હું પ્રશાંત દયાળ: ભાગ-24: સામાન્ય એવી છાપ છે કે તંત્રી લેખ કોઈ વાંચતુ નથી પણ મેં આજકાલમાં તંત્રી લેખ લખવાની શરૂઆત કરી. મારી પાસે ભાષાનું ભંડોળ ન્હોતુ પણ વર્તમાન વિષય અને સામાન્ય લોકોને સમજાય તેવી ભાષા હતી. મેં એક વખત કેશુભાઈ અને તેમના પરિવારના સભ્યો ઉપર તંત્રી લેખ લખ્યો. મને ખબર હતી કે કેશુભાઈ અને તેમનો પરિવાર આ બાબતથી નારાજ થશે અને થયુ પણ તેવુ. મારા તંત્રી લેખ પછી કેશુભાઈના પરિવારમાંથી અખબારના માલિક જેઠાણી ઉપર ફોન ગયો. તેમણે ખુબ નારાજગી વ્યક્ત કરી, વળતો ફોન માલિકનો મારી ઉપર આવ્યો. તેમણે મને કહ્યું પ્રશાંત તમે શુ કરી રહ્યા છો? તમને ના પાડી છતાં તમે માનતા નથી. કેશુભાઈ આપણા મુખ્યમંત્રી છે અને તમે તેમને માઠુ લાગે તેવો લેખ લખ્યો. હું કઈ બોલ્યો નહીં. તેમણે મને કહ્યુ મારી પાસે બે વિકલ્પ છે. હું કેશુભાઈને નારાજ કરૂ અથવા તમને નારાજ કરૂ. બોલો મારે શુ કરવુ જોઈએ? હું માલિક જેઠાણીનો સુર સમજી ગયો. મેં કહ્યુ ના તમારે ધંધો કરવાનો છે અને મારે નોકરી મારી પંદર હજારની નોકરી તો મને ગમે ત્યાં મળી જશે. તમે ચિંતા કરતા નહીં, તમે કેશુભાઈને કહી શકો છો કે મેં પ્રશાંતને કાઢી મુક્યો છે, આ મારો છેલ્લો મહિનો છે. મારી આજકાલ અખબારમાં નોકરી માત્ર આઠ મહિના જ રહી, પણ જતી વખતે મે સરર્ક્યુલેશન મેનેજરને પુછ્યુ આપણુ સરર્ક્યુલેશન કેટલુ છે? તેણે તરત મને કહ્યુ પ્રશાંતભાઈ નવ હજાર કોપી થઈ ગઈ છે. આઠ મહિનામાં વેચાણની માત્ર 44 કોપીથી નવ હજાર કોપી સુધી લઈ ગયો હતો. નોકરી ગઈ પણ મને કામ કરતા આવડે છે તેવા સફળતાના સંતોષ સાથે હું આજકાલ અખબારના પગથીયા ઉતર્યો હતો.

 ફરી એક નવી નોકરીની તલાશ શરૂ થઈ પણ બે દિવસમાં મને સમાચાર મળ્યા કે સંપુર્ણ સેવામાં તંત્રીની જગ્યા ખાલી છે, તેઓ તમારો સંપર્ક કરશે. સંપુર્ણ સમાચાર સેવા ન્યૂઝ એજન્સી હતી. તેઓ ગુજરાતી અખબારો અને માહિતી ખાતાને સમાચાર આપવાનું કામ કરતી હતી, તેના માલિક હિમાંશુ શાહ આજે પણ છે. મારી નવી સફરની શરૂઆત થઈ. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં પણ બદલાવ આવ્યો હતો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થઈ ગયા હતા. કેશુભાઈ કરતા નરેન્દ્ર મોદીની કામ કરવાની પધ્ધતિ જુદી હતી જેના કારણે અધિકારીઓને કઠતુ હતું. નરેન્દ્ર મોદીથી નારાજ અધિકારીઓ મને સમાચાર આપી જતા હતા. હું જરા પણ ખચકાટ વગર તે સમાચાર લખતો અને મોકલી આપતો હતો. શરૂઆતના દિવસોમાં તો બધુ બરાબર ચાલ્યુ પણ પછી એક દિવસ હિમાંશુ શાહે મને બોલાવી કહ્યું જરા ધીમા જાવ, પણ નહીં માનવુ જાણે મારો સ્વભાવ હતો. હિમાંશુ શાહને ઈવેન્ટ મેનેજમેન્ટના મોટા કામો હતા. તેઓ પણ ગુજરાત સરકાર સાથે કામ કરતા હતા. જેના કારણે સ્વભાવીક રીતે જો સંપુર્ણ સમાચાર સેવા ગુજરાત સરકારની વિરૂધ્ધમાં લખે તો તેમના ધંધાને અસર થવાની હતી. હિમાંશુ શાહે મને સમજાવ્યો પણ પણ હું તો મારી રીતે જ કામ કરતો રહ્યો જેના કારણે સૌથી પહેલા માહિતીખાતાએ સંપુર્ણ સમાચારની સેવા લેવાનું બંધ કર્યુ. મારા કારણે સૌથી પહેલા હિમાંશુ શાહને ધક્કો લાગ્યો તો માહિતીખાતા તરફથી મળતા પૈસા બંધ થઈ ગયા હતા. જો કે તેમણે મારૂ માત્ર આ ઘટના તરફ ધ્યાન દોર્યુ પણ વઢ્યા ન્હોતા. ત્યાર બાદ રોજ અમારી વચ્ચે કોઈ સમાચાર લેવા અથવા નહીં લેવા અંગે ચર્ચા ચાલતી પણ મારા જીદ્દી સ્વભાવને કારણે હું મારૂ ધાર્યુ જ કરતો હતો. વૈચારિક ઘર્ષણ થતુ હતું પણ ઝઘડો ન્હોતો થતો. મને અહિયા કામ કરવાની મઝા આવતી હતી.

 આ દરમિયાન જાણકારી મળી કે ઈ-ટીવી ગુજરાતી અમદાવાદમાં મોટા પ્રમાણમાં સ્ટાફ લેવા માગે છે, ત્યારે ઈ ટીવી ગુજરાતીમાં સતીષ મોરી વડા, તે મારો દોસ્ત, મારી સાથે મુંબઈ સમાચારમાં પણ હતો. અમે સાથે ખુબ કામ કર્યુ હતું, તેની ઈચ્છા હતી કે હું તેની ટીમનો હિસ્સો બનુ, તેણે મને વિનંતી કરી કે મારે ઈ ટીવી માટે મારો બાયોડેટા મોકલી આપવો જોઈએ. મેં અને સંપુર્ણ સેવામાં કામ કરતા અનેક મિત્રોએ સારી તક મળતી હોય તો તે ઝડપી લેવા માટે બાયોડેટા મોકલ્યો હતો. થોડા દિવસ પછી મને અને મારી સાથે કામ કરતા અરૂણ શાહ અને નિકુંજ સોનીને પણ ઈન્ટરવ્યુ આપવા માટે હૈદરાબાદ આવવાની સુચના મળી. મેં અરૂણને કહ્યુ આપણા ત્રણની ટિકિટ બુક કરાવી દે. ત્યારે નિકુંજ સોનીએ શંકા વ્યક્ત કરી કે જો આપણે ઈન્ટરવ્યુ આપવા ગયા છીએ તેવુ આપણા માલિક હિમાંશુ શાહને ખબર પડશે તો આપણી નોકરી જતી રહેશે. મે તૌરમાં કહ્યુ આપણે આપણી જીંદગીની થોડી કોઈને લખી આપી છે. નિંકુજે મને સમજાવતા કહ્યુ ઈ ટીવીમાં આપણને નોકરી મળી જાય તો વાંધો નથી પણ જો નોકરી મળે નહીં અને હાલની નોકરી પણ જતી રહે તો મુશ્કેલી થાય, પણ હું તેની કોઈ વાત સમજવા જ તૈયાર ન્હોતો. આ વખતે મારા ઘરે દીકરીનો જન્મ થયો હતો તે હજી એક મહિનાની હતી. અમારે હૈદારબાદ જવા માટે નિકળવાનું હતું તેના એક દિવસ પહેલા નિકુંજ સોનીએ કહ્યુ પ્રશાંતભાઈ મારી હિમંત થતી નથી, હું હૈદરાબાદ આવીશ નહીં. અમે હૈદરાબાદ જઈએ છીએ તે અમારી ઓફિસમાં બધાને જ ખબર હતી. માત્ર અમે તેની સત્તાવાર જાહેરાત હિમાંશુ શાહને કરી ન્હોતી. હું અને અરૂણ શાહ ચાર દિવસની રજા લઈ હૈદરાબાદ જવા નિકળ્યા હતા. 

અમે હૈદરાબાદ પહોંચ્યા ત્યારે અમને અમદાવાદના મારા સાથી મિત્ર મયુર ભટ્ટ પણ ઈન્ટરવ્યુ આપવા આવ્યા હોવાને કારણે મળી ગયા. અમે હૈદરાબાદથી રામોજી ફિલ્મ સીટી બસ પકડી રામોજી ફિલ્મ સિટી પહોંચ્યા. કારણ ઈ ટીવીની ઓફિસ આ ફિલ્મ સીટીમાં હતી. અમે ત્યાં ગયા પછી અમારી અને અમારા જેવા ત્યાં આવેલા અન્ય રિપોર્ટરો સાથે મુલાકાત થઇ. પહેલા લેખિત પરિક્ષા આપી અને ત્યાર બાદ અમારા ઈન્ટરવ્યુ થયા હતા. ઈ ટીવીએ મને ગુજરાતી ચેનલમાં જોડાઈ જવાનો પ્રસ્તાવ આપ્યો પણ તેમણે મને પગાર 7300 રૂપિયા કહ્યો. મને આશ્ચર્ય થયુ કારણ સંપુર્ણ સમાચાર સેવામાં મારો પગાર પંદર હજાર હતો જ્યારે આ મને અડધા પગારે નોકરી આપી રહ્યા હતા. હું નોકરી સ્વીકારવા તૈયાર ન્હોતો, મેં તેમને નોકરી લેવાની ના પાડી. જ્યારે અરૂણ શાહનો પગાર ઓછો હોવાને કારણે તે ઈ ટીવીમાં કામ કરવા તૈયાર થઈ ગયો હતો. અમે ઈન્ટરવ્યુ પતાવી અમદાવાદ આવવાની ટ્રેનમાં પાછા આવવા નિકળ્યા હતા ત્યારે મારી પાસે મોબાઈલ ફોન હતો પણ ત્યારે રોમીંગની વ્યવસ્થા નહીં હોવાને કારણે હવે ગુજરાતની હદમાં પ્રવેશ કરૂ ત્યારે જ મારો ફોન ઓન થવાનો હતો. અમે જેવા વાપી પહોંચ્યા મારો ફોન ચાલુ થયો અને મારા ફોનમાં એક પછી એક મેસેજ આવવા લાગ્યા. જેમા એક મેસેજ મારી સાથે સંપુર્ણ સેવામાં કામ કરતા સ્ટેન્લી જેમ્સનો હતો. તેણે લખ્યુ હતું નવી નોકરી માટે અભિનંદન.. મને આશ્ચર્ય થયુ કે મને નોકરી જ નથી મળી તો અભિનંદન કેમ આપવામાં આવી રહ્યા છે. મેં તરત તેને ફોન કરી પુછ્યુ કે કઈ વાતના અભિનંદન આપે છે? તેણે મને કહ્યુ અમને તો હિમાંશુ શાહે કહ્યુ પ્રશાંત દયાળને નોકરી મળી ગઈ છે અને તે હવે આપણી સાથે નથી. તેમણે તો તમામ અખબારને ફેક્સ કરી તમે છુટા થઈ ગયા છો તેવી પણ જાણ કરી. હું નિરાશ થયો મારી વધુ એક નોકરી જતી રહી હતી.

 (ક્રમશ:)

હું પ્રશાંત દયાળ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.