હું પ્રશાંત દયાળ: ભાગ-39: સતત નોકરીમાં થતાં ફેરફાર અને માતાની બીમારીને કારણે હું પરિવાર સાથે લાંબા દિવસ સુધી ફરવા ગયો હોઉ તેવુ બન્યુ જ ન્હોતુ. પરંતુ હવે માતાનું નિઘન થઈ ગયુ હતું અને ફરવા જઈ શકુ એટલા પૈસા પણ હતા. એટલે મે પરિવાર સાથે કાશ્મીર ફરવા જવાનો નિર્ણય કર્યો અને દસ દિવસની રજા લઈ અમે કાશ્મીર ફરવા ગયા હતા. દસ દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર જ પડી નહીં. હું અમદાવાદ ટ્રેનમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે મારા ડેસ્ક રિપોર્ટરનો મને ફોન આવ્યો. તેણે મને પુછ્યુ દાદા ભાસ્કરનું મેનેજમેન્ટ આપણને જે કાગળ ઉપર સહી કરવાનું કહે છે તેની ઉપર આપણે સહી કરવાની? પણ મને તો ક્યા કાગળ ઉપર સહી લેવામાં આવે છે તેની ખબર જ ન્હોતી. મેં કહ્યુ મનોજ હું આવતીકાલે ઓફિસ આવીશ પછી આપણે નક્કી કરીશુ. હું બીજા દિવસે મોર્નિંગ મિટીંગમાં અમદાવાદના સીજી રોડ સ્થિત ભાસ્કરની ઓફિસ પર ગયો ત્યારે મેં અમારા કોર્ટ રિપોર્ટર તેજસ અને સેન્ટ્રલ એજન્સીનું રિપોર્ટિંગ કરતા રિપોર્ટર નિમેષ ખાખરીયાને પુછ્યુ કે મેનેજમેન્ટ ક્યા કાગળ ઉપર આપણી સહી માગે છે? તેમણે મને સમજાવ્યુ કે 2011માં ભારત સરકારે એક પગાર પંચની રચના કરી, તેનું નામ હતું મજેઠીયા પગાર પંચ. આ પંચ દ્વારા ક્યા શહેરમાં ક્યા અખબારના પત્રકારનો પગાર કેટલો હોય તે નક્કી કર્યુ હતું. પરંતુ આ પંચના આદેશ સામે દેશના તમામ અખબાર માલિકો ભેગા થઈ સુપ્રીમ કોર્ટમાં ગયા અને તેમણે આ પગાર વધારે છે તેને ઘટાડવામાં આવે તેવી દાદ માગી હતી. ત્રણ વર્ષ પછી એટલે 2014માં સુપ્રીમ કોર્ટે અખબાર માલિકોની પીટીશન ફગાવી દઈ 2011થી એરીયર્સ સાથે તમામ પત્રકારોને નવો પગાર આપવાનો આદેશ આપ્યો છે.

ભાસ્કરના મેનેજમેન્ટની ઈચ્છા છે કે આપણે નવો પગાર જોઈતો નથી તેવા કાગળ ઉપર સહી કરી આપીએ. આ રિપોર્ટર પાસે બધી જ માહિતી હતી. મેં મારા હોદ્દા અને સિનિયરોટી પ્રમાણે જોયુ તો નવા પગાર પંચ પ્રમાણે મારો પગાર માસીક 80 હજાર હોવો જોઈતો હતો પણ મારો પગાર તો માસિક 1 લાખ 30 હજાર હતો. આમ પગાર પંચના આદેશ કરતા મારો પગાર વધારે હતો. ત્યાર પછી મેં ત્યાં હાજર એક એક રિપોર્ટરનો વર્તમાન પગાર અને નવો પગાર કેટલો હોય તે ચેક કરવાનું શરૂ કર્યુ તો મારા તમામ રિપોર્ટરનો પગાર નવા પગાર કરતા ખાસ્સો ઓછો હતો. આ ઉપરાંત તેમને તો પગાર 2011થી આપવાનો આદેશ હતો, એટલે દરેક રિપોર્ટરને પાંચથી સાત લાખ રૂપિયા મળે તેમ હતા. આ સંજોગોમાં તેઓ કઈ રીતે લખી આપે કે અમારે નવો પગાર જોઈતો નથી. બધાની નજર મારી તરફ હતી, તેમની આંખો કહેતી હતી કે મારે તેમના માટે લડવુ જોઈએ. મેં કહ્યુ સારૂ સાંજે હું ઓફિસ જઈને એડિટર સાથે વાત કરીશ. હું સાંજે ઓફિસ પહોંચ્યો એટલે મારા સિટી એડિટર મનિષ મહેતાએ મને બોલાવ્યો. પહેલા તેણે મારા કાશ્મીર પ્રવાસ વિશે પુછ્યુ અને કહ્યુ સારૂ થયુ તુ આવી ગયો, તારે તારી ટીમના તમામ રિપોર્ટર્સની એક કાગળ ઉપર સહી લેવાની છે. મેં પુછ્યુ ક્યા કાગળ ઉપર? તેણે મારી સામે એક કાગળ મુક્યો. મેં તે વાંચ્યો અને પુછ્યુ મનિષ તને વાજબી લાગે છે કે આપણે જેમનો ઓછો પગાર છે તેમની પાસે અમારે વધારે પગાર જોઈતો નથી તેવા કાગળ ઉપર સહી લઈએ? તેણે પોતાની લાચારી બતાવતા કહ્યુ તારી વાત સાચી છે પણ આ મેનેજમેન્ટનો ઓર્ડર છે, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. મેં મારી દલીલો કરી તેણે પોતાની દલીલો કરી. તેણે મને કહ્યુ કે ગુજરાતના કોઈ પણ અખબાર કરતા આપણે ત્યાં વઘારે પગાર મળે છે.

મેં કહ્યુ હું સંમત છુ કે ભાસ્કર મેનેજમેન્ટ બીજા બધા મેનેજમેન્ટ કરતા વધુ પ્રોફેશનલ છે. છતાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તો પગાર મળવો જ જોઈએ કે નહીં? આખરે મેં કહ્યુ મને સહી કરવામાં વાંધો નથી કારણ મને વધારે પગાર મળી રહ્યો છે પણ જેમનો ઓછો પગાર છે તેમને અન્યાય થશે, એટલે હું તો સહી કરીશ નહીં પણ મારા કોઈ રિપોર્ટરને સહી કરવા આગ્રહ પણ કરીશ નહીં. મનિષ સ્તબ્ધ થઈ ગયો તેને કલ્પના ન્હોતી કે હું આ પ્રકારના નિર્ણય ઉપર આવીશ, તે મારો મિત્ર હોવાને નાતે તે મને બહુ સારી રીતે સમજાવી રહ્યો હતો એટલી જ સારી રીતે હું પણ તેને મારી વાત કહી રહ્યો હતો. તે રાત્રે મને સ્ટેટ એડીટર અવનીશ જૈને પણ બોલાવ્યો અને મને કહ્યુ મારે આ પ્રકારની રિપોર્ટરની માગણીને ટેકો આપવો જોઈએ નહીં. મેં તેમને પણ સમજાવ્યા આપણે ચીફ રિપોર્ટર હોઈએ કે એડિટર પહેલા તો આપણે પત્રકાર છીએ અને જ્યારે પત્રકારના હિતની વાત હોય ત્યારે આપણે બધાએ સાથે ઉભા રહેવુ જોઈએ પણ મનિષ અને અવનીશ મેનેજમેન્ટની ખુરશીમાં બેસી વિચાર કરી રહ્યા હતા જ્યારે હું રિપોર્ટર તરીકે વિચારી રહ્યો હતો. મારા નિર્ણય પછી સ્પષ્ટ થઈ ગયુ હતું કે રિપોર્ટર્સ મેનેજમેન્ટના કાગળ ઉપર સહી કરવા તૈયાર નથી. દિવ્ય ભાસ્કરની અમદાવાદની ઓફિસમાં રિપોર્ટર નવા પગાર માટે લડી લેવાના મુડમાં છે તેવી વાત ફેલાઈ ગઈ અને તે વાત બીજી એડીશનમાં પણ પહોંચી ગઈ હતી જેના કારણે મારી ઉપર પણ બીજી એડિશનના રિપોર્ટરના ફોન આવવાની શરૂઆત થઈ હતી. અવનીશ જૈન અને મારી મિટિંગમાં કોઈ ફળદાઈ પરિણામ આવ્યુ નહીં. હું મારી વાત ઉપર મક્કમ હોવાને કારણે કોઈ રિપોર્ટર પણ હવે મેનેજમેન્ટના કાગળ ઉપર સહી કરવા તૈયાર ન્હોતા. અવનીશ જૈને એક પછી એક રિપોર્ટરને બોલાવી વાત કરવાની શરૂઆત કરી, જેમાં અમે સહી કરીશુ જ નહીં તેવુ ખોંખારી બોલનારમાં મારા સાથી રિપોર્ટરમાં મૃગાંક પટેલ, નિમેષ ખાખરીયા અને તેજસ મહેતા હતા. આ રિપોર્ટર બોલકા હતા અને પોતાની વાત સારી રીતે સમજાવી શકતા હતા. અવનીશ જૈનને આ રિપોર્ટર્સે પણ કહી દીધુ કે અમારા કાંડા કાપી આપીએ છીએ તેવા કાગળ ઉપર અમે સહી નહીં કરીએ. મામલો ગરમ થઈ રહ્યો હતો. હવે અવનીશ જૈન પણ નારાજ અને ગુસ્સે થઈ રહ્યા હતા. તેમણે રિપોટર્સને કહી દીધુ કે આ પ્રવૃત્તીને મેનેજમેન્ટ યુનિયન સમજી લેશે અને તમારી સામે પગલાં ભરશે, તમારી નોકરી પણ જઈ શકે અને તમારી બદલી પણ થઈ શકે છે. હવે ધમકી ઉમેરાઈ હતી. અવનીશ જૈનને મળી આવ્યા પછી રિપોર્ટર્સે મને તેમને મળી રહેલી ધમકીની વાત કરી હતી. મને બહુ ખરાબ લાગી રહ્યુ હતું કે મારા એડિટર ભુલી ગયા કે એક જમાનામાં તેઓ રિપોર્ટર હતા, આજે તેઓ એડીટર છે અને ઉંચો પગાર લઈ રહ્યા છે જેના કારણે તેઓ ઓછો પગાર છે તેવા રિપોર્ટરની વાત સાંભળવા તૈયાર નથી. બીજા દિવસે સવારે મોર્નિંગ મિટિંગમાં આવ્યા પછી તેજસ મહેતાએ કહ્યુ ભાસ્કરના મેનેજીંગ ડિરેક્ટર સુધીર અગ્રવાલને એક મેઈલ કરવાનો છે, મેં સુધીર અગ્રવાલને એક મેઈલ કર્યો અને વિનંતી કરી કે મજેઠીયા પગાર પંચની માગણી કરતા કોઈ પણ પત્રકાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં. આ મામલે સામ સામે ટેબલ ઉપર બેસી ચર્ચા કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે. મારા ઇમેલથી એમડી ઓફિસને મળતા ખળભળાટ મચી ગયો હતો.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.