હું પ્રશાંત દયાળ:ભાગ-27: ક્રાઈમ અને પોલિટિકલ રિપોર્ટીંગ કરતા કરતા મારી અંદર એક બરછટપણુ આવી ગયુ હતું. મારે મન તમામ ઘટના હવે એક સ્ટોરી થઈ ગઈ હતી.  સારૂ થાય તો પણ સ્ટોરી હતી અને ખરાબ ઘટના પણ સ્ટોરી હતી પણ મેં જીવતી વારતા લખવાની શરૂઆત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી સ્ટોરીમાં આવતા પાત્રો મારી સ્ટોરી નથી તે એક માણસ પણ છે. જીવતી વારતા લખવા માટે અનેક લોકોને મળવાનું થયુ ત્યારે મને સમજાયુ કે માણસની જીંદગી અને માણસનું મન બહુ જ નાજુક છે, તેને ખરેખર હેન્ડલ વીથ કેરની જેમ વર્તવુ જોઈએ. જીવતી વારતાએ મારી અંદરના મરી રહેલા માણસને જીવાડવાનું કામ કર્યુ હતું. અનેક જીવતી વારતા લખતા હું મારી ઓફિસમાં રડ્યો હતો. જીવતી વારતાની મારી કોલમે મને જીવાડ્યો અને જીંદગી તરફનો મારો દ્રષ્ટીકોણ બદલ્યો તેવુ કહીશ તો પણ અતિશયોક્તિ નહી કહેવાય. મારી જીવતી વારતામાં ગ્લેમર ન્હોતુ પણ મને બરાબર યાદ છે કે હું ઓફિસમાં જ્યારે મારી જીવતી વારતા આપુ ત્યારે સૌથી પહેલા ઓફિસની ડેસ્ક ઉપર કામ કરતા મારા સાથીઓ ધ્યાનથી જીવતી વારતા વાંચતા હતા, તેમને મારી જીવતી વારતા વાંચવાની ઉતાવળ રહેતી હતી.

આ દરમિયાન અમદાવાદમાં પોલીસના એન્કાઉન્ટરોને યુગ શરૂ થયો હતો. 2002ના તોફાન પછી સ્થિતિ બદલાઈ હતી. પોલીસ દર છ-આઠ મહિને એક એન્કાઉન્ટર કરતી હતી. પોલીસનો દાવો હતો કે 2002ના તોફાનનો બદલો લેવા માટે આતંકીઓ અમદાવાદ આવતા હતા અને પોલીસ તેમને ઠાર મારતી હતી. પોલીસના એન્કાઉન્ટરની ઘટના બાદ હું ઘટના સ્થળે જતો અને પ્રેસ કોન્ફરન્સમાં પણ જતો હતો, પણ પોલીસની થીયરી મને ગળે ઉતરતી ન્હોતી. કારણ તમામ ઘટનાઓ એક સરખી હતી. માત્ર મરનારના નામ બદલાતા હતા. હું ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડી. જી. વણઝારાને પ્રશ્ન પણ પુછતો હતો પણ તેઓ મારો સવાલ ઉડાવી દેતા હતા અને ક્યારેક હું પાકિસ્તાની તત્વોના ઈશારે આ પ્રકારના પ્રશ્ન પુછી રહ્યો છુ તેવો આરોપ પણ તેઓ જાહેરમાં મુકતા હતા. જો કે પહેલાથી મારો એક સ્વભાવ રહ્યો છે જે વાત મને સાચી લાગે તે વાતને લઈ લોકો મારા વિશે શુ વિચારશે તેની પરવા મેં ક્યારેય કરી નથી. હું પોલીસ અધિકારીઓ માટે મોટા ભાગે અળખામણો ક્રાઈમ રિપોર્ટર રહ્યો કારણ ક્યારેય મેં તેમની વાત ઉપર સંપુર્ણ ભરોસો મુક્યો ન્હોતો. 2002થી શરૂ થયેલા પોલીસ એન્કાઉન્ટર 2006 સુધી ચાલ્યા હતા. આ દરમિયાન પોલીસે સમરીખાન, સાદીક જમાલ , ઈશરત જહાં,જાવેદ, અમઝદ, જીશાન સોહરાબ,  તુલીસને ઠાર માર્યા હતા. આ તમામ એન્કાઉન્ટરમાં એક માત્ર તુલસી જ હિન્દુ હતો બાકી બધા મુસ્લિમ હતા. ક્રાઈમ રિપોર્ટર તરીકે મારે એન્કાઉન્ટરની ઘટનાનું રિપોર્ટીંગ કરવાનું હતું પણ આ બનાવટી એન્કાઉન્ટર હોવાની શંકા પણ હું મારા રિપોર્ટમાં વ્યક્ત કરતો હતો. જે વાત પોલીસ અધિકારીઓ અને ખાસ કરી તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહને પસંદ પડતી ન્હોતી. એક દિવસ મને અમિત શાહે અમદાવાદ સરકિટ હાઉસ બોલાવી ઠપકો આપતા કહ્યુ તમે એન્કાઉન્ટર ઉપર શંકા વ્યક્ત કરતી સ્ટોરી લખો અને અમારે માનવ અધિકાર પંચને ખુલાસા કરતા રહેવાના. જો કે મારૂ તે દિશામાં રિપોર્ટીંગ ચાલુ રહ્યુ.

 2006નો સમય હતો. એક જગ્યાએ પોલીસ અધિકારોની દારૂ પાર્ટી હતી. હું તેનો હિસ્સો હતો. મારે ધ્યાન રાખવાનું હતું કે પાર્ટીમાં મારે બોલવાનું ઓછુ હતું અને સાંભળવાનું વધારે હતું. જેથી મારે મારા ડ્રિંક્સ ઉપર કંટ્રોલ રાખવાનો હતો. હું કાયમ કહેતો કે મને ક્રાઈમ બીટની મોટી સ્ટોરીઓ આવી જ પાર્ટીમાંથી મળી છે. પણ જ્યારે મારા પિતા જીવતા હતા  ત્યારે તેઓ મારી આ વાત સાથે ક્યારેય સંમત્ત થયા નહીં, તેમની ફરિયાદ અને દુખ તે વાતનું હતું કે હું મારી દારૂની કુટેવને યથાવત રીતે છાવરવા માટે આ કારણ કાયમ આગળ મુકુ છું. જો કે આ પાર્ટીમાં ગયો ત્યારે મને પણ ખબર ન્હોતી કે એક મોટી સ્ટોરી મારી રાહ જોઈ રહી છે. હું તે પાર્ટીમાં ગયો, પાર્ટીના એકાદ બે કલાક પછી જે પોલીસવાળાને વધારે ચઢી ગઈ હતી તેમણે બકવાસ શરૂ થયો હતો., જો કે મારુ ખાસ ધ્યાન તેમના બકવાસ તરફ ન્હોતુ પણ તેમના પીધેલા બકવાસમાં મારા કાન ઉપર એન્કાઉન્ટર શબ્દ પડ્યો. હું ચોંકી ગયો પછી મેં તેમની વાત ઉપર ધ્યાન આપ્યુ પણ તેમના શબ્દો અને તેમની વાતો બહું તુટક હતી. આખી ઘટના સમજાય તેવી ન્હોતી  છતાં મેં સમજાય એટલી કડીઓને જોડી તો સમજાયુ કે 2005માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર કર્યુ તે ખરેખર હત્યા હતી અને સોહરાબની હત્યા બાદ તેની પત્ની કૌસરની પણ મારી નાખી હતી. આવી પાર્ટીમાં વધારે સવાલ પુછુતો વાત બગડી જાય તેમ હતી. રાત્રે ત્યાંથી નિકળ્યો  ત્યારે એક જુદી જ ગડમથલ હતી. જેમણે મને પાર્ટીમાં બોલાવ્યો હતો તે મારા મિત્રો હતા પણ તેઓ દારૂના નશામાં પોલીસ એન્કાઉન્ટર નામે થઈ રહેલી હત્યાઓની વાત કરી રહ્યા હતા. મારે મિત્રતાનો સાથ આપવો કે પછી પોલીસ એન્કાઉન્ટરના નામે થઈ રહેલી હત્યા અંગે લખવુ? પણ સવારે ઉઠ્યો ત્યારે મનમાં એક સ્પષ્ટતા હતી કે હું સ્ટોરી લખીશ.  વિગત ઓછી હતી પણ જેટલી પણ માહિતી હતી એટલી માહિતી ઉપર મારે કામ કરવાનું હતું. મને આશા હતી કે આ સ્ટોરી પછી મને બીજી પણ માહિતી મળશે.

મેં બીજા દિવસે દિવ્ય ભાસ્કરમાં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર નહીં હત્યા થઇ હતી તેવી સ્ટોરી લખી. જો કે જાણે તેની કોઈએ નોંધ જ લીધી નહીં તેવુ મને લાગ્યુ કે બીજા તો ઠીક પણ બીજા અખબારના ક્રાઈમ રિપોર્ટરે પણ મને કંઈ પુછ્યુ નહીં. જે દિવસે સ્ટોરી પ્રસિધ્ધ થઈ તે દિવસે હું ઓફિસમાં મારા કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો હતો, તે વખતે કેમ છે જીવતી વારતા કહી કોઈ મારા ખભા ઉપર મારી પાછળથી કોઈએ હાથ મુક્યો. મેં નજર પાછળ તરફ ફેરવી જોયુ તો ડી. જી. વણઝારા ઉભા હતા. હું સૌજન્ય માટે ઉભો થયો, તેમણે મને કહ્યુ બેસો બેસો કામ ચાલુ રાખો, હું તો તમારા એડિટરને મળવા આવ્યો છું. જો કે ત્યારે મને પણ તેમનું દિવ્ય ભાસ્કરની ઓફિસમાં આવવાનું પ્રયોજન સમજાયુ નહીં. તેઓ એડિટરને મળવા ગયા, લગભગ કલાક બેઠા હશે અને પછી તેઓ ગયા, તે ગયા પછી એડિટરે મને બોલાવ્યો. તેમણે મને કહ્યુ વણઝારા આવ્યા હતા. મેં કહ્યુ હા મને પણ મળ્યા. તેમણે વણઝારાની મુલાકાત સ્પષ્ટ કરતા કહ્યુ આજે તે સ્ટોરી લખી છે તેના કારણે તેઓ આવ્યા હતા. તેમના દાવા પ્રમાણે સ્ટોરી ખોટી છે. મેં કહ્યુ મારી સ્ટોરી સાચી છે તેના પુરાવા પણ આપીશ. જો કે ત્યારે મારી પાસે એક પણ પુરાવો ન્હોતો. તેમણે વણઝારાની જ વાતને આગળ વધારતા કહ્યુ મારે પાકિસ્તાની તત્વો સાથે સંબંધ છે અને તેમના ઈશારે હું આ પ્રકારની સ્ટોરી લખી રહ્યો છું. મેં એડિટરને કહ્યુ જુઓ સાહેબ મારે એક પણ પાકિસ્તાની સાથે સંબંધ હોય તો વણઝારાએ મને ક્યારનો જેલમાં નાખી દીધો હોત. મને થોડીવાર પછી સમજાયુ કે વણઝારા જે વાત કહેવા આવ્યા હતા તે વાત મને મારા એડિટર પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે મારે એન્કાઉન્ટર બનાવટી છે તેવી સ્ટોરીઓ કરવી જોઈએ નહીં.
(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.