પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-12): નરેન્દ્ર મોદીને ટિકિટ વહેંચણીમાં પણ અંદાજ આવી ગયો હતો કે બાપુ મુખ્યમંત્રી થવા માટે કોઈક રમત રમશે ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સહિત તમામ ટોચના નેતાઓને પાક્કી ખબર હતી કે ગુજરાતની પ્રજા કોંગ્રેસના શાસનથી ત્રાસી ગઈ છે અને જે રીતે પ્રચાર દરમિયાન ફિડબેક મળી રહ્યો હતો તે પ્રમાણે હવે સત્તા સાથે બેસવાના દિવસો દુર નથી. સત્તા નજીકમાં આવી રહી હતી, પણ નરેન્દ્ર મોદીની ચિંતા વધી રહી હતી. તેમને ખબર હતી કે સત્તા આવતા પહેલા જો તે બાપુને મુખ્યપ્રધાનની ખુરશી તરફ જતા નહીં રોકી શકે તો પછી મોડું થઈ જશે, કોઈ પણ કિંમતે બાપુને રોકવા જરૂરી હતા, બાપુનો પ્લાન સમજ્યા વગર તેમની યોજનાને ઉંઘીવાળી દેવાની હતી. નરેન્દ્ર મોદીએ ભાજપ હાઈકમાન્ડને મળી એક જાહેરાત કરાવી દીધી, જાહેરાત સાંભળતા જ બાપુ છક્કડ ખાઈ ગયા, તેમના પ્લાન ઉપર કોઈ બોમ્બ પડયો હોય તેવી સ્થિતિ તેમની થઈ હતી, તેમને લાગ્યું કે તેમની તમામ મહેનત ઉપર મોદીએ પાણી ફેરવી દીધું, પણ ત્યારે શાંત બેસવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો.


 

 

 

 

 

બાપુએ ટિકિટ વહેંચણીમાં પોતે જ ટિકિટ આપવી છે તેવા દાવો કરી અને ઉમેદવારોને પૈસા મોકલી 80 જેટલા ઉમેદવાર પોતાની તરફ કરી લીધા હતા, બાપુનો પ્લાન હતો કે સત્તા આવે પછી તેમના તરફ ધારાસભ્યો બાપુ જ અમારા નેતા અને તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવી માગણી મુકવાનો વિચાર હતો, પણ હાઈકમાન્ડની જાહેરાતે સ્પષ્ટ કર્યું હતું કે મુખ્યપ્રધાનની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ થશે, જે ધારાસભ્ય થશે તે પૈકી જ મુખ્યપ્રધાન થઈ શકે તેવો નિયમ પાર્ટીએ રજુ કરતા બાપુ મુંઝાઈ ગયા, કારણ તેઓ તો સંસદ સભ્ય હતા, આમ મુખ્યપ્રધાન કોણ થશે તેની ચર્ચામાં બાપુના નામ ઉપર પહેલાથી ચોકડી મારી દેવામાં આવી હતી. જે પક્ષ માટે પોતે આખી જીંદગી મહેનત કરી તેને હવે સત્તા મળશે, પણ તે સત્તાના ભાગીદાર થઈ શકશે નહીં તેનો વસવસો બાપુને કોરી ખાતો હતો, પણ બાપુ પણ આટલી જલદી હાર માને તેમ ન્હોતા. તેઓ પણ અન્ય રસ્તાઓ શોધી રહ્યા હતા.

ભાજપને સત્તા મળી રહેવાનો જે અંદેશો હતો, તેના ઘણા કારણો હતા. જેમાં બાબરી મસ્જીદ ઘ્વંસ થવાની ઘટના બાદ રામજન્મભૂમિથી આંદોલનની શરૂઆત થઈ હતી. તેમાં ગુજરાતમાંથી બહુ મોટી સંખ્યામાં હિન્દુઓ અયોધ્યા જઈ રહ્યા હતા. ગુજરાતમાં થતાં સતત કોમી તોફાનો અને ડૉન લતીફના વધી રહેલા ત્રાસને કારણે પ્રજા ત્રસ્ત હતી. પ્રજાના મનમાં ઉંડે ઉંડે એવી લાગણી હતી કે આ બધા માટે કોંગ્રેસ જ જવાદાર છે. 1993માં અમદાવાદની એલિસબ્રીજ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ખરા અર્થે લોકસેવક એવા બાબુભાઈ વાસણવાળાના અવસાન પછી પેટા ચૂંટણી આવી હતી, ભાજપ તરફથી હરેન પંડયાને ઊભા રાખવામાં આવ્યા હતા, મુખ્યપ્રધાન પદે ચીમનભાઈ પટેલ હતા. તેના કારણે આખી મશીનરી તેમની સેવામાં હાજર હતી. ચીમનભાઈ પટેલે પોતાના મિત્ર લાલચંદ દેવચંદ શાહને ટિકિટ આપી હતી. જેના કારણે રોજ રાતે ચીમનભાઈ પટેલ ખુદ એલીસબ્રીજ કાર્યાલયમાં આવી બેસતા હતા. તંત્રનો દુરઉપયોગ કેવી રીતે કરી શકાય તેમાં ચીમનભાઈ માહિર હતા.


 

 

 

 

 

આ સ્થિતિમાં ભાજપ પાસે ત્યારે કઈ જ ન્હોતુ, અમદાવાદના મેયર બંગલે બેસી નરેન્દ્ર મોદી આ પેટા ચૂંટણીનું સંચાલન કરતા કરતા હતા. તેમણે એક જ ટીપ્સ હરેન પંડયાને આપી હતી, ત્યારે હરેન અને મોદી વચ્ચે ખુબ નીકટતા હતી, હરેન પંડયા પ્રચારમાં જાય ત્યારે મને અથવા ભાજપને મત આપશો તેવી વિનંતી કરવાને બદલે લતીફને ભુલશો નહીં તેવું જ કહેતા હતા. લોકોના માનસમાં આ વાત બરાબર બેસી ગઈ કે લતીફ એટલે કોંગ્રેસ, લતીફને ખતમ કરવો હોય તો તો કોંગ્રેસને કાઢવી પડશે. ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું ત્યારે હરેન પંડયા લાલચંદને હરાવી 48 હજારની જંગી લીડથી ચૂંટણી જીતી ગયા હતા. નરેન્દ્ર મોદીનો આ પહેલો પ્રયોગ હતો, તેમાં તેમને ધાર્યા કરતા પણ વધુ સારી સફળતા મળી હતી. હવે 1995ની ચૂંટણીમાં આ સફળ થાય તેવા વધુ પ્રયોગો કરવાના હતા. જો કે મોદીને ખબર હતી કે પહેલા કરતા સ્થિતિ વધુ સારી થઈ છે, કારણ ભાજપની ટક્કર જીલી શકે તેવા ચીમનભાઈ પટેલનું અવસાન થતાં તેઓ મુખ્ય પ્રધાન થયા હતા.

આમ તો 1990માં કોંગ્રેસ સત્તાની બહાર જતી રહી હતી, પણ ચીમનભાઈ પટેલની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચી લીધા બાદ, ચીમનભાઈની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો હતો અને કોંગ્રેસ ભાગીદારીની સરકારમાં ફરી સામેલ થઈ હતી, ત્યાર બાદ ચીમનભાઈ પટેલના નિધન બાદ જનતાદલ ગુજરાતનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ ગયું હતું, આમ જનતાદલ અને કોંગ્રેસની સંયુક્ત તાકાત હતી. કોંગ્રેસમાં ભાજપને ટક્કર આપી શકે તેવું નામ માત્ર નરહરિ અમીન હતું. તેઓ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. ભાજપનો મુખ્ય મુદ્દો હિન્દુત્વ હતો, પણ હજી ભાજપે જાહેરમાં પોતાના હિન્દુત્વના એજન્ડાની જાહેરાત કરી ન્હોતી, ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ પણ પક્ષ ઘર્મના નામે મત માગી શકે તેમ ન્હોતો, પણ ભાજપ પાસે તેની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ હતી. તેઓ ભાજપને મત આપો તેવું કહેતા ન્હોતા, પણ હિન્દુત્વનો માહોલને ઊભો કરવામાં પરિષદની ભૂમિકા મહત્વની હતી. ચૂંટણી પંચ અને કોંગ્રેસની આંખમાં  ઘૂળ નાખી ભાજપનો પ્રચાર કરવાનો એક તખ્તો તૈયાર હતો. જેની કોઈની ગંધ સુધ્ધા આવી નહીં.


 

 

 

 

 

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પહેલા તો કોંગ્રેસે ધર્મ સભાની મંજુરી આપવાની ના પાડી, પણ ફરી તેમાં પણ ભાજપને ફાયદો થઈ રહ્યો છે તેવું કોંગ્રસની સરકારને ખ્યાલ આવ્યો. હિન્દુઓને પોતાના જ દેશમાં સભા કરવાની મંજુરી મળતી નથી તેવા આરોપ થવાના શરૂ થયા, કોંગ્રેસ બેક ફુટ ઉપર આવી ગઈ અને પોલીસ દ્વારા ધર્મ સભાને મંજુરીઓ મળવા લાગી. ધર્મ સભા એક બહાનુ હતું. ધર્મ સભા કે પરિષદ દ્વારા કયાંય ભાજપ પોતાનો પ્રચાર કરતી ન્હોતી, પણ તે સભામાં હિન્દુઓની વર્તમાન સ્થિતિ માટે કોંગ્રેસને જરૂર જવાબદાર ગણવામાં આવી રહી હતી. ધર્મ સભા માટે હિન્દુઓના ફાયર બ્રાન્ડ સાધુ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અને સાધવી રૂતંભરાને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક સાધુ સંતો આ સભાઓમાં આવવા લાગ્યા હતા. મોદીને ખબર હતી કે કોંગ્રેસની સેનામાં ડર ઊભો કરવો હોય તો તેમના ગઢમાં ફફડાટ ઊભો કરવો પડે. કોંગ્રેસમાં ત્યારે તમામ રીતે સક્ષમ નેતા હોય તો તે નરહરિ અમીન હતા, નરહરિ અમીનના વિસ્તાર અમદાવાદમાં જ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં