હું પ્રશાંત દયાળ: ભાગ-18: અમદાવાદથી હું અને ઉર્વિશ કોઠારી રાધનપુર પહોંચ્યા. ઉર્વિશ કોઠારી બે-ત્રણ દિવસ રોકાઈ પાછો આવવાનો હતો પણ મારે ચૂંટણી પુરી કરી પાછા આવવાનું હતું. અમે ત્યાં ગયા ત્યારે અમારા રહેવા જમવાની વ્યવસ્થા શંકરસિંહ તરફથી કરવામાં આવતી હતી. ત્યારે બાપુનું બધુ કામ મારા સિનિયર પત્રકાર અને બાપુ સાથે વૈચારિક રીતે જોડાયેલા જનકભાઈ પુરોહિત સંભાળતા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમદાવાદથી આવેલા મારા પત્રકાર મિત્ર દિલીપીભાઈ પટેલ, ભાર્ગવ ત્રિવેદી, મનિષ વ્યાસ, વિકાસ ઉપાધ્યા અને અભિજીત ભટ્ટ સહિત અનેક હતા. અમારે બધાએ દસ દિવસ સાથે જ રહેવાનું હતું. અમે આખો દિવસ રોપોર્ટીંગ કરવા માટે સાથે ફરતા હતા. દસ દિવસ ત્યાં રહ્યા હોવાને કારણે ત્યાંની રાજનીતિ અને ભુગોળથી વાકેફ હતા. અમે રાત્રે શંકરસિંહ બાપુને મળતા અને બીજી તરફ નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડીયાને પણ મળતા હતા. બંન્ને તરફ માહોલ યુધ્ધ ભૂમી જેવો હતો. જો બાપુ ચૂંટણી હારી જાય તો તેમને મુખ્યમંત્રી પદ છોડી દેવુ પડે તેમ હતું તેના કારણે તેમણે શામ-દામ અને દંડ જેની જરૂર પડે તેનો ઉપયોગ કર્યો હતો. શંકરસિંહ બાપુના રાજકિય સલાહકાર તરીકે ત્યારે વિષ્ણુ પંડ્યા હતા, તેઓ પણ જુના સંઘી હતા, પણ મોદીથી નારાજ થઈ તેઓ બાપુ સાથે ગયા. આખરે ચૂંટણીનો દિવસ આવ્યો, ચૂંટણીની આગલી રાત્રે જે થયુ તે કલ્પનામા ના આવે તેવુ હતું. આગલી રાત્રે ગુજરાતનો લૉ એન્ડ ઓર્ડરનો હવાલો સંભાળતા આઈજીપી ચિતરંજનસિંગ રાધનપુર આવી પહોંચ્યા, ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે દુર દુર મતદાન મથકો હોવાને કારણે મોડી રાત્રે પોલીંગ એજન્ટ પહોંચી જતા હોય છે. બાપુ પાસે કાર્યકરો ઓછા હતા, બાપુ જાણતા હતા કે તેઓ ભાજપના કાર્યકરો સામે ટુંકા પડશે, તેમણે ત્રણ દિવસ પહેલા કલેક્ટર પાસે જાહેરનામુ બહાર પડાવી દીધુ કે રાધનપુરમાં આ વિસ્તાર સિવાયની કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. પોલીસે નાકાબંધી કરી અને બહારગામથી આવી રહેલા ભાજપના કાર્યકરોને પ્રવેશ કરતા અટકાવ્યા હતા.

હવે ચૂંટણીની આગળની કતલની રાત હતી. રાતના બાર વાગે ચિતરંજનસિંગ પોલીસનો કાફલો લઈ નિકળ્યા તેઓ શુ કરવા જઈ રહ્યા છે તેની કોઈને ખબર ન્હોતી. તેઓ રાત્રે એક પછી એક મતદાન મથક ઉપર જવા લાગ્યા. બુથમાં જે ભાજપનો એજન્ટ હોય તેને ઉંચકી પોલીસના વાહનમાં બેસાડી દેતા હતા. સવાર સુધી ઓપરેશન ચાલ્યુ, સવાર પડી ત્યારે રાધનપુરમાં બેઠેલા ભાજપના નેતાઓને સમાચાર મળ્યા કે તમામ મતદાન મથક ઉપરથી ભાજપના કાર્યકરોને ઉપાડી લેવામાં આવ્યા છે. સવારે આઠ વાગ્યે તો મતદાન શરૂ થઈ ગયુ. હવે ત્યાં ભાજપ પોતાના એજન્ટ મોકલી શકે એટલો સમય પણ ન્હોતો. ચૂંટણી શરૂ થઈ હતી, બુથ ઉપર ભાજપના કાર્યકર નહીં હોવાને કારણે બાપુના કાર્યકરો પોતાની ઈચ્છા પ્રમાણે મતદાન કરાવી રહ્યા હતા. હવે તેમને ટોકનાર કોઈ ન્હોતુ. અમે ચૂંટણીના રિપોર્ટીંગ માટે કારમાં નિકળ્યા હતા. કારમાં હું, દિલીપ પટેલ, અભિજીત ભટ્ટ અને વિકાસ ઉપાધ્યાય હતા. અમે એક પછી એક ગામમાં જઈ રહ્યા હતા. અમને અંદાજ આવી ગયો કે બાપુએ બાજી પોતાની તરફ કરી લીધી હતી. એક ગામમાં અમે પહોંચ્યા ત્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર તરૂણ બારોટ બંદોબસ્તમાં આવ્યા, અમે એકબીજાથી પરિચીત હતા, તેમણે મને જોયો એટલે અમે તેમને મળવા ગયા. થોડીવાર વાત કરી અમે ત્યાંથી નિકળી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યુ રોકાઈ જાવ સીએમ સાહેબ હમણા અહિંયા આવી રહ્યા છે એર ઉપર મેસેજ હતો. બાપુ ત્યાં આવી રહ્યા હતા. અમે બુથથી થોડા દુર પોલીસ પોઈન્ટ ઉપર ઉભા હતા. બાપુનો કાફલો આવ્યો સીધો બુથના દરવાજે ઉભો રહ્યો. બાપુ ઉતરી સીધા બુથમાં ગયા, તેમણે અમને જોયા ન્હોતા, તેઓ બુથમાં જતા અમે પણ ગયા, અમે તેમની પાછળ ઉભા હતા.

બાપુએ ત્યાં બેઠેલા એજન્ટોનો પરિચીય માંગ્યો તેમને આશ્ચર્ય થયુ કે ત્યાં ભાજપનો અમદાવાદથી આવેલો એજન્ટ પણ બેઠો હતો. બાપુએ તેને આદેશાત્મક ભાષામાં બુથ છોડી દેવાનું કહ્યુ, તેણે પોતાનો પરિચય આપતા કહ્યુ તે વ્યવસાયે વકીલ છે. બાપુનો ગુસ્સો ફાટ્યો, તેમણે સાવ દેશી ભાષામાં ધમકી આપતા કહ્યુ ચાલ નિકળ નહીંતર તારા પગ ઉપર ચાલી પણ નહીં શકે. ભાજપનો એજન્ટ ડરી ગયો, તે ઉભો થઈ બહાર નિકળ્યો. આ બધુ જોઈ મને લાગ્યુ કે આ ગુજરાત નથી હિન્દી ફિલ્મમાં દેખાડે છે તેવુ બિહારનું કોઈ ગામ છે. મને ગુસ્સો આવ્યો પણ મારે મારો ગુસ્સો સ્ટોરીમાં બતાડવાનો હતો. બાપુ બહાર નિકળવા માટે ઉંઘા ફર્યા અને તેમણે અમને જોયા, તે ચમકી ગયા, તેમને સમજાઈ ગયુ કે અંદર જે થયુ તે અમે સાંભળ્યુ અને જોયુ છે. તેમણે એકદમ પ્રેમથી વાત કરી અને તેઓ ત્યાંથી સાંતલપુર તરફ જવા નિકળ્યા. અમારે પણ તે દિશામાં જવાનું હતું. અમારી કાર પણ તેમના કાફલાની પાછળ જ હતી. તેમનો કાફલો બહુ ધીમે ચાલતો હતો અને રસ્તામાં તેમના કાર્યકરોને મળવા માટે તેઓ રોકાઈ પણ રહ્યા હતા. તેમની કાર સાંતલપુર પાસે રોકાઈ, તેઓ કાર્યકર સાથે વાત કરી રહ્યા હતા. મે અમારી કારના ડ્રાઈવરને કાફલાને ઓવરટેક કરી આગળ જતા રહેવાનું કહ્યુ. અમે ત્યાંથી આગળના ગામોમાં જવા માટે રવાના થયા. લગભગ બે અઢી કલાક પછી અમે પાછા રાધનપુર આવવા માટે નિકળ્યા. રસ્તામાં સાંતલપુર આવતુ હતું. બાપુના જે કાર્યકરો હતા તેમણે અમારી કારને રોકવાનો ઈશારો કર્યો. અમને આવી રીતે રસ્તામાં રોકી ઘણા કાર્યકરો શુ લાગી રહ્યુ છે તેમ કહી અમારો મત જાણવાનો પ્રયત્ન કરતા હતા. સાંતલપુરમાં કાર રોકવાનો ઈશારો થતાં મેં ડ્રાઈવરને કાર રોકવા કહ્યુ, કાર કાર્યકરો વચ્ચે રોકાઈ, કારની બંન્ને તરફ કાર્યકરો હતા. અમે કાર રોકતા એક કાર્યકરે પુછ્યુ કયાંથી આવો છો? અમે કહ્યુ પત્રકાર છીએ, તેણે કહ્યુ કાર્ડ બતાવો, અમને આશ્ચર્ય થયુ, પણ તેના ચહેરાના હાવભાવ જોઈ કંઈ ઠીક લાગ્યુ નહીં. બારી પાસે બેઠેલા વિકાસ ઉપાધ્યાયે ચૂંટણી પંચે આપેલુ કાર્ડ બતાવ્યુ. પેલા કાર્યકરે ગાળ બોલતા કહ્યુ સાલા ભાજપીયાઓ અને એકદમ માહોલ બગડી ગયો. ડ્રાઈવરને પણ તેમણે બહાર ખેંચી કાઢ્યો અને અમારી ઉપર બાપુના કાર્યકરો તુટી પડ્યા. અમે કારમાં હતા, કાર્યકરો બારીમાંથી હાથ નાખી અમને મારી રહ્યા હતા. જેમાં સૌથી વધારે વિકાસ ઉપાધ્યાય અને દિલીપી પટેલને વાગ્યુ હતું. બાપુના કાર્યકોરો દારૂ પીધેલા પણ હતા, જેમાં એક કાર્યકરે પોતાની જીપમાં રહેલી રાયફલ મંગાવી તે અમને ગોળી મારવા માગતો હતો. અમે બધા જ ડરી ગયા, અમને મદદ કરે તેવુ પણ કોઈ ન્હોતુ ત્યારે ત્યાંથી પત્રકાર ધિમંત પુરોહીતની કાર પસાર થઈ, તેણે અમને માર ખાતા જોયા, તેણે પોતાની કાર ઉભી રાખી, તે મદદમાં આવ્યો અમને મારી રહેલા લોકોને સમજાવવાનો તે પ્રયત્ન કરી રહ્યો હતો પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર ન્હોતુ તે વખતે લાગ્યુ કે બસ હવે અહિંયા મરી જ ગયા. ત્યારે ગામની એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી તેણે બધાને આદેશાત્મક ભાષામાં રોક્યા છતાં તેઓ અમને છોડવા માગતા ન્હોતા. અમારી કાર ઉપર લાકડીઓ પણ પડી રહી હતી, કાચ તુટી ગયા હતા અને લાકડીના એક ફટકાએ અમારી એમ્બેસેડર કારનું સ્ટીયરીંગ પણ અદધુ તોડી નાખ્યુ હતું. પેલી વૃદ્ધ વ્યક્તિ અમને ત્યાંથી નિકળી જવાનો ઈશારો કરી રહી હતી પણ અમારા ડ્રાઈવરને કારમાંથી કાઢી ટોળાએ પકડી રાખ્યો હતો. 

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો