હું પ્રશાંત દયાળ: ભાગ-17: સંદેશમાં મારી સ્ટોરીઓ સારી છપાતી અને બાઈલાઈન સ્ટોરી પણ આવતી હતી. સંદેશ જેવા મોટા અખબારમાં તમારી સ્ટોરી છપાય તો તમને મઝા પડવી બહુ સ્વભાવીક હોય છે. સંદેશમાં મારી સાથે કામ કરતા મારા સિનિયરની નારાજગી વચ્ચે મારે કામ કરવાનું હતું. હું કામ કરતો હતો ત્યારે જાણિતા કાર્ટુનીસ્ટ ચકોર પણ ત્યાં કામ અર્થે આવતા હતા. એક દિવસ હું કામ કરી રહ્યો હતો ત્યારે તેઓ આવ્યા, મને પુછ્યુ શુ કરો છો? મેં મારી સ્ટોરી બતાવી. તેમણે કહ્યુ હું સ્ટોરીને અનુરૂપ એક કાર્ટુન આપીશ. મારી સ્ટોરી વ્યાજનો ધંધો કરતા લોકો ઉપર હતી. ગુજરાતમાં પહેલા ઉંચા વ્યાજે પૈસા ફેરવવાનું કામ પઠાણ કોમના લોકો જ કરતા હતા. ત્યાર બાદ ક્રમશ: બીજી કોમના લોકો પણ તેમા જોડાતા ગયા. આ વાત છે ઇ.સ. 1996-97ના સમયની ત્યારે રબારીના કોમના લોકો પણ વ્યાજે ધીરધાર કરવાના ધંધામાં આવવા લાગ્યા હતા. મારી સ્ટોરી વ્યાજનો ધંધો કરતા કેટલાંક લોકો સામે જ હતી સમગ્ર રબારી સમાજ સામે ન્હોતી. કારણ મારા ત્યારે અને આજે પણ અનેક રબારી મિત્રો છે. આ ધંધો કરતા લોકો જે રીતે વ્યાજની ગણતરી કરતા હતા તે તમને ક્યારેય સમજાય જ નહીં તેવી હતી. મારી સ્ટોરીનો સુર એવો હતો કે પહેલા પઠાણો જે વ્યાજ લેતા હતા તેને પણ આંટી જાય તેવુ ઉંચુ વ્યાજ રબારી કોમના કેટલાક લોકો વસૂલીને ધંધો કરી રહ્યા છે. વાત માત્ર ઉંચી ટકાવારીમાં ધંધો કરતા લોકો સામેની જ હતી. પણ જેવી સ્ટોરી છપાઈ તેની સાથે જે લોકો વ્યાજનો ધંધો કરતા હતા તેમણે આખા રબારી સમાજની વિરૂદ્ધની સ્ટોરી છે તેવી બાબલ કરી. 

આ સ્ટોરી વિરૂદ્ધ અમદાવાદના આશ્રમરોડ ઉપર ગાંધીજીની પ્રતિમાથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. રેલી આશ્રમરોડથી નિકળી ઘીકાંટા સંદેશ પ્રેસ ઉપર આવી. રબારી સમાજના આગેવાનોએ ફાલ્ગુન પટેલને આવેદનપત્ર આપ્યુ. મને લાગ્યુ કે ચાલો એક પ્રશ્ન પુરો થયો પણ સવારે જ્યારે હું ઉઠ્યો અને સંદેશ અખબારનું પહેલુ પાનુ જોયુ તો ચમકી ગયો. પહેલા પાને બરાબર વચ્ચે એક મોટી સ્પષ્ટતા છાપવામાં આવી હતી. સ્પષ્ટતા ખુદ માલિક ફાલ્ગુન પટેલે આપી હતી. તેમણે લખ્યુ હતું કે સંદેશમાં રબારી અંગે પ્રસિધ્ધ થયેલા સમાચાર અંગે તેમને કોઈ લેવાદેવા નથી. આ સમાચાર લખનાર પત્રકારનો આ વ્યક્તિગત મત છે તેવો સુર હતો. મને બહુ આશ્ચર્ય થયુ અને આઘાત લાગ્યો. મારી તમામ સ્ટોરી ખુદ ફાલ્ગુન પટેલ વાંચતા હતા અને તે મંજુરી આપે ત્યાર બાદ જ છપાતી હતી પણ તેમણે તો હાથ ખંખેરી નાખ્યો હતો. આ મારો પહેલો અનુભવ હતો કે માલિક ખસી જાય, પણ હું કંઈ મારો સ્વભાવ તરત બદલવાનો ન્હોતો તેની મને ખબર હતી. મારે મારી લડાઈ પોતે લડવાની હતી. કોણ મારી સાથે રહેશે અને કોણ નહી તે વિચાર કરવાનો મને સમય જ ન્હોતો. 

રબારીની સ્ટોરીની વાત અહીંયા પુરી થઈ નહીં. કેટલાંક લોકોએ મારી ઉપર હુમલો કરવાની યોજના બનાવી હતી તેનાથી હું અજાણ હતો, પણ સ્ટેટ ઈન્ટેલીઝન્સ બ્યુરોને તેની જાણકારી મળી હતી. હું ત્યારે અમદાવાદના નારણપુરાના મારા પપ્પાના ઘરમાં રહેતો હતો. પપ્પા થોડા સમય પહેલા ગુજરી ગયા હતા પણ મમ્મી, મારી પત્ની, નાનકડો દિકરો આકાશ અને ભાઈ-ભાભી હતા. એક રાત્રે લગભગ બે વાગ્યે મારા ભાઈએ મને ઉઠાડ્યો અને પુછ્યુ કે તારે કોઈની સાથે ઝઘડો થયો છે? ઉંધમાંથી ઉઠાડી તેણે મને આવો સવાલ કેમ પુછ્યો મને સમજાયુ નહીં. મેં કહ્યુ ના કેમ..? તેણે કહ્યુ આપણા ઘર નીચે બહુ પોલીસ આવી છે. હું ત્રીજા માળે રહેતો હતો. મેં બાલ્કનીમાં આવી જોયુ તો પોલીસના બે ત્રણ વાહનો હતા અને પોલીસવાળા મારા ઘર નીચે તંબુ નાખી રહ્યા હતા. મેં નીચે આવી પુછ્યુ શુ થયુ છે? તેમણે કહ્યુ ઈન્ટેલીઝન્સનિ રિપોર્ટ છે, તમારી ઉપર હુમલો થશે, તમને પ્રોટેકશન આપવા માટે છ એસઆરપી જવાન અહીંયા રહેશે અને તમારી સાથે એક સબઈન્સપેક્ટર રહેશે.મને કંઈ સમજાયુ નહીં બીજા દિવસે સવારથી હું એકદમ વીઆઈપી થઈ ગયો. મારા પચાસ વારના ઘર નીચે પોલીસ બેસતી અને સબઈન્સપેક્ટર મારા સ્કૂટરની પાછળની સીટમાં બેસી મારી સાથે ચોવીસ કલાક રહેતો હતો. સતત પોલીસ સાથે રહેવાને કારણે પહેલા તો સારૂ લાગ્યુ પણ પછી તો પોલીસવાળા મારાથી થોડા પણ દુર જાય તો મનમાં ફડક બેસે કે કોઈ હુમલો કરશે તો..? 

પણ મારી આ દશા સમજી ગયેલી મારી માએ મને એક દિવસ પુછ્યુ કે પ્રશાંત મરવાનો બહુ ડર લાગે છે? મેં એક ક્ષણ વિચાર કરી કહ્યુ હા. તેના ચહેરા ઉપર એક આછુ સ્મિત આવ્યુ તેણે મારો હાથ પકડતા કહ્યુ કે મરણની પહેલી શરૂઆત ક્યાંથી થાય છે તને ખબર છે? મેં તેની સામે જોયુ. તેણે કહ્યુ માણસને જ્યારે પણ ડર લાગે ત્યારથી તેના મરણની શરૂઆત થાય છે, તને ડર લાગી રહ્યો છે તેનો અર્થ તુ રોજ મરી રહ્યો છે, તને મારનાર ક્યારે આવશે અને ક્યારે મારશે તેની મને ખબર નથી, પણ પોલીસ સાથે ડરતા ડરતા ફરવાનો અર્થ તુ રોજ મરી રહ્યો છે. તેણે મારા માથા ઉપર હાથ મુકતા કહ્યુ મારો દિકરો રોજ મરે તે મને મંજુર નથી, મને ઈશ્વર ઉપર શ્રધ્ધા છે તને કંઈ થશે નહીં. કદાચ તુ મરી જઈશ તો હું રડી લઈશ પણ તુ પોલીસ રક્ષણ નીચે જીવે મને સારૂ લાગતુ નથી અને મેં પોલીસ રક્ષણ હટાવી લેવાનું કહ્યુ. સ્ટોરી લખવાને કારણે તમારા જીવને ખતરો થઈ શકે તેવો આ પહેલો બનાવ મારા માટે હતો. પોલીસ મારા ઘરે લગભગ બે મહિના રહી હતી, જેમાં મારી સ્થિતિ આર્થિક રીતે કફોડી થઈ હતી. મારો પગાર દસ હજાર રૂપિયા હતો પણ આપણા આંગણે બેઠેલા પોલીસવાળાને બે વખત ચ્હા તો આપવી પડેને તેમા મને મહિનાનો દસ હજાર ખર્ચ થઈ ગયો હતો, જે મારે જ ભોગવવાનો હતો. પત્રકારત્વમાં આવી દસ વર્ષ થઈ ગયા હતા. હવે મારે પત્રકારત્વમાં ચાલતા રાજકારણને સમજવાનું હતું કારણ પત્રકારત્વમાં રાજકારણ રમતા સિનિયરોનું હું સોફ્ટ ટાર્ગેટ હતો. મારા સ્વભાવ પ્રમાણે સ્થળ ઉપર મને યોગ્ય લાગે તે બોલી નાખતો હતો, પણ તેઓ સમય આવે તેની રાહ જોતા હતા. મને પત્રકારત્વની કોલેજમાં ભણાવવા આવતા પ્રોફેસર કાંતિ રામી પણ ત્યારે સંદેશમાં પુર્તિ સંભાળતા હતા. મને તેમની સાથે મઝા પણ આવતી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપની સત્તા ઉથલાવી તેઓ મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠા હતા પણ તેઓ ધારાસભ્ય ન્હોતા તેના કારણે તેમણે છ મહિનાની અંદર ધારાસભ્યની ચૂંટણી લડવાની હતી. તેઓ રાધનપુરના ધારાસભ્ય લવીગજી સોંલકીને બેઠક ખાલી કરાવી ચૂંટણી લડી રહ્યા હતા. સંદેશમાંથી મને સુચના મળી કે મારે દસ દિવસ પહેલા રાધનપુર ચૂંટણીના રિપોર્ટીંગ માટે જવાનું છે. આ પ્રકારે આટલા લાંબા દિવસો સુધી મારે રાજકિય રોપોર્ટીંગમાં જવાનો વખત પહેલીવાર આવ્યો હતો. અભિયાનમાં હતો ત્યારે રાજકિય રિપોર્ટીંગમાં જતો પણ તે પ્રકાર જુદો હતો. રાધનપુરમાં શંકરસિંહ બાપુ પોતાની તમામ તાકાત લગાડવાના હતા. જ્યારે સામે તેમને હરાવવા માટે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, પ્રવિણ તોગડીયા અને અશોક ભટ્ટ જેવા કદાવર તેના મેદાનમાં ઉતર્યા હતા.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો