પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-13): નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયાની યોજના હતી કે કોંગ્રેસને તોડવી હોય તો તેના સૌથી કદાવર નેતા નરહરિ અમીનના વિસ્તારમાં જઈ તેમને પડકારવા જોઈએ. તેના કારણે ધર્મ સભાનું આયોજન અમદાવાદના સરદાર પટેલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જ્યાં નરહરિનું નિવાસ સ્થાન પણ હતું અને સાબરમતી મત વિસ્તાર પણ હતો. પહેલા તો પોલીસ ધર્મસભાને મંજુરી આપવાની ના પાડી દીધી, પણ અનેક ઝઘડાઓ બાદ મંજુરી મળી હતી. આ હિન્દુત્વનો લીટમેસ ટેસ્ટ પણ હતો. ગુજરાતમાં આ પ્રકારની ધર્મસભાઓ પહેલા થઈ ન્હોતી. સભા સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હતી, પણ જેમ જેમ સભા સ્થળે લોકો આવવા લાગ્યા તે જોઈ વિશ્વ હિન્દુ પરિષદને પોરસ ચઢવા લાગ્યું અને કોંગ્રેસના હોશ ઉડી ગયા, ખરેખર પ્રજા પરિષદની ઘર્મસભામાં આવી રહી હતી. તેનું કારણ તેમની અંદર સતત મુસ્લિમ વિરોધી ગુસ્સો વધી રહ્યો હતો અને તે ટોળાનું સ્વરૂપ લઈ રહ્યો હતો.

સભામાં દોઢ લાખ લોકો આવ્યા હતા. સાધવી રૂતંભરા ફાયર બ્રાન્ડ હતા, તેમણે મંચ ઉપર આવતા જયશ્રીરામ કહી સભાની શરૂઆત કરી, તેમને સભામાં ક્યાંય ભાજપને મત આપવાની વાત ન્હોતી કરી, પણ તેમના નિશાન ઉપર કોંગ્રેસને કારણે હિન્દુત્વને થઈ રહેલા નુકસાનને મુદ્દો બનાવવામાં આવ્યો હતો. તેમણે મંચની આસપાસ પોલીસનો કાફલો જોઈ કહ્યું મુલ્લા નરહરિના ઈશારે આટલી પોલીસ ખડકી દેવામાં આવી છે, જો આટલી પોલીસ દાઉદ ઈબ્રાહીમ માટે રાખી હોત તો દાઉદ ભાગી શકયો ના હોત. આમ રૂતંભરાના ભાષણનો અર્થ તેવો નિકળતો હતો કે કોંગ્રેસને કારણે હિન્દુત્વ સામે ખતરો ઊભો થયો છે, તેમણે પોતાના ભાષણમાં તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવથી તમામને ભાંડયા હતા. તેમના એક એક વાકય ઉપર ભીડ ચીચીયારીઓ પાડતી. જય શ્રી રામના નારા લાગતા હતા અને તાળી પડતી હતી. જે તાળી આવનાર દિવસોમાં મતમાં ફેરવવાની હતી. આખા ગુજરાતમાં હિન્દુત્વનું મોજુ ફરી વળવાનું હતું, જેનો સીધો લાભ ભાજપને થવાનો હતો તે લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું.

મુળ અમરેલીના વતની અને ખેડૂત પુત્ર ડૉ. પ્રવિણ તોગડિયા મેડીકલનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યા અને અભ્યાસ પુરો કરી પ્રેકટીસ પણ અમદાવાદમાં શરૂ કરી. આમ તો કેન્સર સર્જન ડૉકટરનું કામ લોકોનું જીવન બચાવવાનું હતું, પણ યુવાની કાળથી સંઘનું શિક્ષણ અને ત્યાર બાદ સંઘની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદનું સુકાન તેમના હાથમાં આવ્યા બાદ, તેમના ભાષણોમાં પણ આગ ઝરતી હતી. ડૉ. તોગડિયાએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પોતાની એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી. જેમાં તેઓ ગરીબ દર્દીઓની મફત પણ સારવાર કરતા હતા. બાપુનગરમાં બહુમતી લોકો સૌરાષ્ટ્રના પટેલો રહે છે. જેના કારણે પહેલા તો તેમની પક્કડ સ્થાનિક લોકોમાં તેમની સેવાને કારણે આવી અને જ્યારથી પરિષદનું કામ તેમણે સંભાળ્યું ત્યાર બાદ યુવાનમાં તેઓ વધુ લોકપ્રિય થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદની સાથે મહિલા માટે દુર્ગાવાહીની અને યુવાનો માટે બજરંગ દળની સ્થાપના પછી ગુજરાતના તમામ ઘર સુધી પરિષદ પરોક્ષ અને પ્રત્યક્ષ સ્વરૂપે પહોંચી ગયું હતું.

હિન્દુઓને હવે પોતાની સલામતી ભાજપ અને પરિષદમાં દેખાઈ રહી હતી. રામજન્મ ભૂમિ આંદોલન પણ ચાલતુ હતું. રામનું મંદિર અયોધ્યામાં ના બને તો ક્યાં કરાંચીમાં બનશે? તેવી દલિલ સાથે લોકો સંમત્ત થવા લાગ્યા હતા. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા કાર સેવા માટે જવા લાગ્યા હતા, વાતાવરણમાં એક પ્રકારનો ગરમાવો આવી ગયો હતો. આખી સ્થિતિમાં કોંગ્રેસ બાપડી બીચ્ચારી બની ગઈ હતી, તે ભાજપના કોઈ પણ આરોપનું ખંડન કરી શક્તા ન્હોતા અને તેમની પાસે પ્રજાને પોતાની વાત સમજાવી શકે તેવા નેતાઓ પણ ન્હોતા. કોંગ્રેસના નેતાઓ બચાવાત્મક ભૂમિકામાં આવી ગયા હતા. ખાસ કરી શહેરી મતદાર તેમના હાથમાંથી નિકળી રહ્યો છે, તેવી તેમને સમજ તો આવી હતી. આખરે ચૂંટણી થઈ, અને પરિણામ આવ્યું જેમાં ભાજપને જંગી બહુમતી મળી હતી. ભાજપ અને પ્રજા બંન્નેમાં ઉત્સનો માહોલ હતો, પણ બાપુ ખુશ ન્હોતો, સત્તા મળ્યા પછી પણ બાગડોર તેમના હાથમાં રહેવાની ન્હોતી, તેની તેમને ખબર હતી.

અગાઉથી નરેન્દ્ર મોદીએ કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે જ થયું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં તેમણે પોતાના નેતા તરીકે કેશુભાઈ પટેલને ચૂંટયા હતા. તેનો અર્થ સાફ હતો કે હવે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થવાના છે. આખા સમારંભમાં શંકરસિંહની સ્થિતિ પરાણે હસતા છોકરીના બાપા જેવી હતી. છોકરી હવે કહ્યામાં નથી, તેવું કહેવાની તેમનામાં હિંમત ન્હોતી. મુખ્યમંત્રીની શપથવિધી પહેલા મંત્રી મંડળના સભ્યો પસંદ કરવામાં પણ બાપુનો એકડો કાઢી નાખવામાં આવ્યો હતો. મંત્રીમંડળમાં કોને લેવા તેનો નિર્ણય નરેન્દ્ર મોદી અને અને પ્રવિણ તોગડિયા કરવાના હતા. જેમાં વફાદારી તો પ્રાથમિકતા હતી, પણ હિન્દુત્વના મુદ્દે આકરા હોય તેની પહેલી પસંદગી કરવામાં આવતી હતી. શંકરસિંહના માણસોની બાદબાકી કરી મંત્રીમંડળમાં નક્કી થઈ ગયું અને પહેલી વખત ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં એક કહેવાતી હિન્દુ સરકારનું ગઠન થયું હતું. હવે નરેન્દ્ર મોદીની ભૂમિકા વધારે મહત્વની બની રહી હતી.

કેશુભાઈ પટેલના કાર્યાલયથી લઈ મંત્રીમંડળના સભ્યોના અંગત સચિવ પણ કોણ હશે, તે પણ નરેન્દ્ર મોદી નક્કી કરતા હતા, સંઘની વિચાર ધારા અને મંત્રીઓના કામકાજની માહિતી પોતાને પહોંચાડી શકે, તેવા અંગત સચિવોને મંત્રીઓ સાથે મુકવામાં આવ્યા હતા. આમ નરેન્દ્ર મોદી સરકારનો હિસ્સો ન્હોતા છતાં, સત્તાનું રીમોટ તેમના હાથમાં હતું. આ મુદ્દે પણ બાપુને કોઈ કશું જ પુછતું ન્હોતું, સત્તા આવ્યા પછી ચારે તરફ નરેન્દ્ર મોદીના નારા તેમના સમર્થકો લગાડતા હતા અને જેમને કઈક મેળવવાની ઈચ્છા છે, તેવા લોકો નરેન્દ્ર મોદીની નજરમાં આવવા માટે પ્રયત્ન કરતા હતા કારણ સરકાર તો નરેન્દ્ર મોદી જ ચલાવતા હતા.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive