હું પ્રશાંત દયાળ: ભાગ-19: અમારા બધાના જીવ તાળવે ચોટી ગયા હતા. હવે જીવતા નિકળવાનો રસ્તો જ બંધ થઈ ગયો તેવુ લાગ્યુ. અમારી મદદમાં આવેલા વૃધ્ધ વ્યક્તિઓ કોઈ પણ રીતો ટોળાએ પકડી રાખેલા અમારા ડ્રાઈવરને તેમના હાથમાંથી છોડવ્યો તે કારમાં બેઠો અને તેણે સેલ માર્યો, ટોળાની વચ્ચેથી અમારી કાર ભાગી નિકળવામાં સફળ રહી, કિલોમીટર સુધી ભાગ્યા ત્યાં સુધી અમે એકબીજા સાથે કારમાં વાત કરી શકયા નહીં. ડર હતો કે કદાચ તે ટોળામાંથી કોઈ અમારો પીછો કરતુ હોય અને અમને પકડી પાડશે તો પણ તેવુ સદનસીબે થયુ નહી જ્યારે અમે રાધનપુર ચોકડી પહોંચ્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો. અમે જોયુ તો ચોકડી ઉપર શંકરસિંહ બાપુ સ્થાનિક કેટલીક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. અમે કાર રોકી હું કારમાંથી નીચે ઉતર્યો, હું બાપુને અમારી ઉપર થયેલા હુમલાની ફરિયાદ કરવા જઈ રહ્યો હતો ત્યાં એક ટોળુ હતું, તેની વચ્ચે બાપુ ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. હું ટોળાને પાર કરી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારો કોઈએ હાથ પકડ્યો, તે  મુખ્યમંત્રીની સિક્યુરિટી સંભાણળતો એક કમાન્ડો હતો, મેં તેની સામે જોયુ , હું ગાંધીનગરમાં સચિવાલયમાં પણ રિપોર્ટીંગ કરવા જતો હતો. જેના કારણે સીએમ સિક્યુરીટીનો ઘણો સ્ટાફ ઓળખતો હતો, તેણે મારો હાથ કેમ પકડ્યો તેવા આશ્ચર્ય સાથે મેં તેની સામે જોયુ. તેણે મારા કાન પાસે પોતાનું મોંઢુ લાવી પુછ્યુ તમારી ઉપર એટેક થયો? મને આશ્ચર્ય થયુ કે કઈ રીતે આ કમાન્ડોને ખબર પડી.. મેં હા પાડી.. તેણે પહેલા ઈન્ટરવ્યુ આપી રહેલા બાપુ સામે જોયુ અને પછી મને ધીમા અવાજે બાપુ તરફ ઈશારો કરતા કહ્યુ તેમને ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, તેમના કહેવાથી જ તમારી ઉપર એટેક થયો છે. હું સ્તબ્ધ થઈ ગયો, જાણે મારા માથા ઉપર વીજળી પડી હોય તેવી મારી સ્થિતિ થઈ, એક મુખ્યમંત્રી પોતાના જ રાજયના પત્રકાર ઉપર હુમલો કરાવી શકે.

પણ મને સ્થિતિ સમજતા વાર લાગી નહીં, બપોરના અમે જે બુથ ઉપર બાપુને ભાજપના એજન્ટને કાઢી મુકતા જોયો હતો તેનું રીએકશન હતું. હવે હું કોને ફરિયાદ કરીશ, તે પ્રશ્ન હતો. ત્યારે રાધનપુરમાંથી સમાચાર મળ્યા કે ફોટોગ્રાફર હર્ષ શાહ, વિડીયોગ્રાફર ઉદય અધવર્યુ સહિત અનેક પત્રકાર અને ફોટોગ્રાફર ઉપર હુમલાઓ થયા હતા. અમે બધા ગુસ્સામાં હતા. અમે અમારી ફરિયાદ કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા. લો એન્ડ ઓર્ડરનો હવાલો આઈજીપી ચિતરંજનસિંગ પાસે હતો. અમને થયુ કે તે અમારી ફરિયાદ સાંભળશે. અમે  ફરિયાદ કરવા તેમની સામે ગયા. અમે ગુસ્સામાં અને નારાજ હતા. અમે અમારી ઉપર થયેલા હુમલાની વાત કરી, તેમણે અમને સાંભળ્યા અને પછી તેમના કમાન્ડોને બોલાવી કહ્યુ સબ કો ઉઠાકે બહાર ફેંક દો. અરે આ શુ વાત થઈ, જો પત્રકાર સાથે આવુ થતુ હોય તો બાકીના લોકો સાથે તંત્ર શુ કરતુ હશે તેવો વિચાર આવ્યો. ચિતરંજનસિંગે અમારી ફરિયાદ સાંભળી નહી, આધાત લાગ્યો અને પોતાને બહુ લાચાર પણ સમજ્યા, અમે કલેક્ટર અનુરાધા મલ પાસે ગયા. અમારી સાથે જે બન્યુ તેની વાત કરી અને ચિતરંજનસિંગે જવાબ આપ્યો તેની વાત કરી, તેઓ કંઈ બોલ્યા નહી, તેમણે ફોન ઉપાડ્યો અને ચિતરંજનને ફોન કરી કહ્યુ હું પત્રકારોને તમારી પાસે મોકલુ છુ, તેમની ફરિયાદ નોંધી કાર્યવાહી કરો, અમે ત્યાંથી નિકળ્યા. બહાર નિકળતા અનુરાધા મલે મને બોલાવ્યો અને પુછ્યુ અમદાવાદ ક્યારે જવાના છો? મેં કહ્યુ સ્ટોરી ફાઈલ થઈ જાય પછી. તેમણે કહ્યુ રાધનપુરની સ્થિતિ સારી નથી. તમે કોઈ એકલા જતા નહીં, મારી પાસે આવજો હું તમને પોલીસ રક્ષણ આપીશ. તમે પોલીસ રક્ષણ હેઠળ બહાર નિકળજો.

રાધનપુરની સ્થિતિ ખરાબ થઈ ગઈ તેનો મને અંદાજ ન્હોતો પણ કલેક્ટર અનુરાધા મલને ખબર પડી ગઈ હતી. ત્યારે અમે હેન્ડરીટન કોપી લખતા હતા અને અમારી સ્ટોરી ફેક્સ કરવાની વ્યવસ્થા ભાજપની ઓફિસમાં હતી. અમે સ્ટોરી ફાઈલ કરવા ભાજપ ઓફિસ પહોંચ્યા ત્યારે જોયુ તો અમારા કરતા પણ વધુ ડરેલા નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ હતા. કારણ ભાજપની ઓફિસ સામે ટોળુ ભાજપના કાર્યાલય ઉપર પથ્થરો ફેંકી રહ્યુ હતું અને ત્યાં હાજર પોલીસ કંઈ પણ કરી રહી ન્હોતી. છતાં અમારી ઉતાવળ અમારી સ્ટોરી ફેક્સ કરવાની હતી, સ્થિતિ બગડી રહી હતી. જાણકારી મળી કે રાધનપુર જવા માટે બે રસ્તા હતા. એક રસ્તો મહેસાણા તરફ જતો હતો તે રસ્તા ઉપર બાપુના ખાસ મંત્રી વિપુલ ચૌધરી પોતાના કાર્યકરો સાથે ઉભા હતા અને બીજો રસ્તો સુઈ ગામ તરફ જતો હતો તે રસ્તો ચૈતન્ય શંભુમહારાજ પોતાના માણસો સાથે ઉભા હતા. રાધનપુરથી બહાર નિકળતા તમામ વાહનોને રોકવામાં આવતા હતા અને તેમની ઉપર હુમલો કરવામાં આવતો હતો. હું ધ્રુજી ગયો, કઈ રીતે અમદાવાદ જઈશુ, ત્યારે મને યાદ આવ્યુ કે કલેકટરે મને મળવાનું કહ્યુ હતું. સ્થિતિની ગંભીરતા એટલી હતી ત્યારે કોઈ કામ અર્થે આઈએએસ અધિકીરી એસ. કે. નંદા પણ રાધનપુર આવ્યા હતા. તેમની પાસે સરકારી લાલ લાઈટવાળી ગાડી અને પોલીસ કમાન્ડો પણ હતો પણ તેઓ પણ એટલા ડરેલા હતા કે તેઓ પણ અમને કહી રહ્યા હતા કે આપણે સાથે અમદાવાદ જઈશુ.

હું અને પત્રકારો રાત્રે આઠ વાગ્યે કામ પતાવી કલેક્ટર ઓફિસ જવા નિકળ્યા. ત્યારે રાધનપુરમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી હતી. શંકરસિંહ સામે ભાજપે ત્યારે સ્થાનિક શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. એકદમ યુવાન માણસ હતો, જેને રાજકારણ સાથે કોઈ સીધો સંબંધ ન્હોતો. અમે કલેક્ટર ઓફિસ પહોંચ્યા પણ ત્યાં જઈ જોયુ તો ઘોર અંધારૂ હતું. કલેકટર ઓફિસ ભુતીયા મહેલ જેવી હતી કોઈ પણ માણસ ન્હોતો, મને વિચાર આવ્યો કે કલેક્ટરે મને કહ્યુ હતુ કે હું તમને પોલીસ રક્ષણ આપીશ પણ કલેક્ટર ઓફિસમાં તો કોઈ ન્હોતુ. હું વિચાર કરી રહ્યો હતો ત્યારે એક વોચમેન મારી પાસે આવ્યો. તેણે મને પુછ્યુ કે કોનું કામ છે? મે કહ્યુ કલેક્ટર સાહેબને મળવુ છે. તે મારી સામે જોવા લાગ્યો. તેણે આશ્ચર્ય સાથે કહ્યુ સાહેબ તો નિકળી ગયા. મને ડર લાગ્યો કે કલેક્ટર નિકળી ગયા તો હવે અમે અમદાવાદ કેવી રીતે જઈશુ? મેં કહ્યુ સાહેબે કહ્યુ હતું મળવાનું, હું પત્રકાર છું. પત્રકાર કહ્યુ એટલે તેણે રસ્તો બતાડતા કહ્યુ કદાચ સાહેબ સરકિટ હાઉસ હશે તમે ત્યાં જાવ. હું અને મારા પત્રકાર સાથીઓ રાધનપુર સરકિટ હાઉસ જવા નિકળ્યા હતા. બેઝકલી હું ક્રાઈમ રિપોર્ટર હતો પણ મને ફાયદો તેનો મળી રહ્યો હતો કે ક્રાઈમ રિપોર્ટીંગની સાથે હું પોલિટિકલ રોપોર્ટીંગ પણ કરતો હતો. જેના કારણે મને નેતાઓ અને આઈએએસ અને આઇપીએસ અધિકારીઓ ઓળખતા હતા. અમે સરકિટ હાઉસ પહોંચ્યા. મે રીસ્પેશન ઉપર પુછ્યુ તેણે મને કહ્ય. રૂમ નંબર 1, હું રૂમ નંબર એક ઉપર પહોંચ્યો. મેં દરવાજો નોક કર્યો, અંદરથી અવાજ આવ્યો કમઈન. મેં અડધો દરવાજો ખોલ્યો, મને બેડ ઉપર એક ખાખી વર્દીવાળો માણસ અને લાલ બુટ દેખાયા. મને આશ્ચર્ય થયુ કે કલેક્ટરના રૂમમાં કોઈ પોલીસ અધિકારી કઈ રીતે હોઈ શકે? હુ મારા પ્રશ્નો સાથે રૂમમાં દાખલ થયો. જે પોલીસ અધિકારી બેડ ઉપર આડા પડ્યા હતા તે ઉભા થયા અને તેમણે મને પુછ્યુ અરે પ્રશાંતભાઈ શુ થયું?

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો