હું પ્રશાંત દયાળ: ભાગ-45: ચાર મહિના હાઈકોર્ટમાં થઈ ગયા હતા. હજી તો અમારી પિટિશન દાખલ પણ થઈ ન્હોતી. તે દિવસે અમે હાઈકોર્ટમાં નિરાશા સાથે બેઠા હતા. જસ્ટીશ પરેશ ઉપાધ્યાયે અમારા કેસનો નંબર આવતા કહ્યુ હું આ પિટિશન દાખલ કરવાની પરવાનગી આપુ છું  અને આ મામલે ભાસ્કર મેનેજમેન્ટ પોતાનો જવાબ રજુ કરે. આ સાંભળી અમારા તમામના ચહેરા ઉપર ચમક આવી. હાઈકોર્ટે સ્વીકાર્યુ કે અમારી રજુઆત અને માગણી સાચી છે. જો કે તેમણે અમારી ગુજરાત બહાર થયેલી બદલીને કંપનીનો નિર્ણય હોવાનું કહી તેમા દખલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ પિટિશન દાખલ થઈ તે સમાચાર ભાસ્કર મેનેજમેન્ટ માટે માઠા સમાચાર હતા. આ ઘટના પછી ભાસ્કર હાઉસમાં દોડાદોડ હતી. હવે ભાસ્કરના જે અધિકારીઓ અને વકીલો અમને ધુત્કારતા હતા તેમની ભાષામાં મૃદુતા આવી ગઈ હતી. તેઓ પ્રેમથી વાત કરવા લાગ્યા હતા. હજી થોડા જ દિવસ પહેલા ભાસ્કરના જે અધિકારીઓએ અમને કહ્યુ હતું કે જાવ તમારી સાથે વાત નહીં કરીએ તેમણે અમને ફરી મળવા માટે બોલાવ્યા હતા. અમારા ખીસ્સાતો ખાલી હતા પણ હવે હાઈકોર્ટને કારણે અમારૂ પલડું ભારે થઈ ગઈ હતું. ભાસ્કરના અધિકારીઓને અમે મિટિંગમાં કહી દીધુ જાવ હવે અમારે પણ તમારી નોકરી કરવી નથી. સમાધાન પેટે અમને ત્રણ-ત્રણ વર્ષનો પગાર આપી દો, અમે અમારા રસ્તે  અને તમે તમારા રસ્તે જતા રહીએ. ત્રણ વર્ષનો પગાર એટલે લાખો રૂપિયા ભાસ્કરને આપવા પડે તેમ હતા. આ એક વ્યુહ રચનાનો ભાગ હતો. અમને અમારા કાઉન્સીલ ગીરીશ પટેલે શિખવાડ્યું હતું કે તમારે દસ રૂપિયા લેવાના નિકળે છે તમે એકસો રૂપિયાની માગણી કરજો, તો જ કંપની દસ રૂપિયાની વાત કરશે અને તેવુ જ થયું. અમે ત્રણ વર્ષની પગારની માગણી કરી તો તેઓ અમને વિનંતી કરવા લાગ્યા છોડો હવે મમતનો પ્રશ્ન બનાવો નહીં.

દરેક વ્યક્તિ પોતાના નિકળતી રકમનો હિસાબ અમને આપે, મારા સાથીઓ પોતાનો હિસાબ કરવા લાગ્યા હતા. જેમની નોકરી લાંબી હતી તેમને વધુ પૈસા મળવાના હતા પણ મારા સિવાય દરેકને મજેઠીયા પંચે નક્કી કરેલી રકમ મળવાની હતી. મારા સાથીઓએ હિસાબ કર્યા પછી ભાસ્કર મેનેજમેન્ટ તેમા પણ ઘટાડો કરવા માગતુ હતું. જો કે જેવી રકમ ઘટાડવાની વાત કરી તેની સાથે પાછા બધા ઉભા થઈ ગયા. હવેની મિટિંગ સામુહિક થતી હતી કારણ કે પૈસાનો મામલો હતો અને દરેકે પોતાની રકમ પોતે ભાસ્કરના અધિકારીઓને કહેવાની હતી. પણ અમારી ટીમના કચ્છની સાથી જીજ્ઞા અને ઈરફાન બહુ લાગણીશીલ હતા, તેઓ સમાધાન કરવાના મુડમાં ન્હોતા. તેઓ કહેતા હતા કે આપણે કોર્ટ બહાર સમાધાન કરવા કરતા કોર્ટમાં જીતી જવુ જોઈએ. મે આ મામલે કાઉન્સીલ ગીરીશ પટેલ સાથે વાત કરી હતી. તેમણે એક સાદી સમજ આપી હતી કે તમારે 100 રૂપિયા લેવાના નિકળે તો તે તમને કોર્ટ જરૂર અપાવશે પણ કોર્ટની પ્રક્રિયામાં વર્ષો નિકળી જશે. ભાસ્કર હાઈકોર્ટમાં હારી જશે તો સુપ્રીમ કોર્ટમાં જશે. મને તેમની વાત સમજાઇ હતી કારણ હાઈકોર્ટ સુધીનો પ્રવાસ અમને પરવડે તેમ ન્હોતો અને જો સુપ્રીમ કોર્ટમાં જવુ પડે તો સ્થિતિ વધારે ખરાબ થવાની હતી અને ભાસ્કર નિયમ પ્રમાણે નિકળતા પૈસા આપવા તૈયાર હતું તો પછી સમાધાન કરવામાં કોઈ વાંધો ન્હોતો. પરંતુ જીજ્ઞા અને ઈરફાન સમાધાનની પક્ષમાં ન્હોતા. તેઓ દુખી હતા, મેં તેમને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ કચવાતા મને તૈયાર થયા હતા. જો કે પૈસા આપવાની સાથે ભાસ્કરની કેટલીક શરતો પણ હતી, જેમા હમણાં અમે રાજીનામુ આપીએ, તેની સામે ભાસ્કરે પણ અમને એક વર્ષ માટે  નોકરી કોન્ટ્રાક્ટ કરવાનો હતો. અમે તેના માટે તૈયાર હતા, મારા સિવાય તમામને પોતે જ્યાં નોકરી કરતા હતા ત્યાં નોકરી મળવાની હતી પણ મારે મુંબઈ જવુ જોઈએ તેવો ભાસ્કરનો આગ્રહ હતો.

ભાસ્કરના અધિકારીઓનું કહેવુ હતું કે હવે ભાસ્કરનો સ્ટાફ તમને લીડર તરીકે જુવે છે. જો તમે અમદાવાદ ઓફિસમાં પાછા નોકરી ઉપર આવશો તો બીજા સાથીઓ ઉભા થશે અને ફરી નવા લોકો કોર્ટમાં જશે. મને તેમની વાત સમજાતી હતી. મને એક અનુભવ પછી સમજાયુ હતું કે અનેક લોકો એવા હતા કે મારી પાસે સલાહ લઈ બીજી તરફ ભાસ્કરના અધિકારીઓ પાસે જઈ હું તેમને લડાઈ કરવાની સલાહ આપુ છું તેવી રજુઆત કરી હતી. જેના કારણે હવે હું આ તમામ બાબતોથી દુર રહેવા માગતો હતો. જેના કારણે મેં અમદાવાદ છોડવાની તૈયારી બતાડી હતી પણ મારે મુંબઈ જવુ ન્હોતુ. ભાસ્કરની શરત હતી કે તેઓ નિકળતા પૈસા રોકડમાં આપશે પણ સમાધાન કઈ રીતે કેટલામાં થયુ તેની જાહેરાંત કોઈએ કરવાની ન્હોતી. એક તરફ કેસ પરત ખેંચાય અને બીજી તરફ કર્મચારીઓને પૈસા મળવાના હતા. પરંતુ ભાસ્કર અને અમને એકબીજા ઉપર ભરોસો ન્હોતો, જેના કારણે વચલા રસ્તા તરીકે નક્કી થયુ કે નિકળતા રોકડ પૈસા ભાસ્કરના વકીલ અને અમારા મિત્ર રાજેશ શાહ પાસે રહેશે. નક્કી થયા પ્રમાણે અમે હાઈકોર્ટમાં અરજી કરી સમાધાન થઈ ગયુ છે તેવી જાણ કોર્ટને કરી દીધી હતી. જો કે લેબર કમિશનરનો કેસ હજી ઉભો હતો.

આ દરમિયાન તમામ કર્મચારીઓને પૈસા મળી ગયા હતા અને મેં મુંબઈ જવાને બદલે મને વડોદરા મુકવામાં આવે તેવી વાત પર મેં ભાસ્કરના અધિકારી મનાવી લીધા હતા. પણ હજી ભાસ્કરના મેનેજર્સ અમને પરેશાન કરવા માગતા હતા. મારા જે સાથીઓ પોતાની ફરજના સ્થળે હાજર થવા ગયા ત્યારે તેમને હાજર તો કર્યા પણ કામ આપતા ન્હોતા. હજી અમારી પાસે લેબર કોર્ટના કેસનું હથિયાર હતું  પણ અમને કેટલીક અજાણી મદદ પણ મળતી હતી. જજ પણ સત્યની સાથે હતા. કમને ભાસ્કરના અધિકારીઓ અમારી શરત પ્રમાણે કામ કરવા લાગ્યા હતા. હવે મારે એક નવા શહેરમાં જવાનું હતું. હું વડોદરા જવા એટલા માટે તૈયાર થયો કે મને ખબર હતી કે હમણાં અમદાવાદમાં તરત મને કોઈ નોકરી આપવાનું નથી, કારણ મેં એક અખબાર સામે લડાઈ શરૂ કરી હતી. આમ ભલે અખબાર માલિકો લડતા હોય પણ કોઈ પત્રકાર અખબાર માલિક સામે લડે તેને તો કોઈ જ નોકરી આપે નહીં.  હું અંદરથી વ્યથીત હતો, આખી લડાઈમાં એક તરફ સંતોષ હતો કે મારા સાથીઓને તેમનો અધિકાર મળ્યો પણ બીજી તરફ જે રીતે અને થોડા જ લોકો માટે સમાધાન થયુ તે બહુ કંઈ ઉત્સાહજનક ન્હોતુ. મારે એક નવા શહેરમાં કામ કરવાનું હતું. મેં વડોદરામાં ક્યારેય કામ કર્યુ ન્હોતુ.  વડોદરામાં દિવ્યભાસ્કરમાં મારો મિત્ર સ્તવન દેસાઈ તંત્રી હતો. સ્તવન પહેલા અમદાવાદમાં ઈન્ડીયન એકસપ્રેસમાં હતો ત્યારે અમે સાથે ક્રાઈમ રિપોર્ટીંગ કરતા હતા. મારો મિત્ર જ હવે મારો તંત્રી હોવાને કારણે મનમાં હતું કે કંઈ વાંધો આવશે નહીં. જ્યારે વડોદારામાં ચીફ રીપોર્ટર જન્મેજય ત્રિવેદી પણ મિત્ર હતો, તે પણ અમદાવાદ કામ કરી ચુક્યો હતો.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.