હું પ્રશાંત દયાળ: ભાગ-32: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સામે આ પ્રકારનો કેસ પહેલી વખત થયો હતો જેના કારણે ટાઈમ્સના માલિકો પણ ચિંતામાં હતા. આ મુદ્દે એક મિટિંગ ગોઠવવમાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માની રહ્યા હતા કે આ મિટિંગમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માલિક વિનીત જૈન અમદાવાદ આવશે પણ જૈનના બદલે ડાયરેક્ટર રવિ ધારીવાલ આવ્યા હતા. રવિ ધારીવાલ અમદાવાદ આવતા નરેન્દ્ર મોદીએ પોતે મિટિંગમાં બેસવાને બદલે અમિત શાહને મિટિંગમાં મોકલી આપ્યા હતા. મિટિંગ સંદેશના માલિક ફાલ્ગુન પટેલના બંગલે રાખવામાં આવી હતી. ફાલ્ગુન પટેલ અને મારા સંબંધ સારા કહી શકાય તેવા ન્હોતા કારણ થોડા વર્ષો પહેલા એટલે કે 2000ના વર્ષમાં મેં સંદેશ છોડ્યુ તે પહેલા એક ઘટના ઘટી હતી. કોઈક કારણસર ફાલ્ગુન પટેલને આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા સાથે વાંધો પડ્યો હતો. માલિક તરફથી સુચના આવી કે મારે ડી. જી. વણઝારા વિરૂદ્ધ સ્ટોરી લખવાની છે. મેં આદેશનું પાલન કર્યુ અને વણઝારાની વિરૂદ્ધમાં સ્ટોરીઓ લખી હતી. આવુ ગુજરાતી અખબારમાં થવુ સ્વભાવીક હતું. આ ઘટનાના થોડા મહિના પછી મેં સંદેશની નોકરી છોડી દીધી હતી. હું આજકાલ અખબારમાં તંત્રી તરીકે જોડાયો હતો. એક સાંજે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હતો ત્યારે મને જાણ થઈ કે મારા ઘરે હિમંતનગરથી પોલીસ આવી છે. મેં પોલીસ ઈન્સપેક્ટરને જાણકારી આપી કે હું પ્રદેશ સમિતિ છું એટલે તેઓ ત્યાં આવ્યા હતા. તેમણે આવી મને જણાવ્યુ કે આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ મારી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે. કાયદાની મને થોડી ઘણી સમજ હતી, હું જાણતો હતો કે બદનક્ષીની ફરિયાદ માલિક, મૃદ્રક અને પ્રકાશક સામે જ થાય રિપોર્ટરની બાયલાઈન હોય તો જ તેની સામે થાય પણ વણઝારાની કોઈ પણ સ્ટોરીમાં મારૂ નામ ન્હોતુ. 

મેં પોલીસ ઈન્સપેક્ટર પાસે થોડો સમય માંગી ફાલ્ગુનભાઈ પટેલને જોડ્યો. મારી ઈચ્છા એવી હતી કે હું આ સ્ટોરીની જવાબદારી લઈ લઉ તો વાત પુરી થઈ જાય. ફાલ્ગુન પટેલના પીએસ યોગેશ જાનીએ ફોન ઉપાડ્યો. મેં તેમને આખી ઘટના કહી અને હું જવાબદારી લઈ લઈશ તેવુ પણ કહ્યુ પણ તેમણે કહ્યુ શેઠ મિટિંગમાં છે. મે ત્યાર પછી બે ત્રણ વખત ફોન કર્યા પણ હું શેઠ સાથે વાત કરી શક્યો નહીં. એટલે મેં આખરે પોલીસ ઈન્સપેક્ટરને કહ્યુ ખરેખર આ સ્ટોરી માટે મારી કોઈ જવાબદારી નથી. તમારે સંદેશના માલિક અને તંત્રીનો જ જવાબ નોંધવો જોઈએ. તેમણે મને વિનંતી કરી કે મારે ઠીક લાગે તેવુ નિવેદન આપવુ જોઈએ પણ હું મારા નિર્ણય ઉપર અડગ રહ્યો એટલે ઈન્સપેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યુ કે અમે ફાલ્ગુન પટેલનો જવાબ લઈ આવ્યા છીએ. તેમણે તમારી ઉપર જવાબદારી ઢોળી દીધી છે. હું તે વાત માનવા તૈયાર જ થયો નહીં. આખરે ઈન્સપેક્ટરે મને ફાલ્ગુન પટેલનો જવાબ બતાડ્યો, તે વાંચી હું સ્તબ્ધ થઈ ગયો. ફાલ્ગુન પટેલે નિવેદન આપ્યુ કે પ્રશાંત દયાળ માથાભારે પત્રકાર છે. તેમણે અમારી જાણ બહાર વણઝારા સામે સમાચાર લખ્યા હતા અને માટે અમે તેમને કાઢી મુક્યા છે. આ સમાચાર માટે માત્ર પ્રશાંત દયાળ જ જવાબદાર છે. થોડીક ક્ષણ તો મારૂ મગજ બંધ થઈ ગયુ, કોઈ માલિક આ પ્રકારનું ખોટુ નિવેદન કેવી રીતે આપી શકે? મે વિચાર કર્યો અને પછી ઈન્સપેક્ટરને કહ્યુ સારૂ તમે મારૂ નિવેદન પણ નોંધો અને મેં લખાવ્યુ કે ફાલ્ગુન પટેલે મને ચાર પોલીસ ઈન્સપેક્ટરની બદલી વણઝારા પાસે કરાવવાની કહી હતી. પરંતુ વણઝારા પ્રામાણિક અધિકારી હોવાને કારણે તેમણે મને ફાલ્ગુનભાઈ દ્વારા આવેલી બદલી કરવાનો ઈન્કાર કર્યો હતો જેના કારણે ફાલ્ગુનભાઈ પટેલને માઠુ લાગ્યુ  હતું અને તેમણે જ મને વણઝારા સામે સમાચાર લખવાનો આદેશ આપ્યો હતો એટલે મેં તે સમાચારો લખ્યા હતા. 

ઈન્સપેક્ટર મારો જવાબ નોંધી રવાના થયા. જેમ ફાલ્ગુન પટેલે મારી વિરૂધ્ધ ખોટુ નિવેદન આપ્યુ હતું તેમ મેં પણ તેવુ જ કર્યુ. હું સંદેશમાં નોકરી ન્હોતો કરતો છતાં બીજા દિવસે સવારે મને ફાલ્ગુનભાઈનો ફોન આવ્યો. તેમણે મને ઓફિસ બોલાવ્યો. હું ઓફિસ ગયો તો તેમની ચેમ્બરમાં તેમના પુત્ર પાર્થિવ પટેલ સાથે તેઓ બેઠા હતા. મને જોતા જ તેમણે કહ્યુ તારે હિમંતનગર પોલીસને આવો જવાબ લખાવવાની ક્યાં જરૂર હતી? મને ખબર પડી કે મે જે નિવેદન લખાવ્યુ તેની જાણકારી તેમના સુધી પહોંચી ગઈ હતી. મેં પુરી સ્વસ્થતાથી તેમને જવાબ આપ્યો, તમારે મારી ઉપર જવાબદારી ઢોળવી હતી તો મને વિશ્વાસમાં લેવો હતો. મને આ પ્રકારના કેસનો ડર લાગતો નથી પણ તમે મારી સાથે જે કર્યુ તેવુ જ મેં તમારી સામે કર્યુ. પિતા-પુત્રનો ચહેરો જોઈ સમજી ગયો કે તેમને મારી વાત પસંદ પડી નથી. ફાલ્ગુન પટેલે બચાવ કરતા કહ્યુ કે કોર્ટમાં હું તને સાચવી લેતો, તારે આવો જવાબ લખાવવાની જરૂર ન્હોતી. હું ત્યાંથી નિકળ્યો પણ મને ખબર હતી કે જ્યારે ફાલ્ગુનભાઈને તક મળશે ત્યારે બદલો જરૂર લેશે. હવે તેમનો સમય આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદને લઈ ફાલ્ગુન પટેલના બંગલે અમિત શાહ અને રવિ ધારીવાલ વચ્ચે મિટિંગ શરૂ થઈ હતી. અમિત શાહે મારી સામે ઘણી ફરિયાદ કરી. અમિત શાહનો સુર કંઈક એવો હતો કે જો મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંની નોકરીમાંથી કાઢી મુકે તો ભાજપ સરકાર કેસ પાછો લઈ શકે છે. જો કે રવિ ધારીવાલ તેના માટે તૈયાર થયા નહીં. તેમણે કહ્યુ પ્રશાંત સામે તમારા વાંધાના કોઈ પુરાવા હોય તો આપો પણ આ તબક્કે અમે પ્રશાંતને છોડી શકીએ નહીં.

ફાલ્ગુન પટેલે મારા અંગે કહ્યુ કે મારાથી ગુજરાત પોલીસનો મોટો વર્ગ નારાજ છે, તેઓ મારૂ એન્કાઉન્ટર પણ કરી શકે છે. રવિ ધારીવાલને આ વાત ગંભીર લાગી. તેમણે તંત્રી ભરત દેસાઈને કહ્યું કે જો પ્રશાંત દયાળના જીવને જોખમ હોય તો ગુજરાત બહાર તેને ગમે ત્યાં બદલી આપી દેવી જોઈએ. જ્યારે આ વાત મારી સામે આવી ત્યારે મેં સ્પષ્ટ શબ્દમાં અમદાવાદ બહાર જવાની ના પાડી દીધી હતી. આમ અમિત શાહ અને ભાજપની નેતાગીરી મને હટાવવા માગતી હતી પણ તેવુ થયુ નહીં. આમ સમાધાન માટે થયેલી મિટિંગ તુટી પડી જેના કારણે હવે કેસ લડવો અનિવાર્ય હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે પિટિશન કરી હતી.  પોલીસ કમિશનર ઓ. પી. માથુર અંગેની સ્ટોરી કેવા સંજોગોમાં ઉભી થઈ અને તેના દસ્તાવેજો મને સુકેતુ શાહે આપ્યા હતા તે હું આગળ કહી ચુક્યો છું પણ અમિત શાહ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ માની રહ્યા હતા આ સ્ટોરી લખવા માટે મદદ ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી કુલદીપ શર્માએ કરી હતી. કારણ કુલદીપ શર્મા અને અમિત શાહ વચ્ચે અનેક મુદ્દે તલવારો ખેંચાઈ ગઈ હતી. એક તબક્કે કુલદીપ શર્મા અમદાવાદના પોલીસ કમિશનર થવા માગતા હતા પણ ઓ. પી. માથુર પોલીસ કમિશનર તરીકે મુકાયા હોવાને કારણે કુલદીપ શર્માના ઈશારે મેં માથુરની વિરૂધ્ધમાં સ્ટોરી લખી હતી. જો કે આ આરોપ સાચો ન્હોતો, છતાં મારી વાત માનવા કોઈ તૈયાર ન્હોતુ. કોર્ટમાં અમારા બચાવ માટે અમારે કેટલાંક દસ્તાવેજોની જરૂર હતી જેના માટે મારા પત્રકાર મિત્ર દિપક રાજાણી અને રાજીવ પાઠકે તેમના સંબંધોનો ઉપયોગ કરી મહત્વના દસ્તાવેજો લાવી આપ્યા હતા.

(ક્રમશ:)

 ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.