારેય પરવા કરી નથી. તેણે પણ એક અખબારના માલિક જે તેનો મિત્ર હતો અને તે અખબાર માલિક જ્યારે અખબારના માલિક બન્યા ન્હોતા ત્યારે તેમની એક મુશ્કેલીમાં ઈલેશના કહેવાથી મેં તેને મદદ કરી હોવાને કારણે ઈલેશનો ભરોસો હતો કે તે મને ચોક્કસ કામ આપશે. પરંતુ મારી ઈલેશ અને પેલા અખબાર માલિકની મિટિંગ થઈ ત્યારે તે અખબાર માલિકને તો યાદ જ ન્હોતુ આવી રહ્યુ કે તેની મુશ્કેલ ઘડીમાં હું તેની સાથે ઉભો હતો. આમ મારી અને ઈલેશની સ્થિતિ સરખી હતી. આ અખબાર માલિક પણ મને નોકરી આપવા તૈયાર થયો નહીં.

ઈલેશ આમ ધાર્મિક પ્રકૃત્તિનો માણસ. એક દિવસ તેણે મને કહ્યુ એક જૈન શાસ્ત્રના વિદ્યાવાન બહેન છે. જેમનું નામ શ્રીસવા અમીબહેન મોદી છે. કદાચ તેઓ આપણને કંઈક મદદ કરી શકે. સતત મળી રહેલી નિષ્ફળતાઓને કારણે હું ઈલેશની લાગણીને કારણે અમીબહેન મોદીને મળવા તૈયાર થઈ ગયો. અમીબહેન જ્યોતિષ વિદ્યામાં પારંગત ગણાય છે. અમે તેમને મળવા અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ગયા. અમે ત્યાં પહોંચ્યા અને અમી બહેને મારો હાથ જોયા પછી ગંભીરતાપુર્વક તેઓ મારી સામે જોઈ રહ્યા. મારી અને ઈલેશની નજર તેમના તરફ હતી. થોડોક વિચાર કરી તેમણે મને કહ્યુ પ્રશાંતભાઈ મને દેખાઈ રહ્યુ છે કે તમને કોઈ અખબાર માલિક કામ આપશે નહીં કારણ હવે તમને નોકરી મળે તેવા કોઈ સંજોગ દેખાતા નથી. હું સ્થિર થઈ ગયો. મનમાં નોકરી મળશે તેવી છેલ્લી આશા હતી તે પણ હવે દેખાતી બંધ થઈ ગઈ હતી પણ તેમણે અમે ઉભા થઈ રહ્યા હતા ત્યારે કહ્યુ નોકરી ભલે મળે નહીં પણ તમારૂ કોઈ કામ અટકશે નહીં. મને બહુ વિચિત્ર લાગી રહ્યું હતું કારણ નોકરી સાથે મારો પગાર અને તેની સાથે મારૂ અને મારા પરિવારનું જીવન સંકળાયેલુ હતું. નોકરી ના મળે અને છતાં મારૂ કામ અટકશે નહીં, ખરેખર ત્યારે મને કંઈ જ સમજાયુ નહીં.

ઈલેશે મને આશ્વાસન આપ્યુ ચિંતા કરીશ નહીં કંઈક રસ્તો નિકળશે, પણ રસ્તો ક્યાંથી શરૂ થશે અને ક્યારે તેની અમને બંનેને ખબર ન્હોતી. મારૂ મન સતત મને એક પછી એક સવાલો પુછી રહ્યુ હતું પણ મારા મનના એક પણ સવાલનો મારી પાસે જવાબ ન્હોતો. રાતની ઉંઘ પણ હવે નહિવત થઈ ગઈ હતી. મેં નક્કી કર્યુ કે સતત પુછી રહેલા મનને શાંત કરવાનો એક જ ઉપાય છે કે શરિરને એટલી હદે થકવી નાખુ કે પથારીમાં પડતા જ આંખો બંધ થઈ જાય. આમ તો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રનીંગ કરવા જવાનો મારો જુનો ક્રમ હતો, પણ મેં તેમા એકદમ વધારો કરી દીધો. હું સવારે બે કલાક અને સાંજે બે કલાક દોડવા જવા લાગ્યો હતો. મારી સાથે સ્ટેડિયમમાં આવતા મિત્રેને પણ હું આવુ કેમ સવાર સાંજ દોડી રહ્યો છુ તેની ખબર પડતી ન્હોતી. મારા મિત્ર શૈલેષ રધુવંશી તેઓ પોલીસ સબઈન્સપેક્ટર હતા ત્યારથી અમારી મિત્રતા હતી. તેઓ પણ મને નોકરી કેમ કોઈ આપતુ નથી તેવી ચિંતા કરતા હતા.

મેં મારા શરિરને થકવી નાખવાનું શરૂ કર્યુ હતું જેના કારણે એક જ મહિનામાં દોડવાને કારણે મારૂ વજન 10 કિલો ઓછુ થઈ ગયુ હતું. આ વખતે મારી સાથે વડોદરા ભાસ્કરમાં કામ કરતા મારા મિત્ર મનિષ પંડ્યા અને ચિંતન શ્રીપાલી અમદાવાદ કોઈ કામ માટે આવ્યા હતા. હું તેમને મળવા નહેરૂનગર વિસ્તારમાં ગયો. મને જોતા મનિષ પંડ્યા સ્તબ્ધ થઈ ગયો તેણે મને પુછ્યુ શું થયું? મને તો પહેલા કંઈ ખબર પડી નહીં તેણે મારા શરીર તરફ ઈશારો કરતા પુછ્યું વજન કેમ આટલુ ઘટી ગયુ? મેં તેને કહ્યું કઈ નહીં, રનીંગને કારણે વજન ઉતર્યુ છે, પણ તેને તે વાત સાચી લાગી નહીં. તેની આંખો ભરાઈ આવી, તેણે માની લીધુ કે મારી પાસે નોકરી નથી તેની ચિંતામાં મારૂ વજન ઉતર્યુ છે. તે વડોદરા પાછો ગયો અને બીજા દિવસે તેણે કેરીના બે બોક્સ મારા માટે મોકલ્યા. કદાચ તેની પ્રેમ કરવાની આ રીત હતી. જીંદગી ઘણુ બધુ શીખવાડી રહી હતી. પત્રકાર મિત્ર દિલીપ પટેલ અને મેહુલ જાની જેવા મિત્રો કંઈ પણ પુછ્યા વગર સીધા ઘરે પૈસા લઈ આવી જતા હતા.

અમદાવાદમાં વર્ષ 2003માં દિવ્ય ભાસ્કરની શરૂઆત થઈ ત્યારે મારી સાથે ફોટોગ્રાફર તરીકે વિવેક દેસાઈ પણ હતો. જો કે તેને અખબારી દુનિયા લાંબો સમય રાસ આવી નહીં તેના કારણે તેણે પોતાની ફોટોગ્રાફીનો શોખ યથાવત રાખી અખબારી દુનિયો છોડી દીધી હતી. તે હવે અમદાવાદમાં ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી હતો. તેમણે મને કહ્યુ તને અખબારમાં મળતો હતો એટલો પગાર તો હું આપી શકીશ નહીં પણ તને ટેકો થાય એટલી વ્યવસ્થા થશે. મને વિચાર આવ્યો કે મારે મહાત્મા ગાંધીના કાર્યો અને વિચારો સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી. હું નવજીવન ટ્રસ્ટમાં જોડાઈ શું કરીશ? હું તો પત્રકાર છું મને લખવા સિવાય કંઈ આવડતુ નથી. મેં ત્યારે ના પાડી નહીં પણ મનમાં નવજીવનમાં જોડાવાની કોઈ ઈચ્છા ન્હોતી. મને ખબર ન્હોતી કે મારી જિંદગીમાં હવે નવા વળાંકો આવી રહ્યા છે અને જિંદગી એક નવી દિશામાં પ્રયાણ કરશે.

મેં નવેમ્બર 2015માં દિવ્ય ભાસ્કર વડોદરાથી છોડ્યુ ત્યારે મારો પગાર દોઢ લાખ રૂપિયા હતો. ઘણા અખબાર માલિકોએ નોકરી નહીં આપવાના બહાના તરીકે એવુ કારણ આપ્યુ કે તમારો પગાર તો અમને પોસાય તેમ નથી. નોકરી વગર પાંચ મહિના થઈ ગયા હતા. મેં મનમાં નક્કી કર્યુ કે હવે અખબારમાં જ કામ મળે તે જરૂરી નથી હું કોઈ પણ કામ કરીશ અને મને કોઈ દોઢ લાખ આપશે નહીં પણ પાંચ-છ જગ્યાએ અલગ અલગ કામ કરીશ. હું થાકી ગયો હતો પણ હાર્યો ન્હોતો. આ વખતે મારો જુનો મિત્ર અને મારી સાથે સરદાર પટેલ સ્ટેડિયમમાં દોડવા આવતો મલ્હાર દવે જેની પોતાની એક પીઆર એજન્સી હતી તેની પાસે વિવિધ પ્રકારના સરકારી અને ખાનગી કંપનીના કામ આવતા હતા. તે મને કાયમ દદ્દુ અથવા દયાળ કહી બોલવતો હતો. તેને ખબર હતી કે હું કામની શોધમાં છું. તેણે મને એક દિવસ બોલાવી કહ્યુ મને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનું સોશિયલ મીડિયાનું કામ મળી શકે તેમ છે તમે તેનું કન્ટેન્ટ  લખવાનું કામ કરશો? હું જે પ્રકારના સરકારી કામથી જિંદગીભર ભાગતો રહ્યો હતો તેવુ જ કામ મારી સામે આવ્યુ હતું. મેં પુછ્યું કેટલા પૈસા આપીશ? તેણે મને કહ્યુ મહિને પંદર હજાર રૂપિયા આપીશ. મારો છેલ્લો પગાર દોઢ લાખ રૂપિયા હતો અને હવે પાંચ મહિના પછી જે પહેલુ કામ મળ્યું તે મહિનાના પંદર હજારનું હતુ. આમ મારા જુના પગારના આંકડામાંથી કેટલા મીંડા ઓછા થઈ ગયા તે ગણવાની મારી હિમંત રહી ન્હોતી. મેં મલ્હારને હા પાડી અને હવે જિંદગીની નવી રમત નવી રીતે અને નવા નિયમો પ્રમાણે રમવાની હતી અને હું તેના માટે પણ તૈયાર હતો. કારણ મે મારી જાતને વચન આપ્યુ હતું કે હું આટલો જલદી હારીશ નહીં.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.