હું પ્રશાંત દયાળ: ભાગ-42: સવારે દિવ્ય ભાસ્કરની ઓફિસમાં રિપોર્ટર્સની મિટિંગ શરૂ થઈ, મનિષ મહેતા મિટિંગ લઈ રહ્યા હતા. લગભગ 12 વાગ્યા હતા. સૌથી પહેલા મને તેજસ મહેતાનો ફોન આવ્યો. તેણે મને સમાચાર આપ્યા કે મિટિંગમાંથી હું બહાર નિકળી ગયો છું પણ તેણે ત્યાર બાદ જે સમાચાર આપ્યા તે આઘાતજનક હતા, કારણ રિપોર્ટર્સમાંથી માત્ર ત્રણ રિપોર્ટર જ ઉભા થયા જેમાં તેજસ મહેતા પોતે અને તેની સાથે અન્ય બે રિપોર્ટર્સ હતા. બાકી ના રિપોર્ટર્સ ઉભા થયા જ નહીં. જે રિપોર્ટર્સ મારી સાથે વિજય ચાર રસ્તા આવ્યા હતા અને તેમણે લડી લેવાનુ નક્કી કર્યુ હતું તે બધા જ કોઈને કોઈ કારણવશ લડાઈમાંથી બહાર નિકળી ગયા. અમે જેમના માટે લડાઈ શરૂ કરી હતી તે રિપોર્ટર્સ જ હવે મારી સાથે ન્હોતા. મારા માટે આ બહુ આઘાતજનક વાત હતી પણ મે મારી જાતને સમજાવી કે હવે તારે લડવુ જ પડશે. અમારી સાથે એક રિપોર્ટર એવો પણ હતો જે પોતાના વિચારમાં સ્પષ્ટ હતો, તેને મજેઠીયા પગાર પંચના મુદ્દે કોઈ વાંધો ન્હોતો, પણ તે માનતો હતો કે તમારી લડાઈ સાચી છે માટે હું તમારી સાથે ઉભો રહેવા માટે બહાર નિકળ્યો છું. લડાઈના પહેલા તબક્કામાં ભાસ્કરની જીત થઈ હતી. આપણે બીજા માટે જ્યારે લડતા હોઈએ ત્યારે તે લડાઈ બહુ આસાન હોય છે પણ પોતાની લડાઈ કાયમ મુશ્કેલ હોય છે. રિપોર્ટર્સને મજેઠીયા પગાર પંચ પ્રમાણે સારો પગાર મળવો જોઈએ તેવી લડાઈ હું જેમના માટે લડવા માગતો હતો તેમણે જ હથિયાર હેઠા મુકી દીધા હતા. મને ખબર હતી કે હવે દિવ્ય ભાસ્કર આક્રમક થશે અને તેવુ જ થયું. ભાસ્કર દ્વારા મારી સાથે બહાર નિકળી ગયેલા તમામ રિપોર્ટર્સની બદલીઓ શરૂ કરી દીધી હતી કોઈને રાજસ્થાન તો કોઈને મધ્યપ્રદેશ બદલી આપી દેવામાં આવી હતી. આ વખતે અમારી ટીમમાં વધુ એક વ્યક્તિ જોડાઈ, તેઓ ભાસ્કરના પ્રુફ રીડર અશોક પંડ્યા હતા, તેઓ ભાસ્કરમાં દસ વર્ષથી નોકરી કરતા હતા પણ તેમનો પગાર દસ હજાર રૂપિયા જ હતો. તેમણે પણ મજેઠીયા પ્રમાણે પગાર માંગ્યો અને સહી કરવાની ના પાડી દેતા તેમની પણ દુરના રાજ્યમાં બદલી કરી દેવામાં આવી હતી. હવે અમારી સંખ્યા પાંચ થઈ હતી.

આ પ્રકરણ થયું ત્યારે મારી સાથી રિપોર્ટર લક્ષ્મી પટેલ રજા ઉપર હતી. હિંમતનગર પાસેના નાનકડા ગામમાંથી આવતી લક્ષ્મી ખરેખર લડાયક લક્ષ્મીબાઈ જેવી જ હતી. તે રજા પરથી પાછી ફરી ત્યારે તેણે અમારી ઓફિસમાં ગેરહાજરી જોઈ, તેને તો ખબર જ ન્હોતી કે થયુ છે. તે પત્રકારત્વ ભણવા માટે અમદાવાદ આવી હતી અને ઘણી અગવડો વચ્ચે તેણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. દિવ્ય ભાસ્કરની આ તેની પહેલી નોકરી હતી, તેને તો મજેઠીયા પંચ શુ છે તેની પણ ખબર ન્હોતી. તેને જ્યારે ખબર પડી કે ભાસ્કર દ્વારા અમારી બધાની અલગ અલગ રાજ્યમાં બદલી કરી દેવામાં આવી છે ત્યારે એડિટર મનિષ મહેતાને મળવા ગઈ અને તેણે કહ્યું સર આજથી હું પણ ઓફિસ નહીં આવું. મનિષને બહુ આશ્ચર્ય થયુ કે લક્ષ્મી કેમ આવુ કહી રહી છે? લક્ષ્મીએ પોતાની બાજુ સ્પષ્ટ કરતા કહ્યુ કે જ્યાં સુધી પ્રશાંત દાદા અને બીજા રિપોર્ટર્સને તમે પાછા લાવશો નહીં ત્યાં સુધી હું પણ કામ નહીં કરું. એક તરફ પુરૂષ રિપોર્ટર્સ એક અથવા બીજા કારણે લડાઈમાંથી પાછા ખસી ગયા ત્યારે એક નાનકડી છોકરી જેને લડાઈ સાથે કોઈ નિસ્બત ન્હોતી તે સામે ચાલી લડાઈનો હિસ્સો થવા માગતી હતી. મનિષ મહેતાએ તેને ખુબ સમજાવી પણ લક્ષ્મીએ એક જ વાક્ય કહી આખી વાતનો અંત લાવતા કહ્યુ કે મારે પ્રશાંત દયાળ અને મનિષ મહેતા વચ્ચે પસંદગી કરવાની હોય તો સ્વભાવીક રીતે જ હું પ્રશાંત દયાળ સાથે રહીશ. આમ લક્ષ્મી ઓફિસમાંથી નિકળી અમારી ટીમનો હિસ્સો બની ગઈ હતી. આમ હવે અમે છ વ્યક્તિઓ થયા હતા.

અમે લડાઈ શરૂ કરી અને અમારી બદલી કરી દેવામાં આવી તે વાત ગુજરાતના પત્રકારોમાં ફેલાઈ ગઈ હતી. ખાસ ભાસ્કર ગ્રુપની ગુજરાત સહિતની તમામ એડિશનોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જે મેનેજમેન્ટ સામે પડે તેની બદલી થઈ જાય છે તે સ્પષ્ટ સંદેશ હોવાને કારણે અનેક લોકો લડાઈ શરૂ કરતા પહેલા જ પાછા હટી ગયા હતા. આ દરમિયાન મને કચ્છથી પત્રકાર જયેશ શાહનો ફોન આવ્યો. જયેશ પહેલા અમદાવાદમાં રિપોર્ટીંગ કરતો તેના કારણે અમારે દોસ્તી હતી. તેણે મને જાણકારી આપી કે કચ્છની ભાસ્કર એડિશનમાંથી તેણે પોતે, વિવેક, લાલજી અને જીજ્ઞા તેમજ એક પ્યુને પણ સહી કરવાની ના પાડી દીધી છે. જેના કારણે તેમની બદલી પણ છત્તીસગઢ જેવા દુરના રાજ્યમાં કરી દેવામાં આવી છે. આમ હવે અમારી ટીમમાં કચ્છના પાંચ મિત્રો પણ જોડાઈ ગયા હતા. હવે અમે કુલ 11 પત્રકારો થયા હતા. જો કે હવે શું થઈ શકે અને અમને કોણ મદદ કરે તેની ખબર ન્હોતી. મને એક સવારે એક આઈપીએસ અધિકારીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યુ કે તે બહુ બહાદુરીપુર્વક પગલુ ભર્યુ છે પણ લડાઈ લાંબી ચાલશે. પૈસાની તકલીફ પડશે, મારા લાયક કામ હોય તો કહેજે, વકીલનો પણ ખર્ચ ખુબ થશે તુ વકીલ પસંદ કરજે હું પૈસા ચુકવી દઈશ પણ મારા નામનો ક્યાંય ઉલ્લેખ કરતો નહીં. આમ કેટલીક અજાણી મદદ પણ મળી રહી હતી. લેબર એક્ટની સમજ અમારી બહુ ઓછી અને કાચી હતી. અમારી સાથે જે કંઈ બન્યુ તેની લેખિત ફરિયાદ લઈ અમે લેબર કમિશનરની ઓફિસમાં ગયા હતા. અમે તેમને અરજી આપી હતી. જો કે પછી અમને ખબર પડી કે લેબર કોર્ટમાં કેસ તો દસ વર્ષ ચાલે છે એટલે દસ વર્ષ પહેલા કંઈ જ થશે નહીં. કોઈએ સલાહ આપી કે ગુજરાત હાઈકોર્ટમાં જવુ પડશે. લેબર પ્રેક્ટિસ કોણ કરે અને કોણ અમારો કેસ લડશે તેની તપાસ કરવા માટે અમે હાઈકોર્ટ ગયા હતા. એક વકીલ મિત્રને પુછતાં તેમણે કહ્યુ તમારા કેસ માટે સૌથી સારા વકીલ ગીરીશ પટેલ છે, તમે તેમને મળો. મારા મનમાં બીજી ચિંતા પણ હતી કે ગીરીશ પટેલ બહુ સિનિયર કાઉન્સીલ હોવાને કારણે તેમની ફિ ની વ્યવસ્થા પણ કેવી રીતે કરવી? છતાં હું અને તેજસ મહેતા ગીરીસ પટેલને મળ્યા હતા અને અમારો કેસ તેમની સામે સમજાવ્યો અને કેસ પેપર તેમને બતાડ્યા હતા. તેમણે કેસના કાગળો જોતા કહ્યુ તમારો કેસ સારો છે, તમને ન્યાય તો જરૂર મળશે અને હું તમારો કેસ પણ લડીશ. ગુજરાતમાં અનેક ગરીબોના મફત કેસ લડનાર ગીરીશ પટેલની પસંદગી કરવા પાછળનું મારૂ બીજુ કારણ એવુ પણ હતું કે કદાચ અમારા વકીલ કેસ હારી પણ જાય તો પણ વાંઘો ન્હોતો, પણ ગીરીશ પટેલ એવા વકીલ હતા કે ભાસ્કર તેમને પૈસા આપી ખરીદી શકે તેમ ન્હોતુ. અમને અંદાજ હતો કે ભાસ્કર અમારા જ વકીલને પૈસા આપી ખરીદી શકે છે અને અમારો વકીલ ઈરાદાપુર્વક કેસ હારી જાય. ગીરીશભાઈએ અમારો કેસ લડવાની હા પાડ્યા પછી તેમણે કેસના કાગળો તૈયાર કરવાની શરૂઆત કરી હતી. ભાસ્કરને પણ અંદાજ હતો કે અમે કેસ કરીશુ માટે તેમણે હાઈકોર્ટમાં એક કેવીયેટ પિટિશન પણ કરી હતી. 

(ક્રમશ:)

અગાઉના હપ્તા વાંચવા અહીં ક્લિક કરો