પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-3): રાજ્યપાલ નરેશ ચંદ્રને શંકરસિંહ જુથે ટેકો પાછો ખેંચવા અંગેને પત્ર આપ્યા બાદ હવે ખુલ્લી લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. બાપુને પણ અંદાજ આવી ગયો હતો કે હવે ગોરીલા યુધ્ધનો કોઈ અર્થ નથી, તેમણે પોતાના જુથના ધારાસભ્યોને વાસણ ખાતે પોતાની વાડીમાં બોલાવી લીધા હતા. જો કે વાડીમાં ખાસ સગવડ હતી નહીં, પણ ખાટલા અને ગાદલા મંગાવી કામ ચલાઉ, કેમ્પ ઊભો કરી દેવામાં આવ્યો હતો. જે ઘારાસભ્ય બાપુના કેમ્પમાં આવી ગયા હતા, તેમને પણ હવે ખબર ન્હોતી કે ઘરે પાછા ક્યારે ફરવાનું છે. બસ તેમના મનમાં રહેલી અન્યાયની લાગણીને બાપુએ હવા ફૂંકી હતી. બાપુનો દાવો હતો કે તેમના કેમ્પમાં 48 ધારાસભ્ય છે, પણ ખરેખર 44 ધારાસભ્ય હતા, છતાં 44ની સંખ્યા પણ સરકાર પાડી દેવા માટે મોટી હતી. ભાજપના કેશુભાઈ પટેલ જુથના ધારાસભ્ય અને કાર્યકરોમાં ભારે ગુસ્સો હતો. શંકરસિંહ દગાખોર અને સત્તા લાલચુ હોવાની છાપ તેમની અંદર ઊભી થઈ હતી. બીજી તરફ શંકરસિંહ વિરૂધ્ધ ઊભી થયેલી આ લાગણીને નરેન્દ્ર મોદી ભડકાવવા માગતા હતા.

ગાંધીનગર સહિત ઠેર ઠેર રેલીઓ અને સભાઓ થવા લાગી હતી. બે દિવસ પહેલા સુધી જે લોકો શંકરસિંહને બાપુ કહેતા હતા, તે બાપુ માટે હવે જાહેરમાં ગાળો બોલી રહ્યા હતા. ગાંધીનગરમાં એક રેલીમાં આનંદીબહેન પટેલે શંકરસિંહ પર સત્તા લાલચુ હોવાનો આરોપ મુક્યો હતો. કેશુભાઈ પટેલ અમેરિકા હોવાને કારણે કાર્યકારી મુખ્યમંત્રીનો હવાલો અશોક ભટ્ટ પાસે હતો, તેમણે પણ પોલીસને કામે લગાડી હતી. તેઓ માની રહ્યા હતા કે બાપુએ ભાજપના ધારાસભ્યોને ગેરકાયદે ગોંધી રાખ્યા છે, કોઈ પણ હિસાબે તેમને છોડાવવાના હતા. પણ, વાસણ ગામની ભૌગલીક પરિસ્થિતિ જ કઈક જુદી હતી. ગામમાં દાખલ થવાનો એક જ રસ્તો હતો અને તે રસ્તા ઉપર બાપુના સમર્થકો ગામના યુવાનો હાથમાં લાઠી સાથે ગોઠવાઈ ગયા હતા. ગામવાળા સિવાય કોઈને ગામમાં પ્રવેશ મળતો ન્હોતો, પત્રકારોને પણ મુખ્ય રસ્તા ઉપર રોકી દેવામાં આવતા હતા. પત્રકાર સંદેશો મોકલાવે તો કોઈ જઈ કેમ્પમાં બાપુને જાણ કરતું હતું અને બાપુ વતી હર્ષદ બ્રહ્મભટ્ટ અથવા અન્ય કોઈ આવી કેમ્પની બહાર જાણકારી આપતા હતા.

કેશુભાઈ પટેલ જુથમાં જશપાલસિંહ પણ હતા, તેઓ પુર્વ આઈપીએસ અધિકારી અને વડોદરાના પુર્વ પોલીસ કમિશનર પણ હતા. તેમની પાસે ધારાસભ્યને છોડવવાનો પ્લાન હતો, પણ તે પ્લાન ઉપર પોલીસે કામ કરવાની ના પાડી દીધી. પોલીસનો મત હતો કે વાસણમાં પોલીસ સાથે ઘુસવાનો પ્રયત્ન થાય તો ગામવાળા વિરોધ કરે અને તેમાં ગોળીબાર પણ કરવો પડે, તેવી સ્થિતિ નિર્માણ થાય તો વાત વધુ બગડે, તેના કારણે પોલીસ સાથે ગામમાં દાખલ થવાનો પ્લાન પડતો મુકવામાં આવ્યો. દરેક નેતાઓ જુદા જુદા પ્લાન સાથે અશોક ભટ્ટ અને નરેન્દ્ર મોદીને મળતા હતા. જેમાં એક આદિવાસી નેતા પ્લાન લાવ્યા કે તેમના ગામમાં ઝેરી તીર કામઠા સાથેની ટોળી આવે અને તે ગામ ઉપર હુમલો કરી ધારાસભ્યોને છોડાવે. જો કે કોઈ ડાહ્યા માણસે આવું કઈ નહીં કરવાની સલાહ આપતા તે પ્લાન પણ ડ્રોપ કરવામાં આવ્યો. કેશુભાઈ જુથમાં રહેલા ધારાસભ્યને પાછા બોલાવવા માટે નરેન્દ્ર મોદીએ એક ગેમ પ્લાન ઘડી કાઢયો હતો.

પહેલા તો યાદી તૈયાર કરવામાં આવી જેમાં નક્કી થયું કે કેટલા અને કોણ ધારાસભ્ય બાપુના જુથમાં છે, ત્યાર બાદ તેમના મત વિસ્તારમાં આવેલા તેમના ઘરે ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરાવવાનું નક્કી કરવામાં આવ્યું, પરિવાર ઉપર હુમલો થાય તો ધારાસભ્યો પાછા ફરે, તેમજ મત વિસ્તારમાં તેમનો ધારાસભ્ય ગદ્દાર છે તેવી છાપ પણ ઊભી થાય, એકાદ બે સ્થળે તેવા બનાવો બન્યા પણ ખરા, પણ રાજ્યપાલ નરેશ ચંદ્રએ મુખ્ય સચિવને સૂચના આપી કે, ધારાસભ્યના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે નરેન્દ્ર મોદીને પોતાના પ્લાનમાં ખાસી સફળતા મળી હતી. શંકરસિંહ વાઘેલા દગાખોર છે તેવી છાપ મહદ અંશે ગુજરાતના લોકો માનવા લાગ્યા હતા. જેમને ભાજપ અને રાજકારણ સાથે સંબંધ ન્હોતો તેવા લોકો પણ બાપુને ધીક્કારવા લાગ્યા હતા. જેની જાણકારી હવે બાપુ કેમ્પમાં પણ થઈ રહી હતી. અશોક ભટ્ટના ધારાસભ્યોને છોડવવાના પ્લાન નિષ્ફળ જઈ રહ્યા હતા, પણ બાપુને સતત એવું લાગી રહ્યું હતું કે ગમે ત્યારે ગામ ઉપર હુમલો કરી તેમના ધારાસભ્યોને ઉપાડી જવામાં આવશે.

જેના કારણે વાસણ ગામ છોડી ધારાસભ્યોને બીજા કોઈ સ્થળે લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો, જો કે આ વાતની કોઈને ગંધ ના આવે તેની પુરતી તકેદારી લેવામાં આવી હતી. 25મીની રાત્રે ચુપચાપ ગામમાંથી વાહનો નિકળવા લાગ્યા, સાથે એક લકઝરી બસ પણ હતી, જેમાં ભાજપના ધારાસભ્યો બેઠા હતા, તેમને પણ ખબર ન્હોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. બાપુએ તેમને માત્ર એટલુ જ કહ્યું હતું કે કોઈ સલામત સ્થળે તેમને લઈ જાય છે. જો કે રાતના અંધકારમાં નિકળેલી બસ એકાદ કલાક પછી ઊભી રહી, ધારાસભ્ય બસમાંથી નીચે ઉતર્યા તો તેઓ એક ફાર્મ હાઉસમાં હતા, બસની બહાર તેમને આવકારવા માટે હરિભાઈ ચૌધરી ઊભા હતા, તે હરિભાઈ ચૌધરીનું ચરાડા ગામનું ફાર્મ હાઉસ હતું. બાપુની વાડીમાં પુરતી સગવડનો અભાવ હતો, પણ હરિભાઈના ફાર્મ હાઉસમાં તમામ પ્રકારની વ્યવસ્થા પહેલાથી કરી દેવામાં આવી હતી. રાત્રે બધા જ શાંતિથી સુઈ ગયા, પણ સવાર પડતા ખ્યાલ આવી ગયો કે વાસણ ગામ છોડી ચરાડા આવવાની ભુલ થઈ હતી. વાસણમાં પ્રવેશ કરવાનો જ એક જ રસ્તો હતો, પણ ચરાડામાં દાખલ થવાના અનેક રસ્તા હતા, અને તે રસ્તે સંખ્યાબંધ વાહનો ગામમાં આવી રહ્યા હતા. જેમાં કેટલાક ધારાસભ્યોના પરિવારજનો પણ હતા, તેમને રોકી શકાય તેમ ન્હોતા.

ધારાસભ્યોના પરિવાર ઉપર પોતાના વતનમાં વધેલા દબાણને કારણે તેઓ તેમને સમજાવી પાછા ભાજપમાં અને વતનમાં લઈ જવા માગતા હતા. હવે લાગણી અને ડરના પ્રશ્નો ઊભા થયા હતા, બાપુને અંદાજ આવી ગયો કે ચરાડા તેમની યોજના માટે જોખમી બની શકે છે અને તેમણે એક નવો પ્લાન તૈયાર કર્યો.

(ક્રમશઃ)