હું પ્રશાંત દયાળ: ભાગ-12: હું બીજા દિવસે સવારે ઉઠ્યો, મારૂ ધ્યાન પીતાંબર પહેરી પુજા કરી રહેલા મારા પિતા તરફ ગયુ. મને બહુ ખરાબ લાગ્યુ, મને વિચાર આવ્યો જયારે તેમને ખબર પડશે કે મેં દારૂ પીધો છે ત્યારે તેમને કેટલુ ખરાબ લાગશે, પણ મેં મનમાં નક્કી કર્યુ હતુ કે જ્યારે વખત આવશે હું તેમને સાચી વાત કરી દઈશ, હું તેમનાથી કંઈ છુપાવીશ નહીં.  પછી મારે શહેરની દરિયાપુર અને શાહપુર જેવા વિસ્તારમાં જવાની શરૂઆત થઈ હતી. આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હતા. સમભાવમાં લગભગ આઠ મહિના મફત નોકરી કર્યા પછી મેં એક દિવસ ભુપતભાઈ મારા માલિક કમ તંત્રીને મારા પગાર અંગે વાત કરી. તેઓ બહુ ભલા હતા, તેમણે કહ્યુ સારૂ તારો પગાર શરૂ કરીએ. પાંચસો રૂપિયા આપીશ. હું ખુશ થયો. જો કે મારૂ નામ સમભાવના કોઈ રજીસ્ટરમાં ન્હોતુ. દર મહિને ભુપતભાઈ પોતાના ખીસ્સામાંથી પાંચસો રૂપિયા આપતા હતા. કોઈક મહિને થોડા ઓછા હોય તો મારે તેનાથી ચલાવી લેવુ પડતુ હતું. હું ધોરણમાં આઠ નાપાસ થયો અને પછી મેં ગેરેજમાં નોકરી શરૂ કરી ત્યાંરથી મેં ઘરેથી પોતાનો હાથ ખર્ચ લેવાનું બંધ કર્યુ હતું અને હવે તો નોકરી હતી, પણ પહેલા પગાર ન્હોતો અને શરૂ થયો ત્યારે પાંચસો જ હતો. જેમાં મારો ખર્ચ પણ નિકળે તેમ ન્હોતો. આ વખતે જ મારા ફ્લેટમાં રહેલા મારા પપ્પાના મિત્ર અને પડોશી મગનભાઈ પરમાર જેમને અમે મગનકાકા કહેતા હતા તેઓ હોમગાર્ડમાં ડિવિઝન કમાન્ડર હતા. તેમણે મને એક દિવસ પુછ્યુ કે હોમગાર્ડમાં ભરતી થવુ છે? મેં પુછ્યુ પૈસા મળશે? તેમણે કહ્યુ રોજ નાઈટ કરવી પડશે અને રોજના 22 રૂપિયા પગાર મળશે એટલે કે મહિના 660 રૂપિયા. મેં હા પાડી કારણ મારા પત્રકારના પગાર કરતા તે વધારે હતા. હું ભરતી થયો અને ત્રણ મહિના તાલીમ લીધી અને હું હોમગાર્ડ બની ગયો. મારે કરવુ હતું તો પત્રકારત્વ પણ પૈસાના આભાવે હું તુટી જઉ નહીં માટે મેં હોમગાર્ડની નોકરી સ્વીકારી. દિવસે હું પત્રકાર તરીકે કામ કરતો અને રાત્રે પ્રેસમાંથી નિકળી હોમગાર્ડની નાઈટ ડ્યુટી કરતો હતો. આખો દિવસ પત્રકારની ભાગદોડ ભરેલી નોકરી કર્યા પછી હોમગાર્ડની નાઈટ ડ્યુટી કરવામાં ખુબ તકલીફ પડતી હતી. ખાસ કરી શિયાળામાં ખુલ્લામાં કાતીલ ઠંડી લાગતી હતી. જ્યારે ચોમાસામાં કોઈ દુકાનના શેડ નીચે વરસાદથી બચવા આખી રાત ઉભા રહેવુ પડતુ હતું, પણ સમભાવ અને હોમગાર્ડનો પગાર ભેગો કરો તેમાં મારૂ પત્રકારત્વ સારી રીતે ચાલી જતુ હતું.

દિવસે પત્રકાર અને રાત્રે હોમગાર્ડ આ વાત ઘણાને હજમ થતી ન્હોતી, તે જમાનામાં લોકો હોમગાર્ડને માનની નજરથી જોતા ન્હોતા પણ મારા માટે તે મજબુરી હતી. કોઈની પાસે ખાસ કરી મારા માતા પિતા પાસે પૈસા માટે હાથ લાંબો કરવા કરતા બે નોકરી કરવી મને પરવડતી હતી અને તેમા પડતી તકલીફ મનેં મંજુર હતી. પત્રકારત્વમાં મને મઝા આવી રહી હતી તેના કારણે કદાચ મારી તકલીફો તરફ મારૂ ધ્યાન જતુ ન્હોતુ. મારા સિનિયર પત્રકારો જેમની સાથે હું પરિચયમાં આવ્યો તેવા નરેન્દ્ર શર્મા અને પદ્મકાંત ત્રિવેદીને લગભગ રોજ મળવાનું થતુ હતું. મને ત્યારે થતુ કે હું તેમના જેવો પત્રકાર ક્યારે થઈશ? આ દરમિયાન ગુજરાત સમચારમાં સિનિયર પત્રકાર દેવેન્દ્ર પટેલની એક સ્ટોરી છપાઈ હતી. ઘટના કંઈક આ પ્રમાણેની હતી. અમદાવાદ ઈન્કમટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા એક સિનિયર અધિકારીને ત્યાં સીબીઆઈની રેડ પડી હતી. આ રેડ વખતે સીબીઆઈને એક કેસેટ હાથ લાગી હતી, તે જમાનામાં સીડી ન્હોતી વીસીઆર ઉપર જોઈ શકાય તેવી વિડીયો કેસેટ આવતી હતી. આ કેસેટમાં ઈન્કમટેક્સના અધિકારી અને ટેલીકોમના મહિલા અધિકારીની અંગતપળો હતી. આ કેસેટ ખુદ આ ઈન્કમટેક્સ અધિકારીએ જ બનાવી હતી પણ રેડ દરમિયાન સીબીઆઈને હાથ લાગી હતી. જો કે ત્યાર બાદ કેસેટ ક્યાંકથી લીક થઈ અને તે સંદર્ભની સ્ટોરી પ્રસિધ્ધ થઈ હતી. તે જમાનામાં આ સ્ટોરીની ખુબ ચર્ચામાં હતી. હું સિનિયર પત્રકારો ચર્ચા કરતા હતા તેમની વાત ધ્યાનથી સાંભળતો હતો, તેમણે આ કેસેટ જોઈ હતી. તેમના કહેવા પ્રમાણે કેસેટના દ્રશ્ય લગભગ બ્લ્યુ ફિલ્મને મળતા આવતા હતા. મને તેમાં શુ હશે તેનું બહુ કુતુહલ થતુ હતું. એક રાત્રે લગભગ પ્રેસનું કામ પુરૂ થવા આવ્યુ ત્યારે મારા સિનિયર પદ્મકાંત ત્રિવેદીએ કહ્યુ આજે હું વીસીઆર ભાડે લાવ્યો છું, મારી પાસે ઈન્કમટેક્સવાળાની કેસેટ પણ આવી છે, તમારે જોવી છે? ત્યારે મારી સાથે મારો સાથી પત્રકાર અને મારો સમવયસ્ક કેતન ત્રિવેદી પણ હતો, તેનું અંગ્રેજી સારૂ હોવાને કારણે તે UNIમાં નોકરી કરતો હતો.

મેં અને કેતન ત્રિવેદીએ કેસેટ જોવાની હા પાડી. તે રાતે અમે કામ પતાવી પદ્મકાંત ત્રિવેદીના ઘરે વેજલપુર ગયા. તેમનો પરિવાર બહાર ગયો, અમે તે કેસેટ જોવાની શરૂઆત કરી, ફિલ્મ અશ્લીલ હતી પણ મારી ઉંમરને કારણે કોઈ રોમાંચ થવાને બદલે તેમા ધૃણા થાય તેવા દશ્યો હતા, કારણ ઈન્કમટેક્સ અધિકારી પેલા મહિલા અધિકારી સાથે અંગતપળો માણી રહ્યા હતા ત્યારે તે મહિલા અધિકારીની નાની દીકરી ખુબ રડી રહી હતી પણ આ યુગલ દીકરીને શાંત રાખવાને બદલે તેમની મઝામાં મશગુલ હતા. આ મે મારા  જીવનમાં જોયેલી પહેલી અશ્લીલ ફિલ્મ હતી. મન બેચેન થઈ ગયુ હતું, કંઈ જ સુઝતુ ન્હોતુ. ફિલ્મ પુરી થયા પછી વહેલી પરોઢે હું અને કેતન વીએસ હોસ્પિટલ ચ્હા પીવા આવ્યા. અમારા બંન્નેના મનની સ્થિતિ સરખી હતી.

હું સવારે ઘરે પહોંચ્યો ત્યારે સવારના છ વાગી ગયા હતા,. હું પત્રકાર તરીકે નોકરીએ લાગ્યો ત્યાર બાદ આ પહેલી રાત હતી જે હું ઘરે આવ્યો ન્હોતો. મારા માતા-પિતા રોજ રાત્રે વહેલા સુઈ જતા અને સવારે વહેલા ઉઠી જતા હતા. હું ઘરે પહોંચ્યો ત્યારે તેઓ ઉઠી ગયા હતા અને ચ્હા પી રહ્યા હતા. તેમને મારી રાતભર ચિંતા થઈ હતી પણ ત્યારે મોબાઈલ ફોનનો યુગ આવ્યો ન્હોતો. મને શોધે પણ ક્યા? મને જોતા મારા પપ્પાએ મને પુછ્યુ રાતભર ક્યા હતો? હું મુંઝાઈ ગયો, રાત્રે હું કેમ બહાર ગયો હતો તેનું કારણ તેમને આપુ તો આઘાત લાગે તેમ હતો અને હું તેમની સાથે જુઠ્ઠુ બોલવા માગતો ન્હોતો., મેં તેમને પુછ્યુ સાચુ કહુ કે ખોટુ.. તેમણે ચ્હા પીતા પીતા જ જવાબ આપ્યો, સાચુ જ કહીશ. મેં કહ્યુ સાચુ બહુ કડવુ છે, તેમણે કહ્યુ તો પણ તારે સાચુ જ બોલવાનું છે. મેં કહ્યુ એક અશ્લીલ ફિલ્મ જોવા ગયો હતો. મારૂ વાક્ય પુરૂ થતાં તેમના હાથમાં રહેલો ચ્હાનો કપ ટેબલ ઉપર મુકાઈ ગયો, તેઓ મારી સામે જોવા લાગ્યા. મારી નજર નીચી થઈ ગઈ. ક્ષણની શાંતિ પછી મારા પપ્પાએ પુછ્યુ કેમ તારે અશ્લીલ ફિલ્મ જેવી પડી? મે નીચી નજર રાખીને જ કહ્યુ મનમાં એક કુતુહલ હતુ કે તેમા ખરેખર શુ હોય છે. તેમણે એટલી ઠંડકથી પ્રશ્ન પુછ્યો તો ફિલ્મ જોયા પછી શુ લાગ્યુ? મેં કહ્યુ હવે મારે આવી ફિલ્મ જોવાની જરૂર નહીં પડે. આમ મારે સાચુ જ બોલવુ જોઈએ તેની સમજ અને સાચુ બોલવાની હિમંત કદાચ મને મારા માતા-પિતાના વ્યવહારને કારણે મળી હશે તેવુ લાગી રહ્યુ છે.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો