પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-34): કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની મદદ વગર એકલા હાથે સરકાર બનાવી દીધી હતી, કેશુભાઈ પટેલ અને સંજય જોશી સરકાર બનાવવામાં ખાસ તકેદારી રાખી હતી. કેશુભાઈ પોતાના વિશ્વાસુઓને સરકારમાં સામેલ કરી રહ્યા હતા. જેમાં તેમના અંગત હરેન પંડયાને ગૃહ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આવાત મોદીને ખટકી રહી હતી. હવે કેશુભાઈ પણ સતર્ક થઈ ગયા હતા. તેઓ પણ મોદીની હિલચાલની માહિતી રાખવા લાગ્યા હતા. તેમને ખબર હતી કે મોદી તેમની સરકાર પાડી દેવાના પ્રયત્ન કરશે. હવે શંકરસિંહના નામનું ગ્રહણ ટળ્યું હતું, પણ હવે મોદી દોષનો તેમને સામનો કરવાનો હતો. નરેન્દ્ર મોદી દિલ્હી હતા, પણ તેમનું ધ્યાન અને મન ગુજરાતમાં રમ્યા કરતુ હતું, તેઓ ગુજરાતની પણ અવારનવાર મુલાકાત લેતા હતા. તેઓ જાણવાનો પ્રયત્ન કરતા હતા કે કેશુભાઈ પટેલની સરકારથી ભાજપીઓ ખુશ છે કે નહીં.

નરેન્દ્ર મોદી ગુજરાત ક્યારે આવવાના છે તેની ઉપર ગુહ વિભાગની બારીક નજર રહેતી હતી, જેવા નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરે તેની સાથે આઈબીના તેમનો અધિકારીઓ પીછો કરતા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ક્યાં ગયા અને કોને મળ્યા તેની ઉપર તેમની નજર રહેતી હતી. મોદી પણ કાગડા જેવા હતા, તેમને પણ પોતાનો પીછો આઈબીના અધિકારીઓ કરી રહ્યા છે, તેની જાણકારી રહેતી હતી. જેના કારણે મોદીને સૌથી વધુ ગુસ્સો હોય તો તે હરેન પંડયા ઉપર હતો. હરેન તેમનો માનીતો ચેલો હતો, પણ હવે તેમનો સાથ છોડી કેશુભાઈ સાથે બેસી ગયો એટલુ જ નહીં મોદીએ હરેન પંડયા દ્વારા થઈ રહેલી જાસુસી અંગે પણ સિનિયર્સ સામે નારાજગી વ્યકત કરી હતી. કેશુભાઈ પટેલની સરકારમાં કોઈ લાંબી રેસનો ઘોડો હતા તો તે હરેન પંડયા હતા. નરેન્દ્ર મોદી પાસે તેમના હનુમાનની ભૂમિકામાં અમિત શાહ હતા જ્યારે કેશુભાઈ પાસે હરેન પંડ્યા હતા.


 

 

 

 

 

શંકરસિંહ વાઘેલાનો ત્રીજા મોરચાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, રાજપાની કારમી હાર થઈ હતી. રાજકારણમાં અક્કડ ચાલે નહીં, પણ સતત અક્કડાઈ કરતા બાપુને પ્રજાએ તેમની હેસીયત બતાડી દીધી હતી. બાપુ કોંગ્રેસ સાથે સંબંધ બગાડી ચુકયા હતા. પહેલા સત્તા લેવા માટે અને પછી વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસ સાથે બખેડો કર્યો હતો. સત્તાના તૌરમાં બધા સાથે સંબંધો બગાડી ચુકેલા બાપુ પાસે હવે વિકલ્પ રહ્યા ન્હોતા. બાપુને કોંગ્રેસમાં કોઈ પસંદ કરતુ ન્હોતું. અહેમદ પટેલે મન મોટું રાખી રાજપાની માત્ર ચાર બેઠકો આવી હોવા છતાં બાપુને કોંગ્રેસમાં આવી જવાની દરખાસ્ત મુકી હતી. આખરે બાપુએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાપુએ જ્યારે કોંગ્રેસમાં જવાની વાત કરી ત્યારે આખી જીંદગી કોંગ્રેસ સામે લડનાર બાપુના સાથીઓ દત્તાજી ચિરંદાસ, નવીનભાઈ સાડીવાલા અને નટુમામા જેવા નેતાઓ કોંગ્રેસમાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાપુ પોતાના સાથી મધ્ય દરિયે છોડી કોંગ્રેસમાં જતા રહ્યા હતા.

કેશુભાઈ પટેલ પોતાની નવી સરકારમાં કોઈ ભુલ થાય નહીં તેની તકેદારી રાખતા હતા. હિન્દુત્વના મુદ્દે સરકાર બની હોવા છતાં મુસ્લિમોમાં અસુરીક્ષતાની લાગણી જન્મે નહીં તેની પણ તકેદારી રાખતા હતા. જ્યારે પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ અથવા નાના છમકલા થયા ત્યારે રાજ્ય સરકાર તરીકે તેમણે તરત તોફાન ડામી દેવાની હિંમત દાખવી હતી. હરેન પંડયાનો ઉછેર સંઘમાં થયો હોવા છતાં ગૃહમંત્રી તરીકે તેમણે તમામ પ્રયાસ કર્યા હતા કે તેઓ કોઈ કોમના નહીં પણ રાજ્યના ગૃહપ્રધાન છે. તેનું ધ્યાન રાખી કામ કરતા હતા. કેશુભાઈ પટેલે પોતાના જમાઈ મયુર દેસાઈને શક્ય એટલા દુર રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે પ્રવિણ તોગડિયા પણ હાવી થઈ જાય નહીં, તેનું પણ ધ્યાન રાખ્યુ હતું. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય યતિન ઓઝા જે ભાજપની ટીકીટ ઉપર સાબરમતી વિધાનસભા બેઠક ઉપર ચૂંટાઈ આવ્યા હતા. તેમને અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં પોલીસ સાથે થયેલા થયેલા ઝઘડામાં પોલીસે માર માર્યો હતો.


 

 

 

 

 

ભાજપના ધારાસભ્યને માર મારવામાં આઈપીએસ અધિકારી સતીષ વર્મા, પ્રમોદ ઝા અને અતુલ કરવાલ હતા. નવા વાડજમાં એક પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ ઈન્સપેકટરનું મૃત્યુ થયું હતું, જેના કારણે સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. જ્યાં ભાજપના ધારાસભ્ય યતિન ઓઝાએ પોલીસને જાહેરમાં ગાળો આપવાની શરૂઆત કરી હતી, જેના કારણે આઈપીએસ અધિકારીઓ યતિન ઓઝાને સારી પેઠે માર્યા હતા. બધાને જ ખબર હતી કે યતિનના વ્યવહારને કારણે યતિનને માર પડયો હતો, પણ યતિનની માગણી હતી કે સત્તાધારી પક્ષના ધારાસભ્યને મારનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારે કેશુભાઈ પટેલ અને હરેન પંડયાએ પોલીસ અધિકારીઓ સાથે રહેવાનો નિર્ણય કરી તેમને સસ્પેન્ડ કરવાનો ઈન્કાર કરતા, યતિન ઓઝાએ ધારાસભ્ય પદથી રાજીનામુ આપી દીધુ હતું.

(ક્રમશ:)