હું પ્રશાંત દયાળ:ભાગ-36: સોહરાબુદ્દીન શેખનો કેસ હવે મુંબઈ જતો રહ્યો. હું નવા કામમાં લાગી ગયો હતો. એક રવિવારે સમાચાર મળ્યા કે અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓએ સુરંગ ખોદી નાખી છે. હું પત્રકાર કમલ ભાવસાર અને મિહીર ભટ્ટ સાથે સાબરમતી જેલ ઉપર પહોંચ્યો. કમલ અને મિહીર ત્યારે ગુજરાત સમાચારમાં કામ કરતા હતા. અમે જેલ ઉપર પહોંચ્યા પણ પોલીસ અધિકારીઓના વાહનો આવતા અને અધિકારીઓ વાહનમાંથી ઉતરી જેલમાં જતા રહેતા હતા. અમારી સાથે વાત કરવા કોઈ પોલીસ અધિકારી તૈયાર ન્હોતા. ભારતની કોઈ પણ જેલમાં સુરંગ ખોદાઈ હોય તેવી પહેલી ઘટના હતી. જેના કારણે ગુજરાત પોલીસ પણ દબાણ હેઠળ કામ કરી રહી હતી. તેમને કડક સુચના હતી કે પત્રકારો સુધી સુરંગની વાત જાય નહીં. રાણીપ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કેદીઓએ 12 ફુટ સુરંગ ખોદી હતી. સવાલ એવો હતો કે 12 ફુટની સુંરગ હોય તો કેદી  જેલની બહાર નિકળી શકે નહીં. પોલીસ અધિકારીઓ જે રીતે મોંઢા સીવી કામ કરી રહ્યા હતા તેના કારણે મામલો ગંભીર હોવાનો અંદાજ આવી રહ્યો હતો, પણ સુરંગ જેલની અંદર હોવાને કારણે વધુ વિગતો મળી રહી ન્હોતી. અમદાવાદ પોલીસ કમિશનરે બનાવની ગંભીરતા જોતા મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો હતો જેના કારણે માહિતી મેળવવી વધારે મુશ્કેલ બની હતી. અમદાવાદના બીજા પત્રકારો કરતા મારા સંપર્કો જેલમાં વધારે હતા જેની બીજા પત્રકારોને પણ ખબર હતી. મેં મારા સંપર્કોનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો અને પહેલુ કામ થયુ, જેલ પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે જેલમાં પત્રકારો જ જઈ શકતા ન્હોતા, પણ મારી પાસે સુરંગનો ફોટો આવી ગયો હતો.

જ્યારે બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં સુરંગમો ફોટો છપાયો ત્યારે તમામ અખબારો સહિત પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હું કઈ રીતે જેલની અંદરથી ફોટો લઈ આવ્યો તે બધાને પ્રશ્ન હતો પણ મારી પાસે ફોટો ક્યાંથી આવ્યો તેની ગુપ્તતા મારે રાખવાની હતી. માત્ર ફોટો મળવાથી કામ પુરૂ થયુ ન્હોતુ. સુરંગના મામલે હજી ઘણી તપાસ કરવાની બાકી હતી. શરૂઆતના દિવસોમાં અમે ઘણા પત્રકારો જેલ ઉપર જતા માહિતી મેળવવા પ્રયત્ન કરતા અને ખાલી હાથે પાછા ફરતા હતા. હવે તો પત્રકારોએ જેલ ઉપર જવાનું છોડી દીધુ હતું પણ મને લાગી રહ્યુ હતું કે માહિતી મળશે તો જેલમાંથી જ મળશે. મારી સાથે રોજ મિહીર ભટ્ટ આવતો હતો, તે મારો જુનિયર હતો, તેની અંદર કામ કરવાની અને કામ શીખવાનો ઉત્સાહ હતો. અમે રોજ સવારે સાબરમતી જેલના દરવાજે જઈ બેસતા અને સાંજે પાછા ફરતા હતા. મિહીરને કંઈ સમજાતુ ન્હોતુ, એક દિવસે તેણે મને પુછ્યુ દાદા આપણે કેમ રોજ જેલ ઉપર આવી છીએ? હું હસ્યો, મેં તેને કહ્યુ મને પણ ખબર નથી પણ મને અંદરથી લાગી રહ્યુ છે કે આપણને કંઈક મોટી માહિતી મળશે, તે જ સાંજે મેં જેલની બહાર નિકળતા એક પોલીસ અધિકારીને જોયા, તેમણે દુરથી મને પણ જોયો હતો પણ જાણે મને જોયો જ નથી તેવો ભાવ તેમના ચહેરા ઉપર મેં જોયો, તે જેલની બહારના મુખ્ય રસ્તા ઉપર જઈ રહ્યા હતા. મેં મિહીરને ઝડપથી કહ્યુ મિહીર તુ અહિયા જ બેસી રહેજે, મારી સાથે આવીશ નહીં. હું પણ જેલના મુખ્ય રસ્તા ઉપર જવા લાગ્યો, પેલો પોલીસ અધિકારી બહાર આવી પાનના ગલ્લા ઉપર સીગરેટ પીવા ઉભા રહ્યા, હું પણ તેમની બાજુમાં જઈ ઉભો રહ્યો, મેં તેમની સામે જોયા વગર તેમને પુછ્યુ સુરંગ કેટલી લાંબી છે? તેમણે મને કહ્યુ બહુ લાંબી છે જેલની બહાર નિકળી ગઈ છે, મને ધ્રાસકો પડ્યો. પોલીસ કહી રહી હતી કે સુરંગ 12 ફુટની છે પણ આ અધિકારી કહી રહ્યા હતા કે સુરંગ જેલની બહાર નિકળી ગઈ છે. મેં તરત પુછ્યુ કઈ તરફ? તેમણે મને કહ્યુ જેલની દક્ષિણ તરફ. તે અધિકારી પોતાની સીગરેટ લઈ જતા રહ્યા. મારા આખા શરીરમાં ઝડપથી લોહી દોડવા લાગ્યુ હતું. એક સાથે અનેક વિચારો મને ઘેરી વળ્યા હતા. હું પાછો મિહીર પાસે આવ્યો , હું જેલની દક્ષિણ દિશા કઈ તે વિચારી રહ્યો હતો. મિહીર મારી સામે જોઈ રહ્યો હતો. તેણે મને પુછ્યુ દાદા શું કઈ વિગત મળી? વિગત તો મળી હતી પણ તે અધુરી હતી, તેની પુર્તતા કરવાની હતી પણ જેલની દક્ષિણ દિશા નક્કી થતાં હું અટકી ગયો કારણ તે જેલનો પ્રતિબંધીત વિસ્તાર હતો, દક્ષિણ દિશામાં જવુ કઈ રીતે કારણ ત્યાં પોલીસનો પહેરો હોય છે. પત્રકારોને તો તે રસ્તા ઉપર જવાની મંજુરી જ નથી.

મેં વિચાર કર્યો. મિહીરે મને પુછયુ શુ થયુ? મેં તેની સામે જોતા કહ્યુ મોટી વિગત મળશે પણ જોખમ લેવુ પડશે. તે કંઈ સમજ્યો નહીં, મેં તેને વિગત સમજાવી, તેના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ. જો પકડાઈ જઈએ તો પોલીસ કેસ થાય તે પછીની વાત છે પણ પોલીસ ખુબ ફટકારશે તેનો પણ ડર હતો. મેં મિહીર સામે જોયુ. તેણે મને કહ્યુ તમે કહો તેમ કરીએ દાદા.. મેં તેને કહ્યુ આપણે જોખમ ઉપાડવુ પડશે. આપણે ત્યાં જઈશુ, જાણે આપણે પોલીસ અધિકારી છીએ તેવી આપણી બોડી લેગ્વેજ રહેશ. હું તારો અધિકારી અને તુ મારો પોલીસવાળા છે તે રીતે આપણે ત્યાં એન્ટ્રી લઈશુ, તેની આંખોમાં ચમક આવી તે મને હા પાડે તે પહેલા જ મેં જેલની દક્ષિણ દિશામાં પ્રતિબંધીત વિસ્તાર તરફ ચાલવાનું શરૂ કર્યુ, તે પણ મારી પાછળ ચાલવા લાગ્યો. અમે મનમાં નક્કી કર્યુ તે પ્રમાણે જાણે અમે પોલીસ અધિકારીઓ જ હોઈએ તે રીતે અમારી ચાલ હતી. એક વખત મે ખાતરી કરવા મારી પાછળ આવી રહેલા મિહીર તરફ ઝડપથી નજર કરી, તે પણ પોલીસવાળા જેવુ ચાલી રહ્યો હતો. મને સારૂ લાગ્યુ, અમે પહેલા પોલીસ પોઈન્ટ પાસે પહોંચ્યા, પોલીસવાળો રાયફલ લઈ બેઠો હતો. તેણે અમને જોયા અને તેણે માની લીધુ કે અમે પોલીસવાળા જ છીએ, તે ખુરશીમાં બેઠો હતો, તેણે અમને જોયા અને તે ખુરશીમાંથી ઉભો થઈ ગયો. તેનો અર્થ અમારી પોલીસ તરીકેની એક્ટિંગ બરાબર હતી. હું ઝડપથી ચાલી રહ્યો હતો, મારી પાછળ આવી રહેલા મિહીરના બુટનો અવાજ મને સંભળાતો હતો. સો મીટર પછી પોલીસનો બીજો પહેરો પાર કરવાનો હતો. હવે મગજ પણ પોલીસ જેવુ જ વિચારી રહ્યુ હતું. બીજા પોઈન્ટ તરફ જોયા વગર હું ચાલી રહ્યો હતો. બીજા પોલીસવાળાએ પણ મને પોલીસ અધિકારી માની લીધો, તેણે તો અમને ઉભા થઈ સલામ પણ કરી. હવે છેલ્લો પોલીસ પોઈન્ટ પાર કરો એટલે જ્યાંથી સુરંગ જેલની બહાર નિકળી તે પોઈન્ટ આવવાનો હતો. અમે ત્રીજા પોઈન્ટને પાર કરવા માટે આગળ વધી રહ્યા હતા. ત્રીજા પોઈન્ટનો પોલીસવાળો અમને દુરથી જોઈ રહ્યો હતો, તે પોતાની જગ્યાએ જ ઉભો હતો, અમારી વચ્ચે લગભગ પચ્ચીસ મીટરનું અંતર બાકી રહ્યુ હશે ત્યારે તે અમારી તરફ ચાલતો આવવા લાગ્યો, સ્થિતિ બગડી શકે તેમ હતી. મેં પાછળ જોયા વગર મિહીરને કહ્યુ ડરતો નહીં, તારા ચહેરા ઉપરના હાવભાવ બદલાય નહીં, હવે મારા અને સામે આવી રહેલા પોલીસવાળા વચ્ચે દસ મીટરનું અંતર બાકી રહ્યું હતું અને મેં અચાનક બુમ પાડી પોલીસવાળાને પુછ્યુ જવાન ક્રાઈમ વાલે કહાં ગયે?

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો