પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): મુંબઈના ડૉન દાઉદ ઈબ્રાહીમ જે વિવિધ પ્રકારની દાણચોરી કરી રહ્યો હતો અને આખા મુંબઈના અંડરવર્લ્ડ ઉપર પોતાનું સામ્રાજય ઉભુ કરી રહ્યો હતો. જેમાં તેના સાગરીત છોટા રાજનનો મોટો સહયોગ હતો, તે 1990ના દસકમાં દાઉદની ગેંગમાં અનેક હિન્દુ ગેંગસ્ટરો પણ કામ કરી રહ્યા હતા. તે પોતાના વિસ્તાર પ્રમાણે કામ કરી રહ્યા હતા. દાઉદની બીજી હરોળના છોટા રાજન જેવા જે ગેંગસ્ટર્સ હતા તેમની તાકાત તેઓ ગેંગમાં કેટલાં નવા છોકરાઓ લઈ આવે છે તેની ઉપર તેમનો મદાર હતો. મુંબઈના અંધેરીના એક ગુંડાની હત્યા કર્યા બાદ રવિ પુજારી જે અત્યંત સામાન્ય માણસ હતો તે હવે છોટા રાજનનો માણસ થઈ ગઈ ગયો હતો. તેની ઉઠક-બેઠક હવે દાઉદ ઈબ્રાહીમ અને સુભાષસિંગ ઠાકુર જેવા ગેંગસ્ટર સાથે શરૂ થઈ હતી. રવિ આ નવી જીંદગીથી ખાસ્સો પ્રભાવીત હતો.

જો કે પોતાની ગેંગના સભ્યોને અંધારામાં રાખી દાઉદ ઈબ્રાહીમે પાકિસ્તાનની જાસુસી સંસ્થા સાથે હાથ મીલાવી દીધા હતા. જેની જાણકારી ભારતીય પોલીસ સહિત ખુદ તેની સાથે રોજ કામ કરી રહેલા તેના સેકન્ડ કમાન્ડન્ટોને પણ ન્હોતી. 6 ડિસેમ્બર 1992ના રોજ હિન્દુ કટ્ટરપંથીઓ અયોધ્યામાં બાબરી મસ્જીદ તોડી પાડી હતી. જેના કારણે દેશના મુસ્લિમોને મોટો આઘાત લાગ્યો હતો પણ તેઓ શાંત હતા. કારણ તેઓ કોઈ ઉત્તર આપી શકે તેવી સ્થિતિ ન્હોતા. મુસ્લિમોનો ગુસ્સો પાકિસ્તાનની જાસુસી સંસ્થા અને ત્યાં બેઠલા મુસ્લિમ કટ્ટરપંથીઓ બરાબર સમજાઈ રહ્યો હતો અને તેમણે બાબરી ધ્વંસની ઘટના પછી દાઉદ ઈબ્રાહીમ સાથે સંપર્ક વધારી દીધા હતા. મુંબઈનો એક ગેંગસ્ટર હવે કોઈ મોટી ઘટનાને અંજામ આપશે તેવી ભનક સુધ્ધા મુંબઈ પોલીસને આવી ન્હોતી.

12 માર્ચ 1993ના રોજ આખુ મુંબઈ એક સાથે ઘ્રુજી ગયુ. મુંબઈની બહુમાળી ઈમારતો અને રસ્તા પસાર થતી કારમાં બોમ્બ ફુટવા લાગ્યા અને માણસો કીડી મકોડાની જેમ મરવા લાગ્યા હતા. મુંબઈ પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સવાળાને  સમજ પડતી ન્હોતી કે ક્યાં મદદમાં જવુ, દેશની આર્થિક રાજધાની ઉપર પાકિસ્તાને દેશના જ લોકોની મદદની લઈ આંતકવાદી હુમલો કરાવ્યો હતો. બાબરી મસ્જીદ તોડી તેના બદલા રૂપે થયેલા આ હુમલો હતો. આટલા પ્રચંડ પ્રમાણમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો તાળો મેળવવા માટે જ્યારે મુંબઈ પોલીસે પ્રયાસો કર્યા ત્યારે એક પછી એક આઘાત લાગી રહ્યા હતા, કારણ બોમ્બમાં જે સ્ફોટક પર્દાથનો ઉપયોગ થયો તે આરડીએક્સ હતો જેનો પહેલી વખત ભારતમાં ઉપયોગ થયો હતો. આ આરડીએક્સ કેવી રીતે મુંબઈ પહોંચ્યુ તેની તપાસ શરૂ થઈ.

ત્યારે બીજો આધાત લાગ્યો હતો કે પાકિસ્તાનના કરાચી બંદરેથી આરડીએકસ, એકે 47 રાયફલ અને હેન્ડગ્રેડ ભરી એક જહાજ નિકળ્યુ હતું જે પોરબંદર અને જામનગરના મધ્ય દરિયે લાગર્યુ હતું અને તેમાં આવેલા હથિયારોને કેટલોક જથ્થો રોડ માર્ગે તો કેટલોક જથ્થો વલસાડ અને મુંબઈ દરિયા કિનારે થઈ મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવનાર સુધી પહોંચ્યો હતો, પણ સૌથી મોટો પ્રશ્ન હતો કે આરડીએક્સ મુંબઈ આવી ગયા પછી તેને બોમ્બનું સ્વરૂપ આપી કોણે બોમ્બ ધડાકા કરાવ્યા હતા. મુંબઈ પોલીસ ત્યાં સુધી તો પહોંચી ગઈ પણ પોલીસના હાથ ટુંકા પડ્યા જેણે બોમ્બ ધડાકા કરાવ્યા તે દેશની બહાર જતો રહ્યો હતો અને તેનું નામ હતું દાઉદ ઈબ્રાહીમ કાસ્કર. મુંબઈ પોલીસમાં તેનું નામ એક ગેંગસ્ટર અને દાણચોર તરીકેનું હતું. જેના પિતા મુંબઈ પોલીસમાં એક સામાન્ય પોલીસ સબઈન્સપેક્ટ હતા તેનો દિકરો હવે આંતકી બની ગયો હતો.

જ્યારે મુંબઈ પોલીસે જાહેરાત કરી કે મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમ છે ત્યારે બધા જ પરેશાન હતા. પરંતુ દાઉદ ગેંગમાં રહેલા હિન્દુ ગેંગસ્ટર છોટા રાજન સહિતના તમામ તેવુ માનવા તૈયાર ન્હોતા કે દાઉદ ઈબ્રાહીમ બ્લાસ્ટ કરાવી શકે. જેના કારણે તેઓ દાઉદની વિપરીત સ્થિતિમાં પણ દાઉદ ઈબ્રાહીમ સાથે રહ્યા હતા. જયારે મુંબઈ બ્લાસ્ટમાં દાઉદ ઈબ્રાહીમના નામનો  ઉલ્લેખ આવ્યો ત્યારે શિવસેનાના સ્થાપક અને મરાઠા ફાયરબ્રાન્ડ નેતા બાળાસાહેબ ઠાકરે બહુ જ કડક ભાષામાં પોતાના મુખપત્ર ‘સામના’માં દાઉદ ઈબ્રાહીમ સામે લખી રહ્યા હતા, પણ બાળાસાહેબ દાઉદની વિરૂધ્ધમાં જે લખી રહ્યા છે તે બધુ ખોટુ છે તેવુ છોટા રાજન અને રવિપુજારી સહિત તમામ હિન્દુ ગેંગસ્ટર્સ માની રહ્યા હતા.

ત્યારે ટેલીવીઝન અને મોબાઈલ ફોનનો વ્યાપ ખૂબ જ ઓછો હતો. અખબારો પોતાનો તમામ વ્યવહાર ફેક્સ મશીન દ્વારા કરી રહ્યા હતા. એક સાંજે મુંબઈના તમામ અખબારની કચેરીમાં એક ફેક્સ મેસેજ આવ્યો, ફેક્સ મેસેજ કરનાર છોટા રાજન હતો. છોટા રાજન બાળા સાહેબ ઠાકરે જે પ્રકારે દાઉદ સામે લખી રહ્યા હતા તેના કારણે નારાજ હતો. રાજને આ ફેક્સ મેસેજ બાળા સાહેબને સંબોધીને લખ્યો હતો.  રાજને બાળા સાહેબને લખ્યુ કે તમે તમારી રાજનીતિ કરો અને અમને અમારી ગુંડાગીરી કરવા દો. આમ દાઉદની સાથે રહેલા રાજન અને પુજારી જેવા હિન્દુ ગેંગસ્ટર્સ દાઉદની ઢાલ બની આડા ઉભા રહી ગયા હતા.

(ક્રમશ:)

પાર્ટ-1: ડૉન રવિ પુજારી જેની પાસે પણ ખંડણી માગતો તેને કયારેય ગાળ બોલ્યો નથી, જાણો તેની આ સ્ટાઈલની વાતો