પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (રવિ પુજારી-ભાગ-4): દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરિતોને ખતમ કરવાના છોટા રાજને સોંગદ લીધા હતા, પણ અંડરવર્લ્ડની રમત પણ શતરંજ જેવી હોય છે. ક્યાં, કોણ, કોને માત આપશે તે કહેવુ મુશ્કેલ હોય છે. છોટા રાજનના માણસોએ છોટા શકિલ ઉપર હુમલો કર્યો પણ તે સદ્દનસીબે બચી ગયો, તેની સાથે ડરી પણ ગયો તેને સમજાઈ ગયું કે છોટા રાજન જીવી ગયો તો તે પોતાનું જીવવું હરામ કરી નાખશે, હવે દાઉદ ઈબ્રાહીમે પણ રાજનને ખતમ કરવાનો પ્લાન ઘડી કાઢયો હતો. છોટા શકિલ ઉપર થયેલા હુમલા પછી ભાળ મળી કે છોટા રાજન થાઈલેન્ડમાં છે, દાઉદના શૂટર્સ થાઈલેન્ડ જવા રવાના થયા હતા. જેમાં એક ગુજરાતી શૂટર પણ હતો તે મુળ વડોદરાનો હતો, તેનો પરિવાર પણ વડોદરામાં રહેતો હતો. દાઉદની ગેંગમાં કામ કરી રહેલો વડોદરાનો નદીમ મિસ્ત્રીને  રાજનની હત્યાનું ટાસ્ક આપવામાં આવ્યુ હતું.

દાઉદ ઈબ્રાહીમને મળેલી માહિતી ચોક્કસ હતી, આ દરમિયાન દાઉદ અને રાજન એકબીજાની ગેંગમાં પોતાના ખબરી રાખવામાં સફળ થઈ ગયા હતા. જેના કારણે રાજન ગેંગના જ કોઈ સભ્ય દ્વારા રાજન કયાં છે તેની માહિતી દાઉદ સુધી પહોંચાડી દેવામાં આવી હતી. નદીમ મિસ્ત્રી સહિત આઠ શૂટર્સ છોટા રાજનના ફલેટ ઉપર પહોંચી ગયા અને તેમણે દરવાજો નોક કર્યો, રાજનને જરા પણ અંદાજ ન્હોતો કે ડી કંપની તેને શોધી શકશે. થાઈલેન્ડના જે ફલેટમાં રાજન રહેતો હતો ત્યાં તેની સાથે તેનો ગેંગસ્ટર રોહીત વર્મા, તેની પત્ની અને એક રસોઈયા ત્યાં રહેતા હતા, દરવાજો નોક થતાં દરવાજો ખુલ્યો અને નદીમ સહિત તમામ શૂટર્સ પોતાની લોડેડ ગન સાથે ફલેટમાં દાખલ થઈ ગયા અને તેમણે સામે જે મળ્યા તેની ઉપર ગોળીનો વરસાદ વરસાવી દીધો.

શૂટર્સને આદેશ હતો કે ફલેટમાં પ્રવેશ કર્યા પછી જો રાજનને તમે તક આપી તો સામો પ્રહાર કરશે જેના કારણે ધાણી ફુટે તેમ ગોળી છોડવામાં આવી હતી. જો કે રાજન પણ નસીબનો બળીયો નીકળ્યો હતો, જ્યારે શૂટર્સ ઘરમાં ધુસ્યા તે પોતાના બેડરૂમમાં હતો જેવો ગોળીબારનો અવાજ સાંભળ્યો તે ક્ષણમાં સમજી ગયો અને તેણે પોતાનો બેડરૂમ અંદરથી લોક કરી દીધો હતો. બહાર થઈ રહેલા ગોળીબારમાં રોહીત વર્મા, તેની પત્ની અને રસોઈયાના શરીર ચારણી થઈ ગયા હતા. શૂટર્સ માટે તો ખરેખર રાજન મહત્વનો હતો. તેમને અંદાજ આવી ગયો કે રાજન પણ અંદર છે, શૂટર્સએ રાજનનો બંધ બેડરૂમ તોડવાની શરૂઆત કરી.

રાજને ત્યારે બચવા માટે પોતાના બેડરૂમની બારી ખોલી બીજા માળેથી કુદકો મારવાનો નિર્ણય કર્યો. રાજને બારી ખોલી અને તે કુદવા ગયો ત્યારે બેડરૂમનો દરવાજો તુટયો અને શૂટર નદીમ ગન સાથે રૂમાં દાખલ થયો તે જ વખતે રાજને બારીમાંથી છલાંગ લાવી હતી, બારીની બહાર કુદી રહેલા રાજન ઉપર નદીમે ગોળી છોડી જેમાંથી એક ગોળી રાજનના ખભામાં પાછળના ભાગે વાગી પણ રાજન ત્યાંથી ભાગવામાં સફળ થયો. ખભામાં ગોળી વાગી અને બીજા માળેથી કુદવાને કારણે રાજનનો પગ તુટી જતા તે થાઈલેન્ડની એક હોસ્પિટલમાં ભરતી થઈ ગયો. રાજન બચી ગયો છે તેવા સમાચાર મળતા દાઉદ સહિત તેના ગેંગમાં ગુસ્સા સાથે ગભરાટ ફેલાઈ ગયો હતો. કારણ રાજન બચી ગયો તેનો અર્થ હવે તે વળતો હુમલો કરશે અને ક્યારે કરશે, ક્યાં કરશે તેનો કોઈને અંદાજ ન હતો. ડરને કારણે દાઉદના માણસો પણ હવે ભાગવા લાગ્યા હતા અનિલ પરબ જેવા ગેંગસ્ટરને અંદાજ આવી ગયો કે રાજન અને દાઉદની લડાઈમાં તેમનો કાંટો નીકળી જશે જેના કારણે તે સહિતના ભારતીય એજન્સીઓ સાથે ગોઠવી સરન્ડર થવા લાગ્યા હતા.

રાજન બચી ગયો જેના કારણે સૌથી વધુ ડર નદીમ મિસ્ત્રીને લાગ્યો હતો કારણ રાજને તેને ફલેટમાં જોયો હતો અને તેણે જ ચલાવેલી ગોળી રાજનના ખભામાં વાગી પણ હતી. જેના કારણે નદીમે ડી કંપની કાયમ માટે અલવીદા કરી ડી  કંપનીમાંથી નિકળી ગયો હતો, નદીમ ક્યાં ગયો તેની કોઈને ખબર ન્હોતી નદીમ લાપત્તા થઈ ગયો હતો. વર્ષો સુધી નદીમની કોઈને ભાળ ન્હોતી દરમિયાન 2016માં મુંબઈ પોલીસને જાણકારી મળી કે રાજન ઉપર હુમલો કરનાર અને દાઉદનો ખાસ માણસ જેની સામે મુંબઈ પોલીસના ચોપડે પણ અનેક ગુના નોંધાયેલા છે. તે નદીમ મિસ્ત્રી નવા નામ અને નવી ઓળખ સાથે વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહે છે. 2016માં મુંબઈ પોલીસ વડોદરા આવી અને નવી ઓળખ સાથે જીવતા નદીમને પકડી લીધો હતો હાલમાં નદીમ મિસ્ત્રીનું ડિસેમ્બર 2018માં મૃત્યું થઈ ચુક્યું છે.

(ક્રમશ:)