પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-18): 20 ઓકટોબર 1995માં કેશુભાઈ પટેલેને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું, આમ ભાજપની પહેલી સરકારનું માત્ર સાત મહિનામાં પતન થયું હતું, બીજા દિવસે સુરેશ મહેતાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા હતા. નરેન્દ્ર મોદી દિલ્હી જતા રહ્યા અને તેમણે રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની કામગીરી સંભાળી લીધી હતી. જો કે તેમનું બધુ જ ધ્યાન ગુજરાતમાં ચાલતી ગતીવિધી ઉપર હતું, હજુ તેમનો ગુજરાતનો મોહ છૂટતો ન્હોતો.

ગુજરાતમાં સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ, સંગઠ કેવું હોવું જોઈએ, કોને સમાવવા જોઈએ વગેરે સૂચનાઓ તેવી દિલ્હી બેઠા બેઠા સુરેશ મહેતા અને સંજય જોષીને આપી રહ્યા હતા, પણ સમય બદલાયો હતો. કાયદાના સ્નાતક અને સરકારમાં અનુભવી એવા સુરેશ મહેતા નરેન્દ્ર મોદીની સૂચના સાંભળતા જરૂર હતા, પણ તેનો અમલ કરતા ન્હોતા. તેવી જ રીતે મુળ મહારાષ્ટ્રીયન પણ ગુજરાત આવી પાક્કા ગુજરાતી થઈ ગયેલા સંજય જોશી પણ પોતાના સિનિયર પ્રચારક મોદીનો આદર કરતા હતા, પણ મોદીની સૂચનાઓનો સવાલ હતો ત્યાં સુધી પોતેને યોગ્ય લાગે તેવા જ નિર્ણયો તે ગઠનમાં કરતા હતા.

ધીરે ધીરે મોદીને સમજાવવા લાગ્યું કે મહેતા અને જોશી તેમને સાંભળવાનો ડોળ કરે છે, પણ ધાર્યુ તો પોતાનું જ કરે છે. જ્યારે કોઈ મોદીની વાત ના સાંભળે ત્યારે મોદી તેને પોતાના હીટલીસ્ટમાં મુકી દે છે, કેશુભાઈ પટેલની સરકારમાં જે દબદબો હતો અને હવે દિલ્હીના એક ખુણામાં બેસી રહેવાનું મોદીને પાલવે તેમ ન્હોતુ, સાથે સુરેશ મહેતા પણ જે રીતે પોતાની અવગણના કરી રહ્યા હતા તે સંજોગોમાં તેમની સરકાર પણ સારી રીતે ચાલે તે વાત મોદીને મંજુર ન્હોતી.

મોદીના અંહકારને અને બાપુની સત્તા લાલસાને કારણે એક સરકાર તૂટી ગઈ હતી અને બીજી સરકાર બની તેને પણ નિરાંત ન્હોતી. બાપુએ પહેલા તબ્બકે પોતાના જે માણસો ગોઠવવાના હતા, તે પાર્ટીએ ગોઠવી દીધા હતા, પણ રોજબરોજના કામમાં બાપુ દખલ કરે તે વાત સુરેશ મહેતાને મંજુર ન્હોતી. સરકારને પોતાના નિયમ અને શીસ્ત હોય તે પ્રમાણે જ સરકાર ચાલે તેવું સુરેશ મહેતા માનતા હતા. જેના કારણે કઈક અંશે બાપુ પણ નારાજ હતા. જ્યારે હવે પ્રવિણ તોગડિયાના બંગલે આવતી પોલીસની ગાડીઓ બંધ થઈ ગઈ હતી. હિન્દુત્વના મુદ્દે સુરેશ મહેતા બહુ સ્પષ્ટ હતા, તેમનો મત હતો સરકાર હિન્દુ તરફી અથવા વિરોધી હોઈ શકે નહીં, સરકાર માટે તેનો ધર્મ એટલે દેશનું બંધારણ છે.

આ દરમિયાન એક જુદી જ ઘટના ઘટી, લોકસભાની ચૂંટણી આવી રહી હતી, હું એક જૈન મુનિના પરિચયમાં હતો, તેમણે મને સંદેશો મોકલ્યો એટલે હું તેમને મળવા ગયો. તેમણે પોતાની પાસે બેસેલા ભકતોને બહાર મોકલી દીધા, તેમણે મને પુછ્યું તમને ભાજપના કયા કયા નેતા ઓળખે છે, પહેલા તો મને આશ્ચર્ય થયું કે એક જૈન મુનિને વળી રાજનેતાઓની શું જરૂર પડી હશે. મેં તેમને પ્રદેશ કક્ષાના નેતાઓના નામ આપ્યા, તેમણે કહ્યું ના કોઈ મોટા નેતા સાથે તમારે સંબંધ નથી, મને તરત યાદ આવ્યું કે નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રીય મહામંત્રી હતા, મેં કહ્યું નરેન્દ્ર મોદીને ઓળખુ છું, તેમણે નરેન્દ્ર મોદીનું નામ સાંભળતા જ મને કહ્યું હા નરેન્દ્ર મોદી મારી વાત સમજી શકશે. તેમને કહો મને તરત મળે અથવા તમારી સાથે લઈ આવો, પણ મેં કહ્યું પણ મને નરેન્દ્ર મોદી કારણ પુછશે તો શું જવાબ આપવાનો. તેમણે વિચાર કરી મારી સામે જોઈ કહ્યું હું પોતે જૈન મુનિ છું, તેના કારણે સ્વભાવીક મારી ઈચ્છા છે કે ભાજપની સરકાર બને અને હું મારા ગુરૂ પાસેથી મળેલા જ્ઞાનને કારણે જોઈ શકું છું, કે ભાજપની સરકાર બની રહી છે પણ તેનું આયુષ્ય લાંબુ નથી.

ધર્મમાં મારી શ્રધ્ધા હોવા છતાં સાચુ કહું તે મને કઈ સમજાયુ નહીં અને વાત ગળે ઉતરી પણ નહીં, એકાદ બે દિવસ તો મેં નરેન્દ્ર મોદીને કોઈ વાત કરી નહીં, નરેન્દ્ર મોદી ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર બેઠકની જવાબદારી સંભાળતા હતા, પણ જૈન મુનિ દ્વારા મને વાંરવાર સંદેશા આવતા હતા. એટલે મેં નરેન્દ્ર મોદીને ફોન કરી જૈન મુનિ તરફથી આવેલા સંદેશા અને તેમની મળવાની ઈચ્છા અંગે જાણકારી આપી, પહેલા તો મોદી મારી વાત સાંભળી થોડીવાર માટે ચુપ થઈ ગયા, પછી કહ્યું કઈ વાંધો નહીં હું સમય કાઢીને તને જાણ કરીશ આપણે સાથે મળવા જઈશું, પછી નરેન્દ્ર મોદી ચૂંટણીની વ્યસ્તતામાં અટવાયેલા હતા. જેમાં દસ-બાર દિવસ પસાર થઈ ગયા, મારી ઉપર સતત જૈન મુનિના સંદેશાઓ આવી રહ્યા હતા અને તેની જાણકારી હું મોદીને આપતો હતો. એક સાંજે મને કુંતલ સંઘવીનો ફોન આવ્યો, તેમણે મને કહ્યું નરેન્દ્રભાઈ મેયર બંગલે આવી રહ્યા છે, તમે આવી જાવ.

હું મેયર બંગલે પહોંચ્યો. નરેન્દ્ર મોદી ખુબ વ્યસ્ત હતા, તેમને અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા જવાનું હતું, તેમણે મને કહ્યું બોલો પ્રશાંત જૈન મુનિસાહેબ શું કહે છે, મેં ફરી વખત વિસ્તારપૂર્વક જૈન મુનિએ કરેલી વાત તેમને કરી, તે ધ્યાનથી મારી વાત સાંભળી રહ્યા હતા, ત્યારે ત્યાં કુંતલ સંઘવી પણ હતા, તેમણે કુંતલ સામે જોતા કહ્યું આપણે પ્રશાંત સાથે નાણપુરા જૈનમુનિને મળવા જઈએ, ત્યાંથી સીધા ઉસ્માનપુરા જતા રહીશું, નજીકમાં તો છે. અમે ત્રણે એક કારમાં ગોઠવાઈ ગયા, રસ્તામાં મોદી લોકસભા જીતી જ જઈશું તેવા દ્રઢ વિશ્વાસ સાથે વાતો કરી રહ્યા હતા. અમે નારણપુરા એક અપાશ્રયમાં પહોંચ્યા, રાત થઈ ગઈ હોવાને કારણે ત્યાં અંધારૂ હતું. મહરાજ સાહેબ લાઈટનો ઉપયોગ કરતા ન્હોતા, જેના કારણે એક ખુણામાં ઘીનો દિવો સળગી રહ્યો હતો. પહેલા હું અંદર ગયો અને મેં મુનિને કહ્યું નરેન્દ્ર મોદી આવ્યા છે, તેમના ચહેરા ઉપર આનંદ અને નિરાશાનો એક સાથે ભાવ જોવા મળ્યો તેનું કારણ મને સમજાયું નહીં.

નરેન્દ્ર મોદી પણ અંદર આવ્યા તેમણે આદરપુર્વક જૈન મુનિના ચરણસ્પર્શ કર્યા અને તેઓ નીચે બેઠા, મુનિએ ફરિયાદના સુરમાં કહ્યું નરેન્દ્રભાઈ બહું મોડું કર્યું તમે, હું તમને ઘણા દિવસથી મળવા માગતો હતો. મોદીએ માફીના સ્વરમાં કહ્યું કામ ખુબ હતું, માટે મોડું થયું, મુનિએ તરત મુળ વાત ઉપર આવતા કહ્યું ભાજપની સરકાર થઈ રહી છે, તેમાં મને કોઈ શંકા નથી, પણ બહુ પાતળી બહુમતી આવી રહી છે. જેના કારણે સરકાર જલદી તુટી જશે, તમે વહેલા આવ્યા હોત તો કદાચ હું સરકાર બચાવી પણ શકતો, ત્યારે જ નરેન્દ્ર મોદીએ મારી સામે જોયું, પોલીટીકીલ સાયન્સના વિધાર્થી રહી ચુકેલા નરેન્દ્ર મોદીને કદાચ મુનિની વાત ઉપર ભરોસો બેસતો ન્હોતો. તેમણે નરેન્દ્ર મોદીના હાથમાં એક નારીયળ મુકયું અને કઈક મંત્રોચ્ચાર કર્યો અને કહ્યું અહિયાથી જતા સાબરમતી નદીમાં નારીયળ પધરાવી દેજો, પાછું વળી જોતા નહીં, હું મારા પ્રયત્ન કરીશ તમારી સરકાર બચાવવાના. અમે ત્રણે ત્યાંથી નિકળ્યા, પણ ખરેખર મુનિ કહે છે તે વાતમાં કેટલી સત્યતા હોઈ શકે તે મુદ્દે અમે કોઈ કશું જ બોલ્યા નહીં.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive