હું પ્રશાંત દયાળ: ભાગ-41: તે દિવસે હું રોજ પ્રમાણે મારી ઓફિસમાં કામ કરી રહ્યો હતો, ત્યારે રાતના આઠ વાગ્યા હશે. મને ઓફિસનો પટાવાળો બોલાવવા આવ્યો, તેણે મને સંદેશ આપ્યો કે એચ.આર. મેનેજર રાહુલ તમને બોલાવે છે. મને કંઈ પણ અંદાજ ન્હોતો, હું મારી સ્ટોરી પુરી એચ.આર. મેનેજર રાહુલને મળવા ગયો. હું જેવો મેનેજર રાહુલની ચેમ્બરમાં ગયો જોયુ તો મેનેજરની રાહુલની સાથે એડિટર અવનીશ જૈન, મનિષ મહેતા અને અજય નાયક બેઠા હતા. બધાના ચહેરા ગંભીર હતા. મને અંદાજ આવ્યો કે કંઈક ગંભીર બાબત લાગી રહી છે, તો પણ હજી મને અંદાજ ન્હોતો કે શુ થયુ છે. મને જોતા રાહુલે મને બેસવાનો ઈશારો કર્યો. મેં બધાની સામે જોયુ તો બધાએ પોતાની નજર ફેરવી લીધી. મને ખબર પડી નહીં કે મારી સાથે કેમ કોઈ નજર મિલાવી રહ્યા નથી. રાહુલે મારી સામે એક કાગળ મુક્યો અને મને બીજો કાગળ આપતા કહ્યુ તમે આની ઉપર સહી કરી આપો. મેં કાગળ વાંચ્યા વગર પુછ્યુ કે કઈ બાબતની મારી સહી લેવી છે? રાહુલે મને કહ્યુ તમારી બદલી ઝારખંડના ઘનબાદ કરવામાં આવી છે, તમારે સાત દિવસમાં ઘનબાદ હાજર થવાનું છે. બહું પ્રામાણિકપણે કહુ તો મારા પગ નીચેની ધરતી ખસી ગઈ. મને આ પ્રકારના પરિણામની અપેક્ષા ન્હોતી. મને સૌથી પહેલુ નામ યાદ આવ્યુ તે મૃગાંક પટેલનું હતું. તે મારો રિપોર્ટર અને સારો લડાયક મિત્ર હતો, પણ તે દિવસે તે રજા ઉપર હતો. હજી તો હું મૃગાંકનો વિચાર કરતો હતો ત્યારે જ મારા ફોન ઉપર એક રીંગ આવી, તે મૃગાંકનો જ ફોન હતો પણ હું ત્યારે બધાની હાજરીમાં વાત કરી શકુ તેમ ન્હોતો માટે મે તેનો ફોન કટ કર્યો. હું વિચારમાં પડી ગયો. રાહુલે મને કહ્યુ પ્રશાંતભાઈ આ કાગળ ઉપર સહી કરો. મેં તરત કહ્યુ આવતીકાલે મારા વકીલની સલાહ લઈ કાગળ ઉપર સહી કરીશ. મારા આ જવાબથી બધા સ્તબ્ધ થઈ ગયા.

મને એચ.આર. મેનેજરે બોલાવ્યો છે તેવુ હું મારા બધા રિપોર્ટરને કહીને આવ્યો હતો. તેના કારણે તેઓ બહાર ઉભા રહી મારી રાહ જોતા હતા. હું રાહુલની ચેમ્બરમાંથી બહાર નિકળ્યો. મારૂ મગજ સુન્ન થઈ ગયુ હતું. મને કંઈ જ સુઝતુ ન્હોતુ. હું બહાર આવ્યો ત્યારે મારા સાથી રિપોર્ટર્સએ મને પુછ્યુ કે શુ થયું? મેં તેમને કહ્યું મારી બદલી કરી દેવામાં આવી છે. મને ઘનબાદ જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એકદમ બધાના ચહેરા ઉપર ગુસ્સો દોડી આવ્યો. તેમણે મને કહ્યુ ચિંતા કરતા નહીં આ ચલાવી લેવાય નહીં. હવે ઓફિસમાં આ અંગે વાત કરી શકાય તેવી સ્થિતિ ન્હોતી. મેનેજમેન્ટે તેવુ માની લીધુ કે હું મારા એડિટોરીયલ સ્ટાફનો યુનિયન લીડર છું અને જે પણ કંપનીની વાત માનશે નહીં તેમની સાથે કંપની આ પ્રકારે જ કામ કરશે.  મને હજી બીજો આઘાત મળવાનો બાકી હતો. મને તરત મૃગાંકની વાત યાદ આવી. હું તેને કહેવા માગતો હતો કે મારી ટ્રાન્સફર થઈ ગઈ છે અને તેનો પણ ફોન તો હતો. મેં તેને ફોન જોડયો. તેણે ફોન ઉપાડ્યો અને તેનો અવાજ રડમસ હતો. એક પ્રકારની વેદના અને લાચારી પણ હતી. મેં પુછ્યુ શું થયું? તેણે મારી માફી માગતા કહ્યુ દાદા મને માફ કરો, હું તમારી સાથેની લડાઈમાં જોડાઈ શકતો નથી. મૃગાંકની વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. મારો તેની ઉપર ખુબ ભરોસો હતો, મારી લડાઈના શ્રેષ્ઠ સાથીઓ પૈકીનો એક હતો અને તે જ મારો સાથ છોડી જઈ રહ્યો હતો. પ્રણવ ગોળવેલકરે જ્યારે રિપોર્ટર્સની મિટિંગ લીઘી તેમાં સૌથી આક્રમક રજુઆત કરનારમાં મૃગાંક હતો, તે આમ અચાનક મને છોડી જઈ રહ્યો હતો. આમ એક પછી એક ખરાબ સમાચાર મને મળી રહ્યા હતા.અમે બધાએ ઓફિસની બહાર મળવાનું નક્કી કર્યુ. અમદાવાદના વિજય ચાર રસ્તા ઉપર આપણે મળીએ છીએ તેવુ નક્કી કરી હું ત્યાંથી નિકળ્યો. હું ઓફિસમાંથી નિકળ્યો ત્યારે મને ખબર ન્હોતી કે હવે દિવ્ય ભાસ્કરની ઓફિસમાં પરત આવીશ કે નહીં. રાત્રે અમે વિજય ચાર રસ્તા પાસે ભેગા થયા, તેમા નોન એડિટોરીયલ સ્ટાફ પણ હતો. બધા જ ગુસ્સામાં હતા. લગભગ વીસ-બાવીસ મિત્રો હતા. હું શાંત હતો કારણ કે મારી ટ્રાન્સફર પછી હવે નિર્ણય મારા સાથી મિત્રોએ લેવાનો હતો.

એક પછી એક મિત્રો પોતાની વાત કહી રહ્યાં હતા. દરેક પાસે કઈ રીતે હવે આ પરિસ્થિતિનો સામનો કરવો તેની વ્યુહ રચના હતી. મોડે સુધી ચર્ચા ચાલતી રહી. છેલ્લે બધાએ મને કહ્યુ ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ. તમારી ટ્રાન્સફરનો ઓર્ડર કેન્સલ થશે નહીં તો અમે પણ ઓફિસ જવાનું બંધ કરી દઈશું. આવતીકાલની મોર્નિંગ મિટિંગમાં અમે તમારી માટે રજુઆત કરીશુ અને તેઓ નહીં માને તો અમે આવતીકાલથી ઓફિસ જવાનું બંધ કરીશુ. તેમની વાત સાંભળી મને થોડી હિંમત આવી. મેં મારી નિરાશાને ખંખેરી નાખી, હું મારા જે રિપોર્ટર્સના અધિકાર માટે લડવા નિકળ્યો હતો  તે મારી સાથે હોવાનો અહેસાસ મારા માટે પુરતો હતો. તે રાત્રે ખુબ વિચાર આવ્યા, ઘરે આવી મેં મારા પરિવારને પણ મારી બદલી થઈ હોવાની જાણકારી આપી હતી. કદાચ મને વહેલી સવારે ઊંઘ આવી હશે તેવુ મને લાગે છે. બીજા દિવસે તો મારે ઓફિસ જવાનું જ ન્હોતુ પણ મારી જાણ બહાર દિવ્ય ભાસ્કરમાં એક કામ ચાલી રહ્યુ હતું. મારી સાથે રિપોર્ટર્સ પણ બહાર આવશે તેવી દહેશત ભાસ્કરને હતી, જેના કારણે એક એક રિપોર્ટરને મારાથી દુર કરવા મનિષ મહેતા અને અજય નાયકને કામ સોંપવામાં આવ્યુ હતું. તેઓ રિપોર્ટરના પરિવારના લોકો સાથે વાત કરી સમજાવી રહ્યા હતા કે મેનેજમેન્ટ સાથે લડાઈ લડવાનો કોઈ ફાયદો થવાનો નથી. મને જાણકારી મળી કે ભાસ્કરની ઓફિસમાં બાઉન્સર બોલાવી લેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટને કહેવામાં આવ્યુ હતું કે હું ક્રિમીનલ મેન્ટાલિટી ધરાવુ છું, ઓફિસને આગ પણ લગાવી શકુ છું. હું ક્રાઈમ રિપોર્ટર હતો, ક્રિમિનલ ન્હોતો. મને જ્યાયારે બાઉન્સર રાખ્યા છે તેવી ખબર પડી ત્યારે બહુ ખરાબ લાગ્યુ. મેં મનોમન નક્કી કર્યુ કે મારે હવે ઓફિસ જવુ જ નથી. આમ ભાસ્કર પણ વિવિધ મોરચે લડી લેવાના મુડમાં હતું. અમદાવાદના રિપોર્ટર્સ કામ છોડી દે તો તેને પહોંચી વળવા બીજી એડિશનનાં રિપોર્ટર્સને અમદાવાદ બોલવી લેવાની તૈયારી પણ થઈ હતી. હવે શુ થવાનું છે અને કોનું પલડું ભારે થવાનું છે તેની મને અને ભાસ્કર મેનેજમેન્ટ પૈકી કોઈને ખબર ન્હોતી. આમ તો રિપોર્ટર્સની મિટિંગ અમદાવાદની સીજી રોડ ઉપર આવેલી ભાસ્કરની ઓફિસમાં થતી હતી, પણ રાત્રે જ મેસેજ આવ્યો હતો કે રિપોર્ટર્સ એસજી હાઈવે ઉપર આવેલી મેઈન ઓફિસમાં મોર્નિંગ મિટિંગમાં હાજર રહેવુ. આ કટોકટીનો સમય હતો. અમારી લડાઈમાંથી પહેલા મૃગાંક પટેલ ખસી ગયો હતો. હવે બાકીના રિપોર્ટર્સ પોતાની વાત મુકવાના હતા. સવારે દિવ્ય ભાસ્કરની ઓફિસમાં રિપોર્ટર્સ અને અન્ય સ્ટાફ આવ્યો ત્યારે તેઓને બાઉન્સર જોઈ બહુ આશ્ચર્ય થયુ. જો કે બાઉન્સર મારી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે બાઉન્સર કેમ ઉભા છે તેવુ રિપોર્ટર્સે પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કરીના કપુર આવવાની છે તેના કારણે બાઉન્સર બોલાવ્યા છે. સવારના અગીયાર વાગ્યે રિપોર્ટર્સની મિટિંગ શરૂ થઈ હતી.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.