હું પ્રશાંત દયાળ:ભાગ-33: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ઓ. પી. માથુરે કરેલી ફરિયાદ રદ કરવા માટે રીટ કરવામાં આવી હતી પણ આ વખતે સિવિલ સોસાયટી સહિત અનેક સંસ્થાઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની મદદે આવી હતી. જો કે અમારી એક સ્ટોરી હતી કે શું પોલીસ કમિશનર ઓ. પી. માથુરના હાથમાં અમદાવાદ સલામત છે? આ સ્ટોરી સાચી પડવી જોઈએ તેવી કોઈ અપેક્ષા ન્હોતી, પણ એક મહિના પછી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એક સાથે બોમ્બ ધડાકા થવાની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં 20 સ્થળે બોમ્બ ધડાકા થયા હતા. આખુ અમદાવાદ રકતરંજીત થઈ ગયુ હતુ. આ એક સંજોગ જ હતો. 2002માં થયેલા કોમી તોફાનનો બદલો લેવા માટે ઈન્ડિયન મુઝાહીદ્દિન દ્વારા બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. આ પ્રકારની ઘટનાનું રિપોર્ટિગ કરવાનો આ પહેલો અનુભવ હતો પણ મારા માટે સૌથી દુખ દાયક બાબત હતી કે જયારે કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિના ઘરે જઈ તેના પરિવારનો ઈન્ટરવ્યુ કરવો પડે ત્યારે મને ખુબ માઠુ લાગતુ હતું. કઈ રીતે જેના ઘરે કોઈ મરી ગયુ છે તેને જઈ આપણે તેની વેદનમાં વધારો કરીએ. બીજી તરફ કોઈના ધ્યાનમાં ન્હોતુ તેવી ઘટના સમયના ગર્ભમાં મોટી થઈ રહી હતી. જેમાં સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કેસમાં સીબીઆઈ દાખલ થાય નહીં તે માટે ગુજરાત સરકારે ઉતાવળે સીઆઈડી ક્રાઈમ પાસે મોટા અને નાના અધિકારીઓની ધરપકડ કરાવી સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. ગુજરાત સરકારે કબુલ કર્યુ હતું કે સોહરાબુદ્દીન અને તુલસીરામનું એન્કાઉન્ટર નહીં પણ તેમની ગુજરાત પોલીસે હત્યા કરી છે. જો કે સીઆઈડીએ પોતાની તપાસમાં ગુજરાત પોલીસે હત્યા કેમ કરી તેનો હેતુ બતાડ્યો ન્હોતો. જેના કારણે ફેબ્રુઆરી 2010માં સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. જે દિવસ સીબીઆઈને કેસ સોંપવાનો આદેશ થયો તે દિવસે હું મારા  પત્રકાર મિત્રો સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફસ પાસે આવેલી ચ્હાની કીટલીએ બેઠો હતો, ત્યારે મારા સાથી પત્રકાર આશીષ વશીએ મઝાક કરતા કહ્યુ દયાળ સીબીઆઈની ટીમ ગુજરાત આવશે તો તને તેની ટીમમાં સામેલ કરશે. એક જ વિષય ઉપર સતત રિપોર્ટીંગ કરવાને કારણે સ્વભાવીક હતું કે બીજા પત્રકારો કરતા માટે પાસે એન્કાઉન્ટર કેસની વિગતો વધુ હતી.

 આશીષ વશી જે મજાક કરતો હતો તેવુ જ થયુ. થોડા દિવસ પછી મારા મોબાઈલ ફોન પર એક અધિકારીનો ફોન આવ્યો. તેમણે કહ્યું મારૂ નામ આઈજીપી કંદાસ્વામી છે. હું સીબીઆઈમાં ફરજ બજાવુ છું અને સોહરાબુદ્દીન કેસની તપાસ મારી પાસે છે. હું તમને મળવા માગુ છું. જો તમારાથી શક્ય હોય તો ગાંધીનગર બીએસએફ છાવણીમાં અમે છીએ, તમને મળવુ અમને ગમશે. મને આશ્ચર્ય થયુ પણ તેઓ મને કેમ મળવા માગે છે તેની મને ખબર હતી. હું ગાંધીનગર બીએસએફ છાવણીમાં ગયો. આઈજીપી કંદાસ્વામીએ બીજા એક અધિકારી સાથે મારો પરિચય કરાવતા કહ્યુ કે આ પોલીસ સુપ્રીટેન્ડન્ટ અમિતાભ ઠાકુર છે, તેઓ પણ મારી સાથે સીબીઆઈમાં ફરજ બજાવે છે. સોહરાબુદ્દીન કેસની તપાસ ઠાકુર કરવાના છે. તેમની સાથે ઔપચારીક વાત થયા પછી તેમણે મને કહ્યુ તમે ખાસ્સુ કામ એન્કઉન્ટર કેસ ઉપર કર્યુ છે, તમે ખુબ લખ્યુ છે, અમે તમારા જુના રિપોર્ટ્સ વાંચી ગયા છીએ, તમે અમને મદદ કરો એટલા માટે જરૂરી છે કે ગુજરાતમાં અમારૂ નેટવર્ક નથી અને ગુજરાતી અમને આવડતી નથી. આ ઉપરાંત તમે જે બાબતો છાપી શકયા નથી તેના કોઈ પણ કારણ હોય તેવી બારીકમાં બારીક માહિતીની અમારે જરૂર છે. બંને અધિકારીઓ કાગળ પેન લીધા અને મેં પહેલા દિવસથી મારી વાત, મારી જાણકારી, મારી શંકાઓ અને મને મળેલી જાણકારી કહેવાની શરૂઆત કરી. તેઓ જાણે મારી પાસેથી ડિટેક્શન લેતા હોય તેમ એક એક વિગત લખવા લાગ્યા કયારેય વચ્ચે કંદાસ્વામી તો ક્યારેક ઠાકુર મને વચ્ચે રોકી  કેટલીક સ્પષ્ટતા કરાવતા હતા. હું સારી અંગ્રેજી ભાષા બોલી શકતો નથી જ્યારે કંદાસ્વામી દક્ષિણ ભારતીય હોવાને કારણે હિન્દી ભાષા ઓછી સમજતા હતા. છતાં અમે બંને એકબીજાને સમજી લેવાનો પ્રયત્ન કરતા હતા. ક્યારેક કોઈ શબ્દ ઉપર અમારી વાત અટકી જાય તો અમિતાભ ઠાકુર મધ્યસ્થી કરી લેતા હતા કારણ તે હિન્દી ભાષી હોવાની સાથે તેઓ ઉત્તર પ્રદેશના હતા.  

સોહરાબુદ્દીન કેસના તમામ કેસ પેપર્સ ગુજરાતીમાં હતા જેના કારણે સૌથી મોટુ કામ તમામ કેસ પેપર્સનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ હતું, તે કામ પણ ચાલી રહ્યુ હતું. પછી તો દર બીજા દિવસે મને કંદાસ્વામી અથવા ઠાકુરનો ફોન આવી જતો. હું ગાંધીનગર પહોંચી જતો હતો, તેમનું ખાનગીમાં કામ ચાલુ હતું. હવે તેઓ આ એન્કાઉન્ટરની પાછળ રહી ગયેલા તથ્યોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સીબીઆઈ કઈ દિશામાં તપાસ કરી રહી છે તેની ખાસ ચિંતા ગુજરાતની ભાજપ સરકારને હતી કારણ કે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. ભાજપ માની  રહ્યુ હતું કે કોંગ્રેસ રાજકિય હિસાબ પુરો કરશે જેના કારણે સીબીઆઈની ગતિવિધી ઉપર નજર રાખવા માટે રાજ્યના ગુપ્તચરો લાગી ગયા હતા. મારે છુપાવવા જેવુ કંઈ ન્હોતુ જેના કારણે હું મારી પાસે રહેલા એક જ મોબાઈલ નંબર ઉપર વાત કરતો હતો. હું જાહેરમાં સીબીઆઈ અધિકારીઓને મળવા જતો હતો. ભાજપના નેતાઓ પાસે ખાસ કરી અમિત શાહ પાસે મારી માહિતી હતી કે હું સીબીઆઈને એન્કાઉન્ટર કેસમાં મદદ કરી રહ્યો છું જેના કારણે સ્વભાવીક રીતે તેઓ મારી ઉપર નારાજ હતા.

જો કે ભાજપની ચિંતા સાવ કાઢી નાખવા જેવી પણ ન્હોતી. મને ત્યારે ખબર પણ ન્હોતી,  પછીથી ખબર પડી કે અમિત શાહ સાથે રાજકિય હિસાબ પુરો કરવા માટે અનેક લોકો પડદા પાછળ કામ કરી રહ્યા હતા. જેમાં આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને સંજીવ ભટ્ટ પણ હતા તેમનો પોતાનો એક અલગ એજન્ડા હતો.  જેના કારણે તપાસ પોતાના મુળ રસ્તા ઉપરથી ફંટાઈ રહી હતી. મને વચ્ચે થોડીક શંકા સીબીઆઈ અધિકારીઓ ઉપર ગઈ હતી. મને લાગી રહ્યુ હતું કે તેઓ રાજકિય તપાસ કરવાની સાથે પોતાના આર્થિક હિતો પણ સાચવી રહ્યા છે. જો કે તે અંગે મારી પાસે કોઈ નક્કર પુરાવા ન્હોતા. એક વખત મેં એસપી અમિતાભ ઠાકુરને સામે બેસી પુછી લીધુ હતું કે તમારે આ કેસમાં પૈસા તો કમાવવા નથી ને?, તેઓ મારો પ્રશ્ન સાંભળી એકદમ ચોંકી ગયા હતા. આ કેસમાં હવે જેમના નામનો ઉલ્લેખ થઈ રહ્યો હતો તે બહુ મોટા નામ હતા. સીબીઆઈ તેમના સાચા ખોટા નામ કેસમાં સામેલ કરી પૈસા કમાઇ શકે છે તેવી મને જાણકારી મળી હતી. અમિતાભ ઠાકુરે મને સ્પષ્ટતા કરતા પુછ્યું કે તમને કેમ આવો પ્રશ્ન થયો? મેં કહ્યુ મારી પાસે આ પ્રકારની પણ જાણકારી આવી રહી છે. જો તમારે પૈસા કમાવા હોય તો તે તમારો પ્રશ્ન છે, તમે પૈસા કમાવો  પણ હું આ કેસમાંથી નિકળી જઉ. કારણ તમે તો તપાસ કરી દિલ્હી જતા રહેશો પણ મારે તો અમદાવાદમાં જ રહેવાનું છે. આમ છતાં હું મારી ચિંતા કર્યા વગર તમને મદદ કરૂ અને તમે કોઈ નક્કર કામ જ ના કરો તો તમને મદદ કરવાનો કોઈ અર્થ નથી, પણ મને ત્યારે અમિતાભ ઠાકુરે કહ્યુ હતું અમે પ્રામાણિક પણે જ તપાસ કરીશુ.

(ક્રમશ:)

 ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.