હું પ્રશાંત દયાળ: ભાગ-38: ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવી મને સાત વર્ષ થઈ ગયા હતા. 2013ના વર્ષમાં મને દિવ્ય ભાસ્કરના તંત્રી મનિષ મહેતાનો ફોન આવ્યો. મનિષ અને હું જુના મિત્રો, અજય ઉમટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જોડાઈ જતા મનિષને દિવ્ય ભાસ્કરની અમદાવાદ એડિશનની જવાબદારી સોંપવામાં આવી હતી. મનિષે મને કહ્યુ ભાસ્કરના સ્ટેટ એડીટર અવનીશ જૈન મળવા માગે છે. ત્યારે મારા મનમાં નોકરી છોડવાનો કોઈ ઈરાદો ન્હોતો પણ હું અવનીશ જૈનને મળવા તૈયાર થયો. અમારી મુલાકાત રાજપથ કલબમાં થઈ. તેમણે મને કહ્યુ મારી ઈચ્છા છે કે તમારે ચીફ રિપોર્ટર તરીકે જોડાવવુ જોઈએ.  મેં કહ્યુ હું આખી જીંદગી રિપોર્ટર જ રહેવા માગુ છું. હું રોજ દસ નવા માણસોને મળુ અને રોજ બે નવી સ્ટોરી લખુ તો જ મને જીવવાનું બળ મળે છે. તેમણે મને કહ્યુ તમે ચીફ રિપોર્ટર થયા પછી પણ રિપોર્ટીંગ કરી શકશો. જો કે મારૂ મન ચીફ રિપોર્ટરની જવાબદારી લેવા તૈયાર ન્હોતુ. હું મારૂ કામ કરી છુટો થઈ જઉ તેની જ મને મઝા આવતી હતી. મને સાહેબ થવાનો ક્યારેય આનંદ થયો ન્હોતો. જો કે ત્યારે કોઈ પણ નિર્ણય કર્યા વગર અમે છુટા પડયા, પછી હું, મનિષ અને અવનીશ જૈન અનેક વખત મળ્યા. મનમાં દિવ્ય ભાસ્કરમાં જોડાવા માટેની એક માત્ર લાલચ હતી મારી પોતાની ગુજરાતી ભાષામાં સ્ટોરી લખવા મળશે. હું દિવ્ય ભાસ્કરમાં નહીં જોડાવા માટે જે કઈ કારણો આપતો ગયા તે તમામનું મનિષ અને અવનીશ જૈન સમાધાન કરી આપતા હતા. આખરે દિવ્ય ભાસ્કરમાં મેં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. મેં જ્યારે મારા એડિટર ભરત દેસાઈને તેની જાણ કરી ત્યારે તેમણે મને કહ્યુ ભલે તને ઠીક લાગે તેમ કર પણ મને સમજાતુ હતું કે તેમને મારો આ નિર્ણય પસંદ પડયો ન્હોતો. સામાન્ય સમજ પણ એવી હતી કે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા જેવુ મોટુ જાયન્ટ ગ્રુપ છોડી કોઈ દિવ્ય ભાસ્કરમાં થોડુ જાય? પણ મને કયારેય કોઈ પણ બેનરનું આકર્ષણ રહ્યુ ન્હોતુ. અને મેં ટાઈમ્સ ઓફ ઈન્ડીયા છોડી દિવ્ય ભાસ્કર જોઈન કર્યુ હતું.

 

2007માં મેં દિવ્ય ભાસ્કર છોડ્યુ અને 2013 હું પાછો દિવ્ય ભાસ્કરમાં આવ્યો હતો ત્યારે ઘણુ બધુ બદલાઈ ગયુ હતું. મારા મોટા ભાગના સાથીઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને અમદાવાદ મીરરમાં હતા. જુના મિત્રમાં માત્ર મીતેષ બ્રહ્મભટ્ટ જ હતો, ફરી એક નવી શરૂઆત કરી હતી. જો કે મનિષ અને અવનીશ જૈને વચન આપ્યુ હતું તેમ મારે માટે ચીફ રિપોર્ટરનું કામ ઓછુ અને રિપોર્ટીંગ વધારે હતું. મને કામ કરવાની મઝા આવી રહી હતી. મારી સાથે નવા સાથીઓમાં હવે મનિષ મહેતા, અજય નાયક , પારસ ઝા અને મૃગાંક પટેલ હતા. દિવ્ય ભાસ્કર એક કોર્પોરેટલ કલ્ચરનું અખબાર છે. જેના કારણે રોજ સવારે મિટીંગ, સાંજે મિટીંગ અને દર મહિને તમે કેવુ કામ કરો છે તેનું પ્રેઝન્ટેશન લઈ ભોપાલ જવાનું હતું. ભોપાલમાં તમામ રાજ્યના પ્રતિનિધિઓ આવતા હતા. જો કે ભોપાલ દર મહિને એક ટુર જેવુ લાગતુ હતું તેના કારણે કંટાળો આવતો ન્હોતો. મારી જૂની કોલમ જીવતી વારતા પણ ફરી વખત શરૂ થઈ હતી. મારા અને અવનીશ વચ્ચે ક્યારેક મતભેદ થતાં પણ અમારી વચ્ચે મનિષ મહેતા મધ્યસ્થીનું કામ કરી લેતો હતો. સારો સમય હોય ત્યારે સમય ક્યારે પસાર થઈ જાય તેની ખબર પડતી નથી. હું કોલેજમાં અભ્યાસ કરતો ત્યારથી મને બુલેટ મોટર સાયકલ લેવાની ઈચ્છા હતી. જ્યારે નોકરી લાગી ત્યારે મેં બચત ભેગી કરી 20 હજાર રૂપિયા ભેગા કર્યા પણ બુલેટ જોવા માટે શોરૂમ ઉપર ગયો ત્યારે તેની કિમંત 50 હજાર રૂપિયા હતી. મેં અનેક વખત બુલેટ મોટરસાયકલના શો રૂમ બહાર ઉભા રહી કોઈ બાળક પોતાના પ્રિય રમકડાને જુવે તેમ મેં બુલેટને જોયુ હતું. હું પૈસા ભેગા કરી જ્યારે જઉ ત્યારે અગાઉ કરતા તેની કિંમત વધી જતી હતી. આમ મારૂ બુલેટ ખરીદવાનું સ્વપ્ન અધુરૂ રહી જતુ હતું.

2003માં મારી પાસે મોટર સાયકલ હતી જ્યારે મારા નાના ભાઈ પાસે કાર હતી. ત્યારે મારો દિકરો કાયમ કારમાં બેસવાની જીદ કરતો હતો. મેં ત્યારે પચાસ હજાર રૂપિયા ભેગા કર્યા અને બાકીની લોન લઈશ તેવુ નક્કી કરી સૌથી સસ્તી કાર મળતી હોય તેવી ટાટા કંપની ઈન્ડીકા કાર ખરીદવા ગયો હતો, પણ કાર અંગે જાણકારી મેળવી હું દુખી થયો કારણ ડાઉન પેમેન્ટની રકમ એક લાખ હતી અને મારી પાસે તો પચાસ હજાર જ હતા. હું નિરાશ થઈ શો રૂમની બહાર નિકળી રહ્યો હતો ત્યારે મને શો રૂમના મેનેજરે મારી સમસ્યા અંગે પુછ્યુ ત્યારે તેણે મને તેનો રસ્તો બતાડતા કહ્યુ જો તમે ટેક્સી કોટામાં કાર ખરીદો તો પચાસ હજાર રૂપિયામાં હું તમને કાર આપી શકુ. મને કાર અને ટેક્સી કોટાની કારમાં શુ ફેર તેની ખબર પડી નહીં., તેણે મને સમજ આપતા કહ્યુ કે તમારી અંગત કાર હોય તો કાળી અને સફેદ નંબર પ્લેટ લાગે અને ટેક્સી હોય તો પીળી નંબર પ્લેટ લાગે. ટેક્સી કોટા કાર સસ્તી હોય છે. હું તરત તૈયાર થઈ ગયો. મેં ઘરે જાણ કરી ન્હોતી કે હું કાર ખરીદવા નિકળ્યો છું. પચાસ હજાર રૂપિયા જમા કરાવ્યા અને બાકીની લોનના કાગળો આપી હું કાર લઈ ઘરે આવ્યો ત્યારે મારો દિકરો આકાશ અને પત્ની શીવાની ખુબ ખુશ હતા કારણ અમારી માલિકીની અમારી પાસે પહેલી કાર હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા છોડ્યા પછી મારા નિકળતા પૈસા આવ્યા ત્યારે મારી પત્નીએ મને કહ્યુ તમારી બુલેટ લેવાની જુની ઈચ્છા હતી ત્યારે તમારી પાસે પૈસા ન્હોતા. હવે પૈસા આવ્યા છે બુલેટ લઈ લો, હું ખુશ થયો અને દિવ્ય ભાસ્કરમાં જોડાયા પછી મેં બુલેટ ખરીધ્યુ હતુ. નવુ બુલેટ ચલાવવાની મઝા આવતી હતી. બુલેટ આવ્યા પછી એક અઠવાડીયાની રજા લઈ હું અને શીવાની રાજસ્થાન ફરવા ગયા હતા. લગ્ન બાદ અમે આટલા લાંબા દિવસ એકલા ફરવા નિકળ્યા અને તે પણ બુલેટ ઉપર તેવુ પહેલી વખત થઈ રહ્યુ હતું. 2008માં મારી માતાને કેન્સર થયુ જેના કારણે તેની સેવામાં હું રોકાયેલો રહ્યો અને પૈસાનો પણ ખર્ચ ખાસ્સો થતો હતો જેના કારણે હું પરિવાર સાથે ક્યાંય જઈ શક્યો જ ન્હોતો. કેન્સરની બીમારીમાં મારી મા નાના બાળક જેવી થઈ ગઈ હતી જેના કારણે દિવસમાં ચાર વખત હું ઓફિસથી ઘરે તેને મળવા આવતો હતો. હું આવુ તો જ તે પાણી પીવે અને જમતી હતી. મેં તેને બચાવવા માટે ખુબ મહેનત કરી પણ મારી મહેનત અને પ્રાર્થના કદાચ ટુકી પડી રહી હતી, તેનું કેન્સર વધી રહ્યુ હતું, તેના મૃત્યુના છેલ્લાં દિવસે હું સાંજે તેને જયુશ પીવડાવવા માટે આવ્યો ત્યારે તેણે મને પુછ્યુ તારા પગ ક્યાં છે? મને આશ્ચર્ય થયુ મેં પુછ્યુ મારા પગનું કામ શુ છે? તેણે મને કહ્યુ હું તને પગે લાગવા માંગુ છે, તે મારૂ ખુબ ધ્યાન રાખ્યુ. મેં તેને ઠપકો આપ્યો કે મા કોઈ દિવસ પોતાના દીકરાને પગે લાગે? ચાલ સુઈ જા. અને તે સુઈ ગઈ ત્યાર પછી તે કોમામાં ગઈ અને બીજા દિવસે તેણે પ્રાણ છોડ્યો હતો પણ તેણે મને જતા પહેલા આપેલુ સૌથી મોટુ પ્રમાણપત્ર હતું. મારી માનું મૃત્યુ થયુ ત્યારે હું 45 વર્ષનો હતો પણ મને તે ગઈ ત્યારે લાગ્યુ કે હજી હું માંડ દસ વર્ષનો છું મારે તેની જરૂર હતી અને મને છોડી જતી રહી હતી.

મારી માતાના અવસાનને હજુ માંડ 15 મિનિટ થઇ હતી અને મને નરેન્દ્ર મોદીના અંગત સચિવ તન્મય મહેતાનો ફોન આવ્યો કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તમારી સાથે વાત કરશે. નરેન્દ્ર મોદીએ મારી માતાના મૃત્યુ બદલ શોક વ્યક્ત કરી મને આશ્વાસન આપ્યુ હતું. પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે મારી માતાના નિધનનાં સમાચાર હું મારા અંગત મિત્રો અને સ્વજનોને પણ આપી શક્યો ન હતો. પરંતુ  આ વાત નરેન્દ્ર મોદીને આ બધા કરતા પહેલી ખબર પડી હતી.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.