પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-15): ગુજરાતમાં ત્યારે જનસંઘનું અસતીત્વ હતું, અમરેલીના ચલાણાના વતની જનક પુરોહીત અમરેલી જિલ્લાનું જનસંઘનો કાર્યભાર સંભાળતા હતા, વસંત ગજેન્દ્ર ગડકર અને નાથાલાલ ઝઘડિયાનું અમરેલી આવવા જવાનું રહેતુ હતું, નાથાકાકા અને વસંતભાઈની ઈચ્છા હતી કે જનક જેવો છોકરો જો અમદાવાદ આવી જાય તો અમદાવાદની ઓફિસ જનક સંભાળી લે, કોલેજ પુરી કરી જનકને એલએલબી કરવું હતું. અમરેલીમાં એલએલબીની કોલેજ ન્હોતી, માટે જનક રાજકોટ ફોર્મ ભરવા ગયા હતા. નાથાકાકાને ખબર પડી કે જનકને એલએલબી કરવું છે તો કાકાએ દરખાસ્ત આપી કે તું અમદાવાદ આવી જાય તો ભણવાનું અને જનંસંઘનું બંન્ને કામ થઈ જશે, એલએલબી પણ કરજે અને જનસંઘની ઓફિસ પણ સંભાળજે, તારી રહેવાની સમસ્યા પણ રહેશે નહીં.

અમદાવાદના ખાડિયા ગોલવાડમાં જનસંઘની ઓફિસ હતી, જનકની ઓફિસ અને ઘર સાથે થઈ ગયા. જનકનું રહેવાનું પણ ઓફિસમાં જ હતું. જનસંઘ અને સંઘના નેતાઓની અવરજવર ઓફિસમાં રહેતી હતી. નરેન્દ્ર મોદીને લખવા વાંચવાનો શોખ સારો એવો હતો. ક્યારેક કોઈ પત્ર ટાઈપ કરાવવો હોય તો પણ નરેન્દ્રભાઈ ખાડિયા આવી જતા હતા, એક દિવસ સવારે સાત વાગે જનસંઘમાં કામ કરતા એક ભાઈએ હજી સુઈ રહેલા જનકભાઈને ઉઠાડી કહ્યું નરેન્દ્ર મોદી આવ્યા છે, બોલાવે છે. આટલી વહેલી સવારે નરેન્દ્રભાઈ કેમ આવ્યા હશે, તેવા પ્રશ્નાર્થ સાથે જનકભાઈ ઓફિસમાં આવ્યા. નરેન્દ્ર મોદીએ પોતાની સ્ટાઈલમાં કહ્યું અરે જનક હજી સુધી ઉંઘે છે, ચાલ મારે એક પત્ર ટાઈપ કરવો છે, જલદી કરી આપ. પછી તરત નરેન્દ્ર મોદીને કઈક યાદ આવ્યું હોય તેમ તેમણે કહ્યું અરે ભાઈ માવો ખાધા વગર તને મુડ આવશે નહીં, તો મોઢું ધોઈ લે હું તારા માટે માવો લઈ આવું.

જનક પુરોહીતને તંબાકુ ખાવાની ટેવ છે તેની નરેન્દ્ર મોદીને ખબર હતી, પોતે પ્રચારક હતા, છતાં જનસંઘના કાર્યાલય મંત્રી માટે માવો લેવા ગયા હતા. 1975માં ઈન્દીરા ગાંધીએ કટોકટી જાહેર કરી દીધી, પોલીસે ધરપકડનો દૌર શરૂ કર્યો હતો, ત્યારે ગુજરાતમાં બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી. જનસંઘ સરકારનો હિસ્સો હતો, પણ માર્ચ 1976ના જનસંઘના બે ધારાસભ્ય વસંત ઠકરાર અને પી સી પટેલ પક્ષ પલ્ટો કરી કોંગ્રેસમાં ગયા. તે દિવસે ખબર પડી કે જનતા મોરચાના પતન સાથે સરકાર તૂટશે અને પોલીસ જનસંઘના કાર્યાલય ઉપર દરોડા પણ પાડશે અને નેતાઓ ધરપકડ કરશે. જેવી ધારણા હતી, તેવું જ થયું જનસંઘના બે ધારાસભ્યના પક્ષ પલ્ટાને કારણે મોરચા સરકાર લધુમતી આવી ગઈ, જનક પુરોહીતે તરત પોતાની ઓફિસમાં રહેલા ઈન્દીરા ગાંધીની કટોકટી વિરૂધ્ધનું સાહિત્ય ખસેડવાની શરૂઆત કરી, જનસંઘના હિસાબો અને જે કઈ રોકડ હતી તે ખસેડી દીધી. જેવું ધાર્યું હતું તેવું જ થયું બીજા દિવસથી લગભગ રોજ પોલીસના ધાડા ખાડિયા આવી જતા. આખી ઓફિસની તપાસ કરતા જનસંઘના નેતા કોણ છે, તેની પુછપરછ કરતા હતા. નક્કી જ હતું કે પોલીસ હવે ધરપકડ પણ કરશે, તેના કારણે જ્યારે પણ પોલીસ આવે ત્યારે જનક અલગ અલગ નેતાના નામો આપતા હતા. જનક જેમના નામ આપે પોલીસ તેની ધરપકડ કરતી હતી. આ એક વ્યૂહ રચના હતી કે તમામ એક સાથે પકડાઈ જેલમાં જાય તેની કરતા ક્રમશઃ ધરપકડ થાય તો જનસંઘની પ્રવૃત્તી ચાલતી રહે, ધરપકડના બીજા તબક્કામાં શંકરસિંહ અને કેશુભાઈની પણ ધરપકડ થઈ ગઈ હતી. નરેન્દ્ર મોદી અને નાથાકાકા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, કારણ કોઈકનું બહાર રહેવું પણ જરૂરી હતું. નરેન્દ્ર મોદીએ પોતાની હેરસ્ટાઈલ કપડા અને ચશ્મા બધું બદલી નાખ્યું હતું, નાથાકાકા અને મોદી સાથે સંતાઈને રહેતા હતા, પણ તેમના ઠેકાણા બદલતા રહેતા હતા. પૈસા અને ઓફિસનો વહિવટ જનક પુરોહીત પાસે હોવાને કારણે નરેન્દ્ર મોદી સૂચના આપી કોઈ ચોક્કસ સ્થળે જનકભાઈને મળવા બોલવતા હતા.

પોલીસે ગુજરાતમાંથી 800 કરતા વધુ જનસંઘના નેતા-કાર્યકરોની ધરપકડ કરી લીધી હતી. નરેન્દ્ર મોદી અને નાથાકાકા સંતાઈને રહેતા હતા, પણ તેઓ સંતાઈને પણ આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતા હતા. ક્યારેય જેના ઘરમાં સંતાયા હોય અને ત્યાં પાણીપુરી બનાવી હોય તો કાકા અને મોદી કોણ વધારે પાણી પુરી ખાઈ શકે તેની શરત લગાડતા હતા. બંન્ને એકબીજાને ટક્કર મારે તેમ એકસો પાણીપુરી ખાઈ જતા હતા. આમ જનસંઘના કાળથી નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને બાપુના સાથી હતા જીવનના, અને રાજકીય ગતીવિધીના બરાબર 20 વર્ષ પછી જનસંઘમાંથી ભાજપ થયેલા પક્ષને સત્તાનું સુકાન મળ્યું હતું, પણ સત્તા મળતા જ સંઘર્ષના સાથીઓ આમને-સામને આવી ગયા હતા. ભાજપ જેવો શિસ્તબધ્ધ પક્ષ આ પ્રકારનું વર્તન કરે તેવી પ્રજાને પણ અપેક્ષા ન્હોતી, પણ જે થયું તે વાસ્વીકતા હતી. બાપુ પોતાના 44 ધારાસભ્યનો ખજુરાહો મોકલી, હવે ભાજપના નેતાઓ સાથે ટેબલ ઉપર બેઠા હતા.

ભાજપને જ્યારે સત્તા મળી ત્યારે અટલબિહારી બાજપાઈ ગાંધીનગર આવ્યા હતા. ટાઉનહોલમાં કાર્યકરો માટે એક સભા યોજવામાં આવી હતી. બાજપાઈ રાજકારણના જુના ખેલાડી હતા, તેમણે રાજકારણની તડકી છાયડી જોઈ હતી. તેમને ખબર હતી કે સત્તા મળે તેની સાથે કેટલાંક દુષણો અને સમસ્યા પણ લઈ આવે છે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે સત્તા આંબા જેવી હોય છે, જ્યારે આંબાને ફળ લાગે ત્યારે આંબો જમીન તરફ નમી જતો હોય છે. સત્તા મળી છે ત્યારે નમ્રતા રાખજો, સત્તાના મદમાં છકી જતા નહીં, બાજપાઈ જે કહી ગયા હતા તે સાચુ પડયું હતું. ભાજપના નાના મોટા તમામ નેતાઓમાં નમ્રતા આવવાને બદલે અંહકાર આવી ગયો હતો. હું જ સર્વશ્વ છું, તેવો ભ્રમ તમામ નેતાઓને થઈ ગયો હતો. જેના પરિણામ સ્વરૂપ સત્તા મળતા જ નમ્રતા અને સમભાવનો દેખાડો કરતા નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને શંકરસિંહનો મુળ સ્વભાવ સપાટી ઉપર આવી ગયો હતો. તેમનો અસલી ચહેરો કાર્યકરો સાથે સાથે પ્રજાએ પણ જોયો હતો.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – Link: fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive