હું પ્રશાંત દયાળ: ભાગ-34: સીબીઆઈના અધિકારીઓ કહી રહ્યા હતા તેવુ થયુ નહીં. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાને કારણે તેઓ ચોક્કસ રાજકિય એજન્ડા સાથે આવ્યા હતા તેની મને બહુ મોડી ખબર પડી હતી. જેમને આ કેસ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ ન્હોતો તેવા લોકોને માત્ર અમિત શાહની નજીક હોવાને કારણે આરોપી બનાવવામાં આવી રહ્યા હતા. સોહરાબુદ્દીન શેખની હત્યા કોણે શુ કામ કરી છે તેના મુળ સુધી જવાને બદલે ઉપર છલ્લી કહેતો-કહેતી હતી તેવા નિવેદનોને આધારે તપાસ થવા લાગી હતી. જેના કારણે કેસના કાગળો જોતા સમજી શકાય તેવુ હતું કે કેસ કોર્ટના દરવાજામાં આવી ઉભો રહે તે પહેલા જ નબળો પડી ગયો હતો. આ પણ મારા માટે નવો અનુભવ હતો પણ સમય સમયનું કામ કરી રહ્યો હતો. સીબીઆઈ આ કેસમાં ગુજરાતમાં આવી ત્યાર બાદ સૌથી મોટી અને પહેલી ધરપકડ કરી હતી આઈપીએસ અધિકારી અભય ચુડાસમાની. આઈપીએસ અધિકારી અભય ચુડાસમા સાથે મારે બોલવાનો સંબંધ હતો પણ તે મને પસંદ કરતા ન્હોતા. જે દિવસ અભય ચુડાસમાની ધરપકડ થઈ તે જ સાંજે અમને એક પોલીસ અધિકારી મિત્રનો ફોન આવ્યો, તે અધિકારી ચુડાસમાની નજીકના હતા, તે મને મળવા માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ ઉપર આવ્યા હતા. અમે બંને તેમની કારમાં બેસી વાત કરી રહ્યા હતા. તેમણે મને કહ્યુ જુઓ સાહેબની (ચુડાસમાની) ધરપકડ થઈ ગઈ છે. મારી વિંનંતી છે કે હવે તમે તેમના અંગે લખવાનું બંધ કરો. મે તેમની સામે જોયુ.

 તેમણે મને કારની પાછળની સીટમાં ઈશારો કરતા કહ્યું જુઓ પાછળ થેલી છે તમારા માટે છે નાનકડી ભેટ મારા તરફથી છે, લઈ લેવા પણ વિનંતી એટલે કે હવે સાહેબ અંગે કઈ લખશો નહીં. હું સમજી ગયો કે તે મને આપવા પૈસા લઈ આવ્યા હતા. ત્યારે હું એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. મારા માતાને કેન્સર થયુ હતું, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો પગાર સારો હતો છતાં સારવારનો ખર્ચ બહુ આવતો હતો. દર મહિને પૈસાની ખેંચ રહેતી હતી. મે મનોમન વાત કરી કે મેં મારૂ કામ પુરૂ કર્યુ, અભય ચુડાસમા જેલમાં ગયા હવે મારે પૈસા લેવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. છતાં એક ક્ષણ મને વિચાર આવ્યો કે હું મારી પત્ની સાથે વાત કરીશ કારણ થોડોક ખટકો પણ હતો કે મારે આ પૈસા લેવા જોઈએ નહીં. તે રાત્રે હું ઘરે ગયો, મેં મારી પત્ની શીવાનીને મારી માતાની સારવારમાં કેટલો ખર્ચ થાય છે તેની વાત કરી. મને ખબર હતી કે મારી પત્ની ક્યારેય અખબાર વાંચતી નથી એટલે તેને કોણ સોહરાબ અને કોણ કૌશરબી તેની ખબર નહીં જ હોય. મેં તેને પુછ્યુ કે એક પોલીસ અધિકારી મને પૈસા આપવા માગે છે, મારે લેવા જોઈએ કે નહીં. તેણે મને પુછ્યુ કે શુ કામ પૈસા આપવા માગે છે? મેં કહ્યુ કે મારે સોહરાબ કેસમાં તેમના વિરૂધ્ધ નહીં લખવાનું. તેણે થોડો વિચાર કર્યો અને પછી મને પુછ્યુ કે સોહરાબ એટલે જેની પત્ની ઉપર બળાત્કાર થયો અને તેને સળગાવી મુકી તે સ્ત્રીની વાત કરો છે? મને આશ્ચર્ય થયુ કારણ મેં તો તેને ક્યારેય અખબાર વાંચતા જોઈ જ ન્હોતી છતાં તેને કેસ ખબર હતો. મેં કહ્યુ હા તે જ કેસની વાત છે. તેણે મારી આંખોમાં જોતા પુછ્યુ કે આવતીકાલે કોઈ મારી ઉપર બળાત્કાર કરે મને પણ મારી નાખે તો પણ તમે પૈસા લેશો? તેનો પ્રશ્ન સાંભળી હું હલી ગયો.

બીજા દિવસે પેલા પોલીસ અધિકારી મિત્રને મળ્યો. મેં મારી પત્નીએ કહેલી વાત તેમને કરી. તેમણે મારી સામે જોતા કહ્યું હું ભલે પૈસા આપવા આવ્યો હતો પણ મને પણ લાગી રહ્યુ હતું કે તમારે પૈસા લેવા જોઈએ નહીં. આમ હું મારી પત્ની શીવાનીને કારણે મોટા અનર્થમાંથી બચી ગયો હતો. અભય ચુડાસમાની ધરપકડ પછી તેઓ નડીયાદ જેલમાં હતા, તેમણે હીપરીપ્લેસમેન્ટ કરાવ્યુ હોવાને કારણે સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવતા હતા, તેઓ જ્યારે સિવિલ આવે ત્યારે તેઓ મને મળવા બોલાવતા હતા. એક દિવસ તેમણે મને પુછ્યુ કે કોઈ અંગ્રેજી અખબારનો પત્રકાર સીબીઆઈને બહુ મદદ કરી રહ્યો છે તે કોણ છે? મેં તેમની સામે જોયુ. મને તેમનો પ્રશ્ન અને ઈરાદો બંન્ને સમજાઈ ગયા. મેં ઈરાદાપુર્વક બીજા પત્રકારોના નામ આપ્યા. તેમણે કહ્યુ ના તે પત્રકારોમાંથી કોઈ નથી. મેં તેમને કહ્યુ તમે ઈન્ટેલીઝન્સના માણસ છો, તમારી જાણ બહાર કોઈ પત્રકાર સીબીઆઈને મદદ કરે અને તમને ખબર ના હોય તેવુ બને નહીં. તેમણે એકદમ નિર્દોષભાવે કહ્યુ ખરેખર મને ખબર નથી, હું વાત લંબવવા માગતો ન્હોતો. મેં કહ્યુ હું જ સીબીઆઈને મદદ કરી રહ્યો છું. હવે તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે મને કહ્યુ જુઓ પ્રશાંતભાઈ મારી ઉપર બે હત્યાનો આરોપ છે, મારી ઉપર ત્રીજી હત્યાનો આરોપ લાગે તો શુ ફેર પડશે..? તે મને ધમકી આપી રહ્યા હતા. મેં તેમને પુછ્યુ કે તમે મને ધમકી આપો છો? તેમણે તરત પોતાના ચહેરાના હાવભાવ બદલતા કહ્યુ ના ના હું તો માત્ર તમને સમજાવી રહ્યો છું. તેમની સમજાવવાની રીત મને સમજાઈ ગઈ હતી. જો કે ધમકી મારા માટે સહજ હતી મેં તેને ગંભીરતાથી લીધી નહીં. 

થોડા દિવસ પછી મને ખબર પડી કે અભય ચુડાસમાએ પોરબંદરની જેલમાં રહેલા ભીમા દુલા નામના ગેંગસ્ટરને મારૂ કામ સોપ્યુ છે. એક રાત માટે તેને જેલની બહાર લાવવાનો હતો. તે મારી ઉપર ટ્રક ફેરવી નાખે, આખી ઘટના અકસ્માતમાં ખપી જાય અને ભીમો પાછો જેલમાં જતો રહે. મને વાત ગંભીર લાગી, તે રાત્રે મને ઉંઘ ના આવી. મેં રાતના ત્રણ વાગે શીવાનીને ઉઠાડી આ ઘટના અંગે કહ્યુ તેણે મને એકદમ શાંતિથી પુછ્યુ ખરેખર તમે લખો છો માટે જ તમને પોલીસ અધિકારી મારી નાખવા માગે છે? મેં તેનો પ્રશ્ન સાંભળી કહ્યુ ખરેખર.. તેણે બાજુમાં સુઈ રહેલા મારા દિકરા અને દીકરી સામે જોયુ અને પુછ્યુ કે માની લો તમારી હત્યા થઈ જાય અને ત્યાર પછી મને અને તમારા બાળકોને શરમ આવે તેવુ કારણ તો બહાર આવશે નહીને..? મેં તેને ખાતરી અપાવતા કહ્યુ ના તેવું કંઈ જ નથી. તેણે મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યુ તો કંઈ વાંધો નહીં, તમને મારવા આટલા સહેલા નથી, તમે મરી જશો તો હું બાળકો મોટા કરી લઈશ પણ મને ખબર છે મારો ઈશ્વર તમારી રક્ષા કરશે. તે એકદમ ઠંડા કલેજે જરા પણ ડર્યા વગર વાત કરી રહી હતી, તેનામાં રહેલી એક ઠંડી તાકાતે મારી અંદરના ડરને ભગાડી દીધો. ત્યાર પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ પડી નહીં. બીજા દિવસે સવારે હું ઓફિસ ગયો અને મેં થોડા દિવસ પહેલા અભય ચુડાસમાએ આપેલી ધમકીની વાત મારા એડિટર ભરત દેસાઈને કરી તેઓને માહિતગાર કર્યા હતા. તેઓ ચિંતિત થયા. તેમણે મને કહ્યુ આ વાતને હળવાશથી લેવાય નહીં તું ધ્યાન રાખજે અને તેમણે તરત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક ઇમેલ લખ્યો અને તેમણે મને મળેલી ધમકીથી નરેન્દ્ર મોદીને વાકેફ કર્યા હતા.

મને અભય ચુડાસમા તરફથી મળેલી ધમકી બાદ મારા એડિટર ભરત દેસાઈએ નરેન્દ્ર મોદીને મેઈલ કર્યો હતો. બીજા દિવસે મને ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલનો ફોન આવ્યો. તેમને મળવા હું તેમના બંગલે ગયો અને બંને સાથે જમ્યા. તેમણે મારી વાત સાંભળી થોડો વિચાર કર્યો અને પછી મને કહ્યુ મારે પોલીસ રક્ષણ લઈ લેવુ જોઈએ પણ મે પોલીસ રક્ષણ લેવાની ના પાડી દીધી. ફરી બીજા દિવસે અમે મળ્યા ત્યારે મંત્રી બાબુ બોખરીયા હાજર હતા. પોરબંદરમાં રહેલા ગેંગસ્ટર ભીમા દુલાના તેઓ સંબંધી થતાં હતા. પ્રફુલ પટેલે મને કહ્યુ મારે તેમની સાથે પોરબંદર જેલમાં જવાનું છે, તેઓ મારી અને ભીમા દુલાની મુલાકાત કરાવી આપશે. મને બહું વિચિત્ર વાત લાગી, હું મંત્રી બોખરીયા સાથે પોરબંદર જઉ અને તે મારી મુલાકાત ભીમા દુલા સાથે કરાવે? મેં ત્યાં જવાની ના પાડી દીધી તેના કારણે બોખરીયા એકલા જ પોરબંદર જેલ ઉપર ગયા. તેમણે ભીમા દુલા સાથે વાત કરી વળતા તેઓ મને મળવા અમદાવાદ આવ્યા. તેમણે મને કહ્યુ ભીમો તમને કોઈ નુકશાન પહોંચાડશે નહીં તે હું ખાતરી આપુ છું.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.