હું પ્રશાંત દયાળ: ભાગ-16:  હું પત્રકાર થયો પછી સૌથી વધુ મોકળાશ અને મુક્ત વાતાવરણ અભિયાનમાં મળ્યું હતું પણ હવે આગળ શુ થવાનું છે તેની મને ખબર ન્હોતી. હું અને ઉર્વિશ કોઠારી અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી મનોજ વડોદરીયાની બિલ્ડર કમ અભિયાનની ઓફિસમાં આવી ગયા હતા. મારો જુનો નાતો વડોદરીયા પરિવાર સાથે હતો. કારણ પત્રકારત્વ ભણ્યા પછી મને પહેલો પગ મુકવાની જગ્યા મનોજભાઈના પિતા ભુપતભાઈએ આપી હતી. ત્યારે સમભાવની કામગીરી ભુપતભાઈ અને તેમના દિકરા કિરણ વડોદરીયા સંભાળતા હતા. કિરણભાઈ દેખાવમાં એકમદ ફિલ્મી હિરો જેવા અને સ્વભાવે પણ સાલસ હતા. હું મનોજ વડોદરીયા સાથે પહેલી વખત કામ કરી રહ્યો હતો. જમીન અને બિલ્ડિંગ ક્ન્સટ્રંક્શનમાં તેઓ ખુબ કમાયા અને સમભાવની બોગડોર તેમના હાથમાં આવી હતી. તેઓ સમભાવ જુથને વિશાળ ગ્રુપ બનાવવા માગતા હતા. તેમનામાં વેપારની કુનેહ હતી પણ પત્રકારત્વ સાથે તેમને કોઈ સંબંધ ન્હોતો. થોડા મહિના તો અમારુ ગાડુ બરાબર ચાલ્યુ પણ એક દિવસ મને અને ઉર્વિશને તેડું આવ્યુ કે મનોજભાઈ બોલાવે છે. મનોજભાઈ અમારી સાથે પુરા અદબથી વાત કરતા હતા. તે દિવસે તેમણે અમને બોલાવી પહેલા ઔપચારીક વાત કરી અને પછી કહ્યુ તમે તમારા સ્કૂટરની ડેકીમાં એડર્વટાઈઝના રેટ કાર્ડ પણ રાખજો. આ સાંભળતા અમારા ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. જો કે તેમણે તરત કહ્યુ હું તમારી પાસે મફત કામ કરાવીશ નહીં, તમને કમિશન પણ આપીશ. મેં ઉર્વિશ સામે જોયુ અને તેણે મારી સામે, અમને બંન્નેને ત્યારે અને આજે પત્રકારત્વ સિવાય કોઈ કામ ફાવ્યુ ન્હોતુ અને ખરેખર ફવડાવવુ પણ ન્હોતુ.

અમે ત્યારે કંઈ બોલ્યા નહીં, પત્રકાર તરીકે કોઈની સાથે વાત કરતા ક્યારેય ડર કે સંકોચ થયો ન્હોતો પણ હવે આપણે કોઈની પાસે જાહેરખબર પણ માંગવી પડશે તે વાતે અમને અંદરથી ડિસ્ટર્બ કરી દીધા હતા. જ્યારે કેતન સંઘવી અભિયાનના મેનેજીંગ તંત્રી હતા ત્યારે મે અને ઉર્વિશ કોઠારીએ એક સંયુક્ત સ્ટોરી કરી હતી. સ્ટોરી બનાવટી સેક્સોલોજીસ્ટ્સ ઉપર હતી, જેમાં અમે તે જમાનામાં બહુ પ્રખ્યાત સેક્સોલોજીસ્ટ ડૉ. સ્વરૂપના સેક્સ ક્યોર ક્લિનિક ઉપર સ્ટોરી કરી હતી. અમે એવુ માનતા હતા કે ફૂટપાથિયા સેક્સોલોજીસ્ટ બનાવટી છે અને ડૉ. સ્વરૂપ જેવા ડોક્ટર પાસેથી માહિતી મેળવી આવા લોકોનો ભાંડા ફોડ કરી શકાય. પરંતુ જ્યારે હું અને ઉર્વિશ કોઠારી ડૉ. સ્વરૂપની ક્લિકનમાં પહોંચ્યા અને ઉર્વેશને દર્દી તરીકે રજૂ કર્યો ત્યારે ખબર પડી કે આ તો ફૂટપાથિયા કરતા પણ વધુ મોટો ફ્રોડ છે. ડૉ. સ્વરૂપ પહેલા ઇન્કમટેક્સ વિભાગમાં પટાવાળાની નોકરી કરતો હતો અને 50 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. જ્યાર બાદ તેને પોર્ન પોકેટ બુક લખવાની શરુઆત કરી હતી અને પછી તેને ખબર પડી કે સેક્સ વેચાય છે માટે તે સેક્સોલોજીસ્ટ બની ગયો.  જો કે અમારી સ્ટોરી પછી ત્યાં દરોડા પડ્યા અને ડૉ. સ્વરૂપનો ધંધો બંધ થઈ ગયો હતો. જો કે મુળ વાત એવી હતી કે હું અને ઉર્વિશ ડૉ. સ્વરૂપની વિરૂધ્ધમાં સ્ટોરી કરી રહ્યા છીએ તેની જાણકારી ડૉક્ટરને મળી ગઈ હતી, તે બહુ ચાલાક હતા અને તેઓ અખબારી માલિકોની નબળી નસ જાણતા હતા. તેમણે સ્ટોરી રોકવા માટે કોઈને ફોન કર્યા વગર અભિયાનની ઓફિસમાં રૂપિયા ત્રીસ હજારની કિમંતની રંગીન જાહેરખબર મોકલી આપી હતી, ત્યારે ત્રીસ હજાર રૂપિયા બહુ મોટા હતા. જ્યારે ડૉ. સ્વરૂપની જાહેરખબર મુંબઈ ઓફિસમાં પહોંચી ત્યારે ડૉ. સ્વરૂપની સ્ટોરી સાથે અંક પુરો થવાની તૈયારીમાં હતો. માર્કેટીંગ મેનેજર દોડતા જાહેરખબર આપવા કેતન સંઘવી પાસે આવ્યા, તેમણે જાહેરખબર જોઈ અને મેનેજરને કહ્યુ જાહેખબર ફાડી ફેંકી દો. મેનેજરે કહ્યુ સાહેબ ત્રીસ હજારની એડ છે. કેતન સંઘવીએ કહ્યુ આપણે જેમના વિરૂધ્ધ સ્ટોરી કરતા હોઈએ તેમની જાહેરખબર છાપીએ તે વાજબી કહેવાય નહીં. આમ પોતાના રિપોર્ટરની સ્ટોરી માટે કેતન સંઘવી ત્રીસ હજારની જાહેરખબર છોડી રહ્યા હતા. ત્રીસ હજાર એટલે અડધા અભિયાનનો ત્યારનો પગાર થતો હતો. પણ હવે નવા માલિક મનોજ વડોદરીયા અમને જ જાહેરખબર લાવવાનું કહેતા હતા. મેં અને ઉર્વિશ કોઠારીએ ખુબ વિચાર કર્યા પછી નક્કી કર્યુ કે આપણે નોકરી છોડવી દેવી જોઈએ. જો કે હવે ક્યાં નોકરી મળશે તેની ખબર ન્હોતી પણ જાહેરખબર માંગવી તેના કરતા નોકરી છોડવી તેવા નિર્ણય સાથે અભિયાનની નોકરી છોડી દીધી.

હવે ક્યાં નોકરી મળશે તેની ખબર ન્હોતી પણ ઉર્વિશને વિચાર આવ્યો કે નગેન્દ્ર વિજયને મળીએ તો કદાચ કોઈ રસ્તો મળી શકે છે. હું અને ઉર્વિશ નગેન્દ્રભાઈને મળવા ગયા. અમારી સમસ્યા અને નોકરીની વાત કરી તેમણે કહ્યુ હું તમને થોડા દિવસમાં કહીશ પણ બીજા દિવસે તેમણે અમને ફોન કરી જાણ કરી તે આંબાવાડીમાં સવારે ફાલ્ગુન પટેલના બંગલે મળીએ. સંદેશ અખબારના માલિકને અમારે મળવાનું હતું. ઉર્વિશ બહુ ઓછી વાત કરતો પણ મને તેની મર્યાદાઓની ખબર હતી. મેં ફાલ્ગુન પટેલના બંગલા બહાર કહ્યુ પગારની વાત નિકળે ત્યારે તુ કંઈ બોલતો નહીં. હું જ વાત કરીશ, અમે ફાલ્ગુન પટેલને મળવા માટે અંદર ગયા, નગેન્દ્રભાઈ ત્યાં હાજર હતા તેમણે અમારા કામ માટે પુર્વ ભુમિકા બાંધી, જ્યારે ભવન્સ કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા સંદેશમાં ગયો ત્યારે ફાલ્ગુનભાઈના પિતા ચીમનભાઈ પટેલ તંત્રી હતા. ફાલ્ગુનભાઈ પટેલે નગેન્દ્રભાઈની વાત સાંભળી અમને નોકરી ઉપર રાખવા તૈયાર થઈ ગયા હતા. હવે વાત પગાર ઉપર આવી, ફાલ્ગુન પટેલે પુછ્યુ શું અપેક્ષા છે? અભિયાન છોડ્યુ ત્યારે છ હજાર પગાર હતો. મેં ઉર્વિશની સામે જોયા વગર કહ્યુ દસ હજાર મળવા જોઈએ. દસ હજારનો આંકડો સાંભળતા ફાલ્ગુન પટેલ સડક થઈ ગયા, તેમણે આશ્ચર્ય સાથે પુછ્યુ દસ હજાર.. પછી તેમણે તરત કહ્યુ તમને ખબર છે તમે કેટલા મોટા બેનરમાં નોકરી કરવાના છો. મોટા બેનરમાં નોકરી મળે તે માટે પત્રકારો એકદમ ઓછા પગારમાં નોકરી કરવા તૈયાર થઈ જતા હતા. 

મે ફાલ્ગુનભાઈને કહ્યુ સર મારા ખીસ્સા ઉપર હું સંદેશનું નામ લખુ તો મને પેટ્રોલ સસ્તુ મળવાનું છે? મારા બાળકોની ફિ માફ થઈ જવાની છે? મારી પત્નીને કરિયાણાવાળો સસ્તામાં અનાજ આપવાનો છે? ફાલ્ગુનભાઈને આવા જવાબની અપેક્ષા ન્હોતી. તે કંઈ જ બોલી શક્યા નહીં. તેમની અપેક્ષા કરતા વધુ ફાસ્ટ બોલ મારાથી ફેંકાઈ ગયો હતો પણ પછી તેમને તરત સમજાઈ ગયુ કે હું શુ કહેવા માગુ છુ, તેમણે પોતાની સ્ટાઈલમાં સારૂ સારૂ આપ્યા દસ હજાર તેમ કહી અમને નોકરી ઉપર રાખી લીધા. ગુજરાતના સૌથી મોટા બીજા નંબરના અખબારમાં નોકરી કરવાની મને અને ઉર્વિશને તક મળી હતી. બિલ્ડિંગ વિશાળ હતી પણ અંદર એકમ પેઢી કલ્ચર હતું. માલિકને શેઠ અથવા ભાઈ કહેવાની પધ્ધતિ હતી અને શેઠ પણ પોતાની શેઠાઈનું પ્રદર્શન કરતા હતા. અમે સંદેશમાં જોડાયા તે ત્યારના સિનિયરોને પસંદ પડે તેવી વાત ન્હોતી કારણ પહેલા તો કોઈ નવા જુવાન પત્રકાર આવે તો તેમનો ગરાસ લુંટાઈ જતો હતો અને બીજી વાંધો પડે તેવી વાત એવી હતી કે તેમને તેમની નોકરીના ત્રીસ વર્ષ પછી દસ હજાર પગાર મળતો થયો હતો ત્યારે અમે તો હજી સાવ નવા હતા. તેના કારણે પહેલા દિવસથી તેમણે અમારી સાથે અસહકાર આંદોલનની શરૂઆત કરી હતી. તેઓ તક શોધી રહ્યા હતા કે અમારી ભુલ ક્યાં થાય અને અમારી નોકરી જતી રહે. જો કે ત્યારે કોઈ આપણુ કંઈ બગાડી શકે તેવો ડર જ લાગતો ન્હોતો કારણ કે મનમાં એક વાત સ્પષ્ટ હતી કે વિશ્વમાં સંદેશ એક જ  અખબાર નથી અને સંદેશ મોટુ બેનર હોવાનો કોઈ વ્યક્તિગત લાભ લેવાનો વિચાર સુધ્ધા ન્હોતો. તેના કારણે નોકરી જતી રહેશે તો આપણુ શું થશે તેવી બીક પણ લાગતી ન્હોતી. સંદેશમાં શરૂઆતના મહિનામાં ખુબ સારી લખવાની તક મળી હતી. સંદેશના માલિક ફાલ્ગુનભાઈ પટેલ દર અઠવાડીયે મને અને ઉર્વિશને બોલાવી કેવી રીતે અખબારને વધુ સારૂ કરી શકાય તેની ચર્ચા પણ કરતા હતા પણ આ બધા ઉભરા હતા, તેની અમને બહુ મોડી ખબર પડી.
(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો