પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-14): કેશુભાઇની સરકારની રચના પછી સત્તાના કેન્દ્ર સ્થાન ત્રણ હતા. જેમાં પહેલા તો મુખ્યમંત્રીના કાર્યાલય ઉપર નરેન્દ્ર મોદીનો કબજો હતો. તેમને રોજે રોજની માહિતી મળી જતી હતી અને મહત્વના નિર્ણયો કરતા પહેલા સીએમ ઓફિસ તેમની સૂચના બાદ જ કામ કરતી હતી, પણ સત્તાનું બીજુ કેન્દ્ર સ્થાન ડૉ. પ્રવિણ તોગડિયા હતા. કેશુભાઈ પટેલની સરકાર બનાવવામાં તેમનું યોગદાન પણ મોટું હતું. હિન્દુઓને અન્યાય થયો છે અને હવે હિન્દુઓને સહન કરવાનો વખત આવે નહીં તે માટે ગુજરાતમાં સારા પોલીસ અધિકારીઓને મુકવા જોઈએ તેવો સુર ભાજપમાં ઉઠ્યો હતો. જેના કારણે સારા પોલીસ અધિકારીઓ કોણ અને કોને ક્યાં મુકવા જોઈએ તે નક્કી કરવાનો અધિકાર પ્રવિણ તોગડિયાએ પોતે જ લઈ લીધો હતો. ગુજરાતી અધિકારીઓની ફરિયાદ હતી કે ઉત્તર પ્રદેશ, બિહાર અને દક્ષિણ ભારતીય અધિકારીઓને જ સારી જગ્યાએ પોસ્ટિંગ મળ્યા છે પોતાને કોઈ ફાયદો થયો નથી.

સૌરાષ્ટ્રના પોલીસ અધિકારીઓની ફરિયાદ હતી કે કોંગ્રેસની સરકારમાં માત્ર ક્ષત્રિય પોલીસ અધિકારીઓ સારા પોસ્ટિંગ લેતા રહ્યા પણ ખાસ કરી સૌરાષ્ટ્રના પટેલો સાઈડ પોસ્ટિંગમાં રહ્યા હતા. પોલીસનો એક વર્ગ એવો હતો કે જેમની ફરિયાદ હતી કે, કોંગ્રેસના શાસનમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓને આંખો બંધ કરી સારા પોસ્ટિંગ આપવામાં આવતા હતા. જ્યારે હિન્દુ હોવાને કારણે તેમને અન્યાય થયો હતો. કેશુભાઈ પટેલની સરકારની રચના સાથે પહેલુ કામ થયું તેમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓ ફઝલ ગાર્ડ, એમ. એમ. અનારવાલા અને એ. આઈ. સૈયદ જેવા પોલીસ અધિકારીઓને તાત્કાલીક ખસેડી સાઇડ પોસ્ટિંગ આપી દીધા હતા. ભાજપ માટે આ જરૂરી એટલા માટે હતું કે તેઓ તંત્ર અને પ્રજામાં પોતે હિન્દુ તરફી હોવાનો સંદેશો આપવા માગતા હતા અને તેના માટે આ સૌથી સહેલો અને સસ્તો રસ્તો હતો. આમ તો ગૃહ વિભાગ કેશુભાઈ પટેલ હસ્તક હતો, પણ ગૃહ વિભાગનું સંચાલન અમદાવાદના સોલા રોડ ઉપર આવેલા વૈભવ બંગલામાંથી થતું હતું.
પ્રવિણ તોગડિયા વૈભવી બંગલામાં રહેતા હતા. રોજ સવાર પડે પોલીસ ઈન્સપેક્ટરથી લઇ આઈપીએસ અધિકારીઓની લાલ લાઇટવાળી કાર તેમના દરવાજે આવી ઊભી રહેતી હતી. આ બધા પોતાની બદલી કરાવવા માટે આવતા હતા. હવે પોલીસની બદલી કરાવવી હોય તો પ્રવિણ તોગડિયાને મળવું પડે તેવું જાહેર થઈ ગયું હતું. ભાજપ જ્યારે વિરોધપક્ષમાં હતો ત્યારે પોલીસનો માર પણ ખુબ ખાધો હતો, તેના કારણે કેશુભાઈ પટેલે ધારાસભ્યોને સૂચના આપી હતી કે તમારા મત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કોણ પોલીસ ઈન્સપેક્ટર જોઈએ તે તમારે નક્કી કરવાનું છે તેની યાદી મને મોકલી આપજો. આ યાદી તોગડિયા જોઈ લે ત્યાર બાદ પોલીસની બદલીઓ થવા લાગી હતી. ગુજરાત કેડરના ગુજરાતી આઈપીએસ અધિકારીઓ પણ હવે સારી જગ્યાઓ ઉપર આવવા લાગ્યા હતા. જોકે તેમણે હિન્દુત્વ તરફી રહેવું પડશે તેવો અલિખીત આદેશ બદલી સાથે મળતો હતો. તોગડિયાનો દબદબો ગૃહમંત્રી જેવો થઈ ગયો હતો. ગૃહમંત્રીના આદેશને પણ ફેરવી તોળવાની સત્તા તોગડિયા પાસે હતી.

કેશુભાઈ પટેલી સરકારમાં ત્રીજુ સત્તા કેન્દ્ર ડૉ. મયુર દેસાઈ હતા. તે તેમના સગા જમાઈ પણ ખરા અને વ્યવસાયે મેડિકલ ડોક્ટર પણ ખરા, કેશુભાઈ પટેલની દીકરી સોનલ સાથે તેમના લગ્ન થયા.  કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા બાદ ડૉ. મયુરની હાજરી મુખ્યમંત્રીના બંગલે નજરે પડવા લાગી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે શુભેચ્છા આપવા માટે ડૉ. દેસાઈ આવ્યા હશે, પણ ત્યાર બાદ દિવસમાં કલાકો સુધી તેઓ મુખ્યમંત્રી બંગલે જ જોવા મળતા હતા. સરકારી કામ માટે ફાઈલો લઈ આવતા અધિકારીઓ અને બિલ્ડર્સ સહિત ઉદ્યોગપતિઓ પણ પહેલા ડૉ. મયુર દેસાઈને મળી પોતાનો પક્ષ મુકતા ત્યાર બાદ તેઓ કેશુભાઈ પટેલ પાસે જતા હતા. ગુજરાતના આઈએએસ અધિકારીઓ પણ હવે ડૉ. મયુર દેસાઈને મળવા લાગ્યા હતા, જેમાં આઈપીએસ અધિકારીઓ ડૉ. તોગડિયાને મળતા તેમ આઈએએસ મયુર દેસાઈને મળતા હતા. આમ કેશુભાઈ પટેલની સરકારના ત્રણ સત્તા કેન્દ્ર હતા, જેમાં નરેન્દ્ર મોદી, ડૉ. પ્રવિણ તોગડિયા અને ડૉ. મયુર દેસાઈ હતા.
આમ આખી ઘટનામાં શંકરસિંહ વાઘેલાની જાણે કોઈ ભૂમિકા જ ના હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. સત્તા મળી હોવાને કારણે સ્વભાવિક રીતે ભાજપના કાર્યકરો પોતાના કામો અને માગણીઓ લઈ બાપુ પાસે આવતા હતા. કાર્યકરોને આ લડાઈને તો ખબર જ ન્હોતી. તેમના માટે તો બાપુ પાર્ટીના સર્વેસર્વા હતા, પણ બાપુ કાર્યકરોને કહી શકતા ન્હોતા કે તેમનું પોતાનું જ સરકારમાં ચાલતુ નથી. બાપુ પોતાના એકપણ માણસને સારી રીતે ગોઠવી શક્યા ન્હોતા. પણ બાપુને લાગી રહ્યું હતું કે હજી તો તેમને પોતાને જ અન્યાય થયો તેમની સાથે બીજા કોઈ નથી. બાપુ પોતાની નજીકના દત્તાજી, નટુમામા, નવીનભાઈ અને ચીમન શુકલ તેમજ પ્રવિણ મણીયાર જેવા મિત્રો પાસે બળાપો કાઢતા હતા, પણ જાહેરમાં તો તેમને મોદી અને કેશુભાઈ પટેલના વખાણ જ કરવા પડતા હતા અને આમ કરતા કરતા છ મહિના થઈ ગયા.
શંકરસિંહ બાપુ બોર્ડ કોર્પોરેશનની રચના થાય તેની રાહ જોઈ રહ્યા હતા. બાપુને અપેક્ષા હતી કે કંઈ નહીં તોય બોર્ડ કોર્પોરેશનના ચેરમેન અને ડિરેક્ટરમાં તો પોતાના સાથીઓને ગોઠવવામાં આવશે. કેશુભાઈ અમેરિકા જવાના હતા તેના એક દિવસ પહેલા તેમણે બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂંક આપવાની જાહેરાત કરી તેમાં તેમના એક પણ ટેકેદાર ન્હોતા. ટેકેદાર ધારાસભ્યો બાપુને મળવા આવ્યા ત્યારે બાપુએ પહેલી વખત કહ્યું કે તમારી જેમ મારી સાથે પણ અન્યાય થઈ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ પોતાની મનમાની કરી રહ્યા છે.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive