હું પ્રશાંત દયાળ, ભાગ-4: મિલીંદ માકડને મળ્યા પછી મારા મનમાં થોડીક શાંતિ થઈ હતી. તેમણે બતાડેલા રસ્તા પ્રમાણે મને કદાચ કામ મળી જાય તેવી આશા બંધાઈ હતી. બીજા દિવસે સવારે હું સવારે નવ વાગે સમભાવ પ્રેસ પહોંચી ગયો. હજી ભુપતભાઈ આવ્યા ન્હોતા, તેવું મને તેમના પ્યૂન ભરત પાસેથી જાણવા મળ્યું હતું. હું રાહ જોઈ ઓફિસની બહાર જ ઊભો રહ્યો, થોડીવારમાં લીલા રંગની મારૂતી ફ્રંટી કાર ગલીમાં વળી. હું કારમાં કોણ છે તે જોવા માટે થોડો નીચો નમ્યો કારમાં ભુપતભાઈ જ હતા. મને મનમાં સારૂ લાગ્યું તે જમાનામાં શ્રીમંતો પાસે જ મારૂતી કાર રહેતી બાકીના લોકો એમ્બેસેડર અને ફિયાટમાં ફરતા હતા. કાર સમભાવના દરવાજા પાસે ઊભી રહી, ભુપતભાઈ પાછલી સીટમાંથી નીચે ઉતર્યા, મેં તેમને નમસ્તે કર્યું. મને જોતા જ તેમનો ચહેરો બદલાઈ ગયો, થોડી નારાજગી દેખાઈ, તેમણે મને કહ્યું કાલે તમે અરજી આપી ગયા હતાને? જગ્યા હશે તો તમને ફોન કરીશ. મેં ફરી નમસ્તે કરતા કહ્યું સર પણ મારે પગાર જોઈતો નથી, મારે તો કામ શીખવુ છે.

તેમના ચહેરા ઉપર તરત હાવભાવ બદલાઈ ગયા, મને લાગ્યુ માંકડ સાહેબની સલાહ કામ કરી ગઈ લાગે છે. તેમણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યુ અંદર આવો. મને હાશ થઈ, હું તેમની સાથે તેમની ચેમ્બરમાં ગયો, તેમણે ખુરશી ઉપર બેસતા પહેલા ભરતને પુછ્યું દિવ્યેશભાઈ આવ્યા છે? ભરતે માથુ હલાવી હા પાડી. તેમણે કહ્યું બોલાવો. હું વિચાર કરવા લાગ્યો કોણ હશે દિવ્યેશભાઈ. પછી અમે બંન્ને શાંત બેઠા હતા, ત્યારે એક પાતળાબાંધાની અને ઓછી ઉંચાઈની વ્યકિત ભુપતભાઈની ચેમ્બરમાં આવી. ભુપતભાઈ તેમની સામે જોતા મારી તરફ ઈશારો કરી કહ્યું. આ પ્રશાંત છે, હમણાં જ જર્નાલીઝમ કર્યું છે, તેને તમારે કામ શીખવાડવાનું છે. હું તરત ઊભો થયો તેમને નમસ્તે કહ્યું. તેમણે સારૂ કહી મને તેમની સાથે આવવાનું કહ્યું તે મને ઉપરના માળે જતી સીડીથી લઈ ગયા, સીડીમાં ઠેર ઠેર પાનની પીચકારીઓ મારેલી હતી. તેમની પહેલા માળની ચેમ્બર પણ લાકડાની પાર્ટીશીયનમાંથી બનાવેલી નાનકડી ચેમ્બર હતી.

તેમનું આખુ નામ દિવ્યેશ ત્રિવેદી હતું, એક નેક માણસ પણ સ્વભાવના અકડું હતા. પોતાનું ધાર્યું થાય નહીં તો નોકરીને અલવીદા કરી દેતા હતા. તેમની નબળાઈ તેમની પ્રમાણિકતા અને જ્ઞાન હતું. તેમને પોતાની શકિતઓ ઉપર અઢળક ભરોસો હતો, જેના કારણે તેમને ખુરશી છોડી દેતા વખત લાગતો ન્હોતો. તેમણે મને મારા અભ્યાસ વિશે પુછ્યું અને પછી કહ્યું રિપોર્ટીંગ સ્ટાફ સાંજે આવે છે, તું સાંજે આવજે હું તને તેમની સાથે તારી ઓળખાણ કરાવી દઈશ. મનમાં શાંતિની સાથે હવે ડર પણ આવી ગયો હતો. કામ શીખવાની તક તો મળવાની હતી પણ કામ આવડશે કે નહીં, હવે શું થશે તેવી ચિંતા મને ડરાવી રહી હતી. હું ત્યાંથી નીકળ્યો તે દિવસે આખો દિવસ મેં શું કર્યું હવે તે યાદ આવી રહ્યું નથી, પણ તે દિવસે ખુશ હતો કારણ હવે મને પહેલી વખત અખબારમાં કામ કરવાની તક મળવાની હતી.

મેં ગ્રેજ્યુએશન પુરૂ કર્યું ત્યાર પછી મારા પપ્પાએ મને કહ્યું જો હું ગુજરાત સરકારની અનેક કચેરીનું ઓડીટ કરૂ છું, તુ કહે તો હું વાત કરીશ અને તને નોકરી મળી જશે. મેં ત્યારે જ તેમને કહ્યું હતું ના હું સરકારી નોકરી કરવા માગતો નથી. તેમણે મને પુછ્યું તો તારે શું કરવું છે. હું ત્યારે સ્પષ્ટ ન્હોતો, મેં કહ્યું કંઈક જુદું કરવું છે.

સરકારી નોકરીમાં તો રોજે-રોજ એક સરખુ જ કામ કરવું પડે, હું એવું કામ કરવા માગું છું જ્યાં રોજ નવું કામ હોય અને નોકરી કરતો હોય તેવો ભાર ના લાગે છતાં મઝા પડે, મારા પપ્પા ચુપ થઈ ગયા. તેમની જીંદગી ઘડિયાળના ટકોરે ચાલતી હતી. સવારના દસથી છ વચ્ચે તેઓ નોકરી કરતા હતા. ક્યારે ઉઠવું, ક્યારે જમવું અને ક્યારે સુઈ જવું તે બધુ જ નિશ્ચીત હતું, પણ મારે તેવી નિશ્ચીતતામાં જીવવું ન્હોતું, પણ શું કરવું છે તેની પણ ખબર ન્હોતી. ગ્રેજ્યુએશન કર્યા પછી મને ખબર પડી કે પત્રકારત્વનો અભ્યાસ કરીએ તો પત્રકાર થવાય. મેં તેની તપાસ આદરી, મને ખબર પડી કે ગુજરાત યુનિર્વસિટીમાં પત્રકારનો અભ્યાસક્રમ ચાલે છે, મને તરત મંગુદાદાનું નામ યાદ આવ્યું. તેમનું આખુ નામ મંગળદાસ પટેલ, સારા ઈતિહાસકાર અને નાટ્ય દિગદર્શક હતા, મેં મંગુદાદાના હાથ નીચે અને બાળ નાટકો કરેલા તેના કારણે હું તેમના પરિચયમાં આવ્યો હતો અને પછી તે સંબંધ છેક સુધી જળવાઈ રહ્યો.

તેઓ ગુજરાત યુનિર્વસિટીમાં જ ઈતિહાસના પ્રાધ્યાપક હતા. હું તેમને મળવા ગયો મેં મારી ઈચ્છા વ્યક્ત કરી તેમણે કહ્યું ચાલો રઘુવીરને મળી લઈએ. અમે પત્રકારત્વ વિભાગમાં ગયા તેના વડા રઘુવીર ચૌધરી હતા. મંગુદાદાએ મારો પરિચચ કરાવી કહ્યું આ છોકરાને તમારા ડિપાર્ટમેન્ટમાં એડમિશન જોઈએ છે. રઘુવીર ચૌધરીએ મારા ગ્રેજ્યુએશનના માર્ક પુછ્યા મેં કહ્યું 43 ટકા, તેમણે તરત મંગુદાદા સામે જોયું અને કહ્યું પ્રવેશ મેળવવા માટે 50 ટકા તો જોઈએ. હું મુંઝાઈ ગયો, ઓછા માર્કને કારણે તકલીફ પડે તેવું પહેલી વખત સમજાયું. રઘુવીર ચૌધરીએ કહ્યું જો તમે SC/ST  અથવા અનામત કેટેગરીમાં આવતા હોત તો કદાચ પ્રવેશ મળી જાત.   

મારો જન્મ બ્રાહ્મણના ઘરમાં થયો હતો, આવું પ્રમાણપત્ર હું ક્યાંથી લાવું? અને મારે ખોટુ કરવું પણ ન્હોતું. મેં બીજી જગ્યાએ તપાસ કરી તો જાણકારી મળી કે ભવન્સ કોલેજમાં સાંજે ડિપ્લોમાં કોર્સ ચાલે છે, હું ત્યાં પહોંચી ગયો, બધી તપાસ કરી ઘરે આવ્યો. મેં મારા પપ્પાને કહ્યું હું પત્રકારત્વ ભણીશ, તેમને મારો આ નિર્ણય બહુ યોગ્ય લાગ્યો નહીં, પણ તેમણે મારી ઉપર ક્યારેય પોતાનો નિર્ણય થોપ્યો ન્હોતો. તેમણે કહ્યું, સારૂ..., મેં કહ્યું બે હજાર રૂપિયા વર્ષની ફિ છે, તેમણે કહ્યું આવતીકાલે બેન્કમાંથી લાવી આપીશ મેં ફિ ભરી અને પત્રકારત્વનો અભ્યાસ શરૂ કર્યો. હવે મારી પાસે ડીગ્રી હતી પણ નોકરી ન્હોતી પણ હવે તે દિશામાં જવાની શરૂઆત થઈ હતી. દિવ્યેશભાઈએ આપેલા ટાઈમ પ્રમાણે હું, સાડા પાંચ વાગે સમભાવ પ્રેસ ઉપર પહોંચી ગયો, દિવ્યેશભાઈએ મને રિપોર્ટીંગ સેકશનમાં લઈ આવ્યા.

સાવ, નાનો રૂમ દસ ફુટની એક રૂમ હતી, તેમાં દિવાલને અડીને ચારે દિશામાં એક એક ખુરશી અને ટેબલ હતા. જેના કારણે વચ્ચે સાવ ઓછી જગ્યા રહેતી હતી, દિવ્યેશભાઈએ વચ્ચેના ટેબલ ઉપર બેઠેલી વ્યકિતને ઓળખાણ કરાવતા કહ્યું આ ધુની માંડલીયા છે, ચીફ રિપોર્ટર છે. મેં નમસ્તે કર્યું, કાળી દાઢી અને ખાદીનો રંગીન જભ્ભો પહેર્યો હતો. ગલોફામાં પાન પણ દબાવેલું હતું પહેલી નજરે કોઈ શાયર જેવા દેખાતા હતા, પછી બીજા વ્યકિતઓ સાથે ઓળખાણ કરાવી આ જનક પુરોહીત, જયેશ ગઢવી અને આ ચંદ્રકાંત છે જયેશ ગઢવી અને જનક પુરોહીત સિનિયર રિપોર્ટર હતા અને ચંદ્રકાંત મારો જેવો નવો નિશાળીયો હતો. દિવ્યેશભાઈ મને છોડી નીકળી ગયા. હવે મારે બેસવું કયાં તે પણ સવાલ હતો. કારણ એક પણ ખુરશી જ ન્હોતી. મેં આસપાસ જોયું, જયેશ ગઢવી સમજી ગયા. તેમની ખુરશી પાસે એક સ્ટૂલ હતું તેની ઉપર લેન્ડ લાઈન ફોન હતો તેમણે લેન્ડ લાઈન ફોન ઉચકી પોતાના ટેબલ ઉપર મુક્યો અને સ્ટૂલ મારી તરફ ખસેડી બેસવાનું કહ્યું હતું.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’