હું પ્રશાંત દયાળ: ભાગ-29: અમદાવાદ બહાર જઈ પત્રકારત્વ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો પણ મને ત્યાં કામ કરવામાં ખાસ વાંધો આવ્યો નહીં. સુરતના સિનિયર પત્રકાર દિનેશ અનાજવાલા ગાંધીનગરમાં રિપોર્ટીંગ માટે આવતા હોવાને કારણે મને તેમની સારી મદદ મળી હતી. આ ઉપરાંત મારો અમદાવાદનો પત્રકાર સાથી અતુલ દાયાણી પણ ત્યારે સુરતમાં ટીવી નાઈનમાં જોડાયો હતો. તે પણ એકલો જ રહેતો હતો. સુરતમાં ગયા પછી દિવ્ય ભાસ્કરમાં કામ કરતા કેતન દવે અને જીતુ યાદવ મારા સાથી બની ગયા હતા. રહેવાની વ્યવસ્થા દિવ્ય ભાસ્કર દ્વારા એક હોટલમાં કરવામાં આવી હતી તેના કારણે સવારે ઉઠી આઠ વાગે હું દિવ્ય ભાસ્કરની ઓફિસે પહોંચી જતો હતો. દિવ્ય ભાસ્કરનું ડીબી ગોલ્ડ નામનું બપોરનું અખબાર હોવાને કારણે સવારે અગીયાર વાગ્યા સુધી બધુ કામ પુરૂ કરી પેજ છપાવવા માટે છોડી દેતો હતો, પછી થોડુ કામ પતાવી અમે બાઈક લઈ સુરતની પ્રદક્ષિણા કરવા નિકળી જતા હતા. અમે ખુબ દુર સુધી નિકળી જતા હતા. ક્યારેક  હજીરા જતા તો ક્યારેક ડુમસ જતા હતા. રાત્રે હોટલના મારા રૂમમાં મંડળી મળતી હતી. અમે મોડી રાત સુધી ગપ્પા મારતા હતા. અનેક વખત કેતન અને અતુલ મારા જ રૂમમાં વાત કરતા કરતા સુઈ જતા હતા, તે દિવસો મઝાના હતા. આ દરમિયાન રમઝાનનો મહિનો આવ્યો હતો. મને નોનવેજ ખાવાનો શોખ રહ્યો છે. અતુલે કહ્યું ચાલ તને એક સરસ જગ્યાએ નોનવેજ ખાવા લઈ જઉ, હું અતુલ અને કેતન બાઈક લઇ રાત્રે એક બજારમાં જવા નિકળ્યા. જો કે કેતન દવે નોનવેજ ખાતો ન્હોતો પણ તે કાયમ અમારી કંપનીમાં રહેતો હતો, જમ્યા પછી રાત્રે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે એકદમ વરસાદ શરૂ થયો. અમે વરસાદથી બચવા માટે એક દુકાનના શેડ નીચે જઈ ઉભા રહ્યા. બીજા દિવસે મારે અમદાવાદ આવવાનું હતું મને ચિંતા હતી કે ક્યારે વરસાદ બંધ થશે? જો કે અતુલને તે વાતનું આશ્ચર્ય હતું કે હું અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે શુક્રવાર ન્હોતો છતાં હું કેમ અમદાવાદ જઈ રહ્યો છું?

મારૂ અમદાવાદ આવવાનું શિડ્યુલ ફિક્સ હતું. હું શુક્રવારે કામ પુરૂ કરી અમદાવાદ નિકળી જતો અને સોમવારે સવારે પાછો સુરત આવી જતો. મને અતુલે બે ત્રણ વખત પુછ્યુ કે તુ કેમ આવતીકાલે અમદાવાદ જઈ રહ્યો છે?  હું વધારે સસ્પેન્સ રાખવા માગતો ન્હોતો, એટલે મેં કહ્યુ મારા લગ્નની વર્ષગાંઠ છે એટલે અમદાવાદ જઈ રહ્યો છું. મારી વાત સાંભળતા અતુલે મને પુછ્યુ તો તે તારી પત્ની માટે કોઈ ગિફટ લીધી કે નહીં? હું મુંઝાઈ ગયો, મે તેને કહ્યુ ના, તેણે ગુસ્સો કરતા કહ્યુ ખરો જડ માણસ છે, તારી પત્નીને તારે આ પ્રસંગે કોઈ ગિફ્ટ તો આપવી જોઈએ. મેં મારી સમસ્યા કહેતા કહ્યુ ભાઈ મને પણ ખબર પડે છે કે શીવાનીને ભેટ આપવી જોઈએ. મેં શરૂઆતના વર્ષોમાં તેવુ કર્યુ પણ ખરૂ, અતુલ અને કેતન મારી સામે જોઈ રહ્યા હતા. મેં કહ્યુ મારી સમજ પ્રમાણે હું તેને ગિફ્ટ આપતો રહ્યો પણ ખબર નહીં તેને મારી ગિફ્ટ પસંદ જ પડી નહીં. અતુલે થોડો વિચાર કર્યો અને આજુબાજુ જોયુ. અમે જે દુકાનના શેડ નીચે ઉભા હતા તે ગિફ્ટ શોપ હતી, તે મને દુકાનમાં લઈ ગયો, તેણે મને કહ્યુ ચાલ તુ પસંદ કર. મેં પાંચ સાત મિનિટ ગિફ્ટ જોઈ પણ તરત મને મારી ઉપર જ શંકા ગઈ. જો મને પત્નીને પસંદ પડે તેવી ગીફટ પસંદ કરતા આવડતી હોત તો કદાચ મારી પત્ની જગતની સૌથી ખુશ સ્ત્રી હોત. મેં અતુલને કહ્યુ ભાઈ મને સ્ત્રીઓને શુ પસંદ પડે છે તેની ખબર પડતી નથી. તેણે મારી સામે તુચ્છ નજરે જોયુ, જાણે જગતનો સૌથી ડફોળ માણસ હોઉ, તે રીતે પછી તેણે ગિફ્ટ શોપમાં નજર ફેરવવાની શરૂઆત કરી. તેણે બ્રેસલેટ જોયુ, મને પુછ્યુ કેવુ લાગે છે? મેં કહેવા ખાતર કહ્યુ સરસ છે, તેણે કહ્યુ ચાલ તો પૈસા ચુકી દે. અતુલે દુકાનદારને ગિફ્ટ પેક કરવા કહ્યુ હું ગિફ્ત લઈ મનમાં અનેક શંકા સાથે ત્યાંથી નિકળ્યો હતો.

વહેલી સવારની ટ્રેન પકડી હું બીજા દિવસે અમદાવાદ આવ્યો. મને જોઈ મારી પત્નીને આશ્ચર્ય, તેને આશ્ચર્ય તે બાબતનું હતું કે અમારા લગ્નની વર્ષગાંઠ છે તે મને યાદ રહી હતી. હું અમદાવાદ આવી રહ્યો છું તેવુ મેં તેને કહ્યુ ન્હોતુ. તે એક સરપ્રાઈઝ હતું. થોડીવાર પછી મે ગિફ્ટ પેકેટ બહાર કાઢ્યુ, તેમાંથી બ્રેસલેટ કાઢી તેના હાથમાં પહેરાવ્યુ. હું તેના ચહેરા ઉપરના હાવભાવ જોઈ રહ્યો હતો, ઘણા વર્ષ પછી મેં મારી પત્ની શીવાનીને ગિફ્ટ આપવાની હિમંત કરી હતી. મનમાં એક ડર હતો કે તેને ગિફ્ટ પસંદ પડશે નહીં, એટલે જ હું તેના ચહેરાના હાવભાવ જોઈ રહ્યો હતો, પણ શીવાનીના ચહેરા ઉપર કોઈ ભાવ બદલાયા નહીં. મનેં લાગ્યુ કે ફરી હું શીવાનીને ખુશ કરવાની તક ચુકી ગયો. મારી હિમંત જ થઈ નહીં કે ગિફ્ટ કેવુ છે તેને પુછુ. તે દિવસે સાંજે અમે ફરવા ગયા, શીવાનીના હાથમાં મેં આપેલુ બ્રેસલેટ હતું. મેં હોટલમાં જમતા જમતા બ્રેસલેટ તરફ આંખથી ઈશારો કરી પુછ્યુ કેવુ લાગ્યુ? તે શાંત રહી, કઈ જવાબ આપ્યો નહીં, મેં તેને ફરી તે જ પ્રશ્ન પુછ્યો, તેણે મારી આંખમાં જોતા પુછ્યુ સાચો જવાબ આપશો? મેને ધ્રાસ્કો પડ્યો. મેં માથુ હલાવી હા પાડી, તેણે બ્રેસલેટ સામે જોતા પુછ્યુ આ ગિફ્ટ કોઈ છોકરીએ પસંદ કરી હતી? હું એકદમ હસી પડ્યો કારણ ગિફ્ટ તો અતુલ દાયાણીએ પસંદ કરી હતી. હું ખડખડાટ હસી રહ્યો હતો પણ તેના ચહેરા ઉપર એક સરખો જ ભાવ હતો. મેં હસવાનું રોકી કહ્યુ અરે કોઈ છોકરીએ ગિફ્ટ પસંદ કરી નથી, મે તેને આખી ઘટના કહી જેમાં વરસાદ પડ્યો અને અમે જે દુકાન નીચે ઉભા હતા તે જ ગિફ્ટ શોપ હતી અને ગિફ્ટ અતુલે પસંદ કરી હતી. છતાં તેના ચહેરા ઉપર તે જ ભાવ રહ્યો, મને સમજાયુ કે તેને મારી વાત ઉપર ભરોસો નથી, શીવાની તો માની રહી હતી કે સુરતમાં કોઈ છોકરીએ તેના માટે આ ગિફ્ટ પસંદ કરી હતી. ગિફ્ટ તેને પસંદ પડી હતી પણ હવે તેને મારી ગિફ્ટ તો પસંદ પડી પણ તેના મનમાં સુરતમાં મારી સાથે કોઈ મહિલા હોવાની શંકા ગઈ હતી. આમ પહેલી વખત ગિફ્ટ તો ગમી પણ શીવાનીના મનમાં શંકાનું બીજ રોપી ગયુ હતું.  હવે સુરતમાં મારી સાથે કોણ છોકરી છે તે અંગે તેનું મન વિચારતુ હશે તેની મને ખબર પડી હતી, પણ ત્યારે હું કઈ રીતે તેની શંકાનું સમાધાન કરુ તેની મને ખબર પડતી ન્હોતી. થોડા મહિના પછી તે મારા બંને બાળકો સાથે સુરત આવી હતી, તે પહેલા ક્યારેય અતુલને મળી ન્હોતી, મેં અતુલ સાથે પરિચય કરાવતા કહ્યુ જો આ છોકરીએ તારા માટે બ્રેસલેટ પસંદ કર્યુ હતું, તે અતુલને જોઈ હસવા લાગી. અતુલ અમારી સામે જોઈ રહ્યો, તેને કંઈ જ ખબર પડી નહીં, મેં તેને કહ્યુ તારી ગિફ્ટ તો પસંદ પડી પણ આટલી સારી ગિફ્ટ તો છોકરી જ પસંદ કરી શકે તેવુ તે માનતી હતી અને તે પણ હસવા લાગ્યો..

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.