પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-2): ચરાડામાં ભાજપના ધારાસભ્ય ભેગા થયા હતા, જેના ઘટનાક્રમની શરૂઆત લગભગ એક સપ્તાહ પહેલા થઈ હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં માર્ચ 1995માં પહેલી વખત ભાજપની સરકાર બની હતી. તેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ હતો. કેશુભાઈ પટેલના રાજ્ય માટેના પોતાના સ્વપ્નાઓ પણ હતા, તેમના માટે ગુજરાતના ગામડા સુખી હોય તેવું કલ્પનાનું ગુજરાત હતું. કેશુભાઈ ઓછું ભણેલા નેતા હતા, પણ ગણેલા હતા. મુળ ગામડાનો દેશી માણસ તેના કારણે ગામમાં પોતે ભોગવેલી પીડા હવે ગુજરાતનો ગામડાનો માણસ નહીં ભોગવે તેવા ખ્યાલ સાથે તેમણે મુખ્યપ્રધાન થયા પછી પહેલી યોજના જાહેર કરી તેમાં ગોકુળ ગ્રામ યોજના હતી. જેમાં ગામના માણસને પોતાના જ ગામમાં તમામ સુવીધાઓ મળી તેવી વ્યવસ્થા ઊભી કરવાની હતી.
રાજ્ય સરકાર ઉપરાંત દેશ બહાર વસતા ગુજરાતીઓ પણ તેમા સહભાગી થાય અને તે માટે ગુજરાત સરકારને આર્થિક સહયોગ આપે તેવા વિચાર સાથે કેશુભાઈ પટેલે સુરેશ મહેતા અને અન્ય ધારાસભ્યો સાથે અમેરિકાના પ્રવાસનું આયોજન કર્યું હતું.

કેશુભાઈ અમેરિકામાં વસતા ગુજરાતીઓને ગોકુળ ગ્રામની યોજના સમજાવી તેઓ જે ગામમાંથી આવ્યા હોય તે ગામને આર્થિક સહયોગ આપવા અપીલ કરવા અમેરિકા ગયા હતા. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ ખુશ હતા, તેમને લાગી રહ્યું હતું કે તેઓ ગુજરાતના જે ગામડામાંથી આવ્યા હતા તેવા જ એક ગામનો અને તેમના જ જેવો એક દેશી માણસ ગુજરાતનો મુખ્યપ્રધાન થયો છે. તેઓ પણ કેશુભાઈ અને તેમના સાથીઓના સ્વાગતમાં લાગી ગયા હતા. કેશુભાઈ પટેલનો માત્ર 18 દિવસનો અમેરિકા પ્રવાસ હતો. ભાજપની સરકારની રચનાને છ મહિના થઈ ગયા હતા, વર્ષોની આકરી પ્રતિક્ષા બાદ ભાજપને સત્તા મળી હોવાને કારણે ભાજપ માટે ઘસાઈ ગયેલા અનેક નેતા અને કાર્યકરોની અપેક્ષા હતી કે રાજ્ય સરકારમાં તેમને કોઈ પદ મળે.

કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા બંન્ને એક સમયના જુના સાથી ગુજરાતમાં ભાજપને સત્તા મળી તે માટે તેમણે પોતાની જીંદગીનો બહુ મોટો સમય ખર્ચી નાખ્યો હતો. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયાને થોડો સમય થયો હતો, ત્યારે શંકરસિંહે મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને પુછ્યું કે આપણે બોર્ડ-કોર્પોરેશનના ચેરમેન અને ડિરેક્ટર્સની નિમણૂંક ક્યારે કરવાની છે, કારણ ભાજપનો બહુ એક મોટો વર્ગ પોતાના નિમણૂંકની રાહ જોઈ બેઠો હતો, પણ કેશુભાઈ પટેલે જે જવાબ આપ્યો તે સાંભળી બાપુ સ્તબ્ધ થઈ ગયા હતા. કેશુભાઈ પટેલે જવાબ આપ્યો કે, બોર્ડ-કોર્પોરેશનમાં નિમણૂંક આપવાનો અબાધિત અધિકાર મુખ્યપ્રધાનનો હોય છે. યોગ્ય સમય આવે તેનો હું નિર્ણય કરીશ. શંકરસિંહ બાપુને ખુબ માઠું લાગ્યું હતું, તેઓ રાજ્ય સરકારનો ભાગ ન્હોતા, છતાં તેઓ માની રહ્યા હતા કે આ તેમની પોતાની સરકાર છે, પણ કેશુભાઈ મુખ્યપ્રધાનનો અધિકાર છે તેમ કહી, તેમની અને બાપુની વચ્ચેની એક પાતળી લીટી દોરી બાપુને લીટીને પેલે પાર ઊભા રહેવાનો
ઈશારો કરી દીધો હતો.

શંકરસિંહ સમસમી ગયા હતા, પણ ચુપ રહેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. કેશુભાઈ પટેલ અમેરિકા જવાના હતા તેના એક દિવસ પહેલા તેમણે કેટલાક બોર્ડ કોર્પોરેશનના ચેરમેનોની નિમણૂંકની જાહેરાંત કરી અને તેઓ અમેરિકા જતા રહ્યા હતા. કેશુભાઈ પટેલે જેમને બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂંક આપી તેમાં અમિત શાહને ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન, સી. આર. પાટીલને ગુજરાત આલ્કલીઝ અને આનંદીબહેન પટેલને ગુજરાત એગ્રો જેવા મહત્વના બોર્ડ ફાળવવામાં આવ્યા હતા. જાહેર થયેલા ચેરમેનમાં તમામ એવા લોકોને સ્થાન મળ્યું હતું જેઓ કેશુભાઈ પટેલ અથવા નરેન્દ્ર મોદીની નજીક હોય. શંકરસિંહ વાઘેલા સાથે સંબંધ ધરાવતા તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ પૈકી કોઈને ચેરમેન અથવા ડિરેક્ટર બનાવવામાં આવ્યા ન્હોતા. જેના કારણે પહેલા ગણગણાટ થયો અને પછી બધા શંકરસિંહને મળવા માટે બાપુના ગામ વાસણ પહોંચ્યા હતા.

તા. 21 સપ્ટેમ્બર બાપુના ગામમાં આઠ ધારાસભ્યો આવ્યા જેમાં સિનિયર નેતા તરીકે મહેસાણાના આત્મારામ પટેલ હતા. તેમનું પણ ભાજપમાં મોટું કામ અને નામ હતું. નખશીખ સેવાભાવી માણસ, તેઓ દુઃખી હતા. ભાજપની સરકાર બનાવવા માટે તેમણે કરેલા કામ બાદ હવે પક્ષ દ્વારા તેઓ કેશુભાઈ સાથે નથી, તેવા કારણે ભાજપ દ્વારા તેમની ઉપેક્ષા અને અવગણના થઈ રહી છે તેવી લાગણી સાથે તેઓ બાપુને મળવા આવ્યા હતા. જો કે તે દિવસે બધાએ પોતાની નારાજગી વ્યક્ત કરી પણ બેઠક કોઈ પણ નિર્ણય લીધા વગર પુરી થઈ હતી. તા. 22મીના રોજ તેઓ ફરી મળ્યા પણ ત્યારે પણ કોઈ નિર્ણય ન થયો. તા 23મી સપ્ટેમ્બરના રોજ જ્યારે બધા વાસણ ગામમાં મળ્યા ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે જો કેશુભાઈ પટેલ આપણને સાથે રાખવા માગતા નથી તો આપણે પણ સાથે રહેવું નથી. કેશુભાઈ પટેલ અમેરિકા હતા પણ નરેન્દ્ર મોદીને ગંધ આવી ગઈ હતી કે કંઈક ગરબડ ચાલી રહી છે.

તા. 24મી સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીને જાણકારી મળી કે શંકરસિંહ વાઘેલાના ટેકેદાર ધારાસભ્યો રાજ્યપાલ નરેશ ચંદ્રને મળવા માટે રાજભવન પહોંચ્યા છે. તેમણે તરત એક ખાનગી ફરમાન છોડ્યું અને થોડાક જ સમયમાં ભાજપના કાર્યકરોના ટોળા રાજભવન આવવા લાગ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પટેલની આગેવાની હેઠળના ધારાસભ્યના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને આવેદન આપી જાહેરાત કરી કે અમે 48 ધારાસભ્ય કેશુભાઈ પટેલને આપેલુ સમર્થન પાછું ખેંચીએ છીએ અને તે જ દિવસે કેશુભાઈ પટેલની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પ્રતિનિધિમંડળ બહાર આવ્યું ત્યારે તેમની સામે મુર્દાબાદના નારા લાગવા માંડ્યા હતા, ત્યાં હાજર પોલીસ સમજી ગઈ કે હવે મામલો બગડી શકે છે. કેશુભાઈ પટેલ અને શંકરસિંહના માણસો વચ્ચે ધર્ષણ થઈ શકે છે. પોલીસે પહેલા સામાન્ય બળ પ્રયોગ બાદ ભાજપના કેશુભાઈ પટેલના કાર્યકરોને ભગાડવા માટે ટીયર ગેસના સેલ છોડવાની શરૂઆત કરી હતી. જેના કારણે રાજભવન બહાર દોડધામ મચી ગઈ હતી. ગુજરાતના રાજકારણનો એક વરવા ઈતિહાસ લખવાની અહિંયાથી શરૂઆત થઈ હતી.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં