પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-36): એક સાંજે ભાજપ હાઈકમાન્ડે અચાનક જાહેરાત કરી કે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, ત્યારે કેશુભાઈ પટેલ સહિત આખુ ભાજપ સ્તબ્ધ હતું. કેશુભાઈ પટેલને કેમ હટાવવામાં આવે છે તેનું સ્પષ્ટ કારણ હાઈકમાન્ડ આપી શકે તેમ ન્હોતો, ખુદ કેશુભાઈ પટેલે અડવાણીને પુછ્યું મને કેમ હટાવો છો તેનું કારણ તો આપો, કેશુભાઈ પટેલ ડીસ્ટર્બ થઈ ગયા હતા. તેમણે જાહેરમાં પાર્ટીને પુછ્યું મારો વાંક શું... ગુનો શું... પણ પાર્ટી જવાબ આપી શકી નહીં. 1987માં નરેન્દ્ર મોદી ગુજરાતના મહામંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે અમેરિકા રહેતા ભાજપના કાર્યકર અંજલી મહેતાને કહ્યું હતું કે, તેઓ ગુજરાત ભાજપ ઉપર કબજો કરી લેશે, તે તેમણે કરી બતાવ્યુ હતું. મુખ્યમંત્રીની જાહેરાત થતા નરેન્દ્ર મોદી ગુજરાત આવી ગયા હતા. 1995માં અપમાનીત થઈ નરેન્દ્ર મોદીને ગુજરાત છોડવું પડ્યું હતું. તે જ મોદી 2001માં મુખ્યમંત્રી થઈ પાછા આવ્યા હતા.


 

 

 

 

 

અમદાવાદ એરપોર્ટ ઉપરથી નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલના બંગલે પહોંચ્યા હતા, મોદી સારા રાજકારણીની સાથે સારા કલાકાર પણ છે. તેમણે કેશુભાઈ પટેલના બંગલે આવતા કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ માંગ્યા હતા. જે કેશુભાઈ પટેલને તેમણે હટાવ્યા હતા હવે તેઓ તેમના પગમાં બેઠા હતા. આ દ્રશ્ય જોનારને નરેન્દ્ર મોદીની નમ્રતા માટે આદર થાય તેવો તેમનો વ્યવહાર હતો. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા અને મંત્રીમંડળની રચના કરી તેમના તેમણે પોતાના કટ્ટર દુશ્મન હરેન પંડયાને સ્થાન તો આપ્યું પણ તેમની પાસેથી ગૃહ વિભાગનો હવાલો લઈ તેમને રાજ્યકક્ષાના મહેસુલ પ્રધાનનો હવાલો આપ્યો હતો. ગૃહરાજ્ય મંત્રીનો હવાલો ગોરધન ઝડફિયાને સોંપવામાં આવ્યો હતો. તે હરેનનો કાંટો કાઢી નાખવાના હતા, પણ તેના માટે હજી તેમની પાસે સમય ઘણો હતો. મંત્રીમંડળની રચના પછી તેમણે કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાનો હાથ પકડી ફોટો પડાવ્યો હતો અને કહ્યું હતું કે આ બે નેતાઓના માર્ગદર્શન હેઠળ તે કામ કરેશે, આ બધુ નાટક હતું, પણ ભાજપના નેતાઓને સમજતા વાર લાગી હતી.

કેશુભાઈ પટેલનો વિરોધ કરતા નેતાઓ અને પત્રકારોને બહુ જલદી સમજાઈ ગયું કે કેશુભાઈને હટાવવામાં તેમણે નરેન્દ્ર મોદીને કરેલી મદદ એક ભુલ હતી. જે નેતાઓ નરેન્દ્ર મોદીને મદદ કરતા હતા, હવે મોદીને તેમની જરૂર ન્હોતી. કારણ મોદીનો હેતુ પુરો થઈ ગયો હતો. જે કાશીરામને તેઓએ મુખ્યમંત્રી થવાની લાલચ આપી હતી તેમની સાથે વાત કરવાનો પણ મોદીને સમય ન્હોતો, મોદીને ખબર હતી કે જે જશપાલસિંહ કેશુભાઈના થયા નહીં તે તેમના પણ થશે નહીં, તેમણે જશપાલને પણ હવે હડસેલી દીધા હતા. હવે નરેન્દ્ર મોદીનું અસલી સ્વરૂપ બહાર આવ્યું હતું.

કેશુભાઈ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં બરાડી બોલતા પત્રકારોને સચિવાલયમાં આવવા ઉપર મોદીએ પ્રતિબંધ મુકી દીધો હતો. તબ્બકાવાર મોદી ગુજરાતના પત્રકારો ઉપર સેન્સરશીપ લાદી રહ્યા હતા. પહેલા જે રીતે સચિવાલયમાં પત્રકારો આવતા હતા, તેમની ઉપર નજર અને બંધી બંન્ને આવી ગઈ હતી. કયો પત્રકાર કયા નેતાને મળે છે તેની જાણકારી મોદીને મળી જતી હતી અને પછી તે મંત્રીના રિમાન્ડ શરૂ થતા હતા.


 

 

 

 

 

ભાજપના નેતાઓ અને મંત્રીઓ હવે એક અજાણ્યા ભયમાં જીવવા લાગ્યા હતા. નરેન્દ્ર મોદી હજી ધારાસભ્ય ન્હોતા, માટે તેમણે ચૂંટણી લડી વિધાનસભાના સભ્ય પણ થવાનું હતું. તે માટે તેમને કોઈ સલામત બેઠકની જરૂર હતી. અમદાવાદ શહેરમાં ભાજપ માટે સૌથી સલામત બેઠક એલીસબ્રીજ હતી. નરેન્દ્ર મોદી એલિસબ્રીજ બેઠક ઉપરથી પેટા ચૂંટણી લડવા માગતા હતા. જો કે આ બેઠક પસંદ કરવા પાછળ પણ મોદીના બે હેતુ હતા. જેમાં પહેલા તો આ બેઠક ઉપર મોદી એક પણ દિવસ પ્રચાર કરવા જાય નહીં તો પણ ચૂંટણી જીતી જવાના હતા અને બીજુ કારણ એવું હતું કે નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હોય તો હરેન પંડયાને આ બેઠક ખાલી કરવી પડે આમ હરેનનો કાંટો પણ નિકળી જાય, પણ નરેન્દ્ર મોદીની અપેક્ષા કરતા જુદુ પરિણામ આવ્યું. નરેન્દ્ર મોદીની દરખાસ્ત આવતા હરેન પંડયાએ પોતાની બેઠક ખાલી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. કોઈ મંત્રી અને ધારાસભ્ય મુખ્યમંત્રી માટે બેઠક ખાલી કરવાની ના પડે તેવું ક્યારેય બને નહીં, પણ હરેનને મોદીના ઈરાદાની ખબર હતી.

હરેન પંડયાએ બેઠક ખાલી કરવાની ના પાડતા નરેન્દ્ર મોદી માટે બીજી બેઠક શોધવાની હતી અને તેમણે રાજકોટ શહેરમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડયા પણ ખરા અને જીત્યા પણ. નરેન્દ્ર મોદી આ પહેલા કયારેય કોઈ ચૂંટણી લડયા ન્હોતા. આમ નરેન્દ્ર મોદી એક ચૂંટણી લડ્યા અને તેમાંય તેમની પાસે મુખ્યમંત્રી પદ હતું. આ તેમની જીંદગીની પહેલી ચૂંટણી હતી, જો કે હરેન પંડયાએ બેઠક ખાલી કરાની ના પાડીને નરેન્દ્ર મોદી સામે જાહેરમાં તલવાર ખેંચી દીધી હતી. હવે કેબીનેટમાં પણ તેમની વચ્ચે વાતચીત ઘટી ગઈ હતી. નરેન્દ્ર મોદી ખુબ જ નારાજ અને ગુસ્સામાં હતા. તેઓએ કઈ રીતે હરેનને હટાવી શકાય તેની વ્યવસ્થા કરી લીધી હતી, જો કે સરકારમાં પણ તેમનો આ પહેલા અનુભવ ન હતો, તેના કારણે સરકારી તંત્રને સમજતા પણ તેમને વખત લાગી રહ્યો હતો. છતાં તેમની એક આવડત હતી કે તેઓ કયારેય સરકારનો હિસ્સો રહ્યા ન્હોતા તેમ છતાં બહુ જલદી સરકારી તંત્ર ઉપર કાબુ મેળવી રહ્યા હતા.


 

 

 

 

 

નરેન્દ્ર મોદીની સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે વાત કરવાનો હવાલો અમિત શાહે સંભાળી લીધો હતો. જો કે તેઓ ધારાસભ્ય હોવા છતાં મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા ન્હોતા. હજી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપ અને સરકારમાં રહેલા પોતાના દુશ્મનો સાફ કરવા માગતા હતા, હજી મોદીને શાસનના છ મહિના જ થયા હતા, ત્યારે ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન ઉપર ટ્રેન સળગી અને તોફાનો શરૂ થયા, તેમાં નરેન્દ્ર મોદી માથે માછલા ધોવાયા પણ નરેન્દ્ર મોદીને દોડવું હતું અને ઢાળ મળ્યો તેવી સ્થિતિ નિર્માણ થઈ, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી ભાજપનો ગ્રાફ ઊંચે જતો રહે તેવું એક પણ કામ થયું ન્હોતુ પણ તોફાન પાછળ નરેન્દ્ર મોદી જ જવાબદાર છે તેવા તેમની ઉપર થઈ રહેલા આરોપોએ તેમને હિન્દુ મસિહા બનાવી દીધા હતા. હિન્દુત્વના મુદ્દે ફરી એક વખત ગુજરાત ચાર્જ થઈ ગયું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive