હું પ્રશાંત દયાળ:ભાગ-14: પત્રકાર તરીકે નોકરી શરૂ કર્યા પછી પાંચ વર્ષ પછી મને મુંબઈ સમાચાર જેવા મોટા અખબારમાં નોકરી મળી હતી. આ જુદો જ અનુભવ હતો. જેમ આજે પણ ક્રાઈમ સ્ટોરી વંચાય છે તેમ ત્યારે પણ વંચાતી હતી. અમદાવાદમાં મોટા છાપામાં ગુજરાત, સંદેશ અને જનસત્તા હતા. ત્રણે અખબાર ક્રાઈમ સ્ટોરી વિગતે છાપતા હતા. જેના કારણે મારા મનમાં પણ એવી જ છાપ હતી કે ક્રાઈમ સ્ટોરીનું રિપોર્ટીંગ આ પ્રકારે જ કરવુ જોઈએ. ત્યારે કોમ્પ્યુટર આવ્યા ન્હોતા આ વાત છે 1994ની, રિપોર્ટર હાથે જ સ્ટોરી લખતા હતા. મુંબઈ સમાચારની હેડ ઓફિસ મુંબઈમાં હોવાને કારણે જે રિપોર્ટર સ્ટોરી લખે તે ફેક્સ કરવામાં આવતી હતી. મારા ચીફ રિપોર્ટર મંયક વ્યાસ હતા અને એડિટર તરીકે ગીરીશ ત્રિવેદી હતા. તેમના માટે પણ મુંબઈ સમાચારનો માહોલ નવો હતો. અમદાવાદમાં એક બળાત્કારની ઘટના ઘટી. મેં વિગતવાર સ્ટોરી લખી, જે ચેક થયા પછી ફેક્સ થયો. થોડીવારમાં તે ફેક્સ પાછો આવ્યો તેની ઉપર એક નાનકડી નોંધ હતી. મુંબઈ સમાચારના નિવાસી તંત્રી તરીકે મુંબઈમાં ત્યારે જેહાન દારૂવાલા હતા. તેમણે પારસી લઢણમાં એક જ નોંધ મુકી હતી, તેમણે લખ્યુ હતું ‘એવન આપણે બળાત્કારના સમાચાર છાપતા નથી, બળાત્કાર કેવી રીતે કરવો તે હિન્દી ફિલ્મીવાળા શીખવાડે જ છે માટે આપણા આવા સમાચાર લેતા નથી જે યાદ રહે.’ મને બહુ આશ્ચર્ય થયુ કે કોઈ અખબાર કેવી રીતે બળાત્કારના સમાચાર નહીં લેવાનો નિર્ણય કરે પણ આવા ઉંચા ધોરણો મુંબઈ સમાચારના હતા. આવુ માત્ર સમાચારમાં જ હતું તેવુ નહીં, મુંબઈ સમાચાર દરેક બાબતમાં તેના ધોરણો રાખતુ હતું. અખબારની મુખ્ય આવક જાહેરખબર હોય છે, તે જમાનામાં પાના ભરી ભરી સીગરેટ, બીડી અને તંબાકુ ગટખાની જાહેરખબર આપતી હતી. સુપ્રીમ કોર્ટે બે ત્રણ દાયકા પછી તંબાકુ સીગરેટની જાહેરખબર છાપવા અને બતાવડા ઉપર પ્રતિબંધ મુક્યો પણ મુંબઈ સમાચારના શેઠની સ્પષ્ટ સુચના હતી કે નુકશાન જાય તો પણ આપણે તંબાકુની જાહેરખબર છાપીશુ જ નહીં. કોઈ શેઠ જાહેરખબરની આવક પોતાના ધોરણોને કારણે છોડી શકે તેવુ મેં પહેલી વખત જોયુ હતું.

મુંબઈ સમાચારના માલિકને મન તેનો કર્મચારી માત્ર કર્મચારી ન્હોતો. તે પહેલા માણસ અને પછી કર્મચારી હતો. પોતાની કંપનીમાં મુસ્લિમ અને દલિતોને પણ નોકરી મળે તેનું કામા શેઠ ધ્યાન રાખતા હતા. ગુજરાતી અખબારમાં ત્યારે બોનસ મળે તે એક સ્વપ્ન સમાન હતું પણ મુંબઈ સમાચારમાં અમને દર ત્રણ મહિને એક પગાર બોનસ મળતો હતો. શેઠની દલીલ હતી કે હું મારી આવકને કારણે વધુ ઈન્કમટેક્સ ભરુ તેના કરતા મારા કર્મચારીઓને બોનસ રૂપે વધુ પગાર આપુ તો કોઈનું જીવન ધોરણ સુધરશે. દરેક માણસના જીવનમાં જાણે અજાણે કોઈ વ્યક્તિની પોતાનો પ્રભાવ છોડતી હોય છે. ગુજરાતમાં કોઈ ચૂંટણીના પરિણામ આવવાના હતા, ત્યારે ચૂંટણીના પરિણામ ત્રણ-ત્રણ દિવસે આવતા હતા કારણ કે બેલેટની ગણતરી થતી હતી, તેના કારણે અમારે મોડી રાત સુધી કામ કરવાનું હતું. ત્યારે મને યાદ છે કોઈ મહિનાની પાંચ તારીખ હતી, ચીફ રિપોર્ટર મંયક વ્યાસે મને જમવાનું લઈ આવવાનું કહ્યુ હતું. હું જમવાનું લઈ આવ્યો અને બધા સાથે બેસી ઓફિસમાં જમી રહ્યા હતા. મારા સાથી મિત્રોમાં દક્ષેશ પાઠક, ધીમંત પુરોહિત, પ્રવિણ ઘમંડે, સતીષ મોરી, પંકજ દેસાઈ, સ્ટેન્લી જેમ્સ પણ હતા. જમતા જમતા કોઈએ મને કહ્યુ કામાસાહેબની એક્ટિંગ કરને, અને મેં કામા શેઠની મિમિક્રી કરી હતી. બીજા દિવસે હું ઓફિસ આવ્યો ત્યારે મંયક વ્યાસ મારી ઉપર ચીડાયા હતા. મારા મસ્તીખોર સ્વભાવને કારણે તે મને અવારનવાર ટોકતા હતા કે મારે ઓફિસમાં તોફાન મસ્તી કરવી જોઈએ નહીં. તે દિવસ મારી ઉપર ચીડાવાનું કારણ એવુ હતું કે તેમના કહેવા પ્રમાણે હું જ્યારે કામા શેઠની મિમિક્રી કરી રહ્યો હતો ત્યારે કામા શેઠ પોતાની ઓફિસમાં આવ્યા હતા અને તેમણે મારી આખી મિમિક્રી સાંભળી હતી. મને ત્યારે લાગ્યુ કે મંયકભાઈ ખોટુ બોલે છે કારણ ત્યારે પાંચ તારીખ હતી. કામા શેઠ દર મહિનાની સાત તારીખે અમદાવાદ આવતા હતા અને જાતે એક એક કર્મચારીને ચેકમાં પગાર આપતા હતા એટલે પાંચ તારીખે કામા શેઠ ઓફિસમાં આવ્યા હોય તે વાતમાં કોઈ માલ જ ન્હોતો.

સાતમી તારીખ પગારની હતી. કામા શેઠ આવ્યા એટલે હું મારો પગાર લેવા તેમની ચેમ્બરમાં ગયો. તેમણે મને ચેક આપ્યો અને મારી સામે સહીં કરવા રજીસ્ટર મુક્યુ. હું સહી કરવા જઉ તે પહેલા મેં તેમની મિમિક્રી દરમિયાન જે સંવાદો બોલ્યો હતો તે બધા જ સંવાદ તે બોલી ગયા. મારો શ્વાસ થંભી ગયો, મયંક વ્યાસની વાત સાચી નિકળી, મનમાં થયુ કે હવે તો નોકરી ગઈ. આ છેલ્લો પગાર મળી રહ્યો છે. મેં નજર ઉંચી કરી કામા શેઠ સામે જોયુ તેમણે તેમની સ્ટાઈલમાં પુછ્યુ કે એવન તમે મિમિક્રી આર્ટીસ્ટ છો કે રિપોર્ટર.. હું જવાબ આપી શક્યો નહીં, તેમણે પોતાનો ગુસ્સો પણ શાંતીથી વ્યક્ત કરતા કહ્યુ કે રિપોર્ટીંગ કરવા આવો છો કે મિમિક્રી કરવા હું કંઈ જ બોલી શક્યો નહીં, તેમણે પહેલા સહી કરવા ઈશારો કર્યો મેં રજીસ્ટરમાં સહી કરી, પછી તેમણે મારી સામે જોતા કહ્યુ એવન તમને તો કાઢી મુકવા જોઈએ. હું ધ્રુજી ગયો, લાંબા વર્ષો પછી એક સારી નોકરી મળી હતી તે પણ હવે જવાની હતી. તેમણે કહ્યુ પણ હું તમને નહીં કાઢુ.. એકદમ હાશ થઈ, તેમણે કહ્યુ પુછો કેમ નહીં કાઢુ, મેં શ્વાસ ભરી પુછ્યુ કેમ.. કામા શેઠે કહ્યુ મેં જોયુ તમે અને પટાવાળો એક જ થાળીમાં જમતા હતા. તમે રિપોર્ટર હોવા છતાં પટાવાળા સાથે એક જ થાળીમાં જમતા હતા તેનો અર્થ તમે સારા માણસ છો, પણ દર વખતે તમારી અંદર રહેલો સારો માણસ તમારી નોકરી બચાવી શકશે નહીં, જાવ હવે આવુ કંઈ કરતા નહીં.

હું ચેમ્બરની બહાર નિકળ્યો, સમજી શકતો ન્હોતો કે એક માલિક આટલો સરળ અને ઉમદા પણ હોય. હું અને પટાવાળો એક જ થાળીમાં જમ્યા હતા તે વાત મારા માટે બહુ સહજ હતી પણ કામા શેઠ માટે બહુ મહત્વની હતી. મુંબઈ સમાચારમાં નોકરી કરતા ગાર્ડમાં કેટલાક મુસ્લિમ પણ હતા. મુંબઈ સમાચારના પટાવાળા અને ગાર્ડને બોનસ ઉપરાંત દિવાળી અને ઈદમાં પાંચ કિલો ખાંડ, પાંચ કિલો ઘી અને 100 કિલો ઘઉ પણ આપવામાં આવતા હતા. આમ કંપનીનો નાનો માણસ પણ તેમને મન મહત્વનો હતો. મુંબઈ સમાચારનો સ્થાપના દિવસ હોય ત્યારે મુંબઈમાં કામા શેઠ હોટલ તાજમાં પાર્ટી રાખતા હતા, જેમાં મુંબઈમાં કામ કરતા તમામ કર્મચારીઓએ જવાનું હોય. આ પાર્ટીમાં મુંબઈ સમાચારના જનરલ મેનેજર પણ હોય. કામા શેઠ પણ અને પ્રેસમાં કામ કરતો સાવ સામાન્ય ફોરમેન પણ હોય, તેમના માટે જનરલ મેનેજર અને ફોરમેન માણસ તરીકે સરખા હતા, જયારે ભારતમાં કોર્પોરેટ કલ્ચર ન્હોતુ આવ્યુ ત્યારે કામા શેઠે કોઈ પણ કોર્પોરેટ કંપનીને ટક્કર મારે તેવી રીતે અખબાર ચલાવ્યુ હતું. મુંબઈમાં જ્યારે ગુજરાત સમાચારે પોતાની એડિશન શરુ કરી ત્યારે ઘણાએ કામા શેઠને સમજાવ્યા હતા કે હવે નિયમ બદલો નહીંતર મુંબઈ સમાચાર ઠપ્પ થઈ જશે ત્યારે તેમણે કહ્યુ હતું કે હું અખબાર પૈસા કમાવવા માટે ચલાવતો નથી, બંધ થઈ જાય તો ભલે થાય પણ નિયમ બદલાશે નહીં.

(ક્રમશ:)