હું પ્રશાંત દયાળ: ભાગ-40 : બીજા દિવસે હું સાંજે ઓફિસમાં આવ્યો ત્યારે મને મનિષ મહેતાએ બોલાવ્યો. મને કહ્યુ ચાલ ચ્હા પીવા જઈએ. ઘણી વખણ હું, મનિષ અને એક્ઝિક્યુટિવ એડિટર અજય નાયક ભાસ્કરની સામેની કિટલી ઉપર ચ્હા પીવા જતા હતા. અમે ત્રણે ચ્હા પીવા ગયા, ચ્હા પીતા પીતા મને અજય નાયકે પુછ્યુ પ્રશાંતભાઈ તમે એમડી સરને મેઈલ કર્યો છે. મેં હા પાડી, મનિષે અજયભાઈ સામે જોયુ પછી મને મનિષે કહ્યુ પ્રશાંત તારા મેઈલનો ખોટો અર્થ થઈ રહ્યો છે કે તું યુનિયન બનાવી રહ્યો છે, તુ મેઈલ વિડ્રો કરી લે. મે કહ્યુ હું યુનિયનની વાત કરતો જ નથી, મેં રિપોર્ટર્સની વાત માત્ર એમડી સામે મુકી છે. મને અજય નાયકે ભુતકાળમાં ઈન્ડીયા ટુ ડેના રિપોર્ટર્સ દ્વારા આ પ્રકારે કરેલા કેસના કેવા પરિણામ આવ્યા તેની વાત કરી. તેઓ મને મિત્ર ભાવે સમજાવી રહ્યા હતા કે મેનેજમેન્ટ સામે કાયમ પત્રકારની જ હાર થાય છે. પણ હવે આ મુદ્દે પાછી પાની કરવાનો મેં ઈન્કાર કરી દીધો. તે સાંજે સુરત એડિશનના એડિટર અને મારો જુનો મિત્ર પ્રણવ ગોળવેલકર પણ ઓફિસમાં આવ્યો. મે તેને અમદાવાદ આવવાનું કારણ પુછ્યુ તો તેણે મને હસતાં હસતાં કહ્યુ તને સમજાવવા આવ્યો છું. પછી તે મને ઓફિસની બહાર લઈ ગયો. તેણે મને કહ્યુ કે તારો પગાર તો વધારે છે તારે શુ કામ બીજાના ઝંડા પકડી મેનેજમેન્ટ સામે લડવુ જોઈએ? મેં તેને સમજાવ્યો કે હું બીજા માટે લડતો નથી. હું માત્ર મારી આંખમાં જોઈ શકુ તેના માટે આ કરી રહ્યો છું. પ્રણવ ગોળવેલકરનું કહેવુ હતું કે વખત આવશે મારો સાથ બધા છોડી દેશે અને તેના પરિણામ માત્ર મારે જ ભોગવવાના આવશે. પ્રણવની વાત સાચી હોવા છતાં હું પાછો હટવા તૈયાર ન્હોતો. 

પ્રણવ મારી સાથે વાત કર્યા પછી અમદાવાદના રિપોર્ટર્સને મળવાનો હતો. તેણે મને વિનંતી કરી કે મારે આ મિટિંગમાં હાજર રહેવુ નહીં. મેં તેને કહ્યુ હતુ કે જો રિપોર્ટર્સ સહી કરવા તૈયાર હોય તો હું પણ સહી કરી આપીશ પણ મને ઉંડે ઉંડે એવુ હતું કે રિપોર્ટર્સ સહી નહીં કરે.

 પ્રણવની અને રિપોર્ટર્સની મિટિંગ મોડા સુધી ચાલી હતી. હું મિટિંગ પુરી થાય તેની રાહ જોઈ રહ્યો હતો. પણ મિટિંગ ચાલુ રહી એટલે હું થાકીને ઘરે જતો રહ્યો. મિટિંગ રાતના બે વાગ્યા સુધી ચાલી હતી, મિટિંગમાં પ્રણવે રિપોર્ટર્સને ખુબ સમજાવ્યા પણ તેઓ સહી કરવા તૈયાર થયા નહીં. પ્રણવે ઈમોશનલી પણ તેમને સમજાવ્યા કે હું તેમને માટે લડી રહ્યો છું, મારા સંતાનો મોટા થઈ ગયા છે. હવે કંપની મારી સામે કડક પગલા ભરવા જઈ રહી છે, પણ બધાનો સુર એક સરખો હતો. આખરે પ્રણવ પણ રિપોર્ટર્સને સમજાવવામાં નિષ્ફળ ગયો. તેણે રાતના અઢી વાગ્યે ફોન કર્યો કે હું તારા ઘરે આવી રહ્યો છું, તારી પત્ની શીવાની સાથે વાત કરવી છે. પ્રણવ મારા ઘરે આવ્યો ત્યાં સુધી શીવાનીને ખરેખર ઓફિસમાં શુ થઈ રહ્યુ છે તેની ખબર જ ન્હોતી. થોડોક અંદાજ હતો કે હું રિપોર્ટર્સ માટે લડી રહ્યો છું. પ્રણવે આવી શીવાનીને મારી કહેવાતી મુર્ખામી અંગે કહ્યુ અને સમજાવ્યુ કે મારો પગાર આટલો મોટો હોવા છતાં હું લડી રહ્યો છું. પગારની વાત આવતા શીવાનીએ મારી સામે જોયુ, કારણ શીવાનીને મારા પગારની ખબર જ ન્હોતી. દર મહિને ઘર ચલાવવા માટે તેને જે પૈસા જોઈએ તે હું તેને પહેલી તારીખે આપી દેતો હતો. પ્રણવે શીવાનીને પુછ્યુ તેનો પગાર કેટલો છે તેની તને ખબર છે, મેં તરત કહ્યુ 80 હજાર.

મારો જવાબ સાંભળી પ્રણવ ગુસ્સે થયો. તેણે શીવાની સામે જોતા કહ્યુ પ્રશાંતનો પગાર 1 લાખ 30 હજાર રૂપિયા છે. મેં કહ્યુ અરે ભાઈ કંપની સાથે ઝઘડો કરૂ તો મારો પગાર મજેઠીયા પંચ પ્રમાણે 80 હજાર થાય કે નહીં તેમ કહી મેં વાત વાળી પણ મારો પગાર 80 હજાર થઈ જાય તે સાંભળીને પણ શીવાની ખુશ થઈ. તેણે પ્રણવને કહ્યુ જો પ્રશાંતનો પગાર 80 હજાર થઈ જાય અને બીજા રિપોર્ટર્સનો પગાર વધતો હોય તો વાંધો નથી. હું તો માની રહી હતી કે પ્રશાંતનો પગાર 50 હજાર હશે પણ આતો મારી ધારણા કરતા પણ 30 હજાર વધારે મળશે. પ્રણવને લાગ્યુ કે તે શીવાનીને કહેશે અને શીવાની તેની વાત માની મને સમજાવશે. પણ પ્રણવ ખોટો સાબિત થઈ રહ્યો હતો. અમે વહેલી સવાર સુધી ચર્ચા કરતા રહ્યા હતા. આખરે શીવાનીએ કહ્યુ પ્રણવભાઈ તમને ખબર છે, પ્રશાંત પોતાના સિવાય કોઈને સાંભળતો નથી. હું આટલા વર્ષોથી તેની સાથે રહું છુ. એકદમ જીદ્દી માણસ છે. તે પોતાની જીદને કારણે બરબાદ થઈ જશે પણ પોતાની વાત છોડશે નહીં અને સાચુ પુછો તો પ્રશાંત જે કંઈ કરી રહ્યો છે તેના માટે કદાચ પ્રશાંત સહિત અમારે પણ સહન કરવુ પડશે, પણ વાંધો નહીં તે જે કરી રહ્યો છે તે બરાબર છે. તમે તેના મિત્ર છો, તમને ચિંતા થાય છે તે સ્વભાવીક છે પણ તે પોતાનો રસ્તો કરી લેશે. આખે પ્રણવ નિરાશ થઈ મારા ઘરેથી નિકળ્યો. જતાં જતાં તેણે મને કહ્યુ કે મારા માટે કોઈ કામ હોય તો કહેજે. મને આજે પણ ખબર નથી કે પ્રણવ જે રીતે મારી ચિંતા કરી રહ્યો હતો કદાચ તે આવનાર તોફાન અંગે જાણતો હતો પણ તે મને કહી શક્યો ન્હોતો. 

તે ગયો પછી મને ઊંઘ જ આવી નહીં. હું વિચારમાં ચઢી ગયો, રજામાં અમે કાશ્મીર ગયા ત્યારે સૌથી પહેલા અમે વૈષ્ણવ દેવીના દર્શન કર્યા હતા અને માતાજીને કહ્યુ હું કે મા મારા જીવનમાં દસે દિશામાંથી સારા સમાચાર આવે પણ હજી તો અમદાવાદ પહોંચુ તે પહેલા એક પછી એક દિશામાંથી માઠા સમાચાર આવી રહ્યા હતા. મને ક્યારેય કલ્પના ન્હોતી કે અખબારમાં જ્યારે હું સામાન્ય માણસને થઈ રહેલા અન્યાય માટે લખતો હતો પણ આજે મારા પોતાના સાથી રિપોર્ટર્સને થઈ રહેલા અન્યાય માટે લડવાનું હતું. અખબારમાં સામાજીક આર્થિક રીતે બદલાઈ રહેલી દુનિયાના અનેક લોકોની સ્ટોરી મેં લખી હતી અને ભાસ્કરનો આગ્રહ પણ રહેતો હતો કે જેમના જીવનમાં સારી ઘટનાઓ થઈ રહી છે તેવી પોઝિટિવ સ્ટોરી લખવી જોઈએ અને હું પોતે પણ મારા રિપોર્ટર્સના જીવનમાં કંઈક સારૂ થાય તેવો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તેને મેનેજમેન્ટ યુનિયનબાજી સમજી રહ્યુ હતું. રિપોર્ટર્સની બહુ વિચિત્ર જીંદગી હોય છે. તે જ્યારે ફિલ્ડમાં હોય છે ત્યારે પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રીની સાથે આંખમાં આંખ મિલાવી લોકો સાથે થઈ રહેલા અન્યાયની વાત કરે છે. પણ જ્યારે તે ઓફિસમાં પાછો ફરે છે ત્યારે તે પોતાના એડિટર દ્વારા આપવામાં આવતા સાચા ખોટા આદેશ અંગે કંઈ બોલ્યા વગર તેનું પાલન કરતો રહ્યો છે. બીજાના અન્યાયની વાત કરતા પત્રકારને જ્યારે તેના જ અખબાર દ્વારા અન્યાય થાય ત્યારે તે સમાચાર બનતા નથી અને તેની કોઈ અખબાર નોંધ લેતુ નથી. સરકારી તંત્ર પણ અખબાર માલિકોથી ડરતુ હોવાને કારણે પત્રકાર ન્યાય માંગવા જાય તો કોની પાસે જાય? તેવો પણ પ્રશ્ન હોય છે. આ પ્રકારના ઘણા બધા વિચારો મને નિરાશ અને દુખી કરી રહ્યા હતાં. 

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.