હું પ્રશાંત દયાળ: ભાગ-30:  તે દિવસ અમારી પાસે ખાસ કામ ન્હોતુ. અમે બાઈક ફરવા નિકળ્યા. હું કેતન દવે, જીતુ યાદવ અને અતુલ દાયાણી સાથે હતા અને ડુમસના દરિયા કિનારે ઉભા હતા. ત્યારે મને એક ફોન આવ્યો તે ફોન અમદાવાદના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટર રાધા શર્માનો હતો. હું અને રાધા શર્મા અમદાવાદમાં કામ કરતા હોવાને કારણે અમારે ક્યાંક રિપોર્ટીંગમાં મળવાનું થઈ જતુ હતું. બસ અમારો પરિચય આટલો જ હતો. તેણે મને ફોન કરી પુછ્યુ તમારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં કામ કરવાની ઈચ્છા છે? મેં એક ક્ષણ વિચાર કર્યો અને પછી સ્પષ્ટતા કરતા કહ્યુ હું અંગ્રેજીમાં રિપોર્ટીંગ કરી શકતો નથી. તે હસવા લાગી તેણે કહ્યુ મેં ક્યાં તમને પુછ્યુ કે તમને અંગ્રેજી આવડે છે કે નહીં, બોલો તમારી ટાઈમ્સમાં કામ કરવાની ઈચ્છા છે? એકદમ આવી પડેલા સવાલને કારણે હું મુંઝાઈ ગયો. મેં ક્યારેય અગ્રેજી અખબારમાં કામ કર્યુ ન્હોતુ તેના કારણે વિમાસણમાં પડી ગયો. મેં કહ્યુ મને એકાદ-બે દિવસ વિચાર કરવાનો સમય આપો. ફોન પુરો થયા પછી મેં મારા મિત્રોને રાધાના ફોન અંગે વાત કરી, અતુલ તરત બોલી ઉઠ્યો, દાઢી વિચાર કર્યા વગર જોડાઈ જા. ક્યારેક મને અતુલ દાઢી કહી બોલાવતો હતો. મેં તરત ગુસ્સો કરતા કહ્યુ જોડાઈ જા એટલે ભાઈ જમવા જવાનું નથી. અંગ્રેજીમાં રિપોર્ટીંગ કરવાનું છે. મે જવાબ આપવામાં બે ત્રણ દિવસ કાઢી નાખ્યા. રાધા મને રોજ ફોન કરતી અને પુછતી તમે અમદાવાદ ક્યારે આવો છો? અમારા એડિટર ભરત દેસાઈ તમને મળવા માગે છે. પણ હું કોઈક બહાનુ કરી ટાળી દેતો હતો. ત્યારે ભાસ્કરના સુરતના એડિટર તરીકે કુષ્ણકાંત ઉનડકટ હતા, તેઓ મારા સિનિયર હતા. મેં તેમની સલાહ લીધી. તેમણે મને મિત્ર ભાવે કહ્યુ અગ્રેજીમાં કામ કરવાનો અનુભવ જુદો છે, ડર રાખ્યા વગર એક વખત પ્રયત્ન કરી જુવો. હજી પણ હું સ્પષ્ટ ન્હોતો છતાં મેં અમદાવાદ જઈ એડિટર ભરત દેસાઈને મળવાનો નિર્ણય કર્યો.

હું અમદાવાદ આવ્યો, હજી મેં ભાસ્કરમાં કોઈને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તરફથી આવેલી દરખાસ્તની વાત કરી ન્હોતી પણ અમદાવાદ આવ્યા પછી મને ખબર પડી કે દિવ્ય ભાસ્કર એક અંગ્રેજી અખબાર જેનું નામ ‘ડીએનએ’ રાખ્યુ તે શરૂ કરવા જઈ રહ્યુ છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ‘અમદાવાદ મીરર’ નામનું અંગ્રેજી અખબાર લઈ આવે છે. મેં રાધા શર્મા સાથે વાત કરી અને ભરત દેસાઈને મળવાનું નક્કી કર્યુ અને શ્યામલ ચાર રસ્તા પાસે ભેગા થયા અને પછી ભરત દેસાઈની કારમાં જ મારો મોબાઈલ ઈન્ટરવ્યુ શરૂ થયો. તેમણે મને મારા કામ અને મારા શોખ અંગે પુછ્યુ. એકાદ કલાક પછી અમે છુટા પડતા હતા ત્યારે તેમણે મને પુછ્યુ કે ક્યારથી જોડાઈ શકો છો? મેં કહ્યુ આપણે ફરી એક વખત મળવુ જોઈએ તેવુ મને લાગે છે. તેમણે મને હા પાડી પછી અમારી મુલાકાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં જ થઈ. ભરત દેસાઈને મળ્યા પછી મને અંગ્રેજીનો જે ડર લાગતો હતો તે કદાચ ઓછો થયો હતો અને મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવવાનો નિર્ણય કર્યો. મને ભરત દેસાઈએ કહ્યુ તારે અંગ્રેજી લખવાની ચિંતા કરવાની નથી. તારી સ્ટોરી તો કોઈ પણ લખશે માત્ર તારે વિગત લઈ આવવાની છે, પણ ધીરે ધીરે મને ખબર પડી કે ટાઈમ્સની જે વ્યુહ રચના હતી તેમાં તેના હરીફ અંગ્રેજી અખબાર ડીએનએ પાસે સારા રિપોર્ટર રહે નહીં તે માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દિવ્ય ભાસ્કરના તમામ સારા રિપોર્ટરને પોતાની તરફ લઈ રહ્યુ હતું. મારા સહિત કુલ સત્તર રિપોર્ટર્સને જેમને અંગ્રેજી લખતા જ ન્હોતુ આવડતુ તેમને ટાઈમ્સમાં નોકરી મળી હતી. મારી સાથે ભાસ્કરમાં કામ કરતા ભરત યાજ્ઞિક અને આશિષ વશીને મારી સાથે ટાઈમ્સમાં લીધા હતા. બાકીના રીપોર્ટર્સને અમદાવાદ મીરરમાં લઈ લેવામાં આવ્યા હતા. મેં ટાઈમ્સની નોકરી જોઈન કરી પછી મારો ડર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો હતો. મારી સ્ટોરી કોઈને કોઈ સિનિયર રિપોર્ટર લખી આપતા હતા. જાણે બધા મને સાચવી લેતા હોય તેવો માહોલ હતો. મને પણ કામ કરવાની મઝા આવી રહી હતી. જો કે વાંચકો બદલાઈ ગયા હતા. પાનના ગલ્લે ઉભો રહુ અને મને પાંચ લોકો કહેતા કે ભાસ્કરમાં તમારી સ્ટોરી વાંચી તેવુ હવે થતુ ન્હોતુ પણ આઈએએસ અને આઈપીએસ વર્તુળમાં મારી સ્ટોરીની ચર્ચા થવા લાગી હતી. દિવ્ય ભાસ્કરમાં મારી જીવતી વારતાની કોલમ આવતી હતી. ભરત દેસાઈની ઈચ્છા હતી કે તે યથાવત રહે અને હું મારી વારતા ગુજરાતીમાં લખતો રહુ અને તે અંગ્રેજીમાં ભાષાંતર થઈ છપાતી હતી. જો કે કોલમનું નામ જીવતી વારતા રાખ્યુ હતું, હું અંગ્રેજી માહોલમાં અને અંગ્રેજી વાંચકોને ક્યા પ્રકારની સ્ટોરી જોઈએ છે તે સમજવા લાગ્યો હતો. મારી અપેક્ષા કરતા વધુ ઝડપથી આ વ્યવસ્થામાં હું ગોઠવાઈ રહ્યો હતો.

હજી મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાયાને થોડા જ મહિના થયા હતા ત્યારે ગુજરાત પોલીસ દળમાં બદલીઓ થઈ હતી. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ઓ. પી. માથુર આવ્યા હતા. એક દિવસ અમસ્તી જ કંઈક વાત નિકળી. મને ભરત દેસાઈએ પુછ્યુ કેવા છે નવા પોલીસ કમિશનર? મેં કહ્યુ તેમની ઉપર ભુતકાળમાં એક મહિલા વકીલને પરેશાન કરવાનો આરોપ હતો, તેમની ઉપર લતીફ ગેંગ સાથે સંપર્ક હોવાનો આરોપ હતો... વગેરે વગેરે વાત મેં કરી. તેમણે થોડો સમય વિચાર કર્યો અને મને પુછ્યુ તુ જે કંઈ કહી રહ્યો છે તેના પુરાવા મળે? મેં કહ્યુ આ બધી જ બાબતો બ્લેક એન્ડ વ્હાઈટમાં છે. કોર્ટમાં કેસ પણ થયેલા છે. તેમની આંખોમાં ચમક આવી. તેમણે મને કહ્યુ જા તુ કાગળોની વ્યવસ્થા કર આપણે આપણા પોલીસ કમિશનર કેવા છે તેની ઉપર સ્ટોરી લખીશુ. મેં હા પાડી, હું ત્યાંથી નિકળ્યો, મને ખબર હતી કે વર્ષો જુના આ કાગળો શોધવાનું કામ સહેલુ ન્હોતુ પણ તેનો તોડ મને ખબર હતી. મારો મિત્ર અને પત્રકાર સુકેતુ શાહ કોર્ટ ક્ષેત્રનો કીડો હતો, તે કોઈ પણ રીતે આ કાગળો મને કોર્ટમાંથી કાઢી આપશે તેવો મને ભરોસો હતો. મેં સુકેતુને ફોન કર્યો અને કહ્યુ કે ઓ. પી. માથુર સામે થયેલા તમામ કેસના કાગળો જોઈએ છે. તેણે તરત કહ્યુ મળી જશે પણ ચાર-પાંચ દિવસ લાગશે. મેં તેને કહ્યુ કંઈ વાંધો નહીં પણ ઉતાવળ રાખજે. સુકેતુ ભુલકણો બહુ તેના કારણે મને ખબર હતી કે મારે તેને બે ત્રણ વખત યાદ અપાવવુ પડશે. જો કે તેવુ થયુ નહી. રવિવારનો દિવસ હતો. બપોરના ત્રણ વાગ્યા હશે, તેણે મને ફોન કર્યો કે માદલપુર ગામ આવી જા આપણે મળીએ. હું મારા મિત્ર ચેતન ગાયને ત્યાં માદલપુર રોજ જઉ છું તેવી લગભગ બધાને જ ખબર હતી. અમે માદલપુર ગામમાં મળ્યા. તેણે તેની પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીમાંથી કાગળો કાઢ્યા અને મને કહ્યુ જોઈ લે, કાગળો જોઈ મારી આંખો ચાર થઈ, તેમાં ઓ.પી. માથુરના તમામ કેસના કાગળો હતા. હું ઉત્સાહમાં આવી ગયો. મેં કહ્યુ તે મારુ મોટુ કામ કર્યું અને હું ત્યાંથી સીધો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં આવવા નિકળ્યો.

 (ક્રમશ:)

 ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.