હું પ્રશાંત દયાળ:ભાગ-37: મેં અચાનક પોલીસવાળાને બુમ પાડી પુછ્યુ કે ક્રાઈમ બ્રાન્ચવાલે કહા ગયે? તેનું પહેલુ કારણ એવુ હતું કે આ પોલીસવાળાને બોડી લેગ્વેજ કહેતી હતી કે તેને અમારી ઉપર શંકા છે કે અમે કોણ છીએ અને બીજુ કારણ એવુ હતું જો અમે પોલીસવાળા છીએ તો અમને ખબર હોવી જોઈતી હતી કે સુરંગનું મોંઢુ ક્યાં ખુલ્યુ છે? મેં જોરથી બુમ પાડી તેના કારણે પહેલા તો તે પોલીસવાળાએ માની લીધુ કે અમે પોલીસ અધિકારી જ છીએ. તેણે તરત મને ડાબી તરફ વળતા રસ્તા તરફ ઈશારો કર્યો પણ જેવા અમે તેની એકદમ નજીક પહોંચ્યા એટલે પેલા પોલીસવાળાએ કહ્યુ સર તમારૂ આઈડેન્ટી કાર્ડ બતાડો. મને ધ્રાસકો પડ્યો, મને ખબર છે કે મિહીરની પણ આવી જ સ્થિતિ થઈ હશે પણ પ્રશ્ન સાંભળતા મેં એક ક્ષણનો વિલંબ કર્યા વગર મારો જમણો હાથ પેન્ટના પાછળની ખીસ્સામાં નાખી મારૂ પર્સ બહાર કાઢ્યુ અને મારૂ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનું જે આઈડેન્ટી કાર્ડ હતું તે એકદમ પોલીસના ચહેરા તરફ ધર્યુ અને તે હજી વાંચે અથવા જુવે તે પહેલા મેં પાછુ મારા પર્સ અને ખીસ્સામાં મુકી દીધુ,અને અમે સુરંગ જ્યાં ખુલી હતી ત્યાં સુધી પહોંચી ગયા. મે અને મિહીરે એકબીજાની સામે જોયુ, ત્યાંથી નિકળી અમે ઓફિસ ઉપર પહોંચ્યા. મેં ફોન લગાડવાની શરૂઆત કરી, સુરંગ ખોદાઈ ત્યાંથી બહાર સુધી કેટલી લાંબી છે તેની માહિતી મેળવવાની હતી. જો કે મનેં થોડીક જ વારમાં પુરી માહિતી મળી હતી. પોલીસના દાવા કરતા સાવ વિરૂધ્ધની વાત મળી. બીજા દિવસે માત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને ગુજરાત સમાચારમાં જ લખાયુ કે સુરંગ 213 ફુટની હતી. અખબારી જગત સહિત બધાને સન્નાટો હતો. અમે આટલી વિગત ક્યાંથી મેળવી તેની તપાસ પોલીસ અને પત્રકારો કરી રહ્યા હતા. આ એક રોમાંચક અનુભવ હતો. અમે રિપોર્ટીંગ માટે ઘણી મહેનત કરી હતી અને જોખમ ઉપાડ્યા હતા, અહિયા જે મે મુક્યુ તે ટુંકાણમાં છે, પણ વાસ્તવમાં આ કામ માટે અનેક લોકોને મારે નારાજ કરી કામ કરવુ પડ્યુ હતું.

આ દરમિયાન એક સારા સમાચાર પણ મળ્યા. અમારી  સામે અમદાવાદના પોલીસ કમિશનર ઓ. પી. માથુરે કરેલો રાષ્ટ્રદ્રોહનો કેસ હાઈકોર્ટે કાઢી નાખ્યો હતો. હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં નોંધ્યુ કે આ કેસમાં રાષ્ટ્રદ્રોહ જેવુ કંઈ જ નથી. મને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આવ્યાને સાત વર્ષ થઈ ગયા હતા. કદાચ આ મારી સળંગ નોકરીનો સૌથી મોટો લાંબો ગાળો હતો. મારા દિવ્ય ભાસ્કરના તંત્રી અજય ઉમટની ભાસ્કર દ્વારા દિલ્હી ખાતે બદલી કરવામાં આવી હતી, તે દિલ્હી જવા માગતા ન્હોતા, તેમણે પણ ભાસ્કર છોડી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જોઈન કરી લીધુ હતું, સમય ઝડપથી બદલાઈ રહ્યો હતો. હું અંગ્રેજીમાં લખતો ન્હોતો પણ મારા ટાઈમ્સના સાથી સૌરવ મુખરજી, રાધા શર્મા, હિમાંશુ કૌશીક અને સઈદ ખાન મારી કોપી લખી નાખતા હતા. આ પ્રકારે પણ રિપોર્ટીંગ થઈ શકે તેની મને કલ્પના ન્હોતી. આ દરમિયાન મારા એક સિનિયર નચીકેત દેસાઈનો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યુ આપણે મળીશુ, મેં કહ્યુ મળીએ, તેમણે મને કહ્યું મળીશ પણ તારી ઓફિસમાં નહીં તું ટાઈમ્સની નીચે આવી જા. હું તેમને મળવા માટે મારી ઓફિસ પાસે ગયો, તેઓ મને શું કામ મળવા માગે છે મને ખબર ન્હોતી. હું નચીકેતા દેસાઈને મળ્યો. તેમણે મને પુછ્યુ તને સતીષ વર્મા મળવા માગે છે. તું મળવા આવીશ? સતીષ વર્મા ગુજરાત પોલીસના સિનિયર આઈપીએસ અધિકારી હતા. બહુ કડક અને પ્રમાણિક.. મેં વિચાર કર્યો કે સતીષ વર્મા મને કેમ મળવા માગે છે? નચીકેતાએ મને યાદ અપાવતા કહ્યુ તને યાદ હશે ગુજરાત હાઈકોર્ટે ઈશરત એન્કાઉન્ટર કેસની તપાસ તેમને સોંપી છે, તેમાં તારી મદદની જરૂર છે. 2001થી ગુજરાતમાં એન્કાઉન્ટરનો સીલસીલો શરૂ થયો હતો. આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા એન્ડ કંપની મુસ્લિમોને અમદાવાદ લાવી આતંકી કહી ઠાર મારતા હતા. 2004માં અમદાવાદ એરપોર્ટ પાસે ચાર વ્યક્તિઓને ઠાર મારવામાં આવી હતી જેમાં ઈશરત જહાં, જાવેદ, જીશાન અને અમઝદ હતા. પોલીસનો દાવો હતો કે આ ચારેય લશ્કરે-એ-તોઈબાના આંતકી હતા અને નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હતા. આ ઘટના ઘટી ત્યારે પણ મેં દિવ્ય ભાસ્કરમાં પોલીસે કરેલા એન્કાઉન્ટર સામે શંકા વ્યકત કરી હતી. ત્યાર બાદ પણ આ વિષય ઉપર લખતો રહ્યો હતો. ઈશરતની માતા શમીમા કૌસરે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી આ મામલે તપાસની માગણી કરતા હાઈકોર્ટ દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી જેના એક સભ્ય તરીકે આઈપીએસ અધિકારી સતીષ વર્મા પણ હતા. 

હું નચીકેતા દેસાઈ સાથે  સતીષ વર્માને મળવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિશનની કેન્ટીનમાં ગયો. અમે બંને પહેલી વખત મળી રહ્યા હતા. સતીષ વર્માએ મારી સાથે પહેલા ઔપચારિક વાત કરી પછી કહ્યુ પ્રશાંતભાઈ તમને ખબર છે કે મને હાઈકોર્ટે તપાસ સોંપી છે પણ મારી પહેલી સમસ્યા એવી છે કે  મારૂ પોસ્ટીંગ વર્ષોથી અમદાવાદ બહાર રહ્યુ છે તેના કારણે મારી પાસે કોઈ ઈન્ફોરમર નથી અને બીજી સમસ્યા એવી છે કે મારે પોલીસ સામે જ તપાસ કરવાની છે એટલે મને કોઈ માહિતી આપવાના નથી. સૌથી પહેલા તો મને તમે આખા કેસની વિગત સમજાવો. મેં સતીષ વર્માને આખો કેસ સમજાવવાની શરૂઆત કરી. જેમ સોહરાબઉદ્દીન કેસમાં મેં અમીતાભ ઠાકુર અને કંદાસ્વામીને કેસ સમજાવ્યો અને સાથે કામ કર્યુ તે જ સ્થિતિ નિર્માણ થઈ હતી. બે ત્રણ કલાક લાંબી મિટિંગ પછી સતીષ વર્મા કેસ સમજી ગયા અને ક્યાં કેવી રીતે ગરબડ થઈ તેનો પણ તેમને અંદાજ આવી ગયો. હવે તેમને વણઝારાના ગઢમાં ગાબડુ પાડી માહિતી કાઢવાની હતી પણ તે કામ એટલુ સહેલુ હોતુ. તેમણે જતાં મને કહ્યુ થોડા ઈન્ફરમર મને મળી જાય તો સારૂ રહેશે. મેં મદદ કરવાની હા પાડી. તેમણે મને કહ્યુ બને ત્યાં સુધી આપણે લેન્ડ લાઈન ઉપર વાત કરીશુ કારણ મને હવે શંકા છે કે સરકાર મારા ફોન પણ સર્વેલન્સમાં મુકાવશે પણ મારી અને વર્માની મુલાકાતનો દોર ચાલતો ગયો. સોહરાબ કેસની સરખામણીમાં ઈશરત કેસમાં વધુ ઝડપથી માહિતી મળી રહી હતી. સતીષ વર્મા અમારી મુલાકાત ગુપ્ત રહે તે માટે ઓટો રીક્ષામાં ટાઈમ્સ ઉપર મળવા આવતા હતા. અમારી વાત તેમના પોલીસવાળા પણ જાણે નહીં તે માટે તેઓ સરકારી વાહન લઈ મને મળવા આવતા ન્હોતા. ઈશરત કેસ શરૂ થયો તેના કારણે સરકાર ફરી વખત નારાજ થઈ હતી. તેમાં પણ સતીષ વર્મા અને ભાજપ સરકારના ખાસ કરી અમિત શાહ સાથે તેમના સંબંધો સારા ન્હોતા જેના કારણે ભાજપ સરકાર સતીષ વર્માની એક એક ગતીવિધિ ઉપર નજર રાખી હતી. તેમાં પણ હું સતીષ વર્માને મદદ કરી રહ્યો છું  તેવી ખબર પડી ત્યારે અમિત શાહની જુની નારાજગીમાં વધારો થયો હતો. ઈશરતના એન્કાઉન્ટરમાં જે પોલીસ અધિકારીઓ સામેલ હતા તેમનું મારી સામે નારાજ થવુ પણ સ્વભાવીક હતું.

(ક્રમશ:)