પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-18): મે-1996 નો સમય હતો, નરેન્દ્ર મોદી એક સાથે અનેક વિષયો ઉપર કામ અને વિચાર કરવાની ક્ષમતા ધરાવતા હતા. એક તરફ સુરેશ મહેતાને પાઠ ભણાવવાની યોજના તેમના મનમાં આકાર લઈ રહી હતી. જે સમયનો તેઓ ઈંતઝાર કરી રહ્યા હતા, કદાચ તે સમય હવે આવી ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં અટલ બિહારી બાજપાઈની સરકારને બહુમતી મળી હતી. જેના કારણે સરકાર તો બની ગઈ હતી પણ હજી વિશ્વાસનો મત લેવાનો બાકી હતો. ત્યારે મને યાદ આવ્યું કે જૈન મુનિએ કહ્યું તે પ્રમાણે જ થયું હતું. બાજપાઈની સરકાર તો બની હતી, પણ વિશ્વાસ મતની હરિફાઈમાં નાપાસ થવાની પુરી શક્યતા હતી. છતાં દેશ આખામાં બાજપાઈ વડાપ્રધાન થયા તેનો ઉત્સાહ હતો. ગુજરાત ભાજપ દ્વારા કેન્દ્રમાં મળેલા વિજયનો ઉત્સવ મનાવવાનું  નક્કી કરવામાં આવ્યું હતું, તેના માટે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખુબ તૈયારીઓ થઈ રહી હતી. ચારે તરફ ભાજપની પતાકાઓ લહેરાઈ રહી હતી.
સુરેશ મહેતાનું સરકારી તંત્ર પણ સરદાર પટેલના સ્ટેડિયમની તૈયારીમાં લાગી ગયું હતું ત્યારે મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો આવવાના હતા, પણ કોઈને ખબર ન્હોતી કે કાર્યક્રમના થોડા દિવસ અગાઉ નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા છે. જો કે તેમને દિલ્હી મોકલ્યા બાદ તેઓ જ્યારે પણ અમદાવાદ આવતા ત્યારે તેમના અંગે બહુ ઓછા લોકોને માહિતી રહેતી હતી. જેમાં અમિત શાહ અને મનોજ ભીમાણી મુખ્ય માણસ હતા. નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા બાદ તેમની જાણકારી બહુ ઓછી વ્યક્તિઓને રહે તે માટે આરએસએસની સાણંદ રોડ ઉપર આવેલી સંસ્કારધામની શાળામાં જ રહેતા હતા. તે દિવસે પણ તેઓ સંસ્કાર ધામ જ ગયા, ત્યાં તેમણે આપેલી સૂચના મુજબ કેટલાક મહત્વના વિશ્વાસુ કાર્યકરને જાણ કરી દેવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદી મળવા માગે છે. જેમને મળવા બોલાવ્યા હતા, તેઓ મોદીના આંઘળા ભગત હતા, તેઓ તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હતા.
કેશુભાઈ પટેલની સરકારના પતન વખતે ગુજરાતના રાજકારણમાં એક નવા શબ્દનો આવિષ્કાર થયો. બળવો કરી જેઓ ખજુરાહો ગયા તેને ભાજપવાળા ખજુરિયા તરીકે ઓળખવા લાગ્યા, પણ જેઓ કુશભાઈ અથવા નરેન્દ્ર મોદી સાથે રહ્યા તેમને બાપુનું જુથ હજુરિયા તરીકે સંબોધવા લાગ્યું હતું. આમ હજુરિયા અને ખજુરિયા બોલો એટલે કોણ કોના જુથમાં છે તેની ખબર પડી જતી હતી. નરેન્દ્ર મોદીને મળવા માટે આવેલા બધા હજુરિયા હતા,કારણ તેમણે મોદીની તમામ વાતમાં હા પાડવાની હતી. મળવા આવેલા હજુરિયા માની રહ્યા હતા કે કેન્દ્રમાં સરકાર બની હોવાને કારણે મોદીએ વિજય ઉત્સવના કામે બોલાવ્યા હશે, પણ મોદી ઉત્સવમાં ભંગ પાડવાનું કામ સોંપવાના છે તેની તેમને ખબર ન્હોતી. મુખ્યમંત્રી સુરેશ મહેતા હતા અને ગૃહ વિભાગ તેમના તાબામાં હતો. તેમ છતાં સંસ્કારધામમાં થઈ રહેલી પ્રવૃત્તીથી ઈન્ટેલિઝન્સ બ્યૂરો સંપુર્ણ અજાણ હતું. નરેન્દ્ર મોદી એક એવી ખતરનાક યોજનાને અંજામ આપવાના હતા તેની કોઈને કલ્પના ન્હોતી.
સુરેશ મહેતાની સરકાર બન્યા પછી કેશુભાઈ-નરેન્દ્ર મોદી સામે શંકરસિંહ વાઘેલા જુથ વચ્ચે વૈચારીક અંતર ખુબ મોટું વધી ગયું હતું. બંન્ને પક્ષો કોઈ રીતે એકબીજાને ખોટા પાડવા અથવા નીચા પાડવાનો પ્રયત્ન કરતા હતા. ભાજપના જ કોઈ જાહેર સમારંભમાં તમે જાવ તો તમને હજુરિયા અને ખજુરિયા જુથ અલગ દેખાઈ આવતા હતા. બંને પક્ષને એક બીજા સામે ભારે ગુસ્સો હતો. જો કે બાપુએ બળવો કર્યો તેના કારણે સામાન્ય જનમાનસ કેશુભાઈ તરફી થઈ ગયું હતું. પ્રજા એવું માની રહી હતી કે કેશુભાઈને અન્યાય થયો છે અને બાપુ દગાખોર છે. બસ પ્રજાના અને કાર્યકરોની આ લાગણીનો નરેન્દ્ર મોદી ફાયદો લેવાના હતા, તેમાં તેમણે કઈ પણ આપ્યા વગર બધુ મેળવવાનું હતું. પહેલા તેમને શંકરસિંહ પસંદ ન્હોતા હવે તેઓ સુરેશ મહેતા અને સંજય જોશીને પણ પસંદ કરતા ન્હોતા જેના કારણે હવે જે થવાનું હતું તેનું નુકસાન મહેતા સરકારના માથે ઉધારવાનું હતું.
સંસ્કારધામમાં જે કાર્યકરો નરેન્દ્ર મોદીને મળવા માટે આવ્યા હતા તેમને મોદીએ બરાબર પોતાની યોજના સમજાવી દીધી હતી. કાર્યકરો માટે ત્યારે મોદીનો બોલ ઈશ્વરના બોલ સમાન હતો, બાકીની કેટલીક જવાબદારી મનોજ ભીમાણી અને અમિત શાહે ઉપાડી લીધી હતી. કાર્યકરોને મન એક સામાન્ય ઘટના હતી પણ તેની અસરો અને તેના પડધા કેટલા દુર સુધી પડવાના છે તે મોદી સારી રીતે જાણતા હતા. ગુજરાતના રાજકારણના પટ ઉપર ક્યારેય નહીં ભજવાયેલુ નાટક ભજવવાનું હતું. જેના સ્ક્રીપ્ટ રાઈટર અને ડિરેક્ટર નરેન્દ્ર મોદી હતા, જે ભજવવાના હતા, તેમની કેવી ભવાઈ થવાની હતી તેની તેમને પણ ખબર ન્હોતી, પણ નરેન્દ્ર મોદી માટે આ માત્ર એક પગથીયા જેવા હતા, તેમના ખભે પગ મુકી મોદી થોડા ઉપર જવાના હતા. મોદીની સૂચના પછી બધા કાર્યકરો તેમના મુકામે રવાના થયા અને તેમને કહેવામાં આવ્યું હતું સમયસર સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી જજો.
સાંજનો સમય હતો, ભાજપના કાર્યકરોના ટોળા સ્ટેડિયમમાં આવી રહ્યા હતા. પોલીસનો કાફલો તૈનાત હતો, પણ બધા જ ભાજપના કાર્યકરો હોવાને કારણે પોલીસને બીજી કોઈ માથાકુટ થશે નહીં તેવી ખાતરી હતી. કાર્યકરોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરાવા લાગ્યું હતું. કાર્યકરોની સાથે નરેન્દ્ર મોદીને મળીને આવેલા કાર્યકરો પણ સ્ટેડિયમમાં દાખલ થઈ ગયા હતા, તેઓ પણ ભાજપના જ કાર્યકર હોવાને કારણે તેમને રોકવાનો તો પ્રશ્ન જ ન્હોતો. સુરેશ મહેતા, તેમના મંત્રી મંડળના સભ્યો, શંકરસિંહ, કેશુભાઈ સહિત ગુજરાત આખાના મોટા નેતાઓ સ્ટેડિયમમાં આવી ગયા હતા. મોદીના જે સમર્થક કાર્યકર હતા તેઓ એકબીજાની સાથે આંખોના ઇશારાથી વાત કરી રહ્યા હતા, જેની અન્ય કોઈને અને પોલીસને પણ ખબર પડી જ નહીં. સમારંભ શરૂ થયો અને નરેન્દ્ર મોદી અમદાવાદ છોડી  એરપોર્ટ ઉપરથી ચંદીગઢ જવાના રવાના થઈ ગયા હતા.
(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive