હું પ્રશાંત દયાળ-48:  વડોદરા દિવ્ય ભાસ્કરનો મારો કોન્ટ્રાક્ટ પુરો થયો. હું અમદાવાદ પાછો આવ્યો. મને અંદાજ તો હતો કે મને  નોકરી શોધવામાં તકલીફ પડશે. અખબારના તમામ માલિકો અને તંત્રીઓને મુખ્યમંત્રી અને પોલીસ કમિશનર સામે આકરો થઈ જતો રિપોર્ટર ગમતો હોય છે. પરંતુ તે રિપોર્ટર માલિકની આંખમાં જોઈ વાત કરી શકે તેવા રિપોર્ટરને ક્યારેય પસંદ કરતા નથી. પરંતુ મારી ગણતરી કરતા વધુ મુશ્કેલીઓ આવવાની હતી. મને વિશ્વાસ હતો કે હું જે પ્રકારે રિપોર્ટીંગ કરૂ છું તેના કારણે મને કોઈને કોઈ અખબાર કામ આપશે પણ મે ધાર્યુ હતું તેના કરતા વિપરીત થઈ રહ્યુ હતું. મેં અમદાવાદ આવી એક પછી એક અખબારના માલિકો અને તંત્રીઓને મળવાનું શરૂ કર્યુ હતું. અમદાવાદમાં એકપણ અખબાર માલિક અને તંત્રી એવા ન્હોતા કે મારા નામ અને કામથી પરિચીત ના હોય. તેના કારણે કોઈની પણ મધ્યસ્થી વગર મેં નોકરી શોધો અભિયાનની શરૂઆત કરી હતી.

તમામ અખબાર માલિકો અને તંત્રીઓ મારી સાથે સારી રીતે વાત કરતા મારા કામના વખાણ કરતા અને મજેઠીયા પગાર પંચના મુદ્દે મેં જે લડાઈ લડી તેનો પણ તેઓ ઉલ્લેખ કરતા હતા. પણ જ્યારે નોકરી આપવાના મુદ્દા ઉપર આવીએ ત્યારે તેઓ કહેતા હમણાં તેમને માણસની જરૂર નથી, જરૂર હશે તો તમને જરૂર બોલાવીશુ. તેઓની ના કહ્યા વગર હું ઘણુ બધુ સમજી રહ્યો હતો. નવેમ્બર 2015માં હું જ્યારે વડોદરાથી અમદાવાદ આવ્યા ત્યારે મારી ઉમંર 50 વર્ષની થઈ ગઈ હતી. 50 વર્ષે તમારે નોકરી શોધવા નિકળવુ પડે તેનું માઠુ પણ લાગી રહ્યુ હતું. પરંતુ ઘર ચલાવવાનો પ્રશ્ન હતો. મારી ટણી  અને ખુમારીને એક બાજુ મુકી મારી પાસે કામ નથી મારે નોકરી જોઈએ છે તેવુ મારે કહેવાનું હતું અને તેવુ જ હું કરી રહ્યો હતો. છતાં મને કામ મળી રહ્યુ ન્હોતુ તે વાસ્તવિકતા હતી. હું જેમને પણ નોકરી માટે મળવા જતો તે બધા મને જતી વખતે કહેતા અમારે લાયક બીજુ કોઈ કામ હોય તો કહેજો પણ મારે નોકરી જોઈએ છીએ તે પહેલુ કામ હતું પણ તે દિશામાં કોઈ વાત કરવા તૈયાર ન્હોતુ.

અમદાવાદમાં મારા સમવયસ્કો અને મારા જુનિયર જેઓ હવે કોઈ અખબારમાં તો કોઈ ન્યૂઝ ચેનલમાં તંત્રી થઈ ગયા હતા. તેઓ સારી રીતે મારા કામથી પરિચીત હતા. હું તેમને અને તેઓ મને મિત્ર કહી શકે તેવો અમારો દાવો હતો પણ હું અમદાવાદ આવ્યો ત્યાર બાદ બધુ બદલાઈ ગયુ હતું. મારા જે મિત્રો તંત્રી હતા તેમણે મને ફોન કરવાનું પણ બંધ કરી દીધુ હતુ. કદાચ તેમને ડર લાગી રહ્યો હતો કે તેઓ મને ફોન કરશે તો હું તેમને મારી નોકરીની વાત કરીશ. મને સમજાઈ રહ્યુ હતું કે તેઓ મને ટાળી રહ્યા હતા. મને હવે ઘણી બધી વાસ્તવિકતા સમજાઈ રહી હતી. તેઓ મને નોકરી આપશે તો તેમની મુશ્કેલી વધી શકે છે તેવો પણ તેમને ડર હતો. મેં નોકરી ગુમાવી તેના દુખ કરતા હું મારા મિત્રો ગુમાવી રહ્યો હતો તેનો આઘાત વધારે લાગી રહ્યો હતો. નોકરી વગર અચાનક મારી જિંદગીમાં બધુ બદલાઈ રહ્યું હતું.

 

મારો ફોન હવે કલાકો સુધી શાંત રહેતો હતો. સવારથી સાંજ હું નોકરીની શોધમાં ફરતો અને સાંજ પડે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની ચ્હાની કીટલી ઉપર જઈ બેસતો. ત્યાં મારા પત્રકાર મિત્રો આવતા હતા, તેમની સાથે ટોળ ટપ્પામાં મારો સાંજનો સમય પુરો થઈ જતો. પગાર બંધ થઈ ગયો  હોવાને કારણે જે કંઈ બચત હતી તેમાંથી હવે ઘર ચાલી રહ્યુ હતું પણ બચત પણ ક્યાં સુધી મારો સાથ આપશે તેની પણ મને ખબર ન્હોતી. મિત્રો મને પૂછતાં અને મદદની તૈયારી બતાડી કહેતા કે કામ હોય તો કહે, પણ મારી પાસે પૈસા નથી તેવુ કહેવાની પણ હિંમત થતી ન્હોતી. મને પત્રકારત્વના ત્રીસ વર્ષ પછી સમજાયુ કે જે લોકો હું બહાદુર અને લડાયક છું તેવુ કહી મારા વખાણ કરતા પણ પેટ્રોલ પંપવાળાને મારી બહાદુરી સાથે કોઈ નિસ્બત ન્હોતી, તેને તો મારે પૈસા આપવા પડતા હતા. મારા બાળકો સ્કૂલમાં ભણતા હતા તે સ્કૂલવાળાને હું લડાયક હોવાને કારણે ફેર પડતો ન્હોતો. તેમને તો ફિ સાથે નિસ્બત હતી.

 

આ વિકટ સ્થિતિમાં ક્યારેક જીવવાનું બળ મળી જતુ હતું. હું નોકરી વગર પણ ફિલ્ડમાં ફરતો હતો. જ્યારે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં જઉ ત્યારે મને પોલીસ ઈન્સપેક્ટર ભાવેશ રોઝીયા એક તરફ લઈ જઈ પુછતાં પ્રશાંતભાઈ ઘર કેવી રીતે ચલાવો છો? હું માત્ર હસતો. તે મને કહેતા કહો મારે શુ કરવાનું છું? હું તેમની મદદ કરવાની ઈચ્છાની કદર કરતો પણ મને ખબર ન્હોતી કે હું તેમની મદદ લઈશ તેનાથી મારો કેટલો સમય ઓછો થશે. હું તેમને હમણા તો પૈસા છે તેમ કહી તેમની વાત ટાળી જતો. આ દરમિયાન દિવાળી પણ માથા ઉપર હતી. હું ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં હતો. ત્યાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર શંકર ચૌધરી સાથે પણ મારી મિત્રતા હતી. આમ તો શંકર ચૌધરી મારા પત્રકાર મિત્ર સૌમીત્ર ત્રિવેદીના મિત્ર.  ચૌધરી અને ત્રિવેદી કોલેજમાં સાથે ભણતા હતા. શંકર ચૌધરી પોલીસમાં જોડાયા પછી પણ અલ્લડ ફકિર જેવો જ રહ્યો કદાચ તેના કારણે જ મને તે મિત્ર તરીકે આજે પણ પસંદ છે.


એક દિવસ હું ક્રાઈમ બ્રાન્ચમાં બેઠો હતો ત્યારે ઈન્સપેક્ટર શંકર ચૌધરી મારી પાસે આવ્યા. મને પુછ્યુ મોર્નિંગ વૉક કેવુ ચાલે છે? મેં કહ્યુ સરસ. ચૌધરીએ મને કહ્યું આજે સવારે હું વૉક ઉપર જઈ શક્યો નથી, ચાલો આપણે બહાર વૉક કરવા જઈએ. અમે બંને ક્રાઈમ બ્રાન્ચની બહાર વૉક કરવા નિકળ્યા, તેમનો ડાબો હાથ મારા જમણા ખભા ઉપર હતો. શંકર ચૌધરીએ મારા ખભા ઉપર હાથ મુક્યો તો બહુ સહજ લાગ્યુ. અમે ચાલી રહ્યા હતા ત્યારે તેમણે મારા શર્ટના ખિસ્સામાં કંઈક મુક્યુ, મારા ખિસ્સામાં તેમણે કંઈક મુકતા અચાનક મેં ખિસ્સામાં હાથ નાખી જોયું તો દસ હજાર રૂપિયા મુક્યા હતા. મેં તેમની સામે જોયુ, ચૌધરીની આંખમાં એક પ્રકારનો સંકોચ હતો. મેં ઠપકો આપતા હોય તેમ પુછ્યું ચૌધરી આ શુ છે? તેમણે મને વિનંતીના સુરમાં કહ્યુ માઠુ ના લગાડો મને ખબર છે તમારી પાસે પૈસા નથી.. તમે પોતાને તો કંઈ પણ સમજાવી શકશો પણ બાળકોને શુ કહેશો..? દિવાળીના દિવસો છે. મારા હાથમાં હજી દસ હજાર હતા, હું કહેવા જતો હતો કે મારી પાસે પૈસા છે મારે તેની જરૂર નથી.

 

શંકર ચૌધરીએ મને કહ્યુ હું તમને  ઉધાર આપી રહ્યો છું. તમને નોકરી મળે ત્યારે પાછો આપજો હું પરત લઈ લઈશ. મને ખબર હતી કે આ દસ હજાર રૂપિયા મારી જિંદગીમાં ખાસ ફેર પાડી શકવાના ન્હોતા છતાં જ્યારે લોકો મારાથી દુર જઈ રહ્યા હતા ત્યારે લગભગ ક્રાઈમ રિપોર્ટર તરીકે મેં પોલીસની મોટા ભાગે ટીકા જ કરી હતી તે પોલીસ અધિકારીઓ મને મદદ કરી રહ્યા હતા. પત્રકાર પાસે નોકરી હોય ત્યારે ઘણા મદદ કરવા તૈયાર હોય છે. પરંતુ મજેઠીયાની લડાઈથી લડી હું પાછો અમદાવાદ ફર્યો ત્યારે અનેક પોલીસ અધિકારીઓ મદદ કરી રહ્યા હતા. તેમની મદદ અને ભવિષ્યમાં મને નોકરી મળે ત્યારે ફરી રિપોર્ટીંગ કરીશ તેની સાથે તેને કોઈ સંબંધ ન્હોતો. છતાં આ બધી નાની નાની ઘટનાઓ મને આગળની લડાઈ માટે બળ પુરુ પાડી રહી હતી. દિવસો અને અઠવાડિયા નોકરી વગર આગળ વધી રહ્યા હતા.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.