હું પ્રશાંત દયાળ: ભાગ-31: મેં ઓફિસમાં આવી મારા એડિટર ભરત દેસાઈને ઓ. પી. માથુરના કેસના કાગળો બતાડ્યા. કાગળો મોટા ભાગના ગુજરાતી ભાષામાં હતા. તેમણે મને કહ્યુ કે ગુજરાતીમાં શુ લખ્યુ છે વાંચી સંભળાવ. હું ગુજરાતીમાં વાંચતો અને તે સમજાવતો હતો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ ભરત દેસાઈના ચહેરા ઉપર ચમક આવતી ગઈ. હું તેમની ચેમ્બરમાં સોફા ઉપર બેઠો હતો. તેમણે મને એક ખુરશી ખેંચતા કહ્યુ અહિયા બેસ ચાલ આપણે સ્ટોરી લખીએ અને હું કાગળમાંથી મુદ્દા કહેતો અને તે સ્ટોરી લખતા હતા. બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ એડિશનમાં પહેલા પાને સમાચાર હતા ‘પોલીસ કમિશનર ઓ. પી. માથુરના હાથમાં અમદાવાદ સલામત છે? આ સમાચારને કારણે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ પ્રકારનું રિપોર્ટીંગ પહેલી વખત થયુ હતું જેમાં મારી સ્ટોરી ભરત દેસાઈએ લખી હતી પણ સ્ટોરીની ક્રેડિટ મને આપી હતી. બીજા દિવસે અમે ફરી કોર્ટના કાગળો લઈ બેઠા, બીજા દિવસે બીજી સ્ટોરી લખી આમ એક પછી એક સ્ટોરી લખાતી ગઈ. અમદાવાદના પોલીસ કમિશનર ઓ. પી. માથુર સામે કુલ છ સ્ટોરી પહેલા પાને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાઈ હતી. એક ઝુંબેશની જેમ પત્રકારત્વ થયુ હતું. છ સ્ટોરી છપાઈ ગઈ ત્યાર બાદ રવિવારની સવાર હતી. હજી તો અમે ઉઠ્યા જ હતા. ચ્હા પીધા પછી હું મારી પત્ની સાથે અખબાર વાંચી રહ્યો હતો ત્યારે મારા એક પોલીસકર્મી મિત્રનો ફોન આવ્યો. તેણે મને પુછ્યુ કે તમને ખબર છે તમારી સામે પોલીસ કેસ નોંધાયો છે? મને આશ્ચર્ય થયુ. તેણે મને કહ્યુ પોલીસ કમિશનર ઓ. પી. માથુરે જ ફરિયાદ નોંધાવી છે. મારી સામે પોલીસ કમિશનર કઈ ફરિયાદ આપી શકે તેવો પ્રશ્ન થયો. પણ મારા બધા જ પ્રશ્નોનો જવાબ આપતા તેણે કહ્યુ રાજદ્રોહની ફરિયાદ નોંધાવી છે અને આરોપીમાં તમારી સાથે તમારા એડિટર ભરત દેસાઈનું પણ નામ છે. રાજદ્રોહ અંગે મેં સાંભળ્યુ હતું પણ તેની વિગતવાર મારી પાસે જાણકારી ન્હોતી. મેં મારા એડવોકેટ મિત્ર અનીલ કેલ્લાને ફોન કર્યો. તેમણે મને કહ્યુ ગંભીર બાબત છે તમને આ કેસમાં કોઈ કોર્ટ જલદી જામીન પણ આપશે નહીં, છ મહિના તો જેલમાં જવુ જ પડશે.

છ મહિના જેલમાં જવાની વાત સાંભળી મારા રૂંવાડા ઉભા થઈ ગયા. મારી દીકરી પ્રાર્થના પાંચ વર્ષની હતી અને દિકરો દસ વર્ષનો. મારો ચહેરો જોઈ મારી પત્ની શીવાનીએ પુછ્યુ શું થયુ? મેં તેને મારી સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદ અંગે કહ્યુ. મારા દિકરો આકાશ અમારી વાત સાંભળી રહ્યો હતો. તેણે મને કહ્યું કંઈ વાંધો નહીં જેલમાં જવુ પડે તો જાવ હું મોટો થઈ ગયો છું, મમ્મી અને બહેનનું ધ્યાન રાખીશ. હજી તે ખુબ નાનો હતો પણ તેની વાત સાંભળી મને થોડો હાશકારો થયો. તરત મારી પત્ની શીવાનીએ પણ કહ્યુ ચિંતા કરતા નહીં હુ ઘરનું ધ્યાન રાખીશ, તમે તમારૂ કામ કરતા જ રહો. મારા મનનો ભાર હળવો થયો. હું નસીબદાર રહ્યો છું કે મારા પત્રકારત્વને કારણે થતી તકલીફ અને પરેશાનીમાં મારો પરિવાર મારી સાથે ડર્યા વગર ઉભો રહ્યો હતો. હવે પોલીસ કેસની મને કોઈ ચિંતા ન્હોતી. મેં તરત અમારી સામે નોંધાયેલા પોલીસ કેસની જાણ ભરત દેસાઈને કરી, તેઓ ચિંતામાં આવી ગયા. તેમણે મને કહ્યુ દસ વાગ્યે ઓફિસ આવી જા. હું તૈયાર થઈ ઓફિસમાં ગયો ત્યારે ઘણો બધો સ્ટાફ ઓફિસ આવી ગયો હતો. ઓફિસના માહોલમાં ભારેપણુ હતું. મેં જોયુ તો બધાના ચહેરા ઉપર ચિંતા હતી. હવે શુ થશે તેવો પ્રશ્ન હતો. મેં જોયુ તો ઓફિસમાં ઘણા વકીલો પણ આવી ગયા હતા. જેમા સિનિયર કાઉન્સીલ એસ. વી. રાજુ પણ હતા. તેમણે એડિટર ભરત દેસાઈને કહ્યુ કે પોલીસ ગમે ત્યારે તમારી ધરપકડ કરી શકે છે, તમે તરત અમદાવાદ છોડી દો. મેં તરત કહ્યુ અરે ધરપકડ કરે તો શુ વાંધો છે? આપણે જેલમાં જઈશુ. કાઉન્સીલ એસ. વી. રાજુએ ગંભીરતા સમજાવતા કહ્યુ તમારે આગોતરા જામીન લેવા જ પડશે. જો એક વખત ધરપકડ થઈ ગઈ તો જામીન તરત મળશે નહીં. મેં ભરત દેસાઈ સામે જોતા કહ્યુ હું જેલમાં જવા તૈયાર છું. તેમનો ચહેરો કહેતો હતો કે તેમને મારી વાત પસંદ ના પડી. આખરે નક્કી થયુ કે આવતીકાલે એસ. વી. રાજુ ગુજરાત હાઈકોર્ટમાં અમારા આગોતરા જામીન મુકશે અને જામીન મળ્યા પછી અમે અમદાવાદ પાછા આવીશુ. હું તેના માટે તૈયાર ન્હોતો. મને ભાગવુ ગમતુ ન્હોતુ. કદાચ મારી ત્યારની ઉમંરને કારણે પણ હું તેવુ વિચારતો હતો પણ આખરે નક્કી થયુ કે અમારે બને એટલુ જલદી અમદાવાદ છોડી દેવાનું છે. મેં મારા ઘરે ફોન કરી શીવાનીને મારી બેગ તૈયાર કરવાનું કહ્યુ. હું ભરત દેસાઈ અને અમારી સાથે અમારા મિત્ર ભરત યાજ્ઞિક અને આશિષ વશી પણ આવવાના હતા. હું બેગ લેવા ઘરે ગયો. શીવાનીએ મને બેગ આપતા કહ્યુ હવે તમે કોઈની વિરૂધ્ધ લખતા નહીં, મને તરત વિચાર આવ્યો કે શીવાની મારા વગર ડરી ગઈ લાગે છે. મેં પુછ્યુ શુ થયુ? તેણે મારી સામે જોતા કહ્યુ ડરીને ભાગી જાય તેવો પતિ મને પસંદ નથી. હું સ્તબ્ધ થઈ ગયો. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હું ડર્યો નથી પણ વકીલની સલાહ પ્રમાણે આગોતરા જામીન સુધી બહાર રહેવાનું છે. તેણે પોતાનો પક્ષ ફરી વખત સ્પષ્ટ કરતા કહ્યુ કે તમે ક્યાં બળાત્કાર કર્યો છે? તમે તો રિપોર્ટીગ કરો છો, તેમાં તમારી ધરપકડ થાય તો પણ વાંધો નથી. હું તેની વાત સમજતો હતો પણ મારે જવુ અનિર્વાય હતું. અમે અમદાવાદ છોડી દીધુ હતું.

બીજા દિવસે સવારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર કૌશીકનો ફોન આવ્યો. તેણે કહ્યુ મારે ભરત દેસાઈએ એક સોંગદનામા ઉપર સહી કરવા અમદાવાદ આવવુ પડશે. અમે સવારે પાછા અમદાવાદ આવવા નિકળ્યા ત્યારે અમને રસ્તામાં બીજા સમાચાર મળ્યા કે કમિશનર ઓ. પી. માથુરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બીજી રાજદ્રોહની ફરિયાદ નોંધાવી છે. આમ હવે બીજી ફરિયાદને કારણે તેમા પણ આગોતરા જામીન લેવાના હતા. પણ અમારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવી ખબર પડતા પત્રકારો અને મારા મિત્રો ખુબ નારાજ હતા. તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા. અમદાવાદમાં કોઈ પત્રકારની મદદ આટલી મોટી સંખ્યામાં પત્રકારો અને લોકો એકત્રિત થયા હોય તેવી પહેલી ઘટના હતી. આ આખા કાર્યક્રમની નેતાગીરી પત્રકાર દિલીપ પટેલે લીધી હતી. ટ્રાફિક જામ થઈ જાય એટલી મોટી સંખ્યામાં શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ સામે પત્રકારો ભેગા થયા અને તેમણે માથુર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કદાચ આ દેખાવોએ અમને બળ પુરૂ પાડ્યુ હતું. અમને એક કેસમાં જામીન મળે એટલે ઓ. પી. માથુર તરત બીજો કેસ કરતા હતા. આમ એક પછી એક કેસ થતા રહ્યા. કુલ છ કેસ અમારી સામે નોંધાયા હતા. આ દરમિયાન અમે લપાતા છુપાતા ફરતા હતા પણ મને ખબર હતી કે ખરેખર પોલીસ અમને ડરાવવા માગે છે, પકડવા માગતી નથી. મારા ઘરે રાત્રે બે વાગ્યે પોલીસના વાહનો આવતા અને ઘર ચેક કરતા હતા. આ બધુ માત્ર ખોફ ઉભો કરવા માટેનો પ્રયાસ હતો.

 (ક્રમશ:) 

 ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.