હું પ્રશાંત દયાળ: ભાગ-15: મુંબઈ સમાચારમાં એકાદ વર્ષ થયુ હશે. મને જાણકારી મળી કે મુંબઈથી પ્રસિધ્ધ થતાં સાપ્તાહિક અભિયાનમાં અમદાવાદ માટે એક રિપોર્ટરની જરૂર છે. મને થયુ કે નસીબ અજમાવવુ જોઈએ. મે ત્યાં અરજી મોકલી આપી.નોકરી બદલવાનું કારણ માત્ર પગાર વધારો મળે એટલુ હતું. ગુજરાતી અખબારમાં પગાર વધારા માટે નોકરી બદલો તો જ વધતો હતો. મને અભિયાનની ઓફિસમાંથી ફોન આવ્યો. અમે તમને નોકરી માટે પસંદ કરીએ છીએ, તમે મુંબઈ ચારકોપ કાંદવલી ઈન્ટરવ્યુ આપવા માટે આવો, મારા ગાત્રો ધ્રુજી ગયા. હું મરાઠી હોવા છતાં હું તે પહેલા ક્યારેય મુંબઈ ગયો ન્હોતો પણ મુંબઈ એટલે લોકલ ટ્રેનની દોડધામ અને અમદાવાદ કરતા પાંચ ગણા મોટા શહેર મુંબઈમાં હું કેવી રીતે જઈશ તેવો પ્રશ્ન આવ્યો, પણ મારા પિતાના એક મિત્ર જે મુંબઈ રહેતા હતા, તેમનો પુત્ર પ્રણવ જે મારા કરતા ઉંમરમાં દસ વર્ષ નાનો હતો તેણે મને કહ્યુ તમે બોરીવલ્લી ઉતરી જાવ હું તમને લેવા માટે આવીશ. હું ટ્રેન પકડી મુંબઈ ગયો, બોરીવલ્લી સ્ટેશન ઉપર તે મને લેવા માટે ઉભો હતો, પછી તે જ મારો મુંબઈનો ગાઈડ હતો. તે મને કાંદીવલી ચારકોપની ઓફિસમાં લઈ ગયો. મુંબઈમાં પહેલી વખત આવ્યો હોવાને કારણે અંદરથી થડકારો પણ હતો અને તેમા પણ મુંબઈના અજાણ્યા માણસો કેવા હશે તેની મને ખબર ન્હોતી. હું અભિયાનની ઓફિસમાં જઈ મેનેજીંગ તંત્રી કેતન સંઘવીને મળ્યો, પાંચ જ મિનિટમાં મને સમજાઈ ગયુ કે મને નોકરી મળી રહી છે અને તેઓ મને મહિને છ હજાર રૂપિયા પગાર આપશે. ત્યાર પછી કેતન સંઘવી મને ઓફિસના અંદરના ભાગમાં લઈ ગયા. તેમણે કહ્યુ ચાલો બધા સાથે ઓળખાણ કરાવુ. હું તેમની પાછળ ગયો, હું ઓફિસમાં ગયો તો મને આશ્ચર્ય થયુ ત્યાં ઘણા બધા માણસો કામ કરતા હતા પણ એક માણસ લખવાના ટેબલ ઉપર પલાઠી વાળી બેઠો હતો અને કોઈક કોપી સુધારી રહ્યો હતો. તેણે જીન્સનું પેન્ટ પહેર્યું હતુ અને શર્ટ કાઢી માત્ર ગંજીમાં કામ કરી રહ્યો હતો. કોઈ માણસ આવી રીતે કામ કરે મને બહુ વિચિત્ર લાગ્યુ. મને હતું કે કેતન સંઘવી આવ્યા એટલે પેલો ટેબલ ઉપર પલાઠી મારી બેઠેલો માણસ ઉતરી જશે, પણ તેવુ થયુ નહીં. કેતન સંઘવી એક પછી એક બઘાની ઓળખાણ કરાવતા તેઓ પેલા માણસ પાસે આવ્યા. તેમણે તેનો પરિચય આપતા કહ્યુ આ દિપક સોલીયા છે, આપણા ચીફ રિપોર્ટર છે. મને બહુ આઘાત લાગ્યો કે ચીફ રિપોર્ટર ઓફિસમાં ગંજી પહેરી કામ કરે અને તે પણ ટેબલ ઉપર ચઢી, આજે મને તે યાદ આવે છે ત્યારે ખુબ હસવુ આવે છે.

મારી અભિયાનની નોકરી પાક્કી થઈ. હું અમદાવાદ પાછો આવ્યો, અમદાવાદમાં અભિયાનની ઓફિસ પાલડી ક્રોસીંગ પાસે જાણિતા નવલકથાકાર અશ્ચિની ભટ્ટની બંગલાના ઉપરના માળે હતી. આ નોકરી મને અશ્ચિની ભટ્ટ અને તેમના પત્ની નીતીભાભી જેવા શ્રેષ્ઠ માણસો પણ આપશે તેની મને કલ્પના ન્હોતી. મને રિપોર્ટર તરીકે માણસ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત અભિયાનની નોકરીથી શરૂ થઈ હતી. અભિયાનમાં વડોદરા સ્થિત સિનિયર પત્રકાર અનીલ દેવપુરકર પણ કામ કરતા હતા. તેઓ અઠવાડિયે એક વખત અમદાવાદ આવતા હતા. અભિયાનમાં કામ કરવાની ખુબ મોકળાશ હતી. અભિયાનના માલિક અવિનાશ પારેખ હતા, તેઓ માલિક હોવા છતાં કઈ સ્ટોરી છપાય અથવા ના છપાય તેમા તેમની કોઈ ભુમીકા ન્હોતી. 1995માં જ્યારે ગુજરાતમાં ભાજપની પહેલી વખત સરકાર રચાઈ ત્યાર બાદ બોર્ડ કોર્પોરેશનના રચના થઈ તેમાં ભાજપના નેતાઓ ચેરમેન તરીકે મુકાયા. મે તે વિષય ઉપર મીસફીટ ચેરમેન તેવી એક સ્ટોરી પ્લાન કરી અને તે માટે ચેરમેન થનાર અમિત શાહ, સી. આર. પાટીલ અને આનંદીબહેન પટેલ જેવા નેતાઓને પણ મળ્યો. સી. આર. પાટીલે આ સ્ટોરી નહીં કરવા મને વિનંતી કરી. તેમણે મને કહ્યુ તુ પણ મરાઠી માણસ હું પણ મરાઠી છું, પણ હું માન્યો નહી. મેં સ્ટોરી મુંબઈ મોકલી આપી, સ્ટોરી છપાય તે પહેલા સી. આર. પાટીલે નંબર શોધી માલિક અવીનાશ પારેખને ફોન કર્યો અને કહ્યુ હું પણ એક અખબારનો માલિક છું. મને લાગે છે કે તમારે પ્રશાંત દયાળે મોકલેલી સ્ટોરી લેવી જોઈએ નહીં. અવિનાશ પારેખે કહ્યુ હું કહીશ તો સ્ટોરી રોકાઇ જશે પણ તેના કારણે મારા રિપોર્ટર પ્રશાંત દયાળની હિંમત ઉપર ઉલ્ટી અસર થશે. તેમણે પાટીલને કહ્યુ કદાચ તમને સાચુ લાગશે નહીં  પણ દર શુક્રવારે જ્યારે અભિયાન સ્ટોલ ઉપર વેચાવા માટે આવે છે ત્યારે પૈસા આપી ખરીદુ છું, ત્યાં સુધી હું મારા રિપોર્ટર અને તંત્રીને કંઈ પુછતો નથી. મને પત્રકારત્વમાં ખરાબ અનુભવ થઈ રહ્યા હતા ત્યારે આઘાતજનક સારા સમાચાર પણ મળી રહ્યા હતા. સી. આર. પાટીલના ફોન પછી પણ મારી સ્ટોરી છપાઈ હતી. આવી તો અનેક ઘટનાઓ મારી સાથે અભિયાનમાં થઈ હતી. એક દિવસ અનિલ દેવપુરકરે મુખ્યમંત્રી સુરેશ મહેતાની વિરૂધ્ધમાં સ્ટોરી લખી ત્યારે નારાજ થયેલા મુખ્યમંત્રી મહેતાએ સવારે જ ફોન કરી માલિક અવિનાશ પારેખને ખુબ ગાળો આપી, ગાળો સાંભળી તેમણે ફોન મુક્યો અને અનિલ દેવપુરકરને ફોન કરી અભિનંદન આપતા કહ્યુ મજા પડી, મુખ્યમંત્રી મહેતાએ મને ગાળો નહીં પણ તમારી સ્ટોરી માટે આપણને એવોર્ડ આપ્યો હોય તેવુ લાગ્યુ આવુ જ કામ કરતા રહો.

આ દરમિયાન ઉર્વિશ કોઠારી પણ અમદાવાદ આવ્યો, તે મુંબઈ ઓફિસમાં કામ કરતો હતો પણ તેનું ઘર મહેમદાબાદ હોવાને કારણે તેણે બદલી માંગી હતી. હું અને ઉર્વિશ એકબીજા કરતા સાવ જુદા ત્યારે પણ હતા અને આજે પણ છીએ, પણ બે વિરૂદ્ધ પ્રકૃતિના માણસો મિત્રો કેવી રીતે હોઈ શકે, તેની ખબર નથી છતાં આજે પણ તેની સાથે તેવી જ મીત્રતા છે, મારૂ પત્રકારત્વ થઈ રહેલા રૂપાંતરણમાં ઉર્વિશે કહ્યા વગર ઘણુ બધુ કામ કર્યુ. મારી સ્ટોરીમાં સુધારો કરવા માટે ચીફ રિપોર્ટર દિપક સોલીયાનો અધિકાર હોવા છતાં તે મને ફોન કરી પુછતો, પત્રકાર સારો માણસ પણ હોઈ શકે તે હું તેમના પાસેથી શીખ્યો. અભિયાનમાં જોડાયો ત્યારે નર્મદા આંદોલન ચાલી રહ્યુ હતું. અશ્વીની ભટ્ટ નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયા હતા એટલે તેઓ મેઘાપાટકર સાથે હતા. મેંઘા પાટકરને મદદ કરવાનો અર્થ તમે ગુજરાત વિરોધી છે તેવો કરી દેવામાં આવતો હતો. છતાં તેઓ મક્કમતાપુર્વક આંદોલનમાં ભાગ લેતા હતા. આ ઘટનાથી મને સમજાયુ કે પત્રકારે લાગણીની સાથે સત્યની પડખે રહેવુ જોઈએ પછી સામે સરકાર અને લોક લાગણી પણ હોય તો પણ કિંમત ચુકવવાની તૈયારી રાખી જે સાચુ જ છે તેની સાથે રહેવુ જોઈએ. અભિયાનની નોકરીમાં પત્રકાર તરીકે અને માણસ તરીકે મને મળેલી મોકળાશને કદાચ કોઈની નજર લાગી ગઈ હોય તેવુ લાગ્યુ. મુંબઈમાં અવીનાશ પારેખના મુળ વ્યવસાય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં મંદી આવી, તેમણે અભિયાન વેચી મારવાનો નિર્ણય કર્યો, તેઓ કોઈ ખરીદનારને શોધી રહ્યા હતા ત્યારે તેમની મિટિંગ અમદાવાદના બિલ્ડર અને સમભાવના માલિકના પુત્ર મનોજ વડોદરીયા સાથે, મનોજ વડોદરીયાએ અભિયાન ખરીદવાની તૈયારી બતાડી અને સોદો ફાઈનલ થયો. હવે અભિયાનના માલિક મનોજ વડોદરીયા થઈ ગયા. અમે અશ્ચિની ભટ્ટમાં બંગલામાં  આવેલી અભિયાનની ઓફિસ છોડી મનોજ વડોદરીયાની સીજી રોડ ઉપર આવેલી ઓફિસમાં આવી ગયા. હવે મારુ અને ઉર્વિશનું આ નવુ સરનામુ હતું.

(ક્રમશ:)