પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (રવિ પુજારી.ભાગ-3): 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહીમે પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈની મદદ અને તેના ઈશારે કરાવ્યા હોવાના સજ્જડ પુરાવા ભારતીય એજન્સીઓ અને મુંબઈ પોલીસ પાસે હતા, પણ દાઉદના જમણા હાથ સમાન છોટા રાજન આ સત્ય સ્વીકારવાં તૈયાર ન્હોતો, શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે સાથે પણ રાજન લડી લેવાના મુડમાં હતો તેનો આંધળો ભરોસો દાઉદ ઈબ્રાહીમ ઉપર હતો. જો કે છોટા રાજનનો ભરોસો લાંબો સમય ટકયો નહીં, તે પણ ડી કંપનીનો એક મહત્વનો માણસ હતો જ્યારે છોટા રાજન સામે મુંબઈ બ્લાસ્ટની સાચી હકિકત સામે આવી ત્યારે તે આગની જેમ સળગી ઉઠયો તેની અંદર રહેલો હિન્દુ વ્યાકુળ થઈ ગયો, જ્યાં સુધી દાઉદ અને રાજન ગેંગસ્ટર તરીકે કામ કરતા હતા, ત્યાં સુધી તેમનો ધર્મ તેમને આડે આવ્યો ન્હોતો, પણ જ્યારે દાઉદ ઈસ્લામના નામે હજારો નિદોર્ષોની કતલ કરાવી તેવી ખબર પડી ત્યારે રાજન પણ એકદમ હિન્દુ બની ગયો.

આ મુદ્દે દાઉદ અને રાજન અલગ થયા છુટા પડતી વખતે રાજને ધમકી આપી હતી કે, તારી જાતને બચાવી શકે તો બચાવી લેજે, મુંબઈમાં બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહીમે કરાવ્યા છે તેવું ડી કંપનીમાં ખબર પડતા ભાઈ ઠાકુર પણ ગેંગથી અલગ થઈ ગયો, આમ પણ આખા વિરારમાં તેનો દબદબો હતો તેની ઈચ્છા તો ભારતીય રાજકારણમાં જવાની હતી. જેના કારણે બ્લાસ્ટના મુદ્દે તેણે પણ દાઉદનો સાથ છોડી દીધો. રાજન અલગ થયો ત્યારે રવિ પુજારીએ રાજન સાથે જવાનું પસંદ કર્યુ હતું, આમ છતાં અનેક હિન્દુ ગેંગસ્ટર્સએ બ્લાસ્ટનું સત્ય જાણ્યા પછી પણ દાઉદ સાથે રહેવાનું પસંદ કર્યુ હતું. જેમાં સુભાષસિંહ ઠાકુર, આમ તો તે એકદમ કસરતબાજ અને શિવ ભકત હતો પણ છતાં તે કોઈ કારણસર દાઉદ સાથે રહ્યો. આ ઉપરાંત અનીલ પરબ, સુનીલ, રોહીત વર્મા જેવા ગેંગસ્ટર્સ દાઉદ પાસે રહ્યા હતા.

જો કે ડી કંપનીની મુંબઈ સહિત દેશમાં જે ધાક હતી. તેવા ગેંગસ્ટર્સએ 1993 પછી દાઉદનો સાથ છોડી દીધો હતો, અંદરથી દાઉદ ડરી પણ ગયો હતો તેને સતત ડર રહેતો હતો કે ક્યારેય પણ છોટા રાજન તેને ખતમ કરી નાખશે. મુંબઈમાં એક નવો દૌર શરૂ થયો હતો જે ડી કંપની લોકોને ધમકાવી લૂંટી રહી હતી. જેમાં હવે રીતસર બે ફાંટા પડી ગયા હતા અને મુંબઈમાં રાજન અને દાઉદ એકબીજાની ગેંગ ઉપર હુમલા કરાવી હત્યા કરાવી રહ્યા હતા. આશ્ચર્ય તે બાબતનું હતું કે મુંબઈમાં દાઉદ અને રાજનની ગેંગ સામે-સામે આવી ગઈ હતી પણ દાઉદ અને રાજન બંન્ને ભારત બહાર રહી પોતાનો કારોબાર ચલાવી રહ્યા હતા. છતાં દાઉદના જીવનનો આ ટર્નીંગ પોઈન્ટ હતો. રાજન છુટો પડયો પછી તેની ગેંગસ્ટરની ઈમેજ ખતમ થવા લાગી હતી, કારણ રાજન વગર તે મુંબઈમાં પોતાનું કોઈ કામ કરાવી શકે તેવી સ્થિતિમાં ન્હોતો.

જ્યારે દાઉદ અને રાજન સાથે હતા ત્યારે રવિ પુજારીનો નંબર ગેંગમાં બહુ પાછળ આવતો હતો, પણ હવે તે રાજનનો ખાસ માણસ બની ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો રવિ પુજારી રાજનનો સેકન્ડ કમાન્ડન્ટ બની ગયો હતો. રવિ પુજારી પણ હવે પોતાની હાથ નીચે માણસ એપોઈન્ટ કરી રહ્યો હતો. જો કે તેણે રાજનની સલાહ માની દેશ બહારથી એટલે કે દુબઈમાં બેસી પોતાની ગેંગ ચલાવવાની શરૂઆત કરી હતી. રાજન કોઈ પણ સંજોગોમાં દાઉદ અને તેની સાથે રહેલા લોકોને ખતમ કરી દેવા માગતો હતો જેમાં રવિ પુજારીની ભૂમિકા મહત્વની હતી. દાઉદ સાથે રહેલા એક પછી એક ગેંગસ્ટર્સ સાફ થઈ રહ્યા હતા, દાઉદની ખરી તાકાત ત્યારે પણ છોટા શકિલ હતો. તે શાર્પ શુટર હોવાની સાથે મુંબઈમાં પણ તેનું નેટવર્ક હતું. દાઉદ રાજનથી બચવા માટે સતત એક દેશમાંથી બીજા દેશમાં સંતાઈ રહેતો હતો.

દાઉદ ક્યારે એકલો રહેશે નહીં તે પોતાની ગેંગ સાથે જ રહેશે તેવી જાણકારી રાજન મેળવી રહ્યો હતો ત્યારે રાજનને છોટા શકિલના ઠેકાણાની ભાળ મળી અને રાજને તેની ગેંગને છોટા શકિલને ખતમ કરવા માટે મોકલી આપી, શકિલ મળી તો ગયો તેની ઉપર આંધાધુધ ગોળી પણ ચાલી પણ કુદરત તેને જીવડવા માગતી હતી. જેના કારણે શકિલનો આબાદ બચાવ થઈ ગયો. શકિલ બચી તો ગયો પણ દાઉદ અને શકિલ આ હુમલાથી હચમચી ગયા હતા. તેમને લાગ્યું કે જો રાજન જીવતો રહેશે તો કુદરત તેમને બીજી વખત બચવાની તક આપશે નહીં, એટલે તેમણે પોતાની ગેંગને પણ કામે લગાડી અને કોઈ પણ ભોગે રાજનને શોધી કાઢવાની સૂચના આપી, 15 સપ્ટેમ્બર 2000ના વર્ષમાં દાઉદને જાણકારી મળી કે છોટા રાજન થાઈલેન્ડમાં છે અને દાઉદના માણસો થાઈલેન્ડ જવા રવાના થયા...

(ક્રમશ:)

ભાગ-2 વાંચવા અહીં ક્લીક કરોઃ મુંબઈ બ્લાસ્ટ પછી છોટા રાજને ફેક્સથી બાળાસાહેબ ઠાકરેને કહ્યુ’તુ ‘અમને અમારી ગુંડાગીરી કરવા દો’