પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-16): કેશુભાઈ પટેલને તરત ભારત પાછા ફરવાનો આદેશ થઈ ગયો હતો, દિલ્હીમાં રહેલું ભાજપનું પ્રતિનિધિ મંડળ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સામે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું, જે કેશુભાઈ ગુજરાતના ગામડાઓને ગોકુળીયું ગામ બનાવવા માટે ગુજરાતીઓ પાસે મદદ માગવા માટે આવ્યા હતા, પણ અમેરિકામાં સમાચાર પહોંચી ગયા હતા કે ભાજપમાં બળવો થઈ ગયો છે. અમેરિકાના હિન્દુ અને ભાજપ તરફી બીનનિવાસી ભારતીયોઓને પણ મોટો ધક્કો લાગ્યો હતો. કેશુભાઈ હવે કયા મોંઢે મદદ માગે તેવો સવાલ ઊભો થયો હતો. અમેરિકામાં કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા આખી સમસ્યાનું સમાધાન શોધવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા, પણ તેમની ચર્ચામાં એક વ્યકિત ભાગ્યે જ કઈ બોલતી હતી. જેનો રસ ચર્ચા શું થાય છે અને શું નિર્ણય લેવામાં આવે છે તેની તરફ ધ્યાન વિશેષ હતું.

કેશુભાઈ ફોન દ્વારા નરેન્દ્ર મોદી, બાજપાઈ, અડવાણી અને પ્રમોદ મહાજન જેવા નેતાઓના સતત સંપર્કમાં હતા. જેના કારણે શું ચર્ચા થઈ તેઓ ત્યાં પણ કહેતા હતા, પણ કેશુભાઈ સાથે રહેલા વિપુલ ચૌધરીએ બાપુ સાથે હાથ મીલાવી લીધો હતો, તે બાપુના સતત સંપર્કમાં હતો. જો તે પ્રતિનિધિ મંડળમાં ના હોત તો તે પણ અત્યારે ખજુરાહોમાં હોત, પણ પ્રતિનિધિ મંડળ અમેરિકા ગયા બાદ ખજુરાહોનો નિર્ણય થતાં વિપુલ હવે કેશુભાઈ સાથે હતો. જો કે તે વૈચારીક રીતે બાપુ સાથે હોવાને કારણે ભારત પહોંચ્યા બાદ તે બાપુના કેમ્પ તરફ ચાલ્યા જવાના હતા. અમેરિકા છોડતા પહેલા વિપુલ ચૌધરીએ અનેક વખત ફોન ઉપર કોઈની સાથે વાત કરી હતી, પણ ત્યાં હાજર ભાજપના એક પણ નેતાને વિપુલ ઉપર શંકા ગઈ ન્હોતી.


 

 

 

 

 

તેમના માટે તો ભાજપનો એક યુવા નેતા હોવાને કારણે જરૂર પડે કોઈ ખાસ જવાબદારી સોંપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, અમેરિકાથી અમદાવાદ આવી રહેલુ પ્લેન વાયા દિલ્હી થઈ અમદાવાદ આવવાનું હતું. આ તરફ ગાંધીનગરમાં મીટીંગનો દૌર શરૂ થયો હતો. બીજી તરફ કેશુભાઈ પટેલના પ્રતિનિધિ મંડળ સાથેનું વિમાન ભારત આવવા રવાના થયું હતું. અમેરિકાનું પ્લેન દિલ્હી એરપોર્ટ ઉપર લેન્ડ થયું, તેની સાથે વિપુલ ચૌધરી પ્લેનમાંથી ઉતરી ગયા. તેમને પણ અમદાવાદથી ગાંધીનગર જવાનું હતું, પણ અગાઉથી નક્કી થયું હતું તે પ્રમાણે પોતાના લગેજ વગર ઉતરી ગયેલા વિપુલ ચોધરી જેવા એરપોર્ટની બહાર આવ્યા ત્યારે તેમના માટે એક કાર તૈયાર જ ઊભી હતી.

તે કારમાં બેસતા તે કાર ખજુરાહો તરફ દોડવા લાગી હતી, આમ વિપુલ ચૌધરી ખજુરાહો પહોંચી જતા બાપુની સભ્ય સંખ્યા 45 ધારાસભ્યોની થઈ ગઈ હતી. વિપુલ સાથ છોડી ગયા તેનો આધાત કેશુભાઈ પટેલ સહિત ઘણા બધાને હતો, પણ બાપુને મળવા માટે પહેલા તબ્બકે પ્રમોદ મહાજન અને વૈકયા નાયડુ સહિતના સિનિયર નેતાઓ આવ્યા હતા. પહેલા તો બાપુની નારાજગી કઈ બાબતની છે તે જાણવાનો પ્રયત્ન થયો. બાપુ પાસે પોતાના મુદ્દા સ્પષ્ટ હતા. તેમણે પોતાની થઈ રહેલી ઉપેક્ષાથી લઈ ભાજપના નાના મોટા નેતાઓને થઈ રહેલા અન્યાયની યાદી આપી હતી. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમની તમામ નારાજગી દુર કરવાની ખાતરી આપી હતી.

ભાજપના દિલ્હીથી આવેલા નેતાઓ રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા અને બધુ પતી જશે તેવો દાવો કરતા હતા. જો કે બાપુએ હજી પોતાની ખરી નારાજગી કે માગણીઓ કહી ન્હોતી. પાર્ટી માની રહી હતી કે બાપુની નારાજગી દુર થઈ જશે. બાપુએ પોતાની નારાજગીમાં નરેન્દ્ર મોદીના એકાધિકાર સહિત મયુર દેસાઈ અને પ્રવિણ તોગડિયાના હસ્તક્ષેપનો મુદ્દો પણ મુક્યો હતો. મીટીંગનો દૌર જલ્દી પુરો કરવો પડે તેમ હતો. કારણ અવિશ્વાસની દરખાસ્ત રાજ્યપાલને આપી દેવામાં આવી હતી. કાયદાકીય દ્રષ્ટીએ કેશુભાઈ પટેલની સરકાર લધુમતીમાં આવી ગઈ હતી. કેશુભાઈ પટેલ આવી રહ્યા હતા, પણ તેઓ વિધાનસભામાં પોતાની બહુમતી પુરવાર કરી શકે તે જરૂરી હતું. શંકરસિંહએ છેલ્લાં તબક્કામાં જે શરતો મુકી તે સાંભળી પ્રમોદ મહાજન અને વૈકયા સડક થઈ ગયા, બાપુની જે શરત હતી તેનો નિર્ણય કરવાની સત્તા તેમની પાસે ન્હોતી. તેમણે તરત બાજપાઈ અને અડવાણીની જાણ કરી, બાપુ આવી માગણી મુકશે તેવી તેમને પણ કલ્પના ન્હોતી. તેઓ પણ ચૌંકી ગયા પણ હવે તે મુદ્દે બાપુ સાથે વાત કર્યા વગર છુટકો ન્હોતો. બાજપાઈ દુઃખી થઈ ગયા, તેમણે ગાંધીનગર આવવાનો નિર્ણય કર્યો અને તેઓ ગાંધીનગર આવી સીધા બાપુને મળવા માટે ગયા હતા.


 

 

 

 

 

તેમના અને બાપુ વચ્ચે બંધ બારણે કેટલાક સિનિયર નેતાઓની હાજરીમાં મીટીંગ થઈ, બાજપાઈએ બાપુને સમજાવવા માટે ખુબ પ્રયત્ન કર્યો પણ બાપુ પોતાની માગણી ઉપર અડગ રહ્યા, જો બાપુની માગણીનો સ્વીકાર થાય નહીં, તો ભાજપની સરકાર પડી જાય તેમ હતી. પ્રજાએ આટલા વર્ષે ભાજપ ઉપર મુકેલા ભરોસાની પરીક્ષામાં ભાજપ પોતે જ નાપાસ જાહેર થાય. તથા પ્રજા ભાજપને ફરી કયારેય સત્તા સોંપે નહીં, આખરે બાજપાઈએ બાપુની માગણી દુઃખ અને વેદના સાથે સ્વીકારી, પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરેલા કેશુભાઈને હજી બાપુની માગણીની ખબર ન્હોતી.

એક પ્રયત્ન હજી બાકી હતો, પાર્ટીને તેવો વિશ્વાસ હતો કે જો કેશુભાઈ પટેલ બાપુ સાથે વાત કરશે તો કદાચ બાપુ પોતાના જુના સાથીની આંખોમાં જોયા પછી કુણા પડશે. તેથી કેશુભાઈ અમદાવાદથી એરપોર્ટથી સીધા બાપુને મળવા માટે ગયા હતા, પણ બાપુ માન્યા નહીં. બાપુ સાથેની વાતચિત દરમ્યાન જ્યારે કેશુભાઈએ બાપુની માગણી સાંભળી ત્યારે તેમનું મન માનવા તૈયાર ન્હોતુ. કેશુભાઈ બાપુને મળીને આવ્યા ત્યાર બાદ ખુબ નિરાશ હતા, પણ જ્યારે બાજપાઈને મળ્યા ત્યારે તેમની નિરાશામાં વધારો થયો, કારણ બાજપાઈ અને પાર્ટીએ બાપુની માગણી સ્વીકારી લેવાનો નિર્ણય કર્યો હતો. અટલબિહારી બાજપાઈએ પ્રેસ કોન્ફરન્સમાં નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે બાપુની માગણી પ્રમાણે કેશુભાઈ પટેલને મુખ્યપ્રધાન પદેથી હટાવી દેવામાં આવે છે. જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી હટાવી કેન્દ્રીય મહામંત્રી બનાવવામાં આવે છે. છ મહિનાના શાસનમાં ભાજપને પોતાના મુખ્યમંત્રી અને મહામંત્રી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે નવા મુખ્યમંત્રી કોણ થશે તે નક્કી કરવાનું બાકી હતુ.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં