હું પ્રશાંત દયાળ: ભાગ-35:  સીબીઆઈની ટીમ અમિત શાહના સરકારી બંગલે પહોંચી હતી. અમિત શાહ ગૃહરાજ્ય મંત્રી હતા. સીબીઆઈ સોહરાબુદ્દીન કેસમાં તેમની પૂછપરછ કરવા માગતી હતી પણ અમિત શાહના સીબીઆઈમાં પણ સંપર્કો હતા, તેમને તપાસ કઈ દિશામાં જઈ રહી છે તેનો અંદાજ આવી ગયો હતો. સીબીઆઈની ટીમ તેમના બંગલે પહોંચી  તે પહેલા તેઓ બંગલેથી નિકળી ગયા હતા. સીબીઆઈએ વિધાનસભાના અધ્યક્ષને સત્તાવાર રીતે જાણ કરી કે તેઓ મંત્રી અમિત શાહની પૂછપરછ કરવા માગે છે. અમિત શાહ ભુગર્ભમાં જતા રહ્યા, ગુજરાતનો કોઈ મંત્રી અને તે પણ ગૃહમંત્રી ભુગર્ભમાં જતા રહે તેવી પહેલી ઘટના હતી. અમિત શાહને બંગલે એક પછી એક સમન્સ પહોંચવા લાગ્યા પણ તેમનો કોઈ પત્તો ન્હોતો, તેઓ કાયદાકીય સલાહ લઈ રહ્યા હતા, તેમની પાસે વકીલોની ફોજ હતી, કાયદાકીય સલાહ પ્રમાણે તેમને સીબીઆઈ સામે હાજર થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન્હોતો. રવિવારનો દિવસ હતો, ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.

 ત્યારે સમાચાર મળ્યા કે અમિત શાહ ભાજપની અમદાવાદ ખાતેની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું ત્યાં પહોંચ્યો, પત્રકારોની ભીડ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ. તેમણે સીબીઆઈ સામે ગંભીર આરોપ મુકયા અને પોતાની સામેના આક્ષેપો નકારી કાઢ્યા. પત્રકારો એક પછી એક પ્રશ્ન પુછી રહ્યા હતા. હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મેં એક પ્રશ્ન પુછી નાખ્યો. અમિત શાહે મારી સામે જોયુ, તેમની આંખમાં મારા પ્રત્યે ગુસ્સો હતો, તે જવાબ આપતા પહેલા પોતાની જગ્યા ઉપર ઉભા થયા અને તેમણે મારી સામે જોતા કહ્યુ પ્રશાંતભાઈ તમે પત્રકારત્વ છોડી સીબીઆઈ જોઈન કરી લો. આટલુ બોલી તેઓ પ્રેસ કોન્ફરન્સ છોડી જતાં રહ્યા. આ ઘટના મારી તરફની નારાજગી બતાડી રહી હતી. પ્રેસ કોન્ફરન્સમાંથી નિકળી તેઓ સીધા ગાંધીનગર સીબીઆઈ ઓફિસ પહોંચ્યા, તેમણે શરણાગતિ સ્વીકારી. સીબીઆઈએ તેમની ધરપકડ કરી લીધી હતી. તેમના પોલીસ રિમાન્ડ થયા અને તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા હતા. ત્યાર બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. દિલ્હીથી મોટા વકીલો અમિત શાહના જામીન માટે હાજર રહેતા હતા ત્યારે મેં પહેલી વખત અમિત શાહના પુત્ર જય શાહને હાઈકોર્ટમાં જોયો. ભાજપના એક નેતાએ જયને મારી તરફ ઈશારો કરી કહ્યુ આ પ્રશાંત દયાળ છે. મેં જયની આંખમાં તેના પિતા જેવો જ ગુસ્સો જોયો, તે પણ માની રહ્યો હતો કે તેના પિતા મારા કારણે જેલમાં ગયા છે. દિવસો સુધી કોર્ટમાં સુનાવણી ચાલતી રહી. ત્રણ મહિના પછી હાઈકોર્ટે અમિત શાહને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો. જેવા જામીન આપવાનો હુકમ થયો તેની સાથે જય મારી પાસે આવ્યો તેણે મારી આંખોમાં જોતા કહ્યુ હું તમને છોડીશ નહીં.

અમિત શાહને જામીન મળ્યા તે વાત સીબીઆઈ અધિકારીઓ માટે બહુ આઘાતજનક હતી. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી છતાં સીબીઆઈના અધિકારીઓએ દિલ્હી ઓફિસમાં વાત કરી અને તેમને આદેશ મળ્યો કે તાત્કાલીક કેસ પેપર સાથે દિલ્હી આવી જાવ. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય માણસને હાઈકોર્ટ જામીન આપે તો પણ તેના કાગળો હાઈકોર્ટથી જેલ સુધી પહોંચતા બે ત્રણ દિવસ થઈ જાય છે. પણ આ તો ગુજરાત મંત્રી હતા, તેના કારણે મોડી સાંજ સુધીમાં હાઈકોર્ટમાં અમિત શાહના જામીનના કાગળો તૈયાર થયા, ત્યાંથી સેશન્સ કોર્ટ કાગળો પહોંચ્યો અને સેશન્સ કોર્ટે જેલ સત્તાવાળોને અમિત શાહને જામીન ઉપર છોડવા આદેશ આપ્યો હતો. અમિત શાહના વકીલ તમામ કાગળો લઈ જેલ ઉપર પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. જેલમાં એક વખત કેદીઓની બંદી થઈ જાય પછી બીજા દિવસે જ કેદીને બેરેકની બહાર લાવવામાં આવે છે પણ અમિત શાહ માટે રાત પડી ગઈ હોવા છતાં જેલ અધિકારીઓએ તેમના જામીનના કાગળોને આધારે અમિત શાહને જેલમાંથી બહાર કાઢ્યા હતા. જેલની બહાર અમિત શાહના કાર્યકરોની ભીડ હતી જાણે અમીત શાહ યુધ્ધ જીતી આવ્યા હોય તેવો માહોલ હતો. અમિત શાહ પોતાના ઘરે નારણપુરા પહોંચ્યા ત્યાં તેમના સંબોધન માટે ખાસ મંચ બનાવવામાં આવ્યો હતો, ત્યાં આતશબાજી પણ થઈ રહી હતી. બીજી તરફ સીબીઆઈના અધિકારીઓ રાત્રે સુપ્રીમ કોર્ટના જજના ઘરે પહોંચ્યા, કેસની ગંભીરતા બતાવી તેઓ તાત્કાલીક સુનાવણી માંગી રહ્યા હતા. સીબીઆઈની ઈચ્છા હતી કે અમિત શાહ જેલની બહાર નિકળી જ શકે નહીં અને તે પહેલા સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટના હુકમ સામે મનાઈ હુકમ આપે. જો કે તેમા મોડું થઈ ચુકયુ હતું. અમિત શાહ જેલમાંથી નિકળી પોતાના ઘરે આવી પોતાના કાર્યકરો સામે ભાષણ આપી રહ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના જજના ઘરે અમિત શાહના જામીન રદ કરવા માટે અપીલ ચાલી રહી હતી. સીબીઆઈએ શંકા વ્યકત કરી હતી કે અમિત શાહ શકિતશાળી નેતા છે. આ કેસના સાક્ષીઓ પણ ગુજરાતના છે જેના કારણે તેમને જામીન મળે તો કેસને નુકશાન થઈ શકે છે. સામા પક્ષે અમિત શાહના વકીલ પોતાની દલિલો મુકી રહ્યા હતા. આખરે સુપ્રીમ કોર્ટે વચલો રસ્તો કાઢ્યો અને તેમણે ચુકાદો આપ્યો કે અમિત શાહના જામીન યથાવત રાખવામાં આવે છે પરંતુ  તેમણે ગુજરાતમાં પ્રવેશ કરવો નહીં તેવી શરત લાદવામાં આવે છે. આમ અમિત શાહ જ્યારે પોતાના ઘરની બહાર ભાષણ કરી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને ગુજરાતની બહાર નિકળી જવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશની જાણ અમિત શાહને થઈ ચુકી હતી. બીજા દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી નિકળી દિલ્હી આવી ગયા હતા. જો કે સુપ્રીમ કોર્ટની આ આકરી શરત તેમને રાજકિય રીતે ઘણો ફાયદો કરવાની હતી તેની કદાચ તેમને પણ ખબર  ન્હોતી. આમ ગુજરાતમાં લગભગ સોહરાબુદ્દીનો કેસ પુરો થઈ ગયો હતો, કારણ સીબીઆઈએ કોર્ટમાં બીજી અરજી કરી કેસ ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી. સીબીઆઈને ડર હતો કે ગુજરાતની કોર્ટો અને સાક્ષીઓને આ કેસને શકિતશાળી આરોપીઓ અસર કરી શકે છે, તેના કારણે સુપ્રીમ કોર્ટે આ કેસ મુંબઈની ખાસ અદાલતમાં ચલાવવાનો હુકમ કર્યો હતો. આ હુકમને કારણે સાબરમતી જેલમાં રહેતા તમામ પોલીસ અધિકારીઓને હવે મુંબઈની તલોજા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. 

(ક્રમશ:)